સિક્કાની ત્રીજી બાજુઃ એક સમયે સિક્કાનાય સિક્કા પડતા હતા!

જયવંત પંડ્યા
અગિયાર વર્ષ પહેલાંની વાત છે. સાત ડિસેમ્બર 2014 એ મુંબઈ સમાચાર’માં આ લેખકની સિક્કાની બીજી બાજુ’ કોલમ શરૂ થઈ હતી અને આજે ત્રણ સપ્ટેમ્બરે સિક્કાની ત્રીજી બાજુ’ કોલમથી પુનરાગમન થઈ રહ્યું છે. કદાચ, આ પહેલો એવો કિસ્સો હશે કે કોલમની સિક્વન્સ (કે આજની ફિલ્મી ભાષામાં ‘સિક્વલ’! ) આવી હોય: પહેલાં સિક્કાની બીજી બાજુ’ અને હવે ત્રીજી બાજુ’.! આ નામકરણનો શ્રેય અલબત્ત, મુંબઈ સમાચાર’ના તંત્રી વિભાગને જાય છે.!
હવે અહીં પ્રશ્ન એ જાગે કે સિક્કાની ત્રીજી બાજુ પણ હોઈ શકે?
કેમ ન હોઈ શકે? અત્યાર સુધી આપણે સિક્કાની બીજી બાજુ’ રૂઢિપ્રયોગ સાંભળ્યો છે, પરંતુ આ યુગ થ્રી-ડીનો છે- થર્ડ ડાયમેન્શનનો. વિજ્ઞાન તો કહે છે કે ફોર્થ ડાયમેન્શન પણ છે એટલે શું ખબર, આ કોલમની ત્રીજી સિક્વલ ભવિષ્યમાંસિક્કાની ચોથી બાજુ’ તરીકે પણ આવે! .
`સિક્કો’ શબ્દ અરબી છે. સંસ્કૃત શબ્દ મુદ્રા છે. સિક્કાનો બીજો એક અર્થ દસ્તાવેજ પર પ્રમાણિત કરવા માટે લગાવાતી સ્ટેમ્પ પણ છે. સહી અને સિક્કા બંને સાથે બોલાય છે. સહી-સિક્કા કરાવી લેજો એમ કહેવાય છે. સિક્કો છે તો આર્થિક જગતની વસ્તુ, પરંતુ તેના પરથી સાહિત્ય અને બોલચાલમાં અનેક રૂઢિપ્રયોગો જોવા મળે છે, જેમકે…
સિક્કો ચાલી જવો' એટલે સફળ થવું અને
ખોટો સિક્કો ચાલી જવો’ એટલે આવડત વગરની વ્યક્તિનું સફળ થવું. (ઢીંચાક પૂજા, ઉર્ફી જાવેદ, મુન્નવર ફારુકીનાં નામો કોણ બોલ્યું?) `સિક્કા પડે છે’ એટલે સફળતા બોલે છે.
આજ રીતે, હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ક્યાંથી, ખોટી બે આની આવી પડી હતી. એ બે આની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતાં અર્ધતિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારેકયો મોરલો આ કળા કરી ગયો?’ એમ મને થયું, પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તો પણ એથી આટલી બે આની પૂરતી મારી ગરીબાઈ એમાં ઓછી થાય તેમ નહોતું.
એ પ્રશ્ન પડતો મૂકી એ બે આનીને શી રીતે ચલાવવી તેનો મેં વિચાર કરવા માંડ્યો.
જી હા, હાસ્ય લેખક જ્યોતીન્દ્ર દવેની આ હાસ્યકથા છે એટલે એમાં મોદીનો અર્થ ભળતોસળતો ન કરવો. મોદીનો અર્થ અહીં કરિયાણાનો વેપારી છે. ઉપરોક્ત હાસ્યકથામાં જ્યોતીન્દ્રભાઈ, કેટલાક નેતાઓ જેમ વારંવાર લોન્ચ થાય છે તેમ,ખોટી બે આનીને ચલાવવા વારંવાર (વ્યર્થ)પ્રયત્ન કરે છે, પરંતુ ચાલતી નથી અને જ્યારે ચાલે છે ત્યારે સામેવાળો ખોટી પાવલી પધરાવી દે છે.
બાય ધ વે, પાવલીનો અર્થ શબ્દકોશ પ્રમાણે તો બુદ્ધિહીન થાય છે, પણ હવે થોડા જ દિવસો પછી નવરાત્રિનો તહેવાર આવશે તેમાં એક ગરબો ગવાશે-ગૂંજશે : `પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢવાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે.,,,!’
બોલો, આજે પાંચ રૂપિયા-દસ રૂપિયાના સિક્કા પણ ચલણમાં ઓછા જોવા મળે છે ત્યારે આ બહેનને પાવલીમાં માતાજીના દર્શન કરવા છે અને પાછું, માતાજી દર્શન ન આપી શકે તો માતાજીએ પાવલી પાછી આપવી જોઈએ તેવી માગણી બહેન કરે છે!
આ ગરબો લખાયો હશે ત્યારે પાવલીની મોટી કિમત હતી, પરંતુ ચલણી સિક્કાનું મૂલ્ય આજે ખૂબ ઓછું છે. ચાંદીના સિક્કાનું જ મૂલ્ય છે. એક સમય સિક્કાનો પણ હતો, કોણ માનશે?
ઠન ઠન કી સૂનો ઝનકાર’ જેવું ગીત એટલા માટે બની શકતું કે ત્યારે પૈસા રણકતા હતા. પૈસા નહીં, રૂપિયા પણ… આજે તો પૈસાનો અર્થ નાણાંના અર્થમાં જ થાય છે, કારણ કે પેટ્રોલ અને શૅર સિવાય બહુ ઓછી જગ્યાએ વ્યવહાર અથવા તો મૂલ્ય રૂપિયા અને પૈસા બંનેમાં હોય છે. પચાસ પૈસા પણ નથી જોવા મળતા હવે તો. પહેલાં તો પાંચિયું એટલે પાંચ પૈસા, દસિયું એટલે દસ પૈસા, પાવલી એટલે ચાર આના એટલે કે પચ્ચીસ પૈસા, આઠ આના એટલે પચાસ પૈસા જોવા મળતા હતા. સોળ આના એટલે એક રૂપિયો થતો. પાંચિયામાં ચણા, દાળિયા, સિંગ શું-શું નહોતું આવતું? તોય કહેવત એવી પડી કેફલાણાની સામે તો આનું પાંચિયું ન આવે! `
પૈસા રણકતા હતા કારણકે સિક્કો ધાતુનો બનેલો હતો. એટલે ખિસ્સામાં હોય કે થેલીમાં, એ રણક્યા વગર ન રહે. એ રણકાર મધુર લાગતો હતો, કારણકે પૈસાથી ઘણું બધું આવતું. આજે આ સિક્કો રહ્યો છે માત્ર ક્રિકેટ મેચમાં. ક્રિકેટ મેચમાં સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવે છે કે કોણ પહેલાં બેટિગ કરશે અને કોણ બોલિંગ?
જોકે, સિક્કો ઉછાળવાનું જો `શોલે’ના જય જેવા કેપ્ટન પાસે હોય તો તે જીતે જ. હમણાં ઑગસ્ટમાં જ પચાસ વર્ષ ભલે થઈ ગયાં હોય એ ફિલ્મને, પણ તેની એક-એક વાત આજેય લોકોને સ્મરણમાં છે. એટલે જ યાદ છે એ સિક્કો પણ, જેની બંને બાજુ હેડ જ હતી. આથી વીરુ સાથે મળીને કોઈ નિર્ણય કરવાનો હોય તો જય સિક્કો ઉછાળતો અને હંમેશાં જીતતો.
થિયેટરમાં શોલે' જેવી સુપરહિટ ફિલ્મ હોય અને તેમાં કોઈ સારો સંવાદ અથવા
જબ તક હૈ જાન’ જેવું ગીત આવતું હોય તો લોકો પ્રસન્ન થઈને પડદા પાસે સિક્કા ફેંકતા. હવે તો ડાયરામાં પણ રૂપિયાની નોટો ફેંકવામાં આવે છે અને ક્યાંક તો ડૉલર ફેંકાય છે.
જોકે, બધા નિર્ણયો સિક્કા ઉછાળીને ન થાય. રાજનીતિજ્ઞ અને સાથે કવિનું બહુ ઓછું જોવા મળતું સંયોજન ધરાવતા ડો. ઉદયપ્રતાપસિંહે લખ્યું છે :
સબ ફૈસલે હોતે નહીં સિક્કા ઉછાલ કે, યે દિલ કા મુઆમલા હૈ, ઝરા દેખભાલ કે
મોબાઇલોં કે દૌર કે આશિક કો ક્યા પતા, રખતે થે કૈસે ખત મેં કલેજા નિકાલ કે.
યે કહ કે નઈ રોશની રોએગી એક દિન, અચ્છે થે વહી લોગ પુરાને ખયાલ કે…!
આડ-વિચાર:
તરંગી મોગલ સુલતાન તઘલખે 14મી સદી-1330માં આર્થિક વહેવાર માટે ચામડાના સિક્કા શરૂ કર્યા હતા…!