કચ્છી ચોવક : કચ્છીમાં રૂઢિપ્રયોગ એ સિદ્ધિપ્રયોગ ગણાય છે

- કિશોર વ્યાસ
ચોવકની માફક કચ્છીમાં રૂઢિપ્રયોગો પણ કચ્છી પ્રજાની બોલચાલમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમીક્ષકો તો એટલે સુધી કહે છે કે, રૂઢિપ્રયોગો તો એક દિવ્ય જ્યોતિનું મંદિર છે. તેની એક પણ ઈંટ આઘીપાછી ન કરી શકાય. વળી, એ ‘સિદ્ધપ્રયોગ’ કે ‘સાધુપ્રયોગ’ તરીકે પણ ઓળખાય છે.
ચોવકોનું એવું છે કે, તેનો અર્થ બીજા કોઈ માધ્યમ કે વાક્યની સહાયતા વગર જ સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે વ્યક્ત થતો હોય છે, જ્યારે રૂઢિપ્રયોગમાંના અર્થ સ્વતંત્ર રીતે સ્પષ્ટ થતા નથી. લો, જુઓ આ ઉદાહરણ: ‘ઔંકાર નુરી પોણું’ એટલે કે ખમીર હણાઈ જવું, કે અભિમાન ઊતરી જવું. હવે આને કોઈ વાક્યમાં નહીં નિરુપાય ત્યાં સુધી અર્થ સ્પષ્ટ નહીં થાય. હવે વાક્યમાં તેનો પ્રયોગ જોઈએ: ‘એન જા કરમ એડા વાને અભેમાન બોરો વો, આખર એન જો ઔંકાર જુરી પ્યો!’ અર્થાત્ તેનાં કરમ (ભાગ્ય / કર્મ) એવાં હતાં અને અભિમાન પણ બહુ જ હતું, આખરે તેનું અભિમાન ઊતરી ગયું.
કચ્છીમાં વપરાતા રૂઢિપ્રયોગોના વિકાસ અને ઉત્પત્તિમાં ફાળો આપનાર પરિબળો તથા તેના ઉદાહરણરૂપ પ્રયોગો જોઈએ તો, સાદશ્યતાનું ઉદાહરણ છે: ‘અકજી કાઠી’ ‘અક’ એટલે આકડો અને ‘કાઠી’ એટલે લાકડી. આકડાની લાકડી અંદરથી પોલી હોય છે. એટલે ‘અકજી કાઠી’નો અર્થ થાય છે: અંદરથી પોલી (વ્યક્તિ કે વસ્તુ)!
તેમાં પણ પાછું, પ્રતીકાત્મક ઉદાહરણ જોઈએ તો પણ ભાવાર્થ થાય છે: ઘડાયા વગરનું અથવા બિનઅનુભવી. ગુજરાતીમાં એમ કહી શકાય કે ‘એ અણચિંધ્યા મોતી’ જેવો જણ છે, એટલે કે બિનઅનુભવી છે.
વ્યંગાત્મક રૂઢિપ્રયોગનું કચ્છી ભાષામાં સારું ચલણ છે. ઉદાહરણ તરીકે ‘ઈસ્ક્રૂ ઢીલા થીણા’ શબ્દાર્થ સ્પષ્ટ છે કે, સ્ક્રૂ ઢીલાં થવાં! પણ વપરાય છે ત્યારે ભાવ એવો હોય છે કે: બુદ્ધિબળ ઓછું હોવું કે પછી મગજ અસ્થિર હોવું. સમાન અર્થ ધરાવતો બીજો પણ એક રસપ્રદ પ્રયોગ છે: ‘અકલ જો ઠાં’ એટલે કે સાવ અક્કલ વગરનો!
અતિ અભિમાની વ્યક્તિને સંબોધીને કચ્છીમાં એમ કહેવાય છે કે, ‘આફરો અચી વ્યો આય’ પશુઓ જ્યારે વધારે પડતો આહાર લે ત્યારે સામાન્ય રીતે એવું કહેવાય કે, આફરો ચઢયો છે! તેના પરથી સુખમાં કે પૈસાથી છકી ગયેલા લોકો માટે આ રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે.
રૂઢિપ્રયોગ ત્યાં સ્વત: પ્રસ્ફુરિત થાય છે, જ્યાં કોઈ કારણવશ કોઈ વ્યક્તિ પર કટાક્ષ કરવો હોય કે વ્યંગબાણ ચલાવવાં હોય… ત્યારે વ્યક્તિના મોઢેથી નીકળેલા શબ્દો માર્મિક બનાવે છે. ઉદાહરણ છે: ‘ચાવી વિંજાઈ વિજણી’ મતલબ કે પાગલ થઈ જવું.
આપણ વાંચો: તસવીરની આરપાર : વાંકાનેર છે સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ
ખુમારીની વાત આવે એટલે કચ્છી માડુનું ઉદાહરણ અપાતું હોય છે. આવી ખુમારીનું મહત્ત્વ દર્શાવતી એક સુંદર ચોવક છે: ‘હજાર વિંજાઈ જે પ હાલ ન વિંજાઈ જે’ શબ્દાર્થ એવો છે કે, હજારો (રૂપિયા) ગુમાવજો પણ ખુમારી કાયમ રાખજો. ભાવાર્થ પણ બહુ સ્પષ્ટ છે: કોઈપણ ભોગે પોતાની ખુમારી ટકાવી રાખવી.
આપણા સૌનો એક સમાન અનુભવ રહ્યો છે કે, ઘણા લોકોને દૂધમાંથી ફોરા (ગુજરાતી કહેવત) કાઢવાની આદત હોય છે. એ લોકો દરેક કામમાં ભૂલો કાઢવાની દોષદૃષ્ટિ ધરાવતા હોય છે. એ સતત વાંકું જ બોલે. વ્યંગ તો તેમના વ્યંજનમાં વણાઇ ગયો હોય તેવું લાગે ! તેમના માટે કચ્છીમાં એમ કહેવાય છે કે: ‘કંધ મિંજા કુછણું’ ‘કંધ’ એટલે કાંધ, ‘મિંજા’ એટલે ‘માંથી’ કે અંદરથી ‘કુછણું’ એટલે બોલવું! બહુ મર્મસ્પર્શી પ્રયોગ છે.