કચ્છી ચોવકઃ જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ એ બતાવે છે…

કિશોર વ્યાસ
ચોવક છે: ‘સિજ઼ છાબ઼ડે ઢક્યો ન રે’ એવા જ અર્થવાળી ગુજરાતીમાં પણ કહેવત છે: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે! ચોવકમાં પહેલો શબ્દ છે: ‘સિજ઼’ જેનો અર્થ થાય છે: સૂરજ અને ‘છાબ઼ડે’ એટલે છાબડીએ. ‘ઢક્યો’નો અર્થ થાય છે: ઢાંક્યો અને ‘ન રે’ એ બે એકાક્ષરી શબ્દનો અર્થ છે: ન રહે. જેમ સૂરજ છાબડીએ ઢાંક્યો ન રહે તેમ ઘણી બાબતો એવી હોય છે જે છુપાવી શકાતી નથી! એવો શબ્દાર્થ છે આ ચોવકનો પણ ગર્ભિત અર્થ ઘણા થઈ શકે છે. જેમ કે: શૂરવીર પુરુષ, જ્ઞાની વ્યક્તિ કે સુંદર નારી ઓળખાયા વગર ન રહે!
એક બહુ સરસ ચોવક છે: ‘સિકલ ચૂ઼ડેલજી, મિજાજ પરી જો’ સિકલ શબ્દનો અર્થ છે: દેખાવ કે ચહેરો ‘ચૂ઼ડેલજી’ એટલે ચૂડેલની. મિજાજનો અર્થ થાય છે: મિજાજ, સ્વભાવ કે વર્તણૂક! શબ્દાર્થ સ્પષ્ટ છે કે, દેખાવ ચૂડેલ જેવો અને મિજાજ પરી જેવો! પણ ચોવક જે કહેવા માગે છે તે એ છે કે, દેખાવ અને-હકીકતમાં ઘણો ફેર હોવો! જેમ કે દેખાવે તો રૂપાળાં ‘ત્રુ’ (એક કળવું ફળ) પણ હોય પરંતુ સ્વાદ તેનો ખૂબજ કડવો હોય છે. ગુજરાતીમાં આપણે ઘણીવાર કોઈને કહેતાં હોઈએ કે, રૂપાળું તો ગધેડાંનું બચ્ચું પણ હોય… મતલબ કે રૂપાળા હોવું એ દેખાવ જરૂર છે, પરંતુ સ્વભાવે ગધેડા જેવા ડફોળ હોઈએં તો, એ રૂપની કિંમત શું? ખરું ને?
આજે સારપનો જમાનો નથી આવું આપણે બોલતાં કે સાંભળતાં હોઈએ છીએ. કચ્છીમાં ચોવક પણ એવો જ અર્થ બતાવે છે કે, ‘સાર માંસાઈ જો જમાનું નાંય.’ અહીં ‘સાર’ શબ્દનો અર્થ થાય છે: સારાપણું કે સારપ. ‘માંસાઈ’નો અર્થ થાય છે: માણસાઈ. ‘જો’ એટલે ‘નો’ ‘જમાનૂં’ નો અર્થ થાય છે. જમાનો અને ‘નાંય’ એટલે નથી. મતલબ કે, સારમાણસાઈનો જમાનો નથી, પરંતુ આટલો જ અર્થ ચોવકનો નથી થતો. જ્યારે કોઈના ગુણ ધ્યાનમાં જ લેવાય ત્યારે આવો નિરાશાવાદી સૂર સાંભળવા મળે છે.
સારપને સમાવી લેતી બીજી પણ એવી ચોવક પ્રચલિત છે: ‘સારો સૂડીયેં ચડે’ ‘સારો’ શબ્દનો અર્થ થાય છે: સજ્જન.‘સૂડીયેં’ એટલે ફાંસીએ અને ‘ચ઼ડે’નો અર્થ છે: ચડે. શબ્દાર્થ છે: સજ્જન વ્યક્તિ જ ફાંસીએ ચડે અને ભાવાર્થ છે: સારપનો બદલો ખરાબ… મતલબ કે સજ્જનતા દાખવવા જતાં બદનામ થવું પડે તેવી સ્થિતિ.
ગુણ, જ્ઞાન અને સાધનાને પ્રમાણિત કરતી એક ચોવક છે: ‘સાધે સે વાધે’ ‘સાધે’ એટલે કે જ સાધના કરે તે અને ‘વાધે’ એટલે આગળ વધે. ભણતરને મહત્ત્વ આપતી આ ચોવકનો સ્પષ્ટ અર્થ છે: જે સાધના કરે તે આગળ વધે.
સાધવુંનો અર્થ એ છે કે, લક્ષ્યને વેધવું! એટલે જ તે અર્થની બીજી ચોવકમાં કહ્યું છે: ‘સામીં વે સે સિધે વે’ ‘સામીં’ એટલે સ્વામી કે ગુરુ, ‘વે સે’ આ પણ એકાક્ષરી બે શબ્દો છે, જેનો અર્થ થાય છે: હોય તે. ‘સિધ’ એટલે જ્ઞાની અને જો કોઈ વ્યક્તિ માટે તેનો ઉપયોગ થતો હોય તો તેનો અર્થ થાય છે: જાણકાર. શબ્દાર્થ છે: જે સ્વામી હોય તે જ્ઞાન સાધક જ હોય. ચોવક જે કહેવા માગે છે તે એટલું જ છે કે, જ્ઞાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે.
એક કહેવત છે: સમજને માર હોય! એજ વાત ચોવક પણ કહે છે: ‘સમજ કે માર આય’ અર્થ સ્પષ્ટ છે એટલે શબ્દાર્થ ન કરતાં ભાવાર્થ માણીએ. ‘સમજ’ હોવી એ ગુણ છે, જે સફળતા અપાવે છે અને ‘સમજ’ હેવી એ ઘણીવાર દુ:ખ પણ પેદા કરાવે છે!



