નરેન્દ્ર મોદી: આક્રમક વિદેશનીતિના મશાલચી | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

નરેન્દ્ર મોદી: આક્રમક વિદેશનીતિના મશાલચી

  • ઉત્પલ દવે

ભારતીય રાજનીતિમાં મોદી યુગ અને મોદી પૂર્વેના સમય વચ્ચે ઊડીને આંખે વળગે તેવો જો કોઈ ફરક હોય તો તે ભારતની યથાર્થવાદી અને આક્રમક વિદેશ નીતિ છે. દેશ આઝાદ થયો ત્યારે ભારતની વિદેશ નીતિના ઘડવૈયા દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નહેરૂ અને વીકે કૃષ્ણ મેનન હતા.

50ના દાયકાની નહેરૂની વિદેશ નીતિ આદર્શવાદી હતી, જો કે 1962માં ભારત-ચીન યુદ્ધમાં ભારતની કારમી હાર બાદ નહેરૂ રચિત વિદેશનિતીની ક્ષતિઓ ખુલીને બહાર આવી હતી. તે સમયે ભારતનું ગાઢ મિત્ર સોવિયત યુનિયન પણ યુદ્ધમાં ભારતની મદદે આવ્યું ન હતું. તેની તુલનામાં વડા પ્રધાન મોદીની વર્તમાન વિદેશ નીતિ વધુ વાસ્તવવાદી અને વ્યવહારુ લાગે છે.

નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2014માં સત્તામાં આવ્યા ત્યારે તેમને એક એવા શાસક તરીકે વર્ણવવામાં આવી રહ્યા હતા જેમને વિદેશ નીતિનો કોઈ અનુભવ નહોતો. ‘હિન્દુ રાષ્ટ્રવાદી નેતા’ તરીકેની તેમની છબીને પણ ખાડીનાં ઇસ્લામિક રાષ્ટ્રો સાથે સારા સંબંધોના માર્ગમાં અવરોધરૂપ માનવામાં આવતી હતી, પરંતુ મોદીએ ‘ઈન્ડિયા ફર્સ્ટ’ ના મંત્રને કેન્દ્રમાં રાખીને વ્યવહારુ વિદેશ નીતિ અપનાવીને વિરોધીઓ અને સમર્થકો બંનેને ખોટા પાડ્યા છે.

આજે પણ ભારતના સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત અને ઈજિપ્ત, કતાર, બહેરીન, જોર્ડન, ઈન્ડોનેશિયા સહિતના ઈસ્લામિક દેશો સાથે ભારતના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ભારત એક સમયે ઈસ્લામિક દેશોની નારાજગીથી બચવા માટે ઈઝરાયલ સાથે સંબંધો વધારવામાં પાછી પાની કરતું હતું. જો કે વડા પ્રધાન મોદી ઈઝરાયલ અને આરબ દેશો સાથે સંબંધોમાં સમતુલન જાળવવામાં સફળ રહ્યા છે.

ત્રીજા વિશ્વનો દેશ મનાતો ભારત નરમ વિદેશનીતિ ધરાવતો હતો. ભારત હંમેશાં જગત જમાદાર અમેરિકા, ચીન, કે યુરોપિયન યુનિયનના દેશોની ખફગી વહોરવાથી બચતું રહેતું હતું. આજ કારણ છે કે અમેરિકાના ડરથી પીવી નરસિંહ રાવની સરકાર પરમાણુ પરીક્ષણ કરી શકી ન હતી. જો કે આજે તે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, અને ભારત અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટૅરિફ પ્રતિબંધની પરવા કર્યા વગર રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદી રહ્યું છે.

અમેરિકાની નારાજગી છતાં પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) અને બ્રિક્સ જેવાં અગ્રણી સંગઠનોનું સ્થાપક પણ સભ્ય છે. એક બાબત તે પણ ધ્યાન રાખવા જેવી છે કે, ભારત હવે ત્રીજા વિશ્વનો ગરીબ દેશ નથી રહ્યો, આજે ભારતની જીડીપી 4 ટ્રિલિયન ડૉલરને પાર પહોંચી છે. વળી ભારતનો દબદબો વૈશ્વિકસ્તરે વધ્યો છે. આ જ કારણ છે કે, બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ પ્રમાણે ભારતે તેની વિદેશનીતિમાં ફેરફાર કરવા જરૂરી હતા.

વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશની વિદેશનીતિમાં સૌથી મોટો ફેરફારએ થયો કે નવી દિલ્હીની મહત્ત્વાકાંક્ષા વૈશ્વિક મંચ પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા પૂરતી જ નહીં, પણ ‘રૂલ મેકર’ બનવાની પણ મજબૂત થઈ છે. વૈશ્વિક મંચ પર મોદીની કુટનિતીએ ભારતીય આકાંક્ષાઓને નવી પાંખો આપી છે.

આનું પરિણામ એ આવ્યું કે જે દેશ છેલ્લા દાયકા સુધી વૈશ્વિક બાબતોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાની ઓફરનો ઇનકાર કરતો હતો તે એક એવા રાષ્ટ્રમાં પરિવર્તિત થયો છે જે ગ્લોબલ ગવર્નન્સમાં યોગદાન આપવા માટે હંમેશાં અગ્રેસર રહે છે.

નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે ‘નેબર ફર્સ્ટ’ની પોલિસીનો અમલ કરતા સાર્ક દેશોના વડા પ્રધાનોને તેમના શપથવિધિ સમારોહમાં આમંત્રિત કર્યા હતા. જો કે બાદમાં પાકિસ્તાન, નેપાળ અને માલદિવ જેવા દેશોએ અવળચંડાઈ કરતા મોદીને વિદેશનીતિને વધુ વાસ્તવવાદી બનાવવાની ફરજ પડી હતી.

મોદીના નેતૃત્વમાં ભારતે કટોકટીની પરિસ્થિતિઓમાં ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે વૈશ્વિક ઓળખ મેળવી છે. વિદેશ મંત્રાલયમાં રેપિડ રિસ્પોન્સ સેલની સ્થાપના પછી આપત્તિ વ્યવસ્થાપન મજબૂત બન્યું છે. તાજેતરનાં વર્ષોમાં, ભારતે ઓપરેશન દોસ્ત (2023), ઓપરેશન ગંગા (2022), ઓપરેશન દેવી શક્તિ (2021) અને મિશન સાગર (2020) જેવાં માનવતાવાદી રાહત કાર્યો હાથ ધર્યાં છે. જેના કારણે ભારતની એક માનવતાવાદી દેશ તરીકેની ઓળખ વધુ મજબુત બની છે.

વડા પ્રધાન મોદીએ પાકિસ્તાન સામે ‘જેવા સાથે તેવા’ની રણનિતી અપનાવતા પાડોશી દેશનાં આતંકવાદી કૃત્યો સામે સર્જિીકલ સ્ટ્રાઈક કરીને જોરદાર પાઠ ભણાવ્યો હતો. તે જ પ્રકારે ચીન સામે પણ મોદીએ આકરું વલણ અખત્યાર કર્યું હતું.

ભારત હંમેશાંથી બહુધ્રુવિય વિશ્વનું હિમાયતી રહ્યું છે અને જો કે મોદી સરકારે પણ આજ સ્ટ્રેટેજીને બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં પણ આગળ વધારી છે. બહુધ્રુવિય વિશ્વ એટલે કે, વૈશ્વિક સત્તાનાં અલગ-અલગ કેન્દ્રો એવો અર્થ થાય છે. બીજા વિશ્વ યુદ્ધ પછીથી અમેરિકા અને સોવિયત યુનિયન સત્તાનાં બે કેન્દ્રો હતાં.

દુનિયા મૂડીવાદી અને સામ્યવાદી એમ બે ભાગોમાં વહેંચાયેલી હતી ત્યારે પણ નોન-એલાઈડ મૂવમેન્ટ (નામ) ચળવણ દ્વારા ભારતે ત્રીજા વિશ્વના દેશોનું સંગઠન બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. વર્તમાનમાં ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) અને બ્રિક્સ જેવા રશિયા અને ચીન સમર્થિત સંગઠનો ઉપરાંત ક્વોડ જેવા અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સમર્થિત દેશોના સંગઠનનું પણ સભ્ય છે.

મોદી સરકારની આ સ્ટ્રેટેજી ભારતને વિપરીત વૈશ્વિક પરિસ્થિતિમાં દેશનાં આર્થિક, સૈન્ય અને સ્ટ્રેટેજી હિતોના જાળવવામાં મદદરૂપ થાય છે. મોદી સરકારની આ રણનીતિ વર્તમાનમાં અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટૅરિફ લાદવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે સંબંધોમાં આવેલી ખટાશ વખતે કારગર નિવડી છે.

તાજેતરમાં વડા પ્રધાન મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ઉપસ્થિત રહ્યા તે એક પ્રકારે અમેરિકાને સ્પષ્ટ સંદેશ હતો કે, ભારત ફક્ત અમેરિકા પર નિર્ભર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાં હાજરી આપવા માટે ચીનનો પ્રવાસ કરવાનો નિર્ણય સરકારના વિદેશ નીતિના વલણમાં પરિવર્તન દર્શાવે છે.

મોદીએ ચીનની મુલાકાત લીધી હતી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાત 2020ના સૈન્ય ગતિરોધ પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રકારની પ્રથમ દ્વિપક્ષીય બેઠક હતી. મોદીએ SCO સમિટમાં હાજરી આપ્યાને ત્રણ વર્ષ થયા હતા, જે એક યુરેશિયન જૂથ છે જેને પશ્ર્ચિમ વિરોધી માનવામાં આવે છે. દરમિયાન, મોદી, શી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની સૌહાર્દપૂર્ણ છબીઓએ નિષ્ક્રિય રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સંવાદની યાદો તાજી કરી હતી.

ચીન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં, બંને નેતાઓએ ઓક્ટોબર 2024 થી શરૂ થતી સામાન્યીકરણ પ્રક્રિયાને મંજૂરી આપી હતી. આ અંતર્ગત, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી સૈનિકો પાછા ખેંચવામાં આવશે. બંને પક્ષો તેમના ખાસ પ્રતિનિધિઓ દ્વારા ચર્ચા કરવામાં આવી રહેલી સરહદ સમાધાન પ્રક્રિયાને ઝડપી બનાવવા સંમત થયા હતા. બંને નેતાઓએ ‘વિશ્વ વેપારને સ્થિર કરવા’ માટે સીધી ફ્લાઇટ્સ, વિઝા સુવિધા અને આર્થિક સંબંધો પુન:સ્થાપિત કરવા માટે પણ લીલી ઝંડી આપી હતી.

મોદીએ ‘પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતા પર આધારિત સંબંધો જાળવવા’નું વચન આપ્યું હતું, પરંતુ શીએ ‘ડ્રેગન (ચીન) અને હાથી (ભારત) ને એકસાથે આવવા’ માટે હાકલ કરી હતી. એક વર્ષ પહેલા આવી મિત્રતા અકલ્પનીય હતી અને તે સ્પષ્ટપણે ભારત પર ટૅરિફ અને પ્રતિબંધો લાદવાના અમેરિકાના પગલા અને ટ્રમ્પ વહીવટીતંત્રના ઇરાદાઓ પર નવી દિલ્હીના અવિશ્વાસને કારણે છે.

આનાથી મોદી અને તેમના પ્રતિનિધિમંડળને ચીનના પગલાં અંગે ભારતની કેટલીક ચિંતાઓ રજૂ કરવાની તક મળી હતી, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ટેકો, યુએન સુરક્ષા પરિષદમાં સુધારા અને એનએસજી સભ્યપદ માટેના ભારતના પગલાંને અવરોધવા અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના નામ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

મોદીના કાર્યકાળના એક દાયકા દરમિયાન, સ્થાનિક અને વિદેશી વચ્ચે કૃત્રિમ વિભાજનનો અંત આવ્યો છે. ભારતની મુખ્ય પ્રાથમિકતા સ્થાનિક મોરચે વિકાસ દ્વારા પરિવર્તન લાવવાની રહી. ભારતીય રાજદ્વારી વિકાસ સંબંધિત રાષ્ટ્રીય આકાંક્ષાઓને પૂર્ણ કરવાના સાધન તરીકે પણ કાર્યરત રહી. તેણે બાહ્ય વિશ્વ સાથેના આપણા સંપર્કોને એક ખાસ વ્યવહારુ અભિગમ આપ્યો, જેના હેઠળ હવે વિચારધારાને બદલે ભાગીદારી મહત્ત્વપૂર્ણ બની ગઈ.

વિદેશનીતિના પંડિતો સાચું જ કહે છે કે, રાજકારણમાં, એક દિવસ પણ લાંબો સમય હોઈ શકે છે, પરંતુ વિદેશ નીતિમાં, ગંભીર મૂલ્યાંકન માટે ઘણીવાર એક દાયકો પણ ઓછો પડે છે. જોકે, આ કિસ્સામાં છેલ્લો દાયકો અપવાદ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન, વૈશ્વિક રાજકારણમાં થયેલા ફેરફારોનું સ્વરૂપ જ મહત્ત્વનું રહ્યું નથી, પરંતુ તેનો વ્યાપ પણ વ્યાપક રહ્યો છે. આવી સ્થિતિમાં, ભારતીય વિદેશ નીતિમાં પણ મૂળભૂત ફેરફારો આવવા સ્વાભાવિક છે.

છેલ્લા એક દાયકામાં વિદેશ નીતિમાં થયેલા વ્યાપક ફેરફારોમાં વૈશ્વિક પરિસ્થિતિઓ અને સમીકરણોની સાથે સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ભાગીદારીની અમીટ છાપ પણ જોવા મળે છે.

વૈશ્વિક રાજકારણના આ પડકારજનક યુગમાં, મોદીએ ભારતને એક અનોખો અને ખાસ અવાજ આપ્યો છે. આજે, ભારતીયો અન્ય કોઈપણ મોટી શક્તિ કરતાં તેમના ભવિષ્ય વિશે વધુ મહત્ત્વાકાંક્ષી દ્રષ્ટિકોણ ધરાવે છે અને આ તેમના વિદેશી સંબંધો નક્કી કરવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

મોદીનું નેતૃત્વ ફક્ત તે ભાવનાને સમજી રહ્યું નથી પરંતુ તેનો અસરકારક રીતે ઉપયોગ પણ કરી રહ્યું છે. મોદીની વિશેષતા એ છે કે તેઓ આ રાષ્ટ્રીય આકાંક્ષાને તેમની વિદેશ નીતિમાં વણાવવામાં તેમજ તેને તેમની છબી સાથે જોડવામાં સફળ રહ્યા છે.

આપણ વાંચો:  માત્ર મહિલાઓનો વિકાસ નહીં, પરંતુ મહિલાઓની આગેવાનીમાં દેશનો વિકાસ: આ છે મોદીમંત્ર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button