ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… : તમને માફ કરતા ન આવડે તો લેટ ગો કરતાં શીખો

દેવલ શાસ્ત્રી

જીવનમાં ક્યારેક એવી પળો આવે છે જ્યારે કોઈ વ્યક્તિનું વર્તન આપણને દુ:ખ પહોંચાડે છે. એનો દગો, અપમાન કે અણછાજતા વર્તનથી આપણને દુ:ખ થાય છે. આપણા માટે તેને માફ કરવું અશક્ય છે અને તેની કડવાશ મનમાં રહી જાય છે અને આ કડવાશ આપણા જીવનને જ ઝેરી બનાવી દે છે.

તમને માફ કરતા ન આવડે તો લેટ ગો કરતાં શીખો જેવી સરળ વાત માનસિક સ્વાસ્થ્યની ચાવી છે, જે માણસને ભૂતકાળના બંધનમાંથી મુક્ત કરે છે. મનોવિજ્ઞાન અને ફિલસૂફીમાં આ વિષયનું મહત્ત્વ અપાર છે. અનાસક્તિની સમજ આપતા ગીતાના ઉપદેશમાં ભગવાને કહ્યું છે કે નકારાત્મક લાગણીઓને વળગી રહેવું દુ:ખનું કારણ છે.

જ્યારે ગાંધીજીએ અહિંસા થકી સમજાવ્યું કે ક્ષમા આપવી એ બહાદુરીનું કામ છે. આજના તણાવભર્યા યુગમાં હિંસા અને માનસિક તાણ વધી રહ્યા છે એ યુગમાં લેટ ગો કરવું એ એક એવી કળા છે જે આપણા જીવનને શાંત અને આનંદમય બનાવે છે.

આપણ વાચો: ઔર યે મૌસમ હંસીં… : તમને માફ કરતા ન આવડે તો લેટ ગો કરતાં શીખો

જેને લોકો ‘લેસ મિઝરેબલ્સ’ કે ‘લા મિઝરેબલ્સ’ તરીકે ઓળખાવે છે એ વિકટર હ્યુગોની ક્લાસિક ‘લે મિઝરેબલ્સ’ કથાનો આધાર ‘ભૂલો અને માફ કરો’ આધારિત છે.

જીન વાલજીન ચોરીના કારણે જેલમાં ગયેલો ગુનેગાર હતો. એક પાદરી તેની ચોરીને માફ કરીને નવું જીવન આપે છે. આ ઘટના ભૂતકાળને લેટ ગો કરીને પ્રેમ અને ન્યાયના માર્ગે વળે છે.

અહીંથી એક વિશાળ કથાનો પ્રારંભ થાય છે. જિન વાલજીનના જીવનમાં સતત સંઘર્ષ આવે છે અને અંતે તેને સુખ ભોગવવાનો મોકો મળે છે એ પણ ફક્ત માફ કરવાના ઉદાત્ત હેતુ માટે છોડી દે છે. લેખક હ્યુગો યુરોપને હિંસામાંથી મુક્ત થઈને ક્ષમાને સમાજના અન્યાય અને માનવતા સાથે ગૂંથીને લાગણીસભર રીતે રજૂ કર્યું છે.

આપણી મહાભારત અને રામાયણમાં વખતોવખત માફ કરવાની અને ભૂલવાની વાત આવે છે. ભગવાન કૃષ્ણ તેમના મામા કંસનો વધ કરે છે. કંસના સસરા મગધના રાજવી જરાસંઘ મથુરા પર હુમલો કરે છે. મથુરાવાસીઓ પ્રસ્થાન કરી જાય છે. આ જરાસંધનો વધ પાંડવ ભીમ કરે છે. સ્વાભાવિક છે કે જરાસંધનો પરિવાર શ્રીકૃષ્ણ અને પાંડવોની વિરુદ્ધ હોવો જોઈએ. જરાસંધનો પુત્ર સહદેવ મહાભારતની લડાઈમાં પાંડવોને સાથ આપે છે. સંબંધોની જટિલતા વચ્ચે ક્ષમા અલગ માર્ગ ચીંધે છે.

આપણ વાચો: ઔર યે મૌસમ હંસીં…: સિદ્ધાર્થની નદી: પ્રકૃતિની સુંદરતા ને જીવનનાં વહેણનું પ્રતીક

મહાભારતની કથામાં અસંખ્ય વાર માફ કરવાની અથવા ભૂલવાની વાત કરવામાં આવી છે. કર્ણ આખું જીવન પોતાની માતા કોણ છે એ જાણવા માટે તરસે છે. યુદ્ધ સમયે માતા સાથે વાત થાય છે ત્યારે પાંડવો પાંચ જ રહેશે જેવી વાત કરીને માફ કરવાનો આડકતરો ઉલ્લેખ કર્યો છે. મહાભારતના યુદ્ધ પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર લાંબા સમય સુધી પાંડવો સાથે રહ્યા હશે ત્યારે ભૂતકાળને ભૂલવાની જ વાતો થઇ હશે.

આમ પણ ભૂલ માફ નહીં કરવાની વૃત્તિ આજકાલ વિશ્વને ખૂબ મોંઘી પડી રહી છે. વિશ્વમાં દર વર્ષે 4.4 મિલિયન લોકો હિંસા અને આઘાતથી મૃત્યુ પામે છે. 2024માં યુદ્ધોમાં નિર્દોષ નાગરિક મૃત્યુની સંખ્યામાં 40 ટકા નો વધારો થયો છે. જો કે વ્યક્તિગત હિંસાનું પ્રમાણ વધવા સાથે વ્યક્તિમાં છેલ્લા દાયકામાં અકારણ ગુસ્સો અને તણાવનું પ્રમાણ વધવા લાગ્યું છે. વિશ્વભરના શાંતિ માટે પ્રભાવ પાડી શકે એવો એકપણ નેતા નથી, કદાચ એટલે જ વિશ્વની નજર ગાંધી અને બુદ્ધના દેશ તરફ પડતી હશે.

આપણ વાચો: ઔર યે મૌસમ હંસીં… : સ્પીકર ફોન ચાલુ કરીને વાતો કરવી કેટલી યોગ્ય?

સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે તણાવ અને ડિપ્રેશન વધવાની સાથે આત્મહત્યાનું જોખમ બે ગણું થયું છે. સામાન્ય વાતમાં લોકો હિંસાત્મક વર્તન કરવા લાગ્યા છે. સોશ્યલ મીડિયામાં વ્યક્તિની અસહમતીને વિરોધીના રૂપમાં બતાવવામાં આવે છે. ભૂતકાળમાં અસહમત થવું એ સહજ સંવાદનો ભાગ હતો. આપણા અનેક ગ્રંથોમાં અસહમતીની કથાઓ છે. વિભીષણને પોતાના પક્ષમાં રાખવા અંગે ભગવાન રામના સાથીઓ વચ્ચે અસહમતી હતી. આ અસહમતી એક હદ સુધી હોય. આપણે એ લક્ષમણરેખાને ભૂલી ગયા છીએ.

મહાત્મા ગાંધી આજીવન ક્ષમાને અહિંસાનો ભાગ ગણતા રહ્યા હતા. પીટરમેરિટ્ઝબર્ગમાં ગોરા અધિકારીએ તેમને ટ્રેનમાંથી ધક્કો મારીને ફેંક્યા. ગાંધીજીએ તેને માફ કર્યો ને પછી રંગભેદની લડત શરૂ કરી.

તેમણે વ્યક્તિને નહીં, અન્યાયને લડવાનું પસંદ કર્યું. ગાંધીજી વારંવાર કહેતા રહ્યા છે કે તમે કોઈને માફ ન કરી શકો તો તેની સાથે વેર પણ ન રાખો, બલકે તેને તમારા મનમાંથી મુક્ત કરો આ વાત જ લેટ ગો કરવાની છે. આપણી વાત, લેટ ગો કરવાથી વ્યક્તિના તણાવના હોર્મોનમાં 23 ટકા ઘટાડો થાય છે અને ઓક્સિટોસિન જેવા પ્રેમના હોર્મોનમાં વધારો થાય છે. સોશ્યલ મીડિયા પર હેરાનગતિ પછી માફી-ધ્યાનથી ચિંતા 25 ટકા ઘટે છે.

પશ્ચિમી ફિલોસોફર એપિક્ટેટસ મસ્ત કહેતો હતો કે લોકો તમને નુકસાન નથી પહોંચાડતા, તમારા વિચારો તમને નુકસાન પહોંચાડે છે. ફિલોસોફરોનો ગુરુ સોક્રેટિસે એમના જીવનમાં આ પ્રયોગ કરીને દેખાડ્યો. તેમને એથેન્સની અદાલતે ઝેર પીવાની સજા આપી ત્યારે તેમણે તેમના આરોપીઓને માફ કર્યા.

એરિસ્ટોટલે ક્ષમા આપવા માટે એક નવી જ વાત કરી. એણે ક્ષમની વ્યાખ્યા કરી કે ક્ષમા એટલે શું? ક્ષમા એ માફી અને ક્રોધ વચ્ચેનો સેતુ છે. અતિશય ક્રોધ અને અતિ ક્ષમાવાન બનવું એ બંને નુકસાનકર્તા છે. જયારે બધા પથ નુકસાનકર્તા હોય ત્યારે ભૂલી જવું એ વધુ હિતકર છે.

આ વાતો સોશ્યલ મીડિયાને જ સત્ય માનીને જીવનારા વોટ્સઅપ યુનિવર્સિટીના મહાનુભવોએ યાદ રાખવી જોઈએ જે સામી વ્યક્તિને કશું ના આવડે તો જોડણીની ભૂલને પણ ચોવીસ કલાક વાગોળ્યા કરતા હોય છે. ફાઈનલી, ભૂલો માફ કરો અને આગળ વધો જેવો પૌરાણિક બોધપાઠ આધુનિક યુગની કિંમતી મેડિસિન બની ગઈ છે.

ધ એન્ડ:

માફ કરવું એ ભૂલને ભૂલવું નથી, પણ તેની પીડાને મુક્ત કરવી છે. (ઓપ્રા વિન્ફ્રે)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button