કચ્છી ચોવકઃ અમી પીતાં કોણ ધરાય?

- કિશોર વ્યાસ
આર્દ્રા નક્ષત્ર બેસતાં જ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની હેલી જોવા મળી! વળી આર્દ્રા ન વરસે તો જ નવાઈ ગણાય! એજ રીતે હાથિયા નક્ષત્ર માટે પણ એમ કહેવાય છે કે, જો એ નક્ષત્રમાં વરસાદ વરસે તો વરસ ખૂબ સારું જાય. ચોવક કહે છે: ‘જ વસે હાથિયો, ત મોતીયેં જો સાથીઓ’ ચોવકનો સરળ અર્થ એવો થાય છે કે, જો ‘હાથિયા’ નક્ષત્રમાં વરસાદ પડે તો ઘેર ઘેર મોતીના સાથિયા એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
એક બહુ અર્થ ધરાવતી ચોવક પ્રચલિત છે કે: ‘રાતજો કુછેં કાગડા, ડીં જો કુછેં સીયાડ, કાં ડે જો વાલી મરે, કાં ડે મેં પે ડુકાર!’ ‘ડીં’ એટલે દેશ અને ડુકાર એટલે દુષ્કાળ! શબ્દાર્થ થાય છે: જો રાતના કાગડા બોલતા સંભળાય, જો દિવસે શિયાળની લવારી સંભળાય તો કાં દેશનો રાજા મૃત્યુ પામે અને કાંતો દેશમાં દુષ્કાળ પડે!
તો વળી રોહિણી નક્ષત્રને બહુ વરણાગી નક્ષત્ર તરીકે વધાવી લેવામાં આવ્યું છે. કહ્યું છે કે: ‘રોંદણ ગજે ત ઢોલ વજે’ રોહિણી નક્ષત્રમાં ગાજણ ગાજે તો એ શુભ ગણાય છે અને એમ કહેવાય છે કે: ‘વીજ વાંજણી ન વિંને’ ગર્જના પછી જો વીજળી થાય તો વરસાદ પડવાની પૂરી શકયતા ઊભી થાય છે. વીજ એટલે વીજળી અને ‘વાંજણી’નો અર્થ થાય છે વાંઝણી. ‘વિંને’ એટલે જાય.
ચિત્રા નક્ષત્રનો વરસાદ હિતકારી નથી ગણાતો. આ નક્ષત્રમાં જો વરસાદ વરસે તો બેસૂમાર વરસે, જે નુકસાન કરે! એવી માન્યતા દર્શાવતી ચોવક છે: ‘વસે ચિત ત છણે ભિત’ શબ્દાર્થ એવો થાય છે કે, જો ચિત્રા નક્ષત્રમાં વરસાદ વરસે તો ઘરની દીવાલો પણ પડી જાય! ‘વસે’ એટલે વરસે, ‘ચિત’ એટલે ચિત્રા નક્ષત્ર, ‘ધણે’ એટલે પડી જાય.
ઘરની ભીંત પડી જવાનો પ્રયોગ પ્રતીકાત્મક છે, અર્થ એવો થાય કે, ખૂબ નુકસાન થાય. ‘મઘા’ પણ એક નક્ષત્રનું નામ છે. જો એ નક્ષત્રમાં વરસાદ પડે તો સીમાડે ઘાસચારો સારો થાય. કહ્યું છે કે, ‘વસે મઘાત ધ્રઈ રેં ઢગા’. ‘વસે’નો અર્થ થાય છે વરસે અને ‘ધ્રઈ’ એટલે ધરાવું, ઢગા એટલે બળદ, પણ અહીં બધાં પશુઓના પ્રતીક રૂપ એ શબ્દ મૂકવામાં આવ્યો છે.
મિત્રો, આ તો ચોવકોનું અમી છે અને અમૃત પીતાં કોણ ધરાય? લો, એના પર એક બહુ પ્રચલિત ચોવક છે: ‘અમીં પીધે કેર ધ્રાય?’ અહીં ‘પીંધે’ શબ્દનો અર્થ છે, પીને કે પીવાથી અને ‘કેર’ એટલે કોણ, વળી ‘ધ્રાય’નો અર્થ થાય છે ધરવ!
એક રમતિયાળ ચોવક અહીં મૂકું છું. જેનો અર્થ એવો થાય છે કે, સોળવારની સાડી પહેર્યાં પછી પણ સ્ત્રીનો અડધો પગ ખુલ્લો દેખાય! લો, આ રહી એ ચોવક: ‘સોરો હથ સાડી ય અધ ટંગ ઉગાડી’ પણ અહીં સાડી અને સ્ત્રીનાં શરીરને સાધન બનાવી ચોવક કહેવા તો એમ માગે છે કે, કોઈપણ વસ્તુ સંપૂર્ણ હોવા છતાં, તેમાં કોઈને કોઈ બાબતની ઊણપ તો વરતાતી જ હોય છે!
આપણ વાંચો: મગજ મંથનઃ શિક્ષણની આધારશિલા: શિક્ષક-વિદ્યાર્થીના ઉષ્માપૂર્ણ માનવ સંબંધ