એકબીજાના પતંગ કાપી નાખવાની `રમત’માં મશગૂલ છે અનેક દેશ…

સિક્કાની ત્રીજી બાજુઃ જયવંત પંડ્યા
આજે ઉત્તરાયણ છે. અમેરિકાએ વેનેઝુએલાની અંદર જઈને તેના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોનો પતંગ ઝૂંટવી લીધો. આવી દાદાગીરીભરી ચેષ્ટાથી સમગ્ર વિશ્વ અમેરિકાના બાહુબળ આગળ નતમસ્તક છે. સ્તબ્ધ છે. અમેરિકાએ વિશ્વભરમાં એવો માંઝો બિછાવેલો છે કે તેને તોડવો કોઈ પણ દેશ માટે અઘરો છે. એક તો અમેરિકા સૈન્ય અને આર્થિક રીતે મહાસત્તા છે, એની સાથે તેની પાસે પરમાણુ શક્તિ છે. ત્રીજું, તેની પાસે `નાટો’ અર્થાત્ ઉત્તર એટલાન્ટિક સંધિ હેઠળ 32 દેશોનું પીઠબળ છે.
અમેરિકા પર કોઈ પણ દેશ આક્રમણ કરે તો આ 31 દેશો અમેરિકા સાથે મળીને તે દેશ પર તૂટી પડે. ચોથું, તે ઇરાન હોય કે બાંગ્લાદેશ, પાકિસ્તાન હોય કે સીરિયા, દરેક દેશમાં આંતરિક વિદ્રોહ વિગ્રહ કરાવીને પ્રતિકૂળ શાસકોને ઊથલાવવાનું સામર્થ્ય ધરાવે છે. તેની પાસે મીડિયા, હોલિવૂડની, ઑસ્કાર-નોબેલ-મેગ્સેસે-પુલિત્ઝર, જેવાં પારિતોષિકો, હાર્વર્ડ વિશ્વ વિદ્યાલય, બીજા દેશોમાં સળીઓ કરતી એનજીઓ વગેરેનો સોફ્ટ પાવર પણ છે.
આની સામે બ્રિક્સ, એસસીઓ, આસિયાન વગેરે અનેક સંગઠનો હોવા છતાં રશિયા, ચીન, ભારત, ઈરાને મૂંગામંતર બનીને અમેરિકાને પતંગ કાપતા, લૂંટતા જોવા સિવાય કંઈ કરવાનું નથી. તેમની વચ્ચે એકતા નથી. ઉલટું, તેઓ અંદરોઅંદર પેચ લડાવ્યા કરે છે. અમેરિકાએ તેમને અંદરોઅંદર પેચ લડાવતા રાખ્યા છે અને આ દેશોના વડાઓ પણ પોતાના દેશની અંદર પ્રભુત્ત્વ બતાવવા અમેરિકાના બદલે પડોશી દેશોની સામે આંખના ડોળા બતાવ્યા કરે છે.
બીજી તરફ, એક વાર દેશો વચ્ચે (અથવા રાષ્ટ્રપ્રમુખો વચ્ચે) કડવાશ, ખટાશ, તીખાશ એવા મોઢાં બગાડે તેવા સ્વાદ આવી જાય એટલે યુદ્ધ અવશ્યંભાવિ થઈ જાય છે. ઘણી વાર ચૂંટણી જીતવા પણ થતું હોય છે. અમેરિકામાં હવે મધ્યવર્તી ચૂંટણી આવવાની છે.
વેનેઝુએલાનો પતંગ કાપી લીધા પછી ટ્રમ્પભાઈને હવે ગ્રીનલેન્ડ નામનો પતંગ લૂટી લેવો છે, પરંતુ વેનેઝુએલા જેટલો આ કાચો દોરો નથી, કારણકે તે યુરોપે પાયેલો છે. સીરિયામાં પણ અમેરિકા આઈએસઆઈએસનાં સ્થાનો પર દોરીની ઘીચપીચ કરી હાથની ખંજવાળ મટાડે છે.
માત્ર અમેરિકાને જ બીજા દેશોના પતંગ કાપવાની રમત સૂજી છે તેવું નથી. પાકિસ્તાનનો પતંગ ભારતીય સેનાના હાથે અનેક વાર કપાઈ ચૂક્યો છે તોય ભારત સાથે જ તેને પેચ લેવા છે. આ વખતે તેણે બાંગ્લાદેશને પણ વચ્ચે લંગર નાખવા ઉશ્કેર્યું છે. બાંગ્લાદેશમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ થાય છે. ભારતનું નાક, વિશેષ કરીને સત્તાધારી ભાજપનું નાક દબાવવા હિન્દુઓની હત્યાઓ, બળાત્કાર, ઘરને આગ વગેરે ઘટનાઓ થાય છે.
બીજી તરફ, પાકિસ્તાન પણ જમ્મુ-કાશ્મીર સીમાએ કંઈ ને કંઈ અળવીતરા કરે રાખે છે તો આ તરફ, ચીન પેંગોંગ તળાવ પાસે સૈન્ય માળખું નિર્માણ કરી રહ્યું છે તેવી ઉપગ્રહ દ્વારા ઝડપેલી છબિઓ સામે આવી છે. આ બધા વચ્ચે ઇઝરાયલ અને હમાસ, ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે બથંબથી ચાલુ જ છે ત્યાં હમાસના ત્રાસવાદી નેતાઓ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ- તૈયબાના આતંકવાદીઓને મળવા આવી ગયા. હવે જે નવા-જૂની થાય તે ખરી.
ઇઝરાયલે સામેથી ભારતને કહ્યું છે કે હમાસને ત્રાસવાદી સંગઠન જાહેર કરો… નાઇજીરિયામાં મુસ્લિમ સંગઠન `બોકો હરામ’ ખ્રિસ્તીઓને લક્ષ્ય બનાવી હિંસા કરે છે, તેથી ટ્રમ્પ દાદાના નિશાન પર નાઇજીરિયા પણ છે. સુદાનમાં 2023થી ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે.
ઈરાનમાં કટ્ટરવાદી સર્વોચ્ચ નેતા અલી ખામેની વિરુદ્ધ લોકો વિદ્રોહ કરી રહ્યા છે. પોતાનો આગવો વિદ્રોહ વ્યકત કરવા ત્યાંની મહિલાઓ ખામેનીની તસવીર બાળીને તેમાંથી સિગારેટ સળગાવી રહી છે અને બુરખા ઉતારી ટૂંકાં કપડાંમાં વીડિયો શૂટ કરી રહી છે. ત્યાં આ આંતર વિગ્રહમાં સાડા પાંચસો જેટલા લોકોનાં મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે
ઇતિહાસમાં પ્રથમ વાર સાઉદી અરેબિયા અને યુએઇ યમનમાં લડી રહેલાં જૂથોના મુદ્દે સામસામે આવ્યા છે. ત્યાં પહેલાં તો સાઉદી અરેબિયા અને યુએઇ હમ સાથ સાથ હૈ' વાળી સ્થિતિમાં હતા, પણ હવેહમ આપ કે હૈ કૌન?’ વાળી સ્થિતિમાં છે. યુએઇ વિદ્રોહી જૂથ સાઉધર્ન ટ્રાન્સિશનલ કાઉન્સિલને ટેકો આપે છે. જ્યારે સાઉદી ત્યાં આંતરરાષ્ટ્રીય રીતે જે સરકારને માન્યતા મળી છે તેને ટેકો આપે છે. સાઉદીએ તાજેતરમાં યુએઇએ જ્યાં શસ્ત્રો સાથેનું જહાજ મોકલ્યું હતું તે મુકલ્લા પટનમ (બંદરગાહ) પર બોમ્બમારો કર્યો. આથી હવે સુન્ની દેશો વચ્ચેય તડાં પડ્યાં છે.
આપણે એ પણ ન ભૂલીએ કે યુક્રેઇન અને રશિયાએ તો શિંગડાં ભરાવેલાં જ છે ત્યાં ઉત્તર એટલાન્ટિકમાં રશિયાના ઑઇલ જહાજને અમેરિકાએ પકડી લીધું. એક મોરચો અમેરિકા અને ફ્રાન્સ વચ્ચે પણ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યૂએલ મેક્રોં વચ્ચે જરાય બનતું નથી. તાજેતરમાં જ ટ્રમ્પે એવી મશ્કરી કરી કે જ્યારે અમેરિકાએ ફ્રાન્સને સીમા શુલ્કની ધમકી આપીને ઔષધિઓ (દવા)ના ભાવ ત્રણ ગણા વધારવા દબાણ કર્યું ત્યારે મેક્રોંએ ટ્રમ્પને યાચના કરી હતી કે `ડોનલ્ડ, હું તમને આજીજી કરૂ છું. હું દવાના ભાવ વધારી દઈશ પરંતુ આ વાત જનતાને નહીં કહેતા.’
આ બધાના લીધે ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચા તો બહુ છે, પરંતુ શક્યતા ઓછી છે. અમેરિકાની સાથે ઇઝરાયલ પણ છે. આ બંનેનો માંઝો પાકો છે. વળી, અમેરિકા સાથે અન્ય ત્રીસ દેશોની `નાટો’ હેઠળ સંધિ છે. આથી અમેરિકા પર આક્રમણ એટલે યુરોપ પર આક્રમણ. એટલે વિશ્વએ તો મૂંગા મોંએ તાલ જ જોવાનો છે.
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા!



