મગજ મંથન : પાંચ વર્ષ સુધીના બાળકને અનુશાસનમાંથી મુકત રાખો…

- વિઠ્ઠલ વઘાસિયા
ભારતની શિક્ષણ પરંપરા વિશ્વમાં સૌથી પ્રાચીન છે. ન માત્ર પ્રાચીન, તે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પણ છે. આટલી પ્રાચીન શિક્ષણ પરંપરામાં બાલ શિક્ષણના સંદર્ભમાં એક વાત ખાસ ધ્યાન દેવા જેવી છે. એ છે બાળકને શાળામાં બેસાડવાની ઉંમર. ભૂતકાળમાં વિદ્યાલયમાં વિદ્યાભ્યાસ માટે પ્રવેશની ઉંમર ક્યાંક સાત વર્ષની હતી, તો ક્યાંક છ વર્ષની હતી. કોઈપણ પરિસ્થિતિમાં પાંચ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોનો વિદ્યાલયમાં પ્રવેશ થતો ન હતો.
કોઈપણ પરિસ્થિતિમાં બાળકને પાંચ વર્ષની ઉંમર સુધી માતા-પિતા કે ઘરથી દૂર કરવું જોઈએ નહીં. પાંચ વર્ષ સુધીના બાળકને કોઈ અનુશાસનમાં બાંધવું જોઈએ નહીં. જ્યારે આપણે અઢી ત્રણ વર્ષના બાળકને મોન્ટેસરી, નર્સરી કે કે.જી.ના નામે વિદ્યાલયમાં મોકલીએ છીએ. ત્યાં તો પાઠ્યક્રમ લાગુ કરી દેવામાં આવે છે. સ્કૂલ બેગ, પુસ્તકો, ગૃહકાર્ય, પરીક્ષા વગેરે લાગુ પડી જાય છે. એનો સીધો અર્થ એ થાય કે આપણે બાળકને સમયથી બે ત્રણ વર્ષ વહેલું ભણાવવાનું શરૂ કરાવીને એને એક પ્રકારના બંધનમાં ‘કેદ’ કરી લઈએ છીએ.
જો કે નવી શિક્ષણ નીતિ – 2020 મુજબ હવે છ વર્ષની ઉંમરનું બાળક જ પહેલાં ધોરણમાં પ્રવેશ પાત્ર બનવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉંમરના ત્રણ તબક્કા છે. ગર્ભાવસ્થાથી પાંચ વર્ષની ઉંમર સુધીનો પહેલો તબક્કો, છ થી પંદર વર્ષ સુધીનો બીજો તબક્કો અને સોળ વર્ષથી જીવનના અંત સુધીનો ત્રીજો તબક્કો. આ ત્રણેય તબક્કા જીવન વિકાસની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાના આધાર પર નક્કી કરવામાં આવ્યા છે. ગર્ભાવસ્થાથી પાંચ વર્ષની ઉંમર સુધીમાં સંસ્કાર ગ્રહણ ક્ષમતા સૌથી વધુ હોય છે. આ વાત સાથે ભારતીય અને પાશ્ર્ચાત્ય તમામ મનોવૈજ્ઞાનિકો સંમત છે. ક્યાંક ક્યાંક આ ઉંમર છ વર્ષની પણ બતાવવામાં આવે છે. પાંચ વર્ષ પૂરાં થયા પછી બુદ્ધિનો વિકાસ શરૂ થાય છે અને પંદર વર્ષ પૂરાં થતાં થતાં બુદ્ધિની ક્ષમતા પણ પૂરી થઈ જાય છે. એનાથી આગળ બુદ્ધિ વિકાસ થતો નથી. તેના પછી જે પણ બુદ્ધિ વધે છે તે અનુભવ અને કાર્યના માધ્યમથી જ વધે છે.
પાંચ વર્ષની ઉંમર સુધી વિકાસનું માધ્યમ સંસ્કાર છે. પંદર વર્ષની ઉંમર સુધી વિકાસનું માધ્યમ શિક્ષણ છે અને સોળ વર્ષની ઉંમરથી આગળ વિકાસનું માધ્યમ સ્વાધ્યાય છે. યોગની ભાષામાં જો કહેવામાં આવે તો પાંચ વર્ષની ઉંમર સુધી વિકાસ પ્રક્રિયાનું અધિષ્ઠાન ‘ચિત્ત’ છે, પંદર વર્ષની ઉંમર સુધી ‘મન’ અને સોળ વર્ષથી આગળ વિકાસની પ્રક્રિયાનું અધિષ્ઠાન ‘બુદ્ધિ’ છે. આપણે સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થાને આ મૂળભૂત વાતો સાથે જોડવી જોઈએ. આ સંદર્ભમાં આપણે શિક્ષણ વ્યવસ્થાનું વિભાજન કરવું જોઈએ. પાંચ વર્ષની ઉંમર સુધી ઘરમાં માતા-પિતા દ્વારા સંસ્કાર મેળવે, છથી પંદર વર્ષ સુધી આચાર્ય દ્વારા વિદ્યાલયમાં શિક્ષણ મેળવે અને સોળ વર્ષથી આગળ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સ્વતંત્ર શિક્ષણ મેળવે.
આપણા પૂર્વજો અને મહાપુરુષો આપણા પ્રેરણા સ્ત્રોત છે, એ પણ શિશુ અવસ્થાના શિક્ષણનો એક ભાગ છે. આ જ નૈતિક શિક્ષણ છે. એનાથી ચરિત્ર નિર્માણ થશે. બાળકને જે જે માધ્યમથી પ્રેરણા આપીએ, અનુભવ કરાવીએ છીએ એ આનંદદાયક હોવા જોઈએ. આ દૃષ્ટિએ ખેલ, ગીત, વાતો વગેરે ખૂબ જરૂરી છે. બાળકોને રમવામાં, ગાવામાં, નાચવા – કૂદવામાં, પાણીમાં પલળવામાં, ઘાસ કે રેતીમાં આળોટવામાં, વાતો સાંભળવામાં, સંગીત સાંભળવામાં અને મોટાઓનું અનુકરણ કરવામાં ખૂબ જ આનંદ આવે છે. અલબત્ત, આ બધાં સંસ્કારનાં આડકતરાં પણ જરૂરી માધ્યમ છે.
સંસ્કાર પ્રક્રિયામાં સૌથી વધુ અનુભવ અને પ્રેરણાનું મહત્ત્વ છે. બાળકને રંગના નામ યાદ ન રહે તો ચિંતાની વાત નથી. આંખોને વિવિધ પ્રકારના રંગ, રંગની રચના, રંગનું સમાયોજન વગેરે દેખાવું જોઈએ. ગીતના શબ્દો યાદ ના રહે તો ચિંતા નથી. તથ્ય યાદ ન રહે તો પણ ચિંતા નથી, પરંતુ ગીતનો ભાવ અને સ્વર અંદર ઊતરવા જોઈએ. પાણીમાં લાકડાં તરે છે અને લોખંડ ડૂબી જાય છે, એ જોવું જરૂરી છે. અર્થાત પોતાની ચારે બાજુની સૃષ્ટિનો અનુભવ કરવો,
તેમની સાથે તાદાત્મ્ય સાધવું, આનંદથી પુલકિત થઈ જવું, બધા તરફથી પ્રેમની વર્ષા થઈ રહી છે, એનો અનુભવ કરવો એ જ તેના અંત:કરણને સમૃદ્ધ કરવાનો એક માત્ર સચોટ ઉપાય છે.
આપણ વાંચો : મગજ મંથન : જેવું શિક્ષણ એવું બને પ્રત્યેક બાળક…