કચ્છી ચોવક: જીવતો નર ભદ્રા પામે!

કિશોર વ્યાસ
જુગાર રમવું એ દુષ્કર્મ છે, સામાજિક અને વળી પારિવારિક દૂષણ છે. એટલે રમનારામાં હારવાવાળા પણ સજજન ન ગણાય અને જીતવાવાળા તો નહીં જ નહીં કારણ કે જીતનાર જુગારીએ કોઈનું કંઈક એવાં દુષ્કર્મથી હડપી લીધું હોય છે. જીતનાર જુગારીને કોઈ અભિનંદન આપતું હોય તેવું તો ભાગ્યે જ જોવા મળે અને હારનાર વ્યક્તિ તરફ કોઈ દિલસોજી વ્યક્ત નથી કરતું! ખરું ને? કચ્છી ચોવક તો ચાબખાં મારતાં કહે છે કે, ‘હારે તેંજો અધ મોં કારો, ખટે તેંજો સજો’. શબ્દાર્થ છે: જે જુગારમાં હારે તેનું અડધું મોઢું કાળું અને જે જીતે તેનું તો આખું જ મોઢું કાળું! જુગારીઓની હાલત દર્શાવતી આ ચોવકમાં બે શબ્દો છે તેમાં ‘હારે’ એટલે હારનાર, અને ‘તેંજો’નો અર્થ થાય છે તેનું. ‘અધ મોં’ એટલે અડધું મોઢું અને ‘ખટે’નો અર્થ થાય છે: જીતનાર. ‘સજો’ એટલે આખું (મોઢું).
એક ચોવક કહે છે: ‘હાઉ કે કેર ચે ખા’ મતલબ કોઈ આફત સામે, સામેથી ચાલીને જવું. ‘હાઉ’ એટલે -ઉપાધી, ભય કે આફત. ‘કે’ અહીં ‘ને’ના બદલે મૂકવામાં આવ્યો છે. ‘કેર’નો અર્થ થાય છે: કોણ અને ‘ચે’ એટલે કહે. ‘ખા’ સામાન્ય રીતે ખાવાના અર્થમાં હોય છે, પણ અહીં ‘આવ ગળે લાગીજા’ના અર્થમાં એ એકાક્ષરી શબ્દ વાપરવામાં આવ્યો છે. ભાવાર્થ એજ છે કે, ઉપાધીને સામેથી કોણ કહે કે આવ!
આ પણ વાંચો: કચ્છી ચોવકઃ છે ગરીબના કુબામાં…
સામાન્ય રીતે જ, આપણને કોઈ ઘણા સમય પછી મળે તો આપણે પૂછીએ કે કેમ છો? એ વ્યક્તિ સામાન્ય રીતે જવાબ આપતો હોય એજ જવાબ આપે કે: મજામાં! પણ એ શબ્દ તેના મોઢેથી નીકળે પછી અંતર ચીસ પાડીને ઘણીવાર ડંખ મારે કે, શું ધૂળ મજામાં! કેમ જીવીએ છીએ તેની અમને જ ખબર છે. આવો સંવાદ ચોવકના સાત શબ્દોમાં સમાઈ જાય તેવી એક ચોવક છે: ‘હલોં કીં તા સે અસાંકે ખબર આય’ જીવન સ્વસ્થ ન હોવાની આમાં ચીસ સંભળાય છે. ‘હલોં કીં તા’ આ શબ્દ સમૂહનો અર્થ છે: કેમ જીવીએ છીએં…‘સે’ એટલે તેની. ‘અસાંકે’નો અર્થ થાય છે: અમને. ‘ખબર આય’ એટલે ખબર છે.
વળી, આવી દશામાં આશ્ર્વાસન આપતી પણ એક ચોવક પ્રચલિત છે કે, ‘હૈયાતી આય ત મિડે આય’. આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએં કે, ‘જીવતો નર ભદ્રા પામે’ બસ. તેના જેવું જ! એ પ્રમાણે ચોવકનો અર્થ એવો થાય છે કે, હયાતી છે, તો બધું જ છે! ‘હૈયાતી’ એટલે હયાતી. ‘આય’નો અર્થ થાય છે: છે. ‘મિડે’ એટલે બધું.
આ પણ વાંચો: કચ્છી ચોવકઃ ખોટ ખાઈને પણ સંગત લાખેણાની જ કરવી
ઘણા લોકોને વાતે વાતે સોગંદ ખાવાની આદત હોય છે. ખોટે ખોટા સોગંદ ખાય અને પોતે દરેક વાતે સાચા જ છે તેવું પુરવાર કરવાના પ્રયાસ કરે! પરંતુ ચોવક કહે છે: ‘સોં ખણે સે સચો ન થીયાજે’ ‘સોં’ એટલે સોગંદ. ‘ખણે સે’ ખાવાથી (સોગંદ ખાવાથી), ‘સચો’નો અર્થ થાય છે, ‘સાચો’. ‘ન થીયાજે’ એટલે ન થવાય. પણ ભાવાર્થ એવો થાય છે કે, જેમ થતું હોય તેમ જ થાય!
જીવનમાં વિશ્ર્વાસ એ મહત્ત્વનું પરિબળ છે. જોકે, આજકાલ તો કોઈનામાં વિશ્ર્વાસ મૂકતાં પહેલાં કોઈ બીજાને પૂછવું પડતું હોય છે. વાત વિશ્ર્વાસ મૂકવાની છે અને તેના માટે એક પવિત્રતા ધરાવતી ચોવકનો ઉપયોગ થતો હોય છે. ચોવક છે: ‘સૂરજ જી સાંખ નેં ભ્રામણ જો વચન’ સૂરજ દેવતાનો સાક્ષીભાવ જેટલો પૂજનીય છે, તેટલો જ વિશ્ર્વસનીય છે. ચોવકના જણાવ્યા મુજબ ‘ભ્રામણ’ એટલે કે ‘બ્રાહ્મણ’નું વચન પણ વિશ્ર્વસનીય હોય છે.



