કચ્છી ચોવક: એ ત્રણ અક્ષરમાં સમાઈ જાય તેટલી ટૂંકી ને ગજ જેટલી લાંબી પણ હોય છે…

- કિશોર વ્યાસ
કચ્છી ભાષાના એકાક્ષરી શબ્દોની માફક ચોવકો પણ ઘણીવાર ત્રણ અક્ષરમાં સમાઈ જાય તેટલી ટૂંકી અને ઘણી ચોવકો ગજ જેટલી લાંબી હોય છે. ‘જી યે રા’ એ ટૂંકી ચોવક છે, જેનો અર્થ થાય છે ‘રાજા ઘણું જીવો’ અને લો, આ રહ્યું મસમોટી લાંબી ચોવકનું એક ઉદાહરણ: ‘નાં કુરો? ત ચેં જીવો, કમ કુરો કરીયેં? ત ચેં સપેં જે ડરેં મેં હથ વિજાં, ત ચેં જીયો તે઼ડો ન જીયો’ સંક્ષિપ્તમાં તેનો અર્થ કરવા જઈએં તો ‘વ્યર્થ’ કહી શકાય, પણ આખી ચોવકનો ગુજરાતીમાં શબ્દશ: અનુવાદ કરીએં તો, આવો રસપ્રદ અનુવાદ થાય:
નામ શું? તો કહે જીવો. કામ શું કરે છે? તો કહે સાપના દરમાં હાથ નાખવાનું! અરે! ભગવાન, હવે તમે જીવો કે ન જીવો! (વ્યર્થતા)
ચોવકો અને રૂઢિપ્રયોગો એ લોક જીવનમાંથી સાહિત્યમાં પ્રવેશેલી એક વિદ્યા છે, જેના કારણે સાહિત્ય સંપન્ન અને સજીવ બન્યું છે. સાહિત્ય લોક જીવનના શ્ર્વાસોચ્છવાસથી ધબકતું રહ્યું છે, એમ કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નથી. તેમાં લોકોની જીવન પ્રણાલિ અને ખાસીયતો પણ ડોકાતી જોવા મળે છે. જેમ કે કચ્છમાં પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓ ઘણી વાર કહેતા હોય છે કે: ‘ઉન ઉતારી ગિનણી’ ઘેટાં-બકરાંની ઊન ઉતારી તેનો યોગ્ય ઉપયોગ કરવો એ તેમના જીવનની એક પ્રવૃત્તિ છે. કાળક્રમે એ ચોવક રૂઢ બની ગઈ. લાક્ષણિક રૂપે ભાષામાં તેનો ઉપયોગ થવા લાગ્યો અને પ્રગટરૂપે તેનો અર્થ થયો: ‘કસ કાઢી લેવો.’ આવી કાર્યપ્રવૃત્તિ સાથે સંકળાયેલી ઘણી ચોવકો રૂઢિપ્રયોગ બની ગઈ છે. જેમ કે: ‘કત્તર હલાયણી’ (કાતર ચલાવવી) મતલબ કે, કોઈની માલ-મિલકત પચાવી પાડવી!
આ પણ વાંચો: કચ્છી ચોવક : કચ્છીમાં રૂઢિપ્રયોગ એ સિદ્ધિપ્રયોગ ગણાય છે
ગામડે રહ્યા હશે તેમણે વાસણોને ‘કલઈ’ કરાવતા જોયું હશે. એ કાર્યપ્રવૃત્તિ કઈ રીતે રૂઢિપ્રયોગમાં વણાઈ ગઈ તેનું સુંદર ઉદાહરણ છે: ‘કલઈ કરાયણી” (કલઈ કરાવવી) પણ વપરાય છે શાના માટે? જ્યારે વ્યર્થ રીતે પૈસા ગુમાવવાનો વખત આવે ત્યારે તેનો પ્રયોગ થાય છે. ‘કલઈ થઈ વઈ’. આ રૂઢ શબ્દોનો ઉપયોગ આજે પણ કચ્છી ભાષાના પ્રેમીઓ બોલચાલમાં કરતા હોય છે, એ બધા પ્રયોગો લોક પ્રવૃત્તિમાંથી ઉદ્ભવેલા છે.
ઈશુની અઢારમી સદીમાં કે ત્યાર પછી – સાહિત્યમાં રૂઢિપ્રયોગોના ઉપયોગ કરવાની પરંપરા શરૂ થઈ હોવાનાં તારણ મળે છે. જ્યારે ચોવકોની ઉત્પતિનો છેડો હજુ સુધી કોઈને જોવા મળ્યો નથી! ચોવક, આદી અનાદીકાળથી બોલાતો
રહેલો, સાહિત્યનો એક બળુકો પ્રકાર છે.
આ પણ વાંચો: કચ્છી ચોવક : …આંખમાંથી સરતાં આંસુ આવાં હોવા જોઈએ!
આ માણસ પોતાની તબિયત પ્રત્યે ખૂબ જ બેદરકાર છે, નથી ડૉક્ટર પાસે જતો કે નથી કોઈ પણ ઉપચાર કરતો… આવા શબ્દો આપણે સમાજમાં ઘણી વાર સાંભળતા હોઈએ છીએ. તેના માટે એક મિઠડી ચોવક પ્રચલિત છે: ‘ઓસ઼ડ કે ઓડો ન થીયે, નેં વૈધ જો ગ઼િને ન વા’. હવે આ ચોવકમાં પણ બીજી પણ એક ચોવક સમાયેલી છે: ‘વા ન ગ઼િનણું’ એટલે કે કોઈનો ભરોસો ન કરવો.
લોકો મોટાભાગે સ્વાર્થી હોય છે. બીજાની તેમને કોઈ કિંમત જ નથી હોતી. તેમના માટે કહેવાયું છે કે, ‘પા઼ડોશી પિતરજા, ને ગામ જા છોરા ગારે જા’ મર્યાદાનો સુંદર ઉપદેશ આપતી ચોવક છે: ‘પન જો ય પ઼ડધોખાસો’ મતલબ કે પાંદડાંનો પણ પરદો તો રાખવો! એટલે કે, થોડી પણ મર્યાદા જાળવવી.