વાર-તહેવાર: મુંબઈના લાલબાગચા રાજા: ખરા અર્થમાં આસ્થાના મહા-રાજા!
રોજના 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અહીં ઊમટે છે!

- લોકમિત્ર ગૌતમ
મુંબઇના ભવ્ય ગણેશોત્સવનું બે જ શબ્દમાં વર્ણન કરવું હોય તો માત્ર `લાલબાગના ગણેશ’! એટલું કહો તો ભયો ભયો !
ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાની ચર્ચા દુનિયાભરમાં થાય છે. દુનિયાના કોઈપણ ખૂણે વસેલા ગણેશભકત આ લાલબાગનાં બાપ્પાના દર્શન કરવાનું ચુકતા નથી એ પછી ઓનલાઇન કેમ ન હો કે પછી ટીવી કે વોટસઅપની વીડિયો ક્લિપના માધ્યમ દ્વારા દર્શન કરી જ લે છે.
આમ તો મુંબઈમાં ગણેશોત્સવનો પર્યાય લાલબાગના રાજા કઈ રીતે બન્યા તેની પણ એક ગાથા અનોખી છે. 1934માં આ વિસ્તાર કોળી સમુદાયના માછીમારો અને વેપારીઓનો હતો. આ સમુદાયના અમુક લોકોએ ગણેશોત્સવ દરમિયાન વ્રત રાખવાનું નક્કી કર્યું અને તે વિસ્તારમાં ગણેશ પ્રતિમા સ્થાપિત કરવા માટે પંડાલ બનાવ્યું. કહેવાય છે કે, આ વ્રત લેવાવાળા ભક્તોએ એક માનતા માની હતી કે જો એમને આ વિસ્તરમાં એક સ્થાયી બજાર મળશે તો દર વર્ષે એ ગણપતિના પંડાલની સ્થાપના પૂજા કરશે…
આ એ સમયની વાત છે જયારે એક બાજુ ત્યાંની પે ચોક વાળી બજાર બંધ થઇ . બીજી બાજુ આ ભક્તોની માનતા પૂરી થઇ અને એમને લાલબાગ બજાર માટે એક સ્થાન મળ્યું. 12 સપ્ટેમ્બરે 1934માં અહીં સૌપ્ર્થમ સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના થઇ અને પછી તો ત્યારથી લઈને આજ સુધી મુંબઈમાં લાલબાગના રાજાનું સામ્રાજ્ય આ જ સ્થળે વિસ્તરી ગયું છે.
જોકે તે સમય ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો સમય હતો અને સાર્વજનિક ગણેશોત્સવ પણ એક રીતે અંગ્રેજો વિદ્ધ લડાઈ જ હતી. આ સાંસ્કૃતિક ઝુંબેશ દ્વારા આઝાદીના એક લડવૈયા બાળગંગાધર તિલકે તમામ સમુદાયના લોકોને અંગ્રેજો વિદ્ધ એકત્ર કર્યા પછી 1893માં પુણેમાં પહેલા આધુનિક ગણેશોત્સવનો આરંભ કર્યો હતો. જો કે આની ક્રમશ: શરૂઆત સાલ 1890માં જ થઇ ગઈ હતી. વાસ્તવમાં લાલબાગના રાજાના ગણેશ પંડાલની શરૂઆત પુણેના ગણેશ પંડાલની જેમ જ કરવામાં આવી હતી.`લાલબાગચા રાજા’ તરીકે ઓળખાતું આ પંડાલ ત્યારથી જ તેની પરંપરાને ધામધૂમથી જાળવી રહ્યું છે.
લાલબાગચા રાજામાં મુંબઈગરાઓને અખૂટ શ્રદ્ધા છે, કારણ કે આસ્થાળુઓની એવી દ્ર્ઢ માન્યતા છે કે કે તમે જો સાચા મનથી દર્શન કરી માનતા માનો તો તમારી મનોકામના અચૂક પૂરી થાય છે. તેથી જ ભક્તો શ્રદ્ધાપૂર્વક આને `નવસાચા ગણપતિ’ એટલે કે, વાંચ્છિક ઈચ્છા પૂરી કરવાવાળા ભગવાન ગણેશ કહે છે .
ગણેશોત્સવ દરમિયાન અહીં રોજ વીસેક લાખ લોકો દર્શન માટે આવે છે. લાલબાગના ગણેશની એવી આમાન્યા છે કે, ભલભલા ચમરબંધી વીવીઆઈપીએ કે પછી કોઈ સેલેબ્સે પણ અહીં બાપ્પાના દર્શન માટે ચાર ચાર કલાકો સુધી લાઈનમાં ઊભા રહે છે.
આ ગણેશ મંડળની તમામ વ્યવસ્થાની ઔપચારિક રીતે જવાબદારી કામ્બલી પરિવાર પર જ છે. 1935થી રત્નાકર કામ્બલીથી લઈને તેમના પુત્ર આ પારિવારિક પરંપરાને સંભાળે છે. અહીં સ્થાપિત થતી ગણેશ મૂર્તિનું નિર્માણ અને રક્ષાની જવાબદારી આ પરિવાર પેઢી દર પેઢી સંભાળે છે. લાલબાગચા રાજાનું પંડાલ એટલું ભવ્ય હોય છે કે જૂન મહિનાથી જ તૈયારીઓ ચાલુ થઇ જાય છે.
અહીં ભક્તોના દર્શન માટે બે કતાર હોય છે. એક. નવસાચી તરીકે ઓળખાતી લાઈનના ભક્તો મંચ પર જઈને ગણેશની પૂજા કરે છે અને ક્રમવાર દર્શન કરે છે. બીજી ` મુખ દર્શનની લાઈન’માં માત્ર દર્શન જ કરવા મળે છે. નવસાચી લાઈનમાં દર્શન કરવા માટે 25 થી 40 કલાકો પણ લાઈનમાં ઊભા રહેવું પડે છે.
આ પણ વાંચો…વાર-તહેવાર: બીજાથી કૃષ્ણ ન્યારો કેમ…?
લાલબાગના રાજા ગણેશની જે પ્રતિમા / અહીં સ્થાપિત કરવામાં આવે છે તે એક વિશિષ્ટ કદ-આકારની હોય છે. આ પ્રતિમાની રચના પરંપરાગત ગોળ મટોળ હોય છે, પરંતુ તાજેતરના વર્ષોમાં મૂર્તિ પસંદગીનું સૌંદર્ય શાસ્ત્ર થોડું બદલાયું છે. આ વિવિધ પ્રાચીન ગ્રંથો અનુસાર ઘણી ધાર્મિક આકૃતિઓ બનાવવામાં આવે છે, જેમાં અંતિમ સ્વરૂપમાં સ્થાપના માટે સૌથી અનોખા ધાર્મિક વિધિવાળા ભગવાન ગણેશની પસંદગી કરવામાં આવે છે. સિંહાસન પર બિરાજમાન એવા `ગણેશ બાલના રાજા’ તરીકે ઓળખાતા ગણેશજીની પંડાલ મૂર્તિ ખાસ કરીને સહેજ ઝુકેલી અને નરમ સ્મિત સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
એ વાતની ખાસ નોંધ લેવી કે આ વિશિષ્ટ ડિઝાઇનના કોપી રાઈટ છે. એ અનુસાર આ પ્રતિમા કોઈ પણ બીજા પંડાલવાળા બનાવીને સ્થાપિત પણ ન કરી શકે.
જોકે મુંબઈમાં ગણેશોત્સવ ચોમાસામાં જ આવે છે તેથી ચોમાસાના વરસાદમાં આ મૂર્તિનું રક્ષણ કરવું મુશ્કેલ થઇ જાય છે. તેથી જ આ પ્રતિમાના રંગ રોગાનનું ધ્યાન રાખવા માટે વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે .
2024માં અનંત અંબાણીએ લાલબાગચા રાજાને 20 કિલોનો સોનાનો મુકુટ ભેટ તરીકે આપ્યો હતો. અત્યાર સુધી લાલબાગચા રાજાને આપવામાં આવેલા વિવિધ પ્રકારના સોનાના દાગીના અને અન્ય ભેટો એક જ જગ્યાએ રાખવામાં આવે તો તેમની સંખ્યા ડઝનેક ટન સુધી પહોંચી ગઈ હોત.
લાલબાગચા રાજાની ‘આધ્યાત્મિક અને સામાજિક હાજરીનો પ્રભાવ એટલો વધારે હોય છે કે ગણેશોત્સવ દરમિયાન અહીંના વાતાવરણમાં એક ખાસ પ્રકારનો ભક્તિભાવ જોવા મળે છે. લાલબાગચા રાજા બધાને મન વિશેષ એટલા માટે છે કે, આ માત્ર એક ગણેશ ઉત્સવ નથી, પરંતુ આ એક વંશીય સમુદાયના સાંસ્કૃતિક વારસા, ભક્તિ, કલાત્મક સમર્પણ અને ઐતિહાસિક એકતાનું ઉદાહરણ છે.
આશરે 100 વર્ષથી કામ્બલી પરિવાર પૂરી આત્મીયતાથી આ ઉત્સવ સાથે જોડાયેલા છે.
ઘરમાં ગણપતિ સ્થાપિત કરતા પહેલા …..
ગણેશોત્સવ દર વર્ષે ભાદ્રપદ મહિનાંની શુક્લ પક્ષની ચતુર્થીને દિવસે ઉજવવામાં આવે છે. આમ તો પૂરા દેશમાં ગણેશોત્સવ મનાવવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રમાં આનો ઉત્સાહ કઈ અલગ જ હોય છે.
ખાસ કરીને ડાબી સૂંઢવાળા ગણપતિની પ્રતિમા લેવી જ શુભ માનવામાં આવે છે. જો તમે પહેલી વાર આ ઉત્સવ ઉજવી રહ્યા હોય તો બેઠી મૂર્તિ જ લેવી, જે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે… ભગવાન ગણેશની સ્થાપના ઈશાન ખૂણામાં જ કરવી અને પ્રતિમાને એ રીતે બિરાજમાન કરવી કે ભગવાનનું મુખ ઉત્તર દિશામાં રહે…
ગણપતિની સ્થાપના લાકડાના બાજોઠ પર કરવી.એ સૌથી પવિત્ર માનવામાં આવે છે. સૌ પ્રથમ લાકડાંના બાજોઠને ગંગા જળથી સ્વચ્છ કર્યા બાદ પાંચ દ્રવ્યોથી સાફ કરવો પછી તેની પર લાલ કપડું પાથરી ભગવાન ગણેશને સ્થાપિત કરવા…. પ્રતિમા પસંદ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે ભગવાન ગણેશનો હાથ આશીર્વાદ આપતી મુદ્રામાં હોય અને બીજા હાથમાં મોદક… આવી પ્રતિમાને સૌથી શુભ ગણવામાં આવે છે.
આ પણ વાંચો…વાર-તહેવાર: આત્માના આનંદમાં નિમગ્ન બનવાનું મહાપર્વ એટલે પર્યુષણ