ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ દેશ એક-કાર્ડ અનેક ને કડાકૂટ તો એથીય વિશેષ!

જયવંત પંડ્યા

હાલમાં ‘મતદાર સુધારણા પ્રક્રિયા’ (SIR) ચાલી રહી છે. તેમાં ઘણાને અપાર મુશ્કેલીઓ પડી રહી છે. કોઈની પાસે મતદાર કાર્ડ નહોતું તો કોઈની પાસે પિયરનું નામ હતું. કોઈને શાળામાં કઢાવાયેલું આધાર કાર્ડમાં નામ જુદું હતું અને મતદાર કાર્ડમાં જુદું. આ તો મતદાર કાર્ડની વાત છે, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય (વિશેષ તો પતિ) અને તેના નામે એફડી, પોસ્ટમાં ટીડી વગેરે હોય ત્યારે તેને મેળવતા પત્ની અને બાળકોને બહુ હેરાનગતિ થાય છે.

વ્યક્તિ આધાર કાર્ડ કઢાવે છે ત્યારે તેમાં નામ અલગ હોઈ શકે. તે વખતે માનો કે તેણે ન્યૂમરોલોજી પ્રમાણે સ્પેલિંગ બદલી નાખ્યો તો નામ અલગ આવશે. પાન કાર્ડ અગાઉ કઢાવ્યું હતું તો તેમાં જૂનો સ્પેલિંગ હશે. વળી, આ કાર્ડ છાપીને આપનારા કર્મચારીઓ સ્પેલિંગની ભૂલ કરી શકે છે.

વગર ઑપરેશને ભાઈને બહેન અને બહેનને ભાઈ બનાવવાની તેમનામાં ક્ષમતા છે એટલે જ્યારે આ બધાં કાર્ડ આવે ત્યારે નાગરિકનું કર્તવ્ય બને છે કે તેણે આ કાર્ડમાં સ્પેલિંગની ભૂલથી લઈને બધું જ તપાસી-ચકાશી લેવું જોઈએ, જેથી છેલ્લી ઘડીએ દોડાદોડી ન થાય આ પ્રકારની કડાકૂટમાંથી ઉગારવા નવરાશના સમયમાં આટલાં કામ આપણે અવશ્ય કરી લેવા જોઈએ, જેમકે આધાર કાર્ડ-પાન કાર્ડ અને બેન્ક ખાતું, ત્રણેયમાં એક સરખાં નામ અને વિશેષ તો સમાન સ્પેલિંગ હોવા જોઈએ.

આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ આ ચિંતા વાજબી છે- વિચારવા જેવી છે…

આપણને એકસરખાં લાગે પણ ઘણી વાર Sanjay K Soni એક જગ્યાએ હોય અને બીજી જગ્યાએ Sanjay Kumar K Soni હોય તો નહીં ચાલે. Sanjay K Sony પણ નહીં ચાલે.Sanjay Soni પણ નહીં ચાલે. ઘણી સ્ત્રી નોકરીમાં પિયરનું નામ લખાવે છે ને લગ્ન કરે છે પછી પતિની સંપત્તિ પોતાના નામે કરાવવામાં તકલીફ પડે ત્યારે એફિડેવિટ કરાવવી પડે છે. મેરેજ સર્ટિફિકેટ ન કઢાવ્યું હોય તો કંકોત્રી પરથી તાત્કાલિક કઢાવી લો અને તેને હાથ વગું રાખો. જન્મ પ્રમાણપત્ર, મરણ પ્રમાણપત્ર, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ઈત્યાદિ, આ બધું જીવનમાં ખૂબ ઉપયોગી છે.

આ જ રીતે તમારો જોબ એપોઇન્ટમેન્ટ લેટર, પગારની સ્લિપ પણ એક ફાઇલમાં સાચવીને રાખો. ઘરના દસ્તાવેજ- એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફીકેટ-નામ ટ્રાન્સફર કરાવ્યું હોય તો તે.

આપણે ત્યાં કહેવત છે કે કાગળિયાં કામ પાકું કરવું. ખરેખર તો આપણે કાગળ વાંચતા જ નથી. ફ્લેટનું રિ-ડેવલપમેન્ટ હોય તો પ્રસ્તાવ કરનાર બિલ્ડર મૌખિક શું કહે છે તેની વાતમાં આવી જઈએ છીએ, પરંતુ તે લેખિતમાં શું પ્રસ્તાવ મૂકે છે અને તેની પાસેથી લેખિતમાં શું પ્રસ્તાવમાં હોવું જોઈએ તે જાણવાની સાવધાની જ નથી રાખતા. માનો કે તે લખી દે કે ભૂકંપ વગેરે કુદરતી હોનારતમાં નવાં નિર્માણમાં વિલંબ થાય તો ભાડું નહીં આપે.

આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ અમારી પાસે ફાલતુ ટાઈમ નથી…

અહીં વગેરે કહીને તેણે પોતાની જાતને ભાડું આપવાથી છૂટી કરી લીધી. વળી, જો કોઈ રહેવાસીને તેને મળવા પાત્રથી વધુ જગ્યાવાળા ફ્લેટ નવ નિર્માણ પછી જોઈતા હોય તો તે પહેલાં જ ભાવના તફાવતવાળો પોસ્ટ ડેટેડ ચેક પહેલાં માગી લેશે ત્યારે કોઈ પૂછતું નથી કે ગિફ્ટ મની તો છેલ્લે આપે છો અને ચેક પહેલાં કેમ માગે છે? અને અમે તો તમારાથી બંધાયેલા છીએ. તું નવ નિર્માણ પૂરું કરીશ પછી જ અમને મળવાનું છે. એટલે ત્યારે ચેક માગજે ને ભાઈ. તેં ગિફ્ટ મની તો લટકાવેલી છે જ ને.

આવું ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લેતી વખતે પણ થાય છે. એજન્ટ મૌખિક સમજાવે તે જ સમજીએ છીએ. ખરેખર શરત શું છે તે નથી સમજતા.

હવે વાત કરીએ તંત્રની વિસેંગતતાની. આમ તો સ્ત્રી તરફી ઘણી વાત થાય છે, પરંતુ સ્ત્રીને સરકારી તંત્રમાં પડતી મુશ્કેલીની કોઈ વાત નથી કરતું. સ્ત્રીનું પિયરમાં અલગ નામ હોય અને લગ્ન પછી અલગ. અથવા નોકરીમાં પિયરનું નામ ચાલતું હોય તો તેણે લગ્ન કર્યા હોવાં છતાં તેને પતિના વારસામાં અધિકાર માગવા માટે એફિડેવિટ વગેરે કરાવવી પડે છે. તેના માટે ટ્રેઝરી ઑફિસ, બેન્ક વગેરેમાં હેરાનગતિ થાય છે. હવે તો ફોટા સાથે બધાં કાર્ડ હોય છે. બાયોમેટ્રિક્સ પણ છે. તો પછી નામ અલગ હોય તેમ છતા ય આવી હેરાનગતિ કેમ?

આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુઃ આ ત્રણ મહિલાએ સ્ત્રી સશક્તીકરણનો નવો પર્યાય શી રીતે આપ્યો?

બીજું બાજુ સંતાનોને પણ આ જ સમસ્યા નડે છે. સંતાન અલગ-અલગ જગ્યાએ રહેતાં હોય તો તેમને બધાં કામ પડતાં મૂકીને જે-તે શહેરમાં આવવું પડે. તેમાંય કર્મચારીઓ કાં લાંચ વગર કામ ન કરે અથવા તો દસ્તાવેજ માગીને માગીને કે ભૂલ કાઢીને વિલંબ કરાવે અથવા ધક્કા ખવડાવે.

એક બહેનને તેમના પતિનાં મૃત્યુ પછી એફડી પોતાના નામે કરાવવાની હતી. પતિએ નોમિનેશન કરેલું, પરંતુ બેન્કના અધિકારીએ કહી દીધું કે નોમિનેશન નથી અને જૂના દસ્તાવેજ મળતા નથી. આખી પ્રક્રિયા નવેસરથી કરાવવી પડી.

વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારી માટે મોદી સરકારે ગેઝેટેડ ઑફિસરની સહી કઢાવી નાખી છે. અભ્યર્થીની પોતાની સહી ચાલે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે આપણે આપણા નાગરિકમાં વિશ્વાસ ન રાખી શકીએ? તો આ જ બાબત ઉપરોક્ત કાર્ડ અને વારસો પોતાના નામે કરાવતી વખતે લાગુ ન કરવી જોઈએ?

આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર આઈડી કાર્ડ દરેકમાં ફોર્મ ભરવામાં પણ અલગ-અલગ ખાનાં હોય છે, જેમકે આધાર કાર્ડમાં નામ, પિતાનું નામ અને કુલનામ (અટક)નાં ખાનાં છે. તેથી કાર્ડમાં આખું નામ આવે છે, પરંતુ મતદાર કાર્ડમાં નામ અને અટક જ આવી શકે છે.

આ પણ વાંચો: સિક્કાની ત્રીજી બાજુ: એક લેખિકાને દોઢ વર્ષ પુરુષ તરીકે કેવો અનુભવ થયો?

પિતાના નામનું ખાનું જ નથી! આથી બંનેમાં વિસંગતતા આવવાની જ છે. આધાર કાર્ડ શાળામાંથી નીકળે તો કુલ નામ (અટક), પછી વ્યક્તિનું નામ અને પછી પિતાનું નામ લખે છે.

શાળા પહેલાં વિદ્યાર્થીનું નામ આવે, પછી પિતાનું ને પછી કુલ નામ. આવી બધી વિસંગતા દૂર કરવા તો બધા કાર્ડ માટેના ફોર્મમાં એકરૂપતા લાવવી જોઈએ. અને ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’, ‘એક દેશ એક રેશન કાર્ડ’ની જેમ ‘એક દેશ એક (ઓળખ) કાર્ડ’ લાગુ કરવું જોઈએ. આધાર, પાન, મતદાર, ડ્રાઇવિંગ લાઇસન્સ, સ્કૂલ લિવિંગ, મેરેજ સર્ટિ.. આ બધાની વિગતો એક જ કાર્ડમાં કેમ ન આવી શકે?

આ કામગીરી અઘરી જરૂર છે, પણ અશક્ય તો નથી જ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button