કચ્છી ચોવક : એ સમાજના ઘણા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે!
ઈન્ટરવલ

કચ્છી ચોવક : એ સમાજના ઘણા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે!

  • કિશોર વ્યાસ
    એક સરસ મજાની ચોવક છે : ‘સિજ સામૂં થુક ઉડાઇયોંત અચી પે મોં તે’ અહીં જે પહેલો શબ્દ ‘સિજ’ છે તેનો અર્થ થાય છે. સૂરજ અને ‘સામૂં’ એટલે સામે. ‘થુક’નો અર્થ થાય છે: થૂંક અને ‘ઉડાઇયોં’ એટલે ઉડાડીએં, ‘અચી પે’ બે શબ્દોનો સમૂહ છે. જેનો અર્થ થાય છે. આવીને ‘પે’ એટલે પડે અને ‘મોં તે’ એ બે શબ્દોનો સમૂહ છે. જેનો અર્થ થાય છે : મોઢા પર ચોવકનો શબ્દાર્થ છે: સૂરજ સામે થૂંક ઉડાડીએં તો આવીને પાછી આપણા મોઢા પર જ પડે, પરંતુ ચોવકનો ભાવાર્થ ઘણો ગહન છે. ચોવક કહે છે કે: જો તાકાત ન હોય તો આપણાથી વધારે બળવાન સાથે વેર બાંધવાથી આખરે આપણને જ નુકસાની થાય છે.

આપણને સૌને અનુભવ હશે કે કોઇ વાતનો ઘણા માણસો મહિમા જ ન સમજે! આવા લોકો માટે એક ચોવક પ્રચલિત છે: ‘સીધી જમાધાર ચંધર ડિસો, ત ચેં પિંઢઇ પ્યો ડિસાં ધા.’ કચ્છમાં રાજાશાહીના સમયથી સીધી લોકો વધારે હતા અને એ ‘જમાદાર’ હોય કે ન હોય પણ કચ્છના લોકો એ દરેક વ્યક્તિને જમાદાર તરીકે જ બોલાવતા! એ શબ્દોનો પ્રયોગ કરીને ચોવક રચાઇ છે.

‘સીધી-જમાદાર’ એટલે સીધી વ્યકિત એ માત્ર અહીં પ્રયોગ પાત્ર છે. ‘ચંધર’ એટલે ચંદ્ર ‘ડિસો’નો અર્થ થાય છે. જુઓ ‘ત’ નો અર્થ અહીં ‘તો’ થાય છે અને ‘ચેં’ એટલે કહે, ‘પિંઢઇ’ શબ્દનો અર્થ છે. પોતે જ એની સાથે ‘પ્યો’ શબ્દ ઉમેરાતાં એટલે શબ્દોનો અર્થ થાય છે. પોતાની મેળે! ‘ડિસાંધો’ એટલે દેખાશે. શબ્દાર્થ છે: સીદ્દી જમાદાર ચંદ્રનાં દર્શન કરો, તો કહે, એ પોતાની મેળે જ દેખાશે?

પૂછનારના હેતુ એ હોય છે કે, ચંદ્રનાં દર્શન કર્યાં? પણ પ્રશ્ર્નનો મહિમા સમજવાના બદલે જવાબ મળે છે કે, ‘એ પોતે જ દેખાશે’! મતલબ કે વાતનો મહિમા જ ન સમજવો. સીદ્દી જમાદાર તો ચોવકમાં માત્ર પ્રતીક જ છે, સમાજના ઘણા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે!

જેમની શારીરિક હાલત સારી ન હોય અને તેમ છતાં પણ હાકલા-પડકારા કરતા હોય તેવા લોકો માટે પણ કચ્છીમાં એક ચોવક બહુ પ્રચલિત બની છે. ચોવક છે: ‘સા સૂંઢે મેં ખણેતો’ પહેલો શબ્દ છે : ‘સા’ અને તેનો અર્થ થાય છે શ્વાસ, ‘સૂંઢે’ એટલે મોટો સુંડલો અને તેની સાથે એકાક્ષરી શબ્દ જોડાયો છે.

‘મેં’ જેનો અર્થ થાય છે ‘માં’. બન્ને શબ્દો જોડીએ તો તેનો અર્થ થાય છે: સુંડલામાં ! ‘ખણેતો’ એટલે લે છે. શબ્દાર્થ થાય છે : શ્વાસ સુંડલામાં લે છે. આ ચોવક એક કટાક્ષ ઉક્તિ છે. અર્થ આપણે શરૂઆતમાં જ જોઇ લીધો છે. શ્ર્વાસ માંડ લઇ શકે છે અને હાકલા-પડકારા મારે છે!

એક ચોવક છે : ‘વિંધાણૂં સે મોતી’ ‘વિધાણું’ શબ્દનો અર્થ થાય છે : વિંધાવું. એ શબ્દ સાથે પણ એક એકાક્ષરી ‘સે’ શબ્દ જોડાય છે ત્યારે તેનો અર્થ થાય છે : ‘જે વિંધાણું તે મોતી. એટલે મોતી. શબ્દાર્થ છે: જે વિંધાણું તે’. મોતી એટલે મોતી. મોતી એને કહેવાય કે જેને સરળતાથી વિંધી શકાય. પણ ચોવકને કહેવું એમ છે કે: જે કામ સમયસર થાય તેને જ કામ કર્યું કહેવાય!

જીવનમાં કામનું મહત્ત્વ વધારે છે. કામ કર્યા વગર કમાણી ન થાય. કમાણી ન થાય તો આજીવિકાનો સવાલ ઊભો થાય. બાપ-દાદાનું કમાવેલું જ ખાવા માંડીએ, કે વાપરવા માંડીએ તો તિજારીનું તળિયું જ દેખાય! એટલે અકર્મી લોકો માટે ચોવક બની છે : ‘વિઠે-વિઠે ખાધે જાગીરું ખુટી એ’ ‘વિઠે-વિઠે’ એટલે બેઠાં-બેઠાં, ‘ખાધે’નો અર્થ થાય છે. ખાવાથી ‘જાગીરું’નો અહીં અર્થ થાય છે : વૈભવ અને ‘ખૂટી પે’ એટલે ખૂટી પડે. ‘પે’ એટલે પડે. મૂળમાં ચોવક જીવનમાં કામનું મહત્ત્વ જ દર્શાવે છે.

આ પણ વાંચો…કચ્છી ચોવક : માણસ ડાહ્યો ન હોય કિસ્મત જ ડાહી હોય!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button