ઈન્ટરવલ

કચ્છી ચોવકઃ જીવન રસથાળ જેવું બનાવો

કિશોર વ્યાસ

કહેવાય તો એમ છે કે, ભૂખ્યા પેટે ભક્તિ ન થાય! ચોવક પણ કહે છે કે: ‘પેલી પૂજા પેટજી, પોય પૂજા ડેવજી.’ શબ્દાર્થ અને ભાવાર્થ એક સમાન છે કે, ‘પહેલાં પૂટ પૂજા, પછી જ દેવ પૂજા’! પણ જે રીતે આ ચોવકનો લોકભાષામાં ઉપયોગ કરવામાં આવે છે. તે મતલબનો તેનો ગર્ભિત અર્થ નથી! અહીં પેટ એટલે માત્ર પોતાનું પેટ નહીં, અને વધુ ઊંડા ઉતરીએ તો ‘પેટ ભરવાની’ તો વાત જ નથી! દેવ પૂજા કરવા માટેની ક્ષમતા અને લાયકાત હોવાની વાત છે!

બીજી એક ચોવક જે આ ગર્ભિત અર્થને સ્પર્શે છે તે આ રહી: ‘ભિસ્મીલાજી ભરકત તેં કે હીલો નિકાં હરકત’ ભરકત અને હરકત શબ્દો ગુજરાતીમાં પણ પ્રચલિત છે. એ સિવાય ચોવકમાં વપરાયેલા બે કચ્છી શબ્દો ‘હીલો’ એટલે આંચ અને ‘નિકાં’ એટલે ‘નહીં’ એવો અર્થ અહીં અભિપ્રેત છે. ચોવકનો અર્થ થાય છે: ‘જેને ઈશ્વર ભરકત આપે છે તેને, અથવા ઈશ્વરના જેના પર આશીર્વાદ વરસે છે તેને, કોઈ આંચ કે અડચણ આવતી નથી.’

ઘણા લોકોને બીજાનું બધું જ સારું લાગે. ભલેને પછી એવીજ વસ્તુ પોતાની પાસે હોય! ‘પારકે ભાંણે જો લડૂં વડો!’ એક સાથે જ જમવા બેઠા હોય, લાડુ બનાવનારે બધા લાડુ એક સરખા કદના બનાવ્યા હોય, પરંતુ બાજુમાં જમવા બેઠેલાની થાળીમાંનો લાડુ મોટા કદનો લાગે છે! ચોવકનો શબ્દાર્થ છે: પારકે ભાણે લાડુ મોટો. ગુજરાતી ભાષામાં પણ એવા અર્થની કહેવત પ્રચલિત છે કે, ‘પારકે રોટલે જાડી કોર’! અહીં રોટલાની કોરનું મહત્ત્વ પણ બતાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કચ્છી ચોવકઃ શ્રદ્ધા શક્તિનું મહત્ત્વ…

કઈ રીતે ખબર છે? જાડી કોરના રોટલા ખાવાની મજા આવે! જે રોટલાની કોર જાડી હોય તેનો વચ્ચેનો ભાગ પણ થોડો જાડો જ હોય અને રોટલો જેટલો જાડો હોયને તેટલું એ ઘી વધારે ચૂસી લે! ઘીથી તરબતર રોટલો અને સાથે ગોળનો ગાંગડો હોય તો પણ ભોજન ‘રસ થાળ’ બની જાય. ગર્ભિત અર્થ એવો થઈ શકે કે, જીવનને ‘રસથાળ’ સમાન બનાવો! બીજાની દેખાદેખી કર્યા વગર ઈશ્ર્વરે જે આપ્યું છે, તેને અસંતોષની નજરે ન જોવું!

એવી જ અર્થસૂચક ચોવક પણ છે: ‘પરાઈ માંનીજી કોર જાડી લગે’! લોકોને પોતાની પાસે જે છે, તે નથી ગમતું! બીજા પાસે જે છે, તે બધું જ સારું લાગે છે! વળી, ઘણા લોકો એવા પણ હોય છે, જેને કોઈ તમન્નાજ નથી હોતી! તેમના માટે એક બહુ સરસ ચોવક છે: ‘ન પોંગ ન ફરઈ, ન ખીર ન બરઈ!’ ચોવકમાં વપરાયેલો શબ્દ ‘પોંગ’ એટલે પોંક અને ‘ફરઈ’ એટલે ફળી! ખીર એટલે દૂધ અને બરઈ… પ્રસૂતા ગાય કે ભેંસના પ્રથમ દૂધમાંથી બનતી એક વાનગી! કંઈ નથી જોઈતું! ઈશ્ર્વરે જે આપ્યું એજ અને એટલું જ બસ છે!

આ પણ વાંચો: કચ્છી ચોવકઃ દુબળો ઘસાય એટલું સબળો ન ઘસાય!

‘કર્મની ગત ન્યારી’ એવું આપણે ગુજરાતી અને હિંદી ભાષામાં વાંચીએ છીએ કે બોલતા પણ હોઈએ છીએં, એજ રીતે કચ્છીમાં કહેવાય છે: ‘હજાર કર્યો હીલા, પ કરમ વગર કોડી ન મિલે’ લાખ ધમપછાડા કરો, પણ કર્મની ગત મહાન છે, કપાળે લખ્યું ન હોય તો એક ‘કોડી’ પણ ન મળે! ગુજરાતીમાં કહેવત છે ને કે, ‘ધાર્યું તો ધરણીધરનું જ થાય!’ એજ વાત ચોવક પણ કહે છે: ‘માડૂ ધારે હિકઙી નેં કુધરત કરે બઈ’ કુદરત પાસે માણસનું કંઈ જ ચાલતું નથી. માણસ ધારે છે કંઈક અને કુદરત આપે છે કંઈક. અહીં ‘કંઈક’ શબ્દ હકારાત્મક અને નકારાત્મક બન્ને અર્થમાં પ્રયોજાયો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button