કચ્છી ચોવક : આંખ ખુમારીનો આયનો…

- કિશોર વ્યાસ
ઓ…હો! આંખોનો પ્રયોગ ચોવકોમાં શરીરમાં કેટલું મહત્ત્વ ધરાવે છે, આંખમાં રજ પડે તો પણ રાડ નીકળી જાય, એ જ આંખમાં માણસ પણ ઓળખાય. માણસના વ્યક્તિત્વ અને સમત્વનું પ્રતિબિંબ પડે છે. આંખ પરિપકવતાનો પ્રભાવ પણ પાડે છે. આપણી આંખ ચોવક છે, ‘અખ કાંણી કજે, ડિસ કાંણી ન કજે.’ આંખે અંધાપો હોય ને તો પણ જીવનની દિશા સાચી હોવી જોઈએ ભલેને કોઈ હમસફર, સાથી મિત્ર કે અન્ય કોઈ વ્યક્તિ કે તેનું વલણ અને વર્તન ન ગમતું હોય, તો પણ એવી વ્યક્તિ માટે કહેવાય શું ખબર છે? ‘અખજે પટે જૅ઼ડો.’ એટલે કે ન ગમે તેવી વ્યક્તિ.
ઘણી વખત કોઈ વ્યક્તિ ખૂબ જ સારી હોય, લોકો તેને ખૂબ માનતા હોય તેને કંઈક કહેવું હોય તો પણ આપણને સંકોચ થાય તેને કચ્છીમાં કહેવાય, ‘અખજી શરમ મારે.’ એ સંકોચ કે શરમ એ સામી વ્યક્તિને માન આપવા સમાન છે.
કેટકેટલી અભિવ્યક્તિ આદર ને સાદર રજૂ કરે છે, ચોવકો. તેના રચનારા અને સાચવી રાખનારા પૂર્વસૂસુરિઓને વંદન. આ જુઓ એક અકલ્પ્ય ચોવક: ‘અખ ત વિઈ પ ભિઝણ પ વ્યા.’ અર્થ એવો થાય છે કે, સામાજિક, સાંસારિક કે આર્થિક વ્યવહારમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાની સહન કરવી. શબ્દાર્થ કેવો અદ્ભુત છે – આંખ તો ગઈ પણ ભવાં પણ ગયાં…
આ પણ વાંચો: કચ્છી ચોવક : અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!
સામાન્ય રીતે માણસ પોતાના પ્રમાણે કે પોતાના ફાયદાનું જ વિચારતો હોય છે અથવા બધાને જુદી જ દૃષ્ટિથી જોતો હોય છે, એવી વ્યક્તિ માટે ચોવક છે: ‘અખ ત્રાંસી જગ ત્રાંસો.’ જોવાનો દૃષ્ટિકોણ અલગ.
શરૂઆતમાં જ કહ્યું કે, આંખમાં જરાક રજ પડે તો રાડ નીકળી જાય… ત્યારે એટલી પીડા થાય કે એના કરતાં આંખ ફૂટી ગઈ હોત તો સારું થાત. આંખ ફૂટે એ સારું થોડું કહેવાય? પણ પીડા સહન નથી થતી એટલે બોલી જવાય કે, ‘અખ ફૂટઈ ખમાજે, પ ઉથઈ ન ખમાજે.’ ‘ઉથઈ’ એટલે આંખ ઊઠવી… કોઈ કારણસર દુ:ખવી.
આંખ જો દેખતી બંધ થઈ જાય કે સદાય માટે મીંચાઈ જાય તો, તો કહેવાય કે, ‘અખ બૂંચાણી ત ધુનીયાં લૂંટાણી.’ ગુજરાતીમાં કહેવત છે ને કે, ‘આપ મૂઆ તો જગ મૂઆ.’ બસ એના જેવું જ, આંખ ખુમારીનો પણ આયનો છે. ખુમારી આંખમાં છલકે, ત્યાંથી જ છતી થાય અને એવું કહેવા માટે બહુ અસરકારક ચૉવક પ્રચલિત છે, ‘અખમેં પાણી, ત રાણી સતરાણી.’ ખુમારીનું મહત્ત્વ છે. ચોવકમાં આંખ તો પાણીદાર હોવી જોઈએ.
આ પણ વાંચો: કચ્છી ચોવક : સાધુતા ને સંતત્વને કેવા શણગાર?
છૂટેલી આંખની શરમ અને વ્યક્ત થતી આછકલાઈ માટે પણ એક ચોવક છે, ‘અખીયું વિઈયું ત શરમ વિઈ.’ આમ પણ અર્થ થઈ શકે કે, શરમ ગઈ તો જાણે આંખ પણ ગઈ, પણ બધે જ એવું નથી હોતું. આંખ ચાલી જાય તો પણ અન્યો પ્રત્યેનો આદર અને પોતાની માણસાઈ નથી જતી હોતી, ત્યારે કહેવાય કે, ‘અખીયૂં વિગે, અખીયેંજા ઠેકાંણા કીં વિઝે?’ માણસાઈનો એક ગુણ છે, એક ધર્મ છે, એ કેમ બદલે?
ઘણા તો ઈરાદાપૂર્વક ચોક્કસ બાબતો માટે જાણતા હોવા છતાં અજાણ્યા રહે છે અથવા તો કોઈ ખોટું કામ કરતું હોય તેને રોકવા કે સમજાવવાના પ્રયત્ન નથી કરતા. અહીં પાંજો કુરો? એવો અભિગમ જોવા મળે છે, ગુજરાતીમાં કહેવાય છે, ‘આંખ આડા કાન’ એ કચ્છીમાં કહેવાય ‘અખીયેં આડા કન’ જાણીને પણ અજાણ્યા રહેવું.
શિક્ષણનું મહત્ત્વ દર્શાવે છે એક ચોવક, ‘અખર ત્રિઈ અખ’ મતલબ કે અક્ષરજ્ઞાન એ ત્રીજી આંખ સમાન છે, ત્યારે ભોળાનાથ શિવની ઓળખ યાદ આવે… એમને અમથા ત્રિનેત્ર નહીં જ કહેતા હોઈએ. એક બહુ મજા પડે એવી ચોવક આંખ પર છે. કોઈ પાસેથી કોઈ બાબત સમજવા સલાહ લીધા પછી પણ કંઈ સમજમાં ન આવે… ત્યારે ચોવકનો આ રીતે પ્રયોગ થાય છે, ‘અખ વતાઈ પ કમ ન આવઈ.’ સલાહ લીધી પણ કામ ન આવી એ અર્થમાં પણ એનો ઉપયોગ થઈ શકે, અને નારાજગી વ્યક્ત કરીને આંખ બતાવી તો એ પણ કામ ન આવી.
આ પણ વાંચો: કચ્છી ચોવક: એ ત્રણ અક્ષરમાં સમાઈ જાય તેટલી ટૂંકી ને ગજ જેટલી લાંબી પણ હોય છે…
આંખમાં આંજણી થાય, મોઢા પર એટલે કે ચહેરા પર ખીલ (મોયડો) થાય, નાકમાં ગાંઠ ગંઠાય – આ બધા દરદ આપનારા દર્દ છે. મતલબ કે શારીરિક નુકસાનીની આ બધી નિશાનીઓ છે. એ માટે મસ્ત ચોવક છે, માણજો મિત્રો, ‘અખ વિઝાણ આંગણી, મોં વિઝાણ મોયડો, નક વિઝાણ નાસૂર.’