કચ્છી ચોવકઃ વિશેષ વ્યક્તિઓની સ્મૃતિ અપાવે રૂઢિપ્રયોગ!

- કિશોર વ્યાસ
પ્રત્યેક ભાષામાં ક્યારેક વ્યક્તિવાચક નામોના પ્રયોગ જાતિવાચક તેમ જ વિશેષણોના રૂપમાં થતા જોવા મળે છે. ખાસ કરીને રૂઢિપ્રયોગોમાં તેમનાં નામ, ગુણ કે પાત્રતા તેમના ભૌતિક દેહ નષ્ટ થયા પછી પણ સ્મૃતિરૂપે રહે છે. એ જ્યારે રૂઢિપ્રયોગના રૂપે પ્રયુક્ત થાય છે ત્યારે તે રૂપો સાંભળતાં જ પ્રાચીન સ્મૃતિઓ જાગૃત થઈ જતી હોય છે.
કચ્છના જનજીવનમાં વણાયેલા, કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓના સ્મારકરૂપે કેટલાક રૂઢિપ્રયોગો આજે પણ પ્રયોજાતા હોય છે. જેમ કે: ‘ફૂલણસી આય.’ કચ્છના એક રાજવીનું નામ લાખો ફૂલાણી હતું અને એ દાનેશ્ર્વરી હતા. દાન આપવામાં પાછા ન પડતા, પરંતુ આજે ગજું ન હોવા છતાં દાન આપવામાં ચડસાચડસીમાં ઊતરનાર વ્યક્તિને સંબોધીને વ્યંગમાં કહેવામાં આવે છે: ‘ફૂલણસી.’
બહુ ઓછા લોકોને વિદિત હશે કે, મધ્યકાલીન ગુજરાતમાં કચ્છ પ્રદેશ ‘લાટઆય’ એટલે કે ‘સુંદર’ છે એવો શબ્દ પ્રયોગ રૂઢ થયેલો છે. કચ્છમાં એ લાટ રાજપુરુષોની યાદ અપાવી દે તેવો રૂઢિપ્રયોગ પ્રચલિત છે: ‘લાટ માડુ લગે તા’
એ એક અનોખો અને રસપ્રદ વિષય છે.- ગુજરાતના ઈતિહાસમાં સિદ્ધરાજનું નામ અજાણ્યું નથી. એ સિદ્ધરાજના અમાત્યનું નામ ‘દાદાક’ હતું અને તે બહુ મુત્સદી પણ હતા. તેમના નામ પરથી કચ્છમાં એક પ્રયોગ રૂઢ થયો હોવાનું તારણ મળે છે કે, ‘જબરો’ છે એમ કહેવા માટે કચ્છીમાં ‘ધા-ધાકઆય’ જેવા શબ્દોનો પ્રયોગ આજ પણ થતો રહ્યો છે.
અપ્સરા સમાન સુંદર સ્ત્રીના સૌંદર્યની નવાજેશ કરવા તેને ‘હોથલ પદમણી’ કહેવાનું હજુ આજે પણ પ્રયોજાય છે. એટલું જ નહીં એ જ શબ્દોનો પ્રયોગ વ્યંગ કે કટાક્ષમાં પણ કરવામાં આવતો હોય છે. જેમ કે કોઈ કાળી કે કુરૂપ ક્ધયા કે સ્ત્રી માટે ‘હોથલ પદમણી’ કહીને વ્યંગ કરવામાં આવે છે!
સાધુ, સંત કે ગુરુ જેવી સન્માનનીય વ્યક્તિઓની યાદોને વણી લેતા રૂઢિપ્રયોગો પણ કચ્છીમાં જોવા મળે છે. ‘ગુરુકેણા’ એટલે કે કોઈને ગુરુપદે સ્થાપવા. ‘ટૂબી ડીણી’ એ પ્રયોગ જ્ઞાનસાગરમાં ડૂબકી આપનાર માટે કરવામાં આવે છે. શબ્દાર્થ છે: ડૂબકી મારવી. ‘અભધૂત ભનણું’- (અવધૂત બનવું) અર્થાત સદ્કાર્ય પાછળ મગ્ન બની જવું.
‘અડો જમાયણું’ એ આમ તો સાધુ-બાવાઓ જ્યાં સ્થાનક સ્થાપે તે સ્થળ હોવાનો અર્થ અભિપ્રેત છે. તો વળી ગુંડા-મવાલીઓ જ્યાં પડયા પાથર્યા રહેતા હોય કે, જુગારીઓ જ્યાં નિયમિત જુગાર રમવા મળતા હોય એ સ્થળોને પણ ‘અડો’ કહેવામાં આવે છે.
કોઈ વ્યક્તિ જ્યારે કોની સંપત્તિ હડપ કરીને તેને ભીખ માગવી પડે તેવી સ્થિતિમાં મૂકી દે ત્યારે તેના માટે એમ કહેવાય છે કે, ‘કચલી જલાયણી’ કચલી એટલે ફોડેલા નાળિયેરનો કોપરું કાઢી લીધા પછીનો અડધો ભાગ! કાચલી કહેવાય ગુજરાતીમાં. કાચલી પકડાવી દેવી એટલે ભીખ માગતા કરી દેવું!
આવા પારકી સંપત્તિ પચાવી પાડીને એશ કરવા વાળા માટે કચ્છીમાં ચોવક છે: ‘પારકે પૈસે તાગડ ધીનાં’ આવા લોકોને સમાજમાં આદર થોડો જ મળે? લોકો તેમને ધિક્કારતા હોય છે અને ‘લ્યાનત’ આપતા હોય છે: “લખજી લાનત, હી કિતરા ઐં ધે” લાખ લાખ લ્યાનત આપતો નારાજગી અને કચવાટનો સૂર આ ચોવકમાં જોવા મળે છે.
એવા લોકો માટે કુદરતી ન્યાયનું દર્પણ બતાવતી એક ચોવક છે: ‘હરામ જો ઢીંગલો, હકજી કોરી ખણધો વિંઝે’ પારકાનું પડાવી લીધેલું કંઈ પચે નહીં, એ જવાનું જ હોય અને જ્યારે જાય ત્યારે હકની કમાણી પણ તેની સાથે ચાલી જાય છે. ‘કાચલી’ પકડાવનારે પોતે ‘કાચલી’ હાથમાં લેવી પડે!
આપણ વાંચો: મગજ મંથનઃ નકારાત્મક બીલિફ સિસ્ટમ જીવનમાં અંધકાર લાવી શકે છે



