મગજ મંથનઃ જીવનને ઘડતી શક્તિશાળી તાકાત છે બિલીવ સિસ્ટમ…

વિઠ્ઠલ વઘાસિયા
આજે આપણે એક નવો જ વિષય લઈએ. એ વિષય છે બિલીવ સિસ્ટમ અર્થાત્ માન્યતા વિશે…
‘બિલીવ સિસ્ટમ’ એટલે આપણી અંદર રહેલા એવા વિચારો અને માન્યતાઓનું જાળું, જે આપણી દરેક ક્રિયા અને પ્રતિક્રિયાનું મૂળ બને છે. આપણી માન્યતા જ આપણા જીવનની દિશા નક્કી કરે છે, જે માણસના જીવનને સફળ કે નિષ્ફળ બનાવી શકે છે. જે આપણું વિચારવાનું, વર્તવાનું અને જીવન જીવવાનું નિર્ધારિત કરે છે – તે છે ‘બિલીવ સિસ્ટમ’, અર્થાત્ માન્યતાનું તંત્ર.
બીજા શબ્દોમાં કહીએ તો બિલીવ સિસ્ટમ એટલે માણસના જીવનનો આધારસ્તંભ. તે આપણા નિર્ણય અને સંબંધો ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. જો બિલીવ સિસ્ટમ સકારાત્મક, તર્કસંગત અને પ્રગતિશીલ હોય તો જીવન ઉજ્જવળ બને છે, પરંતુ જો તે અંધશ્રદ્ધા, ખોટી માન્યતા અને ભય પર આધારિત હોય તો વ્યક્તિ અને સમાજ બંનેને નુકસાન કરે છે. આથી આપણી બિલીવ સિસ્ટમને સમયાંતરે તપાસતાં – સુધારતાં રહી આધુનિક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ.
બિલીવ સિસ્ટમ એટલે વ્યક્તિ કે સમાજનો વિશ્વાસ, મૂલ્યો, માન્યતાઓ અને વિચારસરણીનો એક સમૂહ. સાદી ભાષામાં કહીએ તો, ‘માણસ જે રીતે દુનિયાને જુએ છે અને તેના આધારે જે રીતે વર્તે છે, તે બધું તેની બિલીવ સિસ્ટમ પર આધારિત છે.’ બિલીવ સિસ્ટમ જીવનને ઘડતી શક્તિશાળી તાકાત છે. માણસે સકારાત્મક વિચારસરણી, તર્કશક્તિ, શિક્ષણ, આત્મજાગૃતિ અને આધ્યાત્મિક શાંતિ અપનાવી હોય તો ખોટી માન્યતામાંથી મુક્ત રહેવું જોઈએ. સાચી બિલીવ સિસ્ટમ માણસને સફળ, આનંદમય અને પ્રગતિશીલ જીવન તરફ દોરી જાય છે.
બિલીવ સિસ્ટમ એક શક્તિશાળી સાધન છે. જો તે સકારાત્મક અને તર્કસંગત હોય તો જીવનને ઊંચાઈ સુધી લઈ જાય છે, પરંતુ જો તે નકારાત્મક હોય તો વ્યક્તિ અને સમાજ બંનેને પછાડે છે. આથી આપણે પોતાની માન્યતાઓની ચકાસણી કરી, સુધારણા કરી અને આધુનિકતાને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ.
માનવજીવન મૂલ્યો, વિચારસરણી અને માન્યતાઓના આધાર પર આગળ વધે છે. દરેક વ્યક્તિના વિચાર, નિર્ણય અને વર્તન પાછળ તેની બિલીવ સિસ્ટમ કાર્યરત હોય છે. દરેક માણસ પોતાના જીવનમાં જે મૂલ્યો, વિચારો, માન્યતાઓ અને અનુભવોથી પ્રેરિત બને છે તે તેની બિલીવ સિસ્ટમ કહેવાય. આમાં ધાર્મિક માન્યતાઓ, સામાજિક નિયમો, વ્યક્તિગત વિચારધારા અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ સામેલ છે.
જો કોઈ વ્યક્તિ માને કે ‘હું ગણિતમાં નબળો છું’, તો એ વિચાર તેને પ્રયત્ન કરવાથી અટકાવે છે. હા, જો એ જ વ્યક્તિ માને કે, ‘હું સતત પ્રયત્ન કરું તો બધું શીખી શકું છું,’ તો તે સફળતા સુધી પહોંચી જાય છે. આજ રીતે કોઈ ખેલાડી માને કે, ‘હું જીતી શકું છું’, તો તેની અંદર એ જ માન્યતા ઊર્જા બનીને કાર્ય કરે છે. આ જ છે બિલીવ સિસ્ટમની અદૃશ્ય પણ અદ્ભુત શક્તિ. કોઈ પણ વ્યક્તિના નિર્ણયો, વર્તણૂક, સંબંધો અને લક્ષ્યો તેની બિલીવ સિસ્ટમથી પ્રભાવિત થાય છે.
- બિલીવ સિસ્ટમની કેટલીક સકારાત્મક અસર:
- આત્મવિશ્વાસમાં વધારો:
જ્યારે વ્યક્તિ માને છે કે ‘હું કરી શકું છું’, ત્યારે તે અડચણોને અવરોધ નહીં પણ અવસર તરીકે જુએ છે. આત્મવિશ્વાસ એ દરેક સફળતાનું પ્રથમ પગથિયું છે.
- લક્ષ્ય પ્રાપ્તિમાં સહાયરૂપ:
સકારાત્મક માન્યતા માણસને પોતાના સપનાને હકીકત બનાવવા પ્રેરિત કરે છે. એ માન્યતા તેને સતત પ્રયત્નશીલ રાખે છે.
*સકારાત્મક સંબંધોનું નિર્માણ:
હકારાત્મક માન્યતા ધરાવતો માણસ અન્ય લોકોમાં સારા ગુણો જુએ છે, તેના કારણે સંબંધો પ્રેમભર્યા બને છે.
- મૂલ્યો અને નૈતિકતાનું સંરક્ષણ: સાચી બિલીવ સિસ્ટમ માણસને સત્ય, અહિંસા, ઈમાનદારી જેવાં મૂલ્યો તરફ દોરી જાય છે.
- માનસિક શાંતિ અને સંતુલન: ધાર્મિક, આધ્યાત્મિક કે માનસિક સકારાત્મક માન્યતાઓ તણાવ ઘટાડે છે અને જીવનમાં શાંતિ આપે છે.
- સમાજમાં એકતા અને સહકાર:
સામાન્ય મૂલ્યો ધરાવતી માન્યતાઓ સમાજમાં ભાઈચારો, વિશ્વાસ અને સહકાર લાવે છે.
હવે આગળ જતાં વાત કરીશુ બિલીવ સિસ્ટમની નકારાત્મક અસર વિશે….



