ઔર યે મૌસમ હંસીં… : નાસદીય સૂત્ર: સનાતન ધર્મની વૈજ્ઞાનિક વિચારધારા

-દેવલ શાસ્ત્રી
વ્યસ્ત જીવનમાં આકાશના તારાઓ જોવાનું ભૂલી ગયા છીએ. ક્યારેક જંગલમાં ફરવા જઈએ ત્યારે અથવા રાત્રે ગાડીમાં પંક્ચર પડે ત્યારે અંધારાનો લુફ્ત માણીએ છીએ. આમ તો અંધારિયા આકાશનું દર્શન રોજ કરવું જોઈએ , પણ શહેરના વાતાવરણમાં આપણે તેનાથી દૂર થઇ ગયા છીએ.
આપણે રાત્રે આકાશમાં તારાઓ તરફ જોઈએ છીએ ત્યારે કેટલાક પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. આપણે કહેતા પણ હોઈએ છીએ કે ‘આવડા મોટા બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ કેટલું સૂક્ષ્મ છે…’ થી શરૂ કરીને ‘આ જગત આ બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ હશે’ જેવા જાતજાતના સવાલ પર અટકી જઈએ છીએ.
બ્રહ્માંડનાં રહસ્યોની શોધમાં હજારો વર્ષો પહેલાં ઋષિઓએ ઋગ્વેદના 10મા મંડળના 129મા સૂક્તમાં લખ્યું છે, જેને ‘નાસદીય સૂક્ત’ તરીકે ઓળખવામાં આવે છે. એક એવું ગીત રચ્યું જેના નાદ એટલે કે ધ્વનિ થકી બ્રહ્માંડના મૂળને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સૂક્ત શ્યામ બેનેગલની પ્રખ્યાત ટીવી શ્રેણી ‘ભારત એક ખોજ’ના શરૂઆતના શ્ર્લોક તરીકે લોકપ્રિય બન્યું હતું. આ નાદકીય ઉચ્ચારણે લાખો દર્શકોના મનમાં બ્રહ્માંડની શોધ અને આધ્યાત્મિક ચિંતનની જ્યોત પ્રગટાવી હતી.
નાસદીય સૂક્તનું નામ ‘नासदासीत्’ અર્થાત ‘ન તો અસ્તિત્વ હતું’ શબ્દ પરથી આવે છે. આ સૂક્તના સાત શ્ર્લોક બ્રહ્માંડની શરૂઆતના પ્રશ્નોને એક રહસ્યવાદી ધ્વનિમાં રજૂ કરે છે. સરળ શબ્દોમાં આપણા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પૂછે છે : ‘જ્યારે બ્રહ્માંડ નહોતું, ત્યારે શું હતું? ન તો આકાશ હતું, ન ધરતી, ન દિવસ, ન રાત.
કદાચ ઊંડું અંધકાર હતું, પણ તેને કોણે ઢાંક્યું હતું એ કોણ જાણે છે?’ આ સૂક્તનો છેલ્લો શ્ર્લોક તો એટલો ગહન છે કે તે કહે છે: ‘જે આ બધું જુએ છે, કદાચ તે ઈશ્વર પણ નથી જાણતો’
આપણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… કોર્પોરેટ્સમાં SWOT એનાલિસિસ આઉટડેટેડ થઇ ગયું છે?
આ સૂક્તનું નાદકીય સ્વરૂપની વિશેષતા છે. જ્યારે આ શ્ર્લોકો ગાવામાં આવે છે, ત્યારે તેની ધ્વનિ મનને શાંત કરે છે અને બ્રહ્માંડના કંપનો સાથે જોડે છે. ભારતીય પરંપરામાં નાદને ‘નાદ-બ્રહ્મ’ ગણવામાં આવે છે.
આપણે ત્યાં ધ્વનિને પણ ઈશ્વરનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. જવાહરલાલ નહેરુના પ્રસિદ્ધ પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પર આધારિત શ્યામ બેનેગલની સિરિયલ ‘ભારત એક ખોજ’ની શરૂઆતમાં આ સૂક્તના શ્ર્લોકોનું ગાયન દર્શકોને ભારતની વૈદિક પરંપરા સાથે જોડતું હતું જે આજે પણ એ સાંભળવું ગમે છે.
નાસદીય સૂક્ત આધ્યાત્મિક અર્થમાં ગહન સંદેશ શીખવે છે કે બ્રહ્માંડનાં રહસ્યોને સમજવા માટે આપણે ગાઢ ચિંતન કરવું જોઈએ. તેનો મુખ્ય વિચાર છે ‘અજ્ઞેયવાદ’ તરફ એટલે કે બધું જાણવું શક્ય નથી એ વાતને સમજવી પડશે.
આપણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : પુરાણકથા… ઈતિહાસ-સાહિત્ય ને માનવજાતના અસ્તિત્વ માટે કેટલી પ્રેરણાદાયી?
‘મને બધું આવડે છે અને અમે બધું જાણીએ છીએ’ એ દંભ પર આ સૂક્ત પ્રશ્ન પૂછે છે. વૈદિક ધર્મનું મુખ્ય પુસ્તક લખે છે કે હજી ઘણાં રહસ્યોના તાગ શોધવાના બાકી છે અને તે માટે પ્રશ્નો પૂછવાની વૈદિક પરંપરા અને શોધ ચાલુ રાખવી જરૂરી છે.
નાસદીય સૂક્ત માણસજાતને પ્રશ્ન પૂછે છે કે ‘…આ સત્ય છે કે અસત્ય એ નક્કી કરવાવાળો તું કોણ છે? તું જે જાણે છે એ જ સત્ય છે એ ભ્રમમાંથી બહાર નીકળવાની જરૂર છે…‘
યુધિષ્ઠિર સ્વર્ગના દરવાજા પર પહોંચ્યા પછી સ્વાગત માટે દુર્યોધનને જોયો. યુધિષ્ઠિર નારાજ થઈને ભગવાનને સવાલ પૂછ્યો હતો કે ‘દુર્યોધન જેવી વ્યક્તિ સ્વર્ગમાં શું કરે છે?’ ભગવાને જવાબ આપ્યો હતો કે ‘સ્વર્ગમાં કોને સ્થાન આપવું કે ના આપવું એ ય તું નક્કી કરીશ?!’ માણસજાતને જો ભગવાન મળી આવે તો એ ભગવાનને પણ ન્યાય કેવી રીતે કરવો જોઈએ એનું જ્ઞાન આપે. સૂક્ત શીખવે છે કે બધું જાણવું શક્ય હોતું નથી તેથી આપણે જીવનમાં નમ્ર રહેવું જોઈએ.
નાસદીય સૂક્ત ભારતીય પરંપરામાં એક વિચાર એવા દ્વૈતતાને નકારે છે, જેમાં અસ્તિત્વ-અનસ્તિત્વ, મૃત્યુ-અમરત્વ, રાત-દિવસ વિશે કદાચ કોઈને ખબર નથી.
આપણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : ‘Mayday’ -‘મેડે’….‘મેડે’: એ શબ્દ નથી પણ વિશાળ ચિંતન છે
તે એક (तदेकं) ને બ્રહ્માંડની એકમાત્ર શક્તિ તરીકે દર્શાવે છે, જે અદ્વૈત વેદાંતના ખ્યાલ સાથે સાંકળે છે. આપણે દ્વૈતતાની ભ્રમણામાંથી બહાર નીકળીને એકત્વની દૃષ્ટિ અપનાવવી જોઈએ. આ વાતને સરળતાથી સમજવાની કોશિશ કરીએ….
નાસદીય સૂક્તના મુજબ જગતનું ન અસ્તિત્વ હતું કે ન અનસ્તિત્વ હતું. શૂન્યતા, અંધકાર અને સૃષ્ટિની શરૂઆતનાં રહસ્યોને ભગવાન વિષ્ણુની કથામાં સરસ રીતે સમજાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને નારાયણસ્વરૂપે અનંત શેષનાગ પર ક્ષીરસાગરમાં શયન કરે છે.
સૃષ્ટિની શરૂઆત પહેલાં વિષ્ણુ શૂન્યની વિશાળતામાં શયન કરતા હતા. એમના નાભિકમળમાંથી બ્રહ્મા પ્રગટ થયા, જેમણે સૃષ્ટિનું નિર્માણ કર્યું. આ કથામાં નાસદીય સૂક્તના રહસ્યવાદી પ્રશ્ન કિમાવરીવ: અર્થાત શું ઢાંકી રાખ્યું હતું?ને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નાસદીય સૂક્તમાં સૃષ્ટિ પહેલાંની શૂન્યતા અને અનંત જળનું વર્ણન છે.
શિવ પુરાણ અને અન્ય શૈવ ગ્રંથોમાં એવું વર્ણન છે કે સૃષ્ટિ પહેલાં શિવ એક શૂન્ય અવસ્થામાં હતા. શિવની શૂન્ય અવસ્થામાં ન તો સમય હતો, ન સ્થળ. શક્તિના સંયોગથી પ્રકૃતિ અને પુરુષનું સંતુલન થયું, જેમાંથી સૃષ્ટિનો ઉદ્ભવ થયો.
બૃહદારણ્યક ઉપનિષદમાં એક કથા છે કે સૃષ્ટિ પહેલાં એકમાત્ર આત્મા હતો.
આ આત્મા એકલો હતો અને પોતાને બહુવિધ રૂપે પ્રગટ કરવા માગતો હતો. આ આત્માએ પોતાની ઇચ્છાશક્તિથી સૃષ્ટિનું નિર્માણ કર્યું. આ વાર્તા નાસદીય સૂક્તના કથન ઇચ્છા પ્રથમ પ્રગટ થઈ એ વિચાર વિષે આપણને વિચારતા કરી દે છે.
એક અર્થ એ પણ આપ્યો કે બ્રહ્માંડનું સર્જન ઈચ્છાથી થયું છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહે છે કે શરૂઆતમાં માત્ર સત જ હતું, જેમાંથી સમગ્ર સૃષ્ટિનો પ્રારંભ થયો.
નાસદીય સૂક્ત એ ફક્ત ઋગ્વેદનું એક ગીત નથી, પરંતુ તે બ્રહ્માંડની શોધ, આધ્યાત્મિક ચિંતન, અને સાંસારિક જીવનની પ્રેરણાનું પ્રતીક છે. આધુનિક યુગમાં આપણને પર્યાવરણ સાથે જોડીને મનની શાંતિ મેળવવા પ્રેરે છે.
નાસદીય સૂક્ત એ એક એવું ગીત છે, જે હજારો વર્ષો પછી પણ આપણને બ્રહ્માંડનાં રહસ્યોની યાત્રામાં લઈ જાય છે. એક એવી યાત્રા કે જેના જવાબ શોધવા આજના પણ આધુનિક વિજ્ઞાન માટે અશક્ય લાગે છે.
ધ એન્ડ:
‘આ સૃષ્ટિ ક્યાંથી ઉદ્ભવી? કેવી રીતે એની રચના થઈ?’ આના જવાબ ઉચ્ચ આકાશમાં રહેતા બ્રહ્માંડના નિરીક્ષક જાણે છે અથવા કદાચ એ પણ નથી જાણતા!