કચ્છી ચોવકઃ દુબળો ઘસાય એટલું સબળો ન ઘસાય!

કિશોર વ્યાસ
ઘણી વ્યક્તિઓ એવી હોય છે, જે પોતે કોઈને પણ કંઈ આપે નહીં, પરંતુ બીજાને પણ આપવા ન દે! તેમના માટે ચોવક છે: ‘ડીંયણ ન વે પ ડજણવે’ અર્થ એવો થાય છે કે, પોતાને કોઈને કશું આપવાની ત્રેવડ નથી અને બીજા કોઈ, કોઈને કંઈ આપે તો તે જોઈ ન શકે, તેને ઈર્ષ્યા થાય. ‘ડીંયણ’ એટલે આપવું, ‘ડઝણ’ એટલે દાઝવું. આપવાવાળો તો જ દાન આપી શકે જો તેના પર મહાલક્ષ્મીની મહેર હોય. દુબળો માણસ દાન ન આપી શકે. એ તો દાન લે! એના માટે પણ એક સરસ ચોવક છે: ‘ડીંધલ વે સે ડુબરો ન વે’ અર્થાત્ આપનાર ક્યારેય દુબળો ન હોય. પણ ઘણીવાર તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળે છે.
પોતાના ભાણાના એક રોટલામાંથી અડધો રોટલો બીજાને ખવડાવનારા, કહેવાય દુબળા પણ એ સબળાથી પણ ચઢિયાતા ગણાય! કચ્છીમાં એટલે જ કહેવાય છે કે: ‘ડુબરો ગસે પ સબરો ન ગસે.’ ‘ગસે’ એટલે ઘસાય, ‘પ’ એટલે પણ, અને સબરો એટલે સારી આર્થિક સ્થિતિ ધરાવનાર. ‘દુબળો ઘસાય એટલું સબળો ન ઘસાય’! ઉપર આપણે એક ચોવક માણી: ‘ડીંયણ ન વે પ ડઝણ વે’ તેને લગતી જ એક બીજી પણ ચોવક છે: ‘ડે ડાતારને ડુખાજે ડામૂં!’ ‘ડે’ એટલે આપે, ડાતારનો અર્થ થાય છે દાતાર, ‘ડૂખાજે’ એટલે ‘દુભાય’ કે ‘ઈર્ષા’ અહીં ‘ડામૂં’ શબ્દ છે એ એક વ્યક્તિનું નામ છે…
જેમકે ‘દામજી’ને ઘણા ‘ડામુ’ કહીને બોલાવે… પણ અહીં ચોવકનો જે ભાવ છે તે ‘કચ્છી ચોવક’ના વાચક ‘દામજી’ કે ‘દામુ’ ને જરા પણ સ્પર્શતો નથી! સમાજમાં વસતા ઈર્ષાળુ લોકો માટે આ કહેવત છે કે, ‘દાન દાતાર આપે પણ તેને જોઈને કેટલાકને ઈર્ષ્યા થાય, એ લોકો જોઈ ન શકે!’
એક ચોવક એ રીતે પ્રયોજાય છે કે તેમાંથી કોઈ અમીર કે ગરીબ માણસને ઉતારી પાડવાનો અર્થ નથી નીકળતો. આ રહી એ ચોવક: ‘લખણ લખેસરી જા પ કરમ ભીખારીજા’ લક્ષણે લાખોપતિ લાગતા ઘણા લોકોનાં કરમ સાવ ભીખારી જેવાં હોવાનું જોવા મળે છે. એટલે જ કદાચ આ ચોવક રચાઈ હશે: ‘લાખા લખ પ ફૂલાણીમેં ફેર’ ભઈ, લાખો નામ તો ઘણાનું હોય પણ ‘ફૂલાણીમેં ફેર’… એટલે કે, ‘લાખા ફુલાણી’ જેવું કોઈ ન થઈ શકે. લાખો ફુલાણી એ કચ્છના રાજાશાહી ઈતિહાસનું એક અતિ મહત્ત્વનું પાત્ર છે.
‘કર્મની ગત ન્યારી’ એવું આપણે ગુજરાતી ભાષામાં તેમ જ હિન્દી ભાષામાં પણ બોલતા હોઈએ છીએ. એ જ અર્થની કચ્છીમાં પણ એક ચોવક પ્રચલિત છે: ‘હજાર કર્યો હીલા, પ કરમ વગર કોડી ન મિલે’ ‘હીલા’ શબ્દનો અર્થ છે, પ્રયાસ. લાખ ધમપછાડા કરો પણ કર્મની ગત મહાન છે, કપાળે લખ્યું ન હોય તો એક ‘કોડી’ પણ ન મળે!
બાકી, કોઈ વ્યક્તિના દેખાવ પરથી તેના ગુણનો અંદાજ ન લગાવી શકાય. આપણે ગુજરાતીમાં કહીએ છીએં ને કે, ‘ચળકતું હોય એ બધું સોનું ન હોય’ એ જ રીતે કચ્છીમાં કહેવાય છે કે, ‘અછો મિડે ખીર ન વે’ જે પ્રવાહી સફેદ દેખાય એ બધું દૂધ ન હોય! દેખાવ કરતાં તેની ગુણવત્તાની મહત્તા દર્શાવતી આ ચોવક છે.
ચોવકો રચવામાં ઘણી જગ્યાએ ‘અન્ન’ (અનાજ)નો પ્રયોગ પણ જોવા મળે છે ‘અન સાં પ્રાણ, ને પ્રાણ સાં પરાક્રમ’ કહેવું એમ છે કે, એક બીજા પર આધારિત જીવનક્રમ પણ, પ્રયોગ અન્નનો કર્યો.



