માત્ર મહિલાઓનો વિકાસ નહીં, પરંતુ મહિલાઓની આગેવાનીમાં દેશનો વિકાસ: આ છે મોદીમંત્ર

- પૂજા શાહ
15 ઑગસ્ટ, 2014ના રોજ લાલ કિલ્લાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલું ભાષણ. જંગી બહુમતી સાથે જીત હાંસલ કરી ભાજપે કેન્દ્રમાં સત્તા સ્થાપી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર દામોદરદાસ મોદી દેશના 16મા વડા પ્રધાન બન્યા.
વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચવાથી માંડી દેશના સુકાની તરીકેની તેમની સફર વિશ્વનું ધ્યાન ખેંચનારી હતી. દસ વર્ષના યુપીએ શાસન બાદ ભારતની જનતાએ હજારો અપેક્ષાઓ અને સપનાઓ સાથે તેમને આ પદ પર બેસાડ્યા હતા. દુનિયાની નજર વિશ્વની સૌથી મોટી લોકશાહીના નવા વડાના ભાષણ પર હતી.
મોદીએ ભાષણમાં ઘણી વાતો કરી, પણ એક વાતે સૌનું ધ્યાન ખેંચ્યું. એ વાત દેશમાં મોટા ઉદ્યોગો લાવવાની કે પ્રોજેક્ટ લાવવાની નહીં, પણ શૌચાલયો બનાવવાની. મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે મારી માતાઓ, બહેનો ખુલ્લામાં કુદરતી ક્રિયાઓ કરવા જાય તે મને મંજૂર નથી આથી મારી પહેલી પ્રાથમિકતા ઘરે ઘરે શૌચાલયો બને તે છે.
140 કરોડની જનતાના વડા પ્રધાન બનેલા મોદીને ખબર હતી કે દેશ-દુનિયાની નજર મારા પર છે, પરંતુ કોઈજાતનો ક્ષોભ કે છોછ રાખ્યા વિના તેમણે સ્વીકર્યું કે મારા દેશના લોકો અને ખાસ કરીને મહિલાઓ એકદમ પાયાની કહેવાય તેવી સુવિધાથી વંચિત છે અને મારી પ્રથમ જવાબદારી છે કે હું તેમને આ સુવિધા આપું.
વિશ્વ સામે આ સ્વીકારવું એ પદ પર બેસેલા નેતા માટે સહેલું નથી હોતું અને ખાસ કરીને જ્યારે તમે પહેલીવાર આ જવાબદારી સ્વીકારી છે, પણ નરેન્દ્રભાઈએ પોતાની માતા-દીકરીઓને દુનિયા સામે વચન આપ્યું કે દરેકનાં ઘરે શૌચાલયો આવશે અને ત્યારબાદ તરત જ ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે રૂ. 12,000ની સબસિડી સહિતની ફાળવણી પણ થઈ.
આ એક જ વાત સાબિત કરે છે કે મોદીને દેશની મહિલાઓની સ્થિતિનો કેટલો ઊંડાણપૂર્વકનો ખ્યાલ છે અને તેમની સમસ્યા દૂર કરવાની એક આયોજનબદ્ધ તત્પરતા તેમણે તેમના 11 વર્ષના શાસનમાં વારંવાર બતાવી છે.
મહિલાઓને સશક્ત કરવાના તેમના એક એક પગલા તેમની સ્ત્રીસશક્તીકરણની સંકલ્પના અને કટિબદ્ધતાની ઝાંખી કરાવે છે. મહિલાઓને અગ્રેસર કરવાના આશયથી તેમણે જે જે સ્કીમ લોંચ કરી છે તેની યાદી ખૂબ જ લાંબી છે, પરંતુ તે પાછળનો તેમનો આશય મહિલાઓના સર્વાંગી વિકાસ અને ઉત્થાનનો છે, તે સ્પષ્ટ થયા વિના રહેતું નથી.
ભારતની સ્વતંત્રતા પહેલા અને સ્વતંત્રતા બાદ મહિલાઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે ઘણું થયું છે. ખોટી માન્યતાઓ અને પરંપરાઓમાં અટવાયેલી મહિલાઓને શિક્ષિત અને પગભર કરવા દરેક સમયની સરકારે પોતપોતાની રીતે કોશિશ કરી છે. વડા પ્રધાન મોદીએ તેમાં એક છોગું વધારે ઉમેર્યું છે, તેમણે માત્ર મહિલાઓનો વિકાસ નહીં, મહિલા સંચાલિત, મહિલાઓની આગેવાનીમાં દેશના વિકાસનો વિચાર અમલમાં મૂક્યો છે.
દેશના ઘણા ઉચ્ચ હોદ્દા પર પહેલીવાર કોઈ મહિલા તેમના કાર્યકાળમાં બેસી હોય તેવાં ઘણાં ઉદાહરણો છે. એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિપદના સર્વોચ્ચ સ્થાન પર બેસાડવાથી માંડી દેશની સુરક્ષા માટે કરવામાં આવેલા ઑપરેશન સિંદૂરની જવાબદારી મહિલા અધિકારીઓને સોંપવામાં તેઓ ક્યારેય ખચકાયા નથી.
દેશના પહેલાં ફૂલટાઈમ નાણાં પ્રધાન હોય કે પછી પહેલા વિદેશ પ્રધાન, મોદીના કાળમાં જ આ શક્ય બન્યું છે. પડકારજનક માનવામાં આવતાં તમામ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી છે અને તેમની આગેવાની પણ વધી છે. તો બીજી બાજુ નાના ગામડામાં રહેતી મહિલાઓના બચત જૂથને પણ વિવિધ યોજનાઓમાં સાંકળી તેમને બળવતર બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
મહિલાઓને માત્ર મફતની બે ચાર વસ્તુઓ ન આપતા તે આત્મનિર્ભર કઈ રીતે બને તેના પર મોદી સરકારનું ધ્યાન રહ્યું છે અને માત્ર વાતો નથી કરતા જમીની કામ કરી બતાવે છે. આંકડાઓ જોઈએ તો મોદી સરકારે 12 કરોડ શૌચાલય અને 2.53 લાખ કોમ્યુનિટી સેનેટરી કોમ્પ્લેક્સ બનાવ્યા છે.
પ્રધાન મંત્રી જન ધન યોજના હેઠળ 56 કરોડ નવા બેંક અકાઉન્ટ ખૂલ્યા છે, જેમાંથી 30 કરોડ મહિલા લાભાર્થી પણ છે. 2024 સુધીમાં 73,151 સ્ટાર્ટ અપ્સ એવા છે જેમાં ઓછામાં ઓછી એક મહિલા ડિરેક્ટર છે. કુલ સ્ટાર્ટ અપ્સના 50 ટકા મહિલાઓ દ્વારા સંચાલિત છે.
દેશના આર્થિક વિકાસમાં નારીશક્તિની ભૂમિકા અહમ બની ગઈ છે અને મોદી સરકારની પ્રેરણાથી જ રાજ્ય સરકારો પણ પોતાના દરેક નિર્ણયોમાં મહિલાઓને પ્રાધાન્ય આપતી થઈ ગઈ છે.
મોદી સરકારે મહિલાઓને કેન્દ્રમાં રાખીને ઘણી સ્કીમ બહાર પાડી છે, જેમાં પ્રધાનમંત્રી જનધન યોજનાની વાત કરીએ તો બેંકખાતું ધરાવતી મહિલાઓની સંખ્યા 61 ટકા વધી છે. મહિલાઓને નાણાકીય સાક્ષરતાની તાતી જરૂર છે અને આર્થિક સ્વતંત્રતા જ તેમને સામાજિક સ્વતંત્રતા તરફ લઈ જશે, તે મોદીજી જાણે છે.
ચૂલામાં લાકડા સળગાવી કે પ્રાઈમસ પેટાવી રસોઈ કરતી ગરીબ મહિલાના ફેંફસામાં ધુમાડો જાય અને તે બીમાર પડે છે ત્યારે તેમની માટે ઉજજવલા યોજના હોય કે પછી લખપતિ દીદી કે પછી નમો ડ્રોન દીદી, જ્યાં મહિલાઓ પોતાના કૌશલ્યોથી પગભર થઈ શકે અને દેશની પ્રગતિના તાલ સાથે તાલ મિલાવી શકે ત્યાં મોદી તેમને પ્રાધાન્ય આપવામાં એકવાર પણ ખચકાતા નથી.
વડા પ્રધાન હંમેશાં કહે છે કે જો દેશની 50 ટકા વસ્તી એટલે કે મહિલાઓ ઘરમાં બંધ હશે તો આપણે ક્યારેય સફળતા મેળવી શકીશું નહીં અને એટલા માટે જ વડા પ્રધાને મોટા ભાગની સ્કીમ્સમાં મહિલાઓને ઉદ્યોગસાહસિક બનાવવાની, તેમને પગભર થવા આર્થિક મદદ આપવાની, તેમને તાલીમ આપી સક્ષમ બનાવવાની પહેલ કરી છે. મહિલાઓ માત્ર બેંકમાં કે સ્કૂલમાં જ કામ કરે તે જરૂરી નથી, તે ડ્રોન પણ ઉડાડી શકે છે તેવો વિશ્વાસ મોદીએ મહિલાઓમાં બતાવ્યો છે.
સરપંચ હોય કે કેન્દ્રમાં પ્રધાન મહિલાઓની ક્ષમતા અને તેમની સંવેદનસીલતા દેશને નવી દિશા બતાવશે અને સમગ્ર માનવજાતનું કલ્યાણ થશે તેમ મોદી માને છે અને જાહેરમાં વારંવાર મહિલાઓની ઉન્નતિ વિશે વાતો કરે છે.
રહી વાત વાતો કરવાની તો મોદીની આ વિશેષતા પણ મહિલાઓને ખૂબ ગમે છે. મોદી વાતો કરે છે. ક્યારેક આઈટી પ્રોફેશનલ્સ મહિલાઓ પાસે પહોંચી જાય છે ત્યારે ક્યારેક ગુજરાતની પશુપાલક મહિલાઓ સાથે ગપ્પા મારે છે.
મહિલા દિન નિમિત્તે પોતાનું સોશ્યલ મીડિયાનું હેન્ડલિંગ જ મહિલાઓને સોંપી દીધું હતું. આજના સમયની સોશ્યલ મીડિયા ઈન્ફલુઅન્સરને મળવાનું હોય કે પછી દૂર ગામડામાં રહેતી મહિલાઓ સાથે વર્ચ્યુઅલી વાત કરવાની મોદી ઈન્ટરેક્શન કરવાની તક છોડતા નથી અને તેથી જ તેઓ મહિલાઓનાં પ્રિય નેતા પણ છે કારણ કે તેમને કોઈ તો સાંભળે છે.
ભારત વૈશ્વિક નકશા પર એક મોટી તાકાત તરીકે ઊભરી રહ્યું છે, જો દેશનો એક અત્યંત મહત્ત્વનો હિસ્સો નબળો, કચડાયેલો કે અશિક્ષિત અને અસક્ષમ રહી જશે તો આપણી પ્રગતિ માત્ર તસવીરો અને વાતોમાં રહેશે. સ્વસ્થ, સમૃદ્ધ, શિક્ષિત અને સશક્ત દેશ માટે દેશની દરેક મહિલાનું સ્વસ્થ, સમૃદ્ધ, શિક્ષિત અને સશક્ત હોવું જરૂરી છે, તે મોદી સરકારનો મંત્ર છે.
એ વાત ખરી કે દેશમાં આજે પણ એવા ઘણા પ્રશ્નો છે, જે મહિલાઓની પ્રગતિ અને ગરિમાપૂર્ણ જીવનને અવરોધી રહ્યા છે, મોદી સરકારના પ્રયત્નો ઓછા નથી, પરંતુ પરિણામો ધાર્યા નથી તે કહેવું ખોટું નહીં ગણાય, પરંતુ વડા પ્રધાન મોદી અને તેમની સરકારે છેલ્લા દસ વર્ષમાં મહિલાઓના સતત વિકાસ અને તેમની આગેવાનીમાં દેશના વિકાસની અલખ જગાવી છે તે વાત નજરે પડ્યા વિના રહેતી નથી.
શરૂઆત વડા પ્રધાનના એક ભાષણથી કરી હતી તો પૂર્ણાહુતિ પણ તેમના બીજા એક ભાષણના અંશથી જ કરીએ. વર્ષ 2020માં વડા પ્રધાને ફરી 15મી ઑગસ્ટ અને લાલ કિલ્લાને જ મંચ બનાવ્યો અને વાત કરી મહિલાઓના માસિકધર્મની અને સેનેટરી પેડ્સની. જે વાત કોઈ મહિલા નેતાએ પણ નથી કરી તે મોદીએ કરી. મોદીએ કહ્યું કે પ્રધાન મંત્રી જન ઔષધી કેન્દ્ર સ્કીમ હેઠળ સરકાર એક રૂપિયામાં સેનેટરી પેડ્સ આપે છે.
જે દેશમાં આજે પણ માસિકધર્મને આભડછેટ સાથે જોડવામાં આવતો હોય અને જે વિષય પર બે મહિલા પણ ચર્ચા ન કરતી હોય, તેવા વિષયને દેશ-દુનિયા સામે રાખવા માટે પણ 56ની છાતી જોઈએ અને તે હીરાબાના સપૂતે બતાવી છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે આશા રાખીએ કે તેમની નેતાગિરીમાં દેશની માતા-બહેનો-દીકરીઓનો સર્વાંગી વિકાસ થાય અને દેશની ઉન્નતિમાં મહિલાઓનું યોગદાન મોખરે રહે.
આપણ વાંચો: ‘અમૃતકાળ’ના સ્વપ્નદૃષ્ટાના અમૃતવર્ષ નિમિત્તે ઋણ-સ્વીકાર સાથે વંદન સહ અભિનંદન