મગજ મંથન: દામ્પત્ય એટલે પુરુષનાં કર્તૃત્વ ને સ્ત્રીનું સમર્પણ…

- વિઠ્ઠલ વઘાસિયા
દામ્પત્ય જીવન માનવીના જીવનનું અત્યંત મહત્ત્વનું અને સમજદારીભર્યું સંભારણું છે. લગ્ન માત્ર બે વ્યક્તિનું નહીં, પરંતુ બે હૃદય – બે વિચાર – બે સંસ્કૃતિ અને વિશેષત:
બે પરંપરાનું પણ મિલન છે. તેમાં ‘સમર્પણ’ અને ‘પ્રેમ’ એ બે આધારસ્તંભ છે, જેના આધાર પર સમગ્ર દામ્પત્ય રૂપી મહેલ મજબૂત અને સંતુલિત રીતે ઊભો રહે છે.
આજના યાંત્રિક યુગમાં, જ્યાં સંબંધ ઘણીવાર પળવારમાં જોડાય છે અને તૂટે છે એવા સમયે જીવનસાથી પ્રત્યેનો સંનિષ્ઠ પ્રેમ, સહકાર અને સમર્પણ વધુ અગત્યના બની રહે છે.
દામ્પત્ય જીવનમાં પ્રેમનો અર્થ માત્ર રોમેન્ટિક લાગણીઓ પૂરતો કરવાનો નથી. પ્રેમ એ સમજણ, સહાનુભૂતિ, વિશ્વાસ તથા એકમેકની ભૂલોને સ્વીકારી લેવાની સમજણ છે. પ્રેમ એટલે એકબીજાની ખુશી માટે પોતાના સ્વભાવ અને સ્વાર્થને પણ ક્યારેક બાજુ પર રાખી દેવાની ભાવના. જ્યારે દામ્પત્ય જીવનમાં પ્રેમ હોય ત્યારે ઝઘડા, મતભેદો અથવા મુશ્કેલીઓ આવવા છતાં સંબંધો તૂટતા નથી, પરંતુ વધુ મજબૂત બને છે. ફક્ત આનંદ અને સુખની પળોમાં જ નહીં, બલકે દુ:ખ અને સંઘર્ષના સમયમાં પણ જીવનસાથી હિંમત અને સાથ આપે છે.
દામ્પત્ય જીવનનું બીજું અગત્યનું અંગ છે : સમર્પણ. દામ્પત્ય એટલે પુરુષના કર્તૃત્વ અને સ્ત્રીના સમર્પણનું સુભગ મિલન. અહીં પુરુષ એ ગદ્ય છે તો સ્ત્રી એ પદ્ય છે. આ ગદ્ય-પદ્ય સંગ્રહનું નામ જ છે, જીવન. દામ્પત્ય જીવનમાં માત્ર ‘હું’ ને સ્થાન ન હોય બલકે ‘અમે’ જરૂરી છે. જીવનસાથીની લાગણીઓ સમજવાની, એને માન આપવાની અને જીવનના નિર્ણયો સાથે મળી લેવા એ સમર્પણની જ નિશાની છે. સમર્પણનો અર્થ ગુલામી નથી, પરંતુ ભરપૂર સહઅસ્તિત્વ છે.
તેમાં વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવતી નથી, પરંતુ સંબંધને પ્રાથમિકતા આપે છે.
દામ્પત્ય જીવનમાં વિશ્વાસનું મહત્ત્વ પણ અગત્યનું છે. વિશ્વાસ વગરનું દામ્પત્ય જીવન રેતીના મહેલ જેવું છે. બહારથી સુંદર દેખાય પણ અંદરથી ખોખલું અને નબળું હોય. એકબીજા પર વિશ્વાસ રાખવાથી મનમાં શંકા, અસુરક્ષા અને તણાવ ઊભો થતો નથી. વિશ્વાસ જીવનસાથીને સ્વતંત્રતા આપે છે અને આત્મવિશ્વાસ પણ આપે છે કે, મારો સાથી મારી સાથે છે. આ ભાવના દામ્પત્ય જીવનને મજબૂત બનાવે છે.
સમજણ શક્તિ પણ દામ્પત્ય જીવનમાં અત્યંત જરૂરી છે. દરેક માણસનો સ્વભાવ, પરિસ્થિતિઓ અને વિચારો અલગ હોય છે. તેથી મતભેદ સ્વાભાવિક છે, પરંતુ મતભેદ થતાં સંબંધ તોડવો કે કટુતા સર્જવી એ નબળાઈ છે. મતભેદને સમજણથી હલ કરવા અને ચર્ચા દ્વારા સુમેળ શોધવો એ દામ્પત્ય જીવનની પરિપક્વતા છે. જો બંને જીવનસાથી પોતાની ભાવનાઓ સ્પષ્ટપણે રજૂ કરે અને એકબીજાને સમજવાની કોશિશ કરે, તો સંબંધો વધારે ગાઢ બને છે.
દામ્પત્ય જીવનમાં સમય આપવાનું મહત્ત્વ પણ વિશેષ છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણીવાર માનસિક અંતર વધી જાય છે, પરંતુ અનુકૂળતા મુજબ ચા પીવા માટે કે જમવા માટે સાથે બેસવું, સાથે ચાલવા જવું, અથવા સાથે બેસી દિવસના અનુભવોની વાતો વાગોળવી. સંબંધમાં તાજગી રાખવા આ બધું જરૂરી છે.
કુટુંબમાં મોટાઓની ઉપસ્થિતિ અને બાળકોની જવાબદારી વચ્ચે ઘણીવાર દંપતી પોતાનો સંબંધ પાછળ મૂકતા હોય છે. જોકે યાદ રાખવું જોઈએ કે મજબૂત દામ્પત્ય સંબંધ જ મજબૂત પરિવારનું મૂળ છે. જો પતિ-પત્ની વચ્ચે પ્રેમ, સન્માન અને સમર્પણ હોય તો પરિવારના તમામ સભ્યોમાં સુમેળ, શાંતિ અને ખુશીનો માહોલ છવાય છે. બાળકો પણ આવા માહોલમાં માનસિક રીતે મજબૂત, સંવેદનશીલ અને પ્રેમાળ બને છે.
દામ્પત્ય જીવનમાં ક્ષમાની ભાવના અનિવાર્ય છે. ભૂલ કોઈથી પણ થઈ શકે. નાના મુદ્દાઓને વધારવાને બદલે ક્ષમા કરવાની અને ભૂલો ભૂલી આગળ વધવાની ભાવના સંબંધને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. જ્યાં ક્ષમા નથી, ત્યાં રોષ, દ્વેષ અને અંતર ઊભું થાય છે. જ્યાં ક્ષમા છે ત્યાં પ્રેમની નદી સતત વહેતી રહે છે.
આખરે, દામ્પત્ય જીવન એક યાત્રા છે – જેમાં સફર દરમિયાન ક્યારેક ખુશીની ક્ષણો મળે છે, ક્યારેક પડકારો મળે છે, તો વળી ક્યારેક પરીક્ષાની ઘડી આવે છે, પરંતુ જે દંપતી પરસ્પર વિશ્વાસ, પ્રેમ, સમર્પણ અને સમજણ સાથે આ યાત્રા કરે છે, તેમને જીવનમાં સાચં સુખ પ્રાપ્ત થાય છે. દામ્પત્ય જીવનમાં ‘હું કેવી રીતે વધારે લઈ શકું?’ ને બદલે ‘હું કેટલું વધારે આપી શકું?’ એવી ભાવના જરૂરી છે.
નિષ્કર્ષ:
દામ્પત્ય જીવનને સફળ બનાવવા માટે પ્રેમ, સમર્પણ, વિશ્વાસ, ક્ષમા અને સંવાદ સૌથી અગત્યનાં ઘટકો છે. જ્યારે પતિ-પત્ની એકબીજાનો હાથ ફક્ત જીવનની ખુશીમાં નહીં, પરંતુ મુશ્કેલ ક્ષણોમાં પણ છોડતા નથી, ત્યારે દામ્પત્ય સંબંધ અનંત બનતો જાય છે. પ્રેમને શબ્દો કરતાં વર્તનમાં વધુ જીવાય, એ જ સાચું દામ્પત્ય છે. જીવનસાથી પ્રત્યેનું સમર્પણ અને પ્રેમ એ માત્ર દામ્પત્યનું આભૂષણ નહીં, પરંતુ એની જીવનરેખા છે.
આપણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ



