ઈન્ટરવલ

એપ્સ્ટીન- અદનાન ખશોગી- પામેલા બોર્ડેસ સત્તા સાથે વિકૃત સાઠગાંઠ

સિક્કાની ત્રીજી બાજુઃ જયવંત પંડ્યા

સમગ્ર વિશ્વમાં જેની ચારેકોર ચર્ચા છે એવી વિવાદાસ્પદ એપ્સ્ટીન ફાઇલોમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા, પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, માઇક્રોસોફ્ટથી જાણીતા બિલ ગેટ્સ, ગૂગલના સ્થાપક સર્ગી બ્રિન, એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ, સાઉદી અરેબિયાના મોટા ઉદ્યોગપતિ સુલતાન અહમદ બિન સલાયેમ, નોર્વેની રાજકુંવરી મેટ્ટે મેરિટ, ઇંગ્લેન્ડના રાજકુંવર ઍન્ડ્રુ, તેની પત્ની સારાહ ફર્ગ્યુસન, દીકરીઓ બીટ્રિસ અને યુજીની, રાજકુંવરી ડાયેના,

સ્વીડનની રાજકુંવરી સોફિયા, ટેસ્લા કાર કંપનીના સ્વામી ઇલોન મસ્ક, ગાયક માઇકલ જેક્સન, ફેશન મોડલ નાઓમી કેમ્પબેલ, ફિલ્મ નિર્દેશિકા મીરા નાયર (જે હવે ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીની માતા તરીકે વધુ ઓળખાય છે), વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સ, યોગ અને આયુર્વેદના પ્રસાર માટે જાણીતા દીપક ચોપડા ઉપરાંત અનેક જાણીતા ભારતીયોનાં પણ નામ છે.

મૂળે તો જેફ્રી એપ્સ્ટીન, સોફિસ્ટિકેટેડ રીતે ફાઇનાન્સર હતો પણ આ ઓઠા હેઠળ તે દલાલ જ હતો. તેને અમેરિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો સાથે ઘરોબો રાખવો પસંદ હતો. તે આ રીતે એકબીજાને મેળવી કામો કરાવી આપતો હતો. તેના માટે તે વર્જિન નામના ટાપુઓ પૈકીના તેના એક ટાપુ પર અય્યાશીની પાર્ટીઓ રાખતો.

નીચતા એ વાતે હતી કે તે તેમાં કુમળી વયની છોકરીઓ પૂરી પાડતો. દાવા તો ભયંકર થઈ રહ્યા છે કે શેતાનની પૂજા માટે આ છોકરા-છોકરીઓને મારી ભોગ ધરાવાતો જેથી પોતાની સમૃદ્ધિ ચાલુ રહે. ઘણા ગુનેગારોનો અંત જે રીતે આવે છે તેમ એપ્સ્ટીનનું પણ થયું. તેનું જેલમાં આપઘાતથી મૃત્યુ થઈ ગયું. એનું આ ક-મોત પણ અન્ય બીજા કેટલાંક વિવાદ સર્જી રહ્યું છે…

ઍપ્સ્ટેઇન અબજોપતિઓની સંપત્તિ, વેરા, એસ્ટેટ પ્લાનિંગ વગેરે સંભાળવાનો ધંધો કરતો હતો. તેના એક ગ્રાહકનું નામ છે અદનાન ખશોગી. કાન ચમક્યા ને? 90ના દાયકામાં ખશોગીનું નામ મીડિયામાં બહુ આવતું હતું. રસપ્રદ ઇતિહાસને તાજો કરીએ. સાઉદી અરેબિયાના અદનાન ખશોગી શસ્ત્રોના સોદાઓમાં વચેટિયા અથવા દલાલ તરીકેનું કામ કરતા હતા. તેમનું નામ એક કૌભાંડમાં આવ્યું હતું.

1980ના દાયકામાં અમેરિકાને ઈરાન સાથે સારું બનતું હતું. તે વખતે અમેરિકાના પ્રમુખ હતા રોનાલ્ડ રેગન. તેમની સરકારે ખશોગી મારફતે ગેરકાયદે રીતે ઈરાનને શસ્ત્રો પૂરાં પાડ્યાં હતાં ! તે સમયે પણ ઈરાન પર શસ્ત્રો વેચવા પર અમેરિકાનો પ્રતિબંધ હતો, પણ મજબૂરી કા નામ! અમેરિકાએ આ શસ્ત્રો વેચીને ઉપજાવેલા ડૉલરમાંથી નિકારગુઆમાં વિદ્રોહીઓને નાણાં પૂરાં પાડ્યાં હતાં!

આ અદનાન ખશોગી 1991માં ભારત આવ્યા ત્યારે ભારતના મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ઊથલપાથલ મચી ગઈ હતી. તે વખતે તેઓ વડા પ્રધાન ચંદ્રશેખરને તેમના દિલ્હી પાસેના ભોંડસી ખાતેના ફાર્મહાઉસમાં મળ્યા હતા. આ ઉપરાંત ત્યારે ચંદ્રશેખરની સરકાર કૉંગ્રેસના બહારથી ટેકાથી ચાલતી હતી. એટલે અદનાન ખશોગી રાજીવ ગાંધીને પણ મળ્યા હતા.

આ ઉપરાંત તે સમયે કૉંગ્રેસમાં ખૂબ મહત્ત્વ ધરાવતા કહેવાતા સાંપ્રદાયિક (તેને ધાર્મિક ન કહી શકાય) ગુરુ ચંદ્રસ્વામીને પણ તેઓ મળ્યા હતા. પુણેના એક વેપારી હસન અલી ખાને ખશોગી માટે અનેક વાર કાળાં નાણાં સફેદ કરી આપ્યા હતા અને સ્વિસ બેંકમાં જમા કરાવ્યા હતા. આથી 2007માં હસન અલી ખાન સામે તપાસ શરૂ થઈ હતી, પરંતુ 2011માં નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીએ જાહેરાત કરી હતી કે સ્વિસ બેંકમાં હસનનાં બંને ખાતાંઓ ખાલી છે. 2012માં તેમણે કહ્યું હતું કે તેમની પાસેથી ચડી ગયેલા કરવેરા (જે લાખો રૂપિયા નહીં, અબજો હતા- રૂ. 910 અબજ) વસૂલ કરવા શક્ય નથી!

જોકે તે વખતે સરકારે એક નેતા પર દરોડો પાડ્યો હતો. આ નેતા બિહારના કૉંગ્રેસના પ્રવક્તા અમલેન્દુકુમાર પાંડે હતા અને તેમના પર આક્ષેપ હતો કે તેમણે હસન અલી ખાનને નકલી દસ્તાવેજો પર પટનાથી પાસપોર્ટ પ્રાપ્ત કરાવવામાં અને સિંગાપોરમાં ખાતું ખોલાવી તેમાં કાળાં નાણાં જમા કરાવવામાં સહાય કરી છે.

પાંડે હસન સાથે 1997માં ફ્લાઇટમાં સિંગાપોરની બેંકમાં ખાતું ખોલાવવા પણ ગયા હતા! ખશોગી અને હસનની જેમ આ પાંડે પણ સત્તાના દલાલ હતા. એ મિસ્ટર ઘણા પક્ષોમાં આંટો મારી આવ્યા હતા. એટલું જ નહીં, 1997માં તો આ અમલેન્દુકુમાર પાંડે તે સમયના વડા પ્રધાન ઈન્દ્રકુમાર ગુજરાલ જ્યારે વિદેશ પ્રધાન હતા ત્યારે તેમના વિશેષ ફરજ પરના અધિકારી (ઓએસડી) હતા.

ઍપ્સ્ટેઇનના ગ્રાહક અદનાન ખશોગી એપ્સ્ટીનની જેવી જ ચર્ચા એક સમયે થયેલી તે પામેલા બોર્ડેસ કેસમાં પણ ઉલ્લેખ પામ્યા હતા. જૂની પેઢીના વાચક મિત્રોને સ્મરણ હશે કે 1980ના દાયકામાં, ભારતમાં જન્મેલી પામેલા બોર્ડેસનું ઇંગ્લેન્ડના મોટા રાજનેતાઓ અને મોટા પત્રકારો સાથેનું સેક્સ કૌભાંડ ખૂબ જ ચર્ચાયું હતું. મૂળ નામ પામેલાસિંહ. તેનો જન્મ 1961માં દિલ્હીમાં થયો હતો. તેના પિતા મહેન્દ્રસિંહ ભારતીય સેનાના અધિકારી હતા! પણ તે વેશ્યાવૃત્તિના રવાડે ચડી ગઈ.

ઇંગ્લેન્ડમાં એક વેશ્યાલય પ્રચાર અધિકારી (એપ્સ્ટીનની જેવા દલાલ) મેક્સ ક્લિફોર્ડના ગ્રાહકોને વેશ્યાઓ પૂરું પાડતું. ક્લિફોર્ડે વેશ્યાલયની કર્તાધર્તાને તેની છોકરીઓ અને ગ્રાહકો વિશે પૂછ્યું તેમાં પામેલાનું કૌભાંડ ખુલ્લું પડ્યું. પામેલાની સૂચિમાં અદનાન ખશોગીનું પણ નામ હતું.

જોકે આ બધામાં એપ્સ્ટીનનું કૌભાંડ સૌથી ભયાવહ છે. તેમાં કુમળી વયની છોકરીઓનો ઉપયોગ કરાયો હતો અને દાવાઓ સાચા હોય તો, તેમને મારી નખાતી હતી. આ એ લોકો છે જે આખી દુનિયાને વશમાં રાખે છે વત્તા માનવાધિકાર અને નૈતિકતાના પાઠ પણ ભણાવે છે!. આવાં કૌભાંડ કોઈ કાળે ન ચલાવી લેવાય, પણ ઍપ્સ્ટેઇનનું જેમ જેલમાં ફીંડલું વળી ગયું તેમ આ ફાઇલોની ચર્ચા પણ થોડા દિવસ પછી ફીંડલું વળી જશે અને ફરી કોઈ નવો કોઈ એપ્સ્ટીન સત્તાને ખુશ કરવા આવી જશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button