ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ 50 વર્ષ પછીનો પુરુષ… ન કહેવાય- ન રહેવાય- ન સહેવાય!

જયવંત પંડ્યા

પચાસ પછીના પુરુષની સ્થિતિ ચોમેરથી કફોડી બને છે. નોકરી-ધંધામાં હવે તે સાહસ કરી શકતો નથી. પરિવારમાં તેને કડક રહેવું પડે છે. સંતાનો તેનાથી વિમુખ થતાં જાય છે. અને મિત્રોનો સંગાથ પણ છૂટતો જાય છે.

આમ પણ પચાસ પછીના પુરુષ પર ઓછું લખાયું છે. તેની સ્થિતિ શારીરિક ફેરફારો કરતાં સામાજિક-આર્થિક વધુ છે. આર્થિક પરિસ્થિતિ મોં ફાડીને ઊભી છે. કોલેજમાં ભણતા સંતાનની ફી તેને ભરવાની છે. દીકરો નોકરી કરવા બહારગામ જાય તો એક બીજું ઘર લેવા માટે ડાઉનપેમેન્ટ આપવું પડે. સંતાનોનાં લગ્ન ખર્ચની વ્યવસ્થા કરી રાખવી પડે. પચાસ પછી શરીરને ઘસારો લાગવા શરૂ થઈ જાય છે.

સુરતમાં માત્ર 24 વર્ષની ઝીલ ઠક્કરને હૃદયાઘાત આવી શકે તો પચાસ પછીના પુરુષને કેમ નહીં? એટલે કામ કે ધંધાના તણાવના કારણે થઈ ગયેલા ડાયાબિટીસ અને બી. પી.ની દવાઓ લઈને તેની આડઅસર ન થાય તેની કાળજી રાખવાની છે. પત્નીના નબળા સ્વાસ્થ્યનો ખર્ચો પણ કાઢવાનો. દર વર્ષે વાહનનો વીમો, મેડિક્લેઇમ અને જીવનવીમાનું પ્રિમિયમ ભરવાનું.

આ બધા વચ્ચે તેના માટે નોકરી બચાવી રાખવી ખૂબ જ મહત્ત્વની બની જાય છે. કારણ કે બધે જ કંપની મેનેજમેન્ટને અનુભવીની જરૂર નથી, યુવા લોહી જ જોઈએ છે જે દોડીને કામ કરી શકે. પચાસ પછીના પુરુષનો પગાર હવે કંપની મેનેજમેન્ટને પોસાતો નથી. એટલે તેને નોકરીમાંથી કાઢવાના પેંતરા ચાલુ થઈ જાય છે.

તે હવે નોકરી-ધંધો બદલતા ડરે છે. સાહસ કરવાની તેની વય જતી રહી છે. બધો વિચાર કરીને ઠેકડા મારવા પડે છે. તેની અનુકૂલન સાધવાની ક્ષમતા પણ ખૂટી રહી છે. તે કમ્પ્યુટરમાં કામ કરતા શીખ્યો, મોબાઇલ પણ અપનાવ્યો. તે પછી લેપટોપમાં માઉસ વગર કામ કરતા શીખ્યો, પણ હવે AIનો મોટો પડકાર સામે ખડો છે.

નિવૃત્તિ પછીનો પુરૂષ ઘર પર બોજ લાગે છે. આથી તેણે નિવૃત્તિ પછીના જીવનનું આયોજન કરવાનું છે. તેનાય જાતજાતના વિચારો આવે છે. હવે તેની કામ કરવાની ક્ષમતા ધીમી પડી છે. પહેલાંની જેમ વાહન પણ તે વારંવાર ચલાવી શકતો નથી. એનું કારણ એ નથી કે તેનામાં ક્ષમતા નથી. તેને ડર છે કે તે પોતાની જાતને નુકસાન અથવા તેના પરિવારને નુકસાન ન પહોંચે.

પારિવારિક સમસ્યાઓ પણ ઘણી છે. પરિવાર હવે તેનાથી થોડોથોડો દૂર થવા લાગ્યો છે. પત્ની બાળકોમાં વ્યસ્ત છે. બાળકો મોટાં થયાં બાદ તેની માતા તરફ વધુ થઈ ગયાં છે. માતા તરુણ સંતાનોની સાચી-ખોટી વાત માને છે, પણ પુરૂષને તરૂણ સંતાનોને બગડવાં નથી દેવાં. તેથી તે કડક થવા જાય છે. તેને પોતાને બાપ-દાદા તરફથી મળેલો વારસો અને પોતાના અનુભવોનો વારસો તેનાં સંતાનોને આપી જવો છે.

તેને એક છુપો ડર પજવે છે કે દીકરીનો પગ લપસી તો નહીં જાય ને? દીકરીને કેવો વર મળશે? દીકરાને કેવી પત્ની મળશે? એક પુરુષ તરીકે તેને તો વાંધો નહીં આવે પણ તેની પત્ની સાસુ બન્યા પછી વહુ સાથે અનુકૂલન સાધી શકશે?

પુરૂષની રાતની ઊંઘ વેરણ થઈ જાય છે. ડાયાબિટીસના લીધે રાત્રે વારંવાર પેશાબ કરવા ઊઠવું પડે છે. તેને થાય છે કે ભલે પત્નીને જાતીય સંબંધ બાંધવાની ઈચ્છા ન હોય પણ હળવો રોમાન્સ તો કરી જ શકે, પણ પત્ની હવે આ ઉંમરે?’ કહીને પત્ની નકારે છે અને કયારેક પત્ની ઈચ્છા વ્યકત કરે ત્યારે ક્યારેક તેને પોતાનાપુરૂષત્વ’ની પણ ચિંતા થાય છે.

પચાસના ઉંબરે પહોંચેલા પુરૂષને ઘડપણ માટે પણ મૂડી એકઠી કરવાની છે. આવામાં સંતાન તરફથી જો વિદેશ જવાની માગણી આવે તો અને તેના માટે રૂપિયા કાઢે તો તેની ઘડપણની મૂડી સાફ થઈ જાય. ન આપે તો સંતાનને એમ થાય કે તેના પિતાને તેની કંઈ પડી નથી.

તે પોતાના મનની ચિંતા કોઈને કહી શકતો નથી. હવે મિત્રો પણ પોતાના જીવનમાં વ્યસ્ત છે અથવા તેમના અને પોતાના સમયનો મેળ ખાતો નથી. આથી તે કોઈ આધ્યાત્મિક શરણ શોધે છે, કોઈ અનુષ્ઠાન કરે છે તો ક્યારેક આપઘાત કરવાના વિચારો પણ આવી જાય છે…

-પણ પુરૂષ એ પુરૂષ છે… બીજી ક્ષણે તે નિરાશા ખંખેરીને નવું `યુદ્ધ’ લડવા ઘરની બહાર નીકળી જાય છે….!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button