કચ્છી ચોવક : જેને દુશ્મન વખાણે તે સાચા શૂરવીર!

- કિશોર વ્યાસ
ચોવક છે: ‘હણ થો઼ડી નેં હણોંહણ જિવી’ પહેલો શબ્દ છે: ‘હણ’ જેનો અર્થ થાય છે કામ કે કાર્ય ‘થો઼ડી’ એટલે થોડીક. ‘હણોહણ’ એટલે મારોમાર કે ઉતાવળ. ‘જીજી’ શબ્દનો અર્થ થાય છે: વધારે. સીધો શબ્દાર્થ જોવા જઈએ તો અર્થ થાય છે: કામ થોડું અને ઉતાવળ વધારે, પરંતુ ચોવક બીજા અર્થમાં એમણે કહે છે કે, ‘જીવન થોડું છે, જીવી લેવાની ઉતાવળ રાખજો. ચોવક એમ પણ કહે છે કે, કોઈ કામ કરવાની ઉતાવળ કરવાની જરૂર ન હોવા છતાં, એ કામ પૂરું કરવાનો દેખાડો કરવો! કામ કરતાં તેનો તાયફો વધારે કરવો!
ધંધામાં લીલાલહેર કોને હોય? કહેવાય છે કે, સોની: તેના ધંધામાં લીલાલહેર હોય છે. એટલે જ કચ્છીમાં એમ કહેવાય છે કે: ‘સોની ડુકારેં પ ખટે નેં સુકારેં પ ખટેં’ – દુષ્કાળ હોય કે સુકાળ હોય સોનીને ફરક ન પડે, કારણ કે, દુષ્કાળમાં લોકો સોનું વેચી નાખે અને સુકાળના વરસમાં સોનું ખરીદતા હોય છે. સોનીનો ધંધો બારમાસી ધંધો ગણાય છે! અહીં ‘ડુકારેં’ શબ્દનો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે: દુષ્કાળમાં ‘ખટે’ એટલે કમાય કે કમાણે કરે. ‘સુકારેં’નો અર્થ છે ‘સુકાળ’.
આ પણ વાંચો: કચ્છી ચોવક: શણગારો તો બાવળ પણ શોભે!
એક બહુ સરસ ચોવક છે: ‘સુરાસે સચા, જૈંજા વેરી વખાણીં ધ’ ‘સૂરા’ એટલે બહાદૂર કે શૂરવીર ‘સે’ અહીં ‘એ’ કે ‘ઈ’ના અર્થમાં મૂકાયો છે. ‘સચા’ એટલે સાચા. ‘જેંજા’નો અર્થ છે: જેના ‘વેરી’ એટલે વેરી-દુશ્મન. ‘વખાણીંધા’ એટલે વખાણશે. સરળ શબ્દાર્થ એવો થાય છે કે, જેની બહાદુરી દુશ્મનો પણ વખાણે એ સાચા શૂરવીર ગણાય. આપણે ગુજરાતીમાં ઘણી વખત એક કહેવતનો બોલ-ચાલમાં ઉપયોગ કરતા હોઈએ છીએં કે, ‘મા વખાણે દીકરો ડાહ્યો ન ગણાય’ એ અર્થમાં જ આ ચોવક બની છ. જ્યારે બીજા લોકો ગુણના વખાણ કરે એ જ સાચો ગુણિયલ.
સાચા માણસને સૂફી તરીકે ઓળખાવતી પણ એક ચોવક છે: ‘સુફી સે, જુકો એ તેરઈં મોં તેં’ મતલબ કે, મોઢા પર કહી દેનાર માણસ જ સાચો! શબ્દ છે: ‘સુફી સે’ જેનો અર્થ થાય છે, સુફી એ કહેવાય. ‘જુકો’ એટલે ‘જે’ અને ‘ચે’ એટલે કહે. ‘તેરઈં’ એટલે ત્યારે જ કે મોઢા પર કહી દે તે!
આ પણ વાંચો: કચ્છી ચોવક : આંખ ખુમારીનો આયનો…
કોઈને કોઈ મહત્ત્વનું કામ સોંપ્યું હોય અને એ વ્યક્તિ, આજે નહીં કાલે કે પછી સવાર-સાંજના વાયદા કર્યા કરે તેવી વ્યક્તિને ‘દરજી’ અને ‘સોની’ સાથે સરખાવવામાં આવી હોય તેવી પણ કચ્છીમાં એક ચોવક પ્રચલિત છે. સામાન્ય રીતે પણ એ આપણા સૌનો અનુભવ રહ્યો હશે કે, દરજી અને સોની હંમેશાં કામ પૂરું કરવાના વાયદા જ કર્યા કરે! તો, તેના માટે ચોવક છે: ‘સૂઈ જી સાંજી નેં સોની જી સવાર’ ‘સૂઈ’ એટલે દરજી. ‘જી’ એટલે ‘ની’ ‘સાંજી’નો અર્થ થાય છે: સાંજ શબ્દાર્થ છે: દરજીની સાંજે અને સોનીની સવાર (એ ભાગ્યે જ પડે!) તેમના કામના સવાર-સાંજના વાયદાઓ પડ્યા જ કરે!
એક બહુ જ સરસ ચોવક સમાજમાં પ્રચલિત છે. ‘સુકેં તે઼ડા બારીયોં, આલૂકા ઉથલાઈયોં’ ચોવકમાં લાકડાંના ભારાને પ્રતીક બનાવીને જીવનની ફિલસૂફીનો પોતામાં સમાવેશ કરનાર આ ચોવકનો શબ્દાર્થ એવો છે કે, લાકડાં જેવાં સુકાઈ જાય તેમાં બાળીએં, અને ભીના હોય તેને સુકાવા માટે ઉથલાવીએં! ‘સુકેં’ શબ્દનો અર્થ છે, સુકાઈ જાય, ‘તે઼ડા’ એટલે તેવાં ‘બારીયોં’ એટલે બોળીએં, (ચૂલામાં), ‘આલૂકા’ એટલે ભીના અને ઉથલાઈયોં એટલે ઉથલાવીએં. સુકા ભેગાં નીલાં (ભીના)ન બાળવાની વાત પણ ચોવકમાં વણી લેવાઈ છે. કેટલા ગહન અર્થ સાથે આ ચોવક બની હશે! ચતુર કરો વિચાર…