અજબ ગજબની દુનિયા!: જીવન ચલને કા નામ, શીખતે રહો સુબહ-ઓ-શામ | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા!: જીવન ચલને કા નામ, શીખતે રહો સુબહ-ઓ-શામ

હેન્રી શાસ્ત્રી

નિયમિતપણે ચાલવાથી શરીરને તાજગી મળે છે અને તંદુરસ્તી જળવાય છે એ સર્વ વિદિત છે. એ પણ ખરું કે વોકિગ તાણમુક્ત-ચિંતામુક્ત કરે છે અને મન મોજમાં રહે છે. દુનિયા કરતા એક કદમ આગળ ચાલી રહેલા ચીનમાં એક પિતાશ્રીએ તો સંતાનોને ખાસ્સું ચલાવી જીવનના કેટલાક પાઠ પણ ભણાવી શારીરિક-માનસિક સાથે વૈચારિક તંદુરસ્તી આપી.

મિસ્ટર વુ નામના ચીની ગૃહસ્થ ડ્રાઈવિંગ સ્કૂલના કામમાં અતિ વ્યસ્ત રહેતા હોવાથી પોતાના બંને બાળકો સાથે ઝાઝો સમય નહોતા રહી શકતા. બાળકો માટે `એટીએમ’ મશીન ન બની રહેવામાં માનતા આ ડેડી 17 જુલાઈએ 10 વર્ષની દીકરી અને 8 વર્ષના દીકરાને લઈ પગપાળા નીકળ્યા. માત્ર સીધી સડક ચાલવાને બદલે ક્યાંક ટે્રકિગ પણ કર્યું.

31 દિવસમાં 800 કિલોમીટર ચરણ ચાલી કાપ્યા પછી 17 ઓગસ્ટે એમની બે પગની યાત્રા પૂરી થઈ. તન – મનની સ્વસ્થતા સાથે પિતાશ્રીએ સંતાનોને જીવનના કેટલાક પાઠ પણ ભણાવ્યા, જે વિશેષ મહત્ત્વ ધરાવે છે. પદયાત્રા દરમિયાન બાપુજીએ ખભે 10 કિલો વજનની બેકપેક ઉપાડ્યો હતો અને બંને બાળકોએ પાંચ-પાંચ કિલો ભાર ઉપાડ્યો.

દરરોજ 23 કિલોમીટર ચાલવાનું અને બાળકોને થાક લાગે તો પોતે `પિતાશ્રી કરતાં વધુ સ્ટ્રોંગ છે’ એવું કહી એમને પ્રોત્સાહિત કરતા અને એને પગલે પગમાં જોર આવી જતું. આ ઉપરાંત, જીવનમાં પૈસાનું મહત્ત્વ સમજાવવા બાળકો માટે દૈનિક ખર્ચની મર્યાદા નક્કી કરી. જો ખર્ચ વધી જાય તો એ તફાવત પોકેટમનીમાંથી ડેડીને આપી દેવાનો. આવા જીવન પાઠ ધરાવતી સફર પૂરી થઈ ત્યારે બાળકોમાં પોઝિટિવ બદલાવ આવ્યો હોવાની લાગણી માતા-પિતાએ અનુભવી.જોયું, ચાલવાના કેવા કેવા ફાયદા છે?!

આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા! તૂ જહાં જહાં ચલેગા, તેરા ઘેટાં સાથ હોગા…

પંખાના વાયર જોડતા દિલના તાર જોડાઈ ગયા

પહેલી નજરમાં પ્રેમ થઈ જાય, ભાઈના લગ્નમાં ભાભીની ફ્રેન્ડ સાથે ઈશ્ક થઈ જાય તો કોલેજના ભણતર દરમિયાન પ્રેમના મિનારાનું ચણતર થાય. જોકે, સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તો ફેન રિપેર કરવા ગયેલો ઈલેક્ટ્રિશિયન પંખાના વાયરનું કનેક્શન કરતાં કરતાં દિલના તાર જોડી બેઠો. થયું એવું કે પંખો હવા ફેંકવાની જવાબદારી નહોતો નિભાવી રહ્યો એટલે ઘરમાં રહેતી તરૂણીએ ફોન કરી ઈલેક્ટ્રિશિયનને પંખો રિપેર કરવા બોલાવ્યો.

કારીગર કાબેલ હતો એટલે પંખામાં રહેલી ખામી બહુ જલદી શોધી કાઢી. નવા વાયર જોડ્યા અને ફેન સરસ મજાનો પવન ફેંકતો થઈ ગયો. આ તરફ અજાણતા યુવતીના દિલના તાર ઇલેક્ટ્રિશિયન સાથે જોડાઈ ગયા. કામ પતાવી કારીગર મહેનતાણું લઈ દુકાને જવા નીકળી રહ્યો હતો ત્યારે યુવતીએ ફરી કોઈ સમસ્યા થાય તો સંપર્ક કરી શકાય એ માટે એનું વિઝિટિગ કાર્ડ માગી લીધું.

પંખો ચાલુ કરતા જ યુવતીને પંખાવાળો (ઈલેક્ટ્રિશિયન) યાદ આવી જતો અને હૈયું કાબૂમાં ન રહેતા યુવતી ફોન કરી યુવકને ઘરે બોલાવતી રહેતી હતી. આંટાફેરાનું રૂપાંતર પ્રેમમાંથી સપ્તપદીના ફેરામાં થયું અને આ વાત આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ. અનેક યુવકો ઈલેક્ટ્રિશિયન બની રિપેરિગના બહાને પોતાની પેર બને -જોડી જામે એ માટે ઈલેક્ટ્રિશિયનનું કામ શીખવા ઉત્સુક જોવા મળી રહ્યા છે.

શિકાર શિકારીને હણશે…

સિંહ હરણનો શિકાર કરે, બિલાડી ઉંદર પર તરાપ મારે કે પોલર બેર સીલને સ્વાહા કરી જાય… ટૂંકમાં મોટી માછલી નાની માછલીને ગળી જાય એ નિસર્ગનો નિયમ છે.

અલબત્ત, પ્રકૃતિ વિરુદ્ધ પણ કશુંક છાશવારે બનતું હોય છે. શિકાર શિકારીને હણવા નીકળે એવાં અલાયદા ઉદાહરણો પૈકી એક યુએસના ફ્લોરિડામાં જોવા મળવાનું છે. ફ્લોરિડામાં અજગરનો બહુ ત્રાસ છે. આ પ્રાણી માનવ વસાહત નહીં, પણ એવરગ્લેડ્સ નેશનલ પાર્ક’માં મોટી સંખ્યામાં નાનકડા સસ્તન પ્રાણીઓ અને હજારોની સંખ્યામાં પક્ષીઓને ઓહિયા કરી જાય છે. અજગરના આતંકથી મુક્ત થવાસાઉથ ફ્લોરિડા વોટર મેનેજમેન્ટ ડિસ્ટ્રિક્ટ’ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવે છે,

જેમાં સૌથી વધુ અજગર પકડનારને રોકડ ઈનામ આપવામાં આવે છે. જુલાઈ મહિનામાં 30 રાજ્યના 934 જાંબાઝોને 294 અજગર પકડી પાડવામાં સફળતા મળી હતી. જોકે, અજગરની વસતિ જે રીતે વધી રહી છે એ જોતા આ પ્રયત્નો ટૂંકા પડતા હોવાથી ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા મોટી સંખ્યામાં અજગરને બંદીવાન બનાવવા 120 રોબોટ રેબિટ (યાંત્રિક સસલાં) પાર્કમાં છુટ્ટા મૂકવામાં આવશે.

સસલાં અજગરનો પ્રિય ખોરાક છે અને અજગર નજીકમાં છે એવી જાણ થતાં રિમોટથી ચાલતા આ યાંત્રિક સસલાં ઉષ્ણતા અને એક વિશિષ્ટ પ્રકારની ગંધ વાતાવરણમાં છોડવામાં આવશે. એનાથી આકર્ષાઈ અજગર રોબોટ રેબિટ નજીક આવતાની સાથે દેખરેખ કરી રહેલી ટીમનો સભ્ય આવી અજગરને ઝડપી લેશે. આ પ્રયાસથી મોટી સંખ્યામાં અજગરોને પકડવામાં સફળતા મળશે એવી ધારણા છે.

આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા

સમસ્યાનું સમસ્યાને નોતરું

આજકાલ ચીનને બાસ્કેટબોલ અને ફૂટબોલનું ભલે ઘેલું લાગ્યું હોય, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન આ દેશના સૌથી પ્રિય ખેલ રહ્યા છે. બંને રમતમાં ચીને વિશ્વમાં ડંકો વગાડ્યો છે. જોકે, તાજેતરના સમયમાં બેડમિન્ટન ખેલાડીઓ એક અનોખી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ભાવમાં અચાનક ઉછાળો આવવાને કારણે શટલકોકના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. આની સીધી અસર સમસ્ત વિશ્વના બેડમિન્ટન શોખીનો માટેના પુરવઠાને પહોંચી છે. શટલકોક તૈયાર કરવા બતક અને હંસના પીંછા વપરાય છે.

એક ઉત્તમ ગુણવત્તા ધરાવતા કોકમાં 16 ચુનંદા પીંછાનો ઉપયોગ કરવામાં આવે છે. એક શટલકોક બનાવવા બે પક્ષીના પીંછાનો ખપ પડે છે. તાજેતરમાં બતક અને હંસના ઉછેરમાં ઓટ આવી હોવાથી શટલકોકનાં ઉત્પાદનમાં ઘટ આવી છે. ઉત્પાદન ઘટે એટલે ભાવ વધે એ અર્થશાસ્ત્રનો નિયમ છે. આમ એક સમસ્યાએ બીજી સમસ્યાને નોતં આપ્યું છે. અલબત્ત, જરૂરિયાત સંશોધનને ઉત્તેજન આપે છે એ ન્યાયે સમસ્યાનો ઉકેલ મેળવવા ચીનમાં સિન્થેટિક શટલકોકનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. પ્રાયોગિક ધોરણે રમતમાં એનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.

લ્યો કરો વાત!

જાપાન અત્યારે સમાચારમાં એ માટે ઝળકી રહ્યું છે કે વડા પ્રધાનની ટોક્યો મુલાકાત બાદ ભારતમાં 68 અબજ ડૉલરનું રોકાણ કરવાની જાપાને તત્પરતા દેખાડી છે. જોકે, ઉગતા સૂર્યનો આ દેશ અન્ય એક કારણસર પણ ચર્ચાના ચોતરે ચડ્યો છે. ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર જાપાનમાં હાલ પ્રેગ્નન્સી ફ્રોડ’એ માઝા મૂકી છે. આ અનોખી છેતરપિંડીમાં કોઈ પુરુષ સાથે અંતરંગ સંબંધ ધરાવતી મહિલા, સંબંધ પર પૂર્ણવિરામ આવી ગયા પછી એની સાથેના સાહચર્યને કારણે પ્રેગ્નન્ટ હોવાનું નાટક કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે. સ્કેમર સ્ત્રી પુરુષ મિત્રને ગર્ભવતીના પુરાવા આપતા અલ્ટ્રાસાઉન્ડ ફોટોગ્રાફ્સ (સાઉન્ડ વેવથી બાળકની ઈમેજ તૈયાર કરવી) તેમજ પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટના રિઝલ્ટ મોકલી આપે છે.! સમાજમાં પોતાની છબી ન ખરડાય એ ભયથી કેટલાક પુરુષપ્રેગ્નન્સી ફ્રોડ’માં ફસાય છે અને પૈસા ચૂકવી મુક્ત થવાની કોશિશ કરે છે.

આ પણ વાંચો…અજબ ગજબની દુનિયા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button