ઈન્ટરવલ

પ્રાસંગિક : અમેરિકા-ઈરાન વચ્ચે સીધા યુદ્ધનાં એંધાણ હાથે કરેલા હૈયે વાગ્યા ટ્રમ્પને…

-અમૂલ દવે

ઈશ્વર દરેકને અવસર આપે છે, પરંતુ જો ગુમાન અને ઈર્ષ્યામાં તમે એ અવસરને ઠુકરાવી દો તો તમારે પછી પસ્તાવો કરવો પડે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું એવું જ છે. એમને હાથે કરેલા હૈેયે વાગી રહ્યા છે. ઈરાને પ્રતિબંધો છતાં પોતાનો અણુ કાર્યક્રમ ચાલુ રાખ્યો એ પહેલાની વાત કરીએ તો ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળ પહેલાંના એમના અનુગામી બરાક
ઓબામાએ ઈરાન સાથે 2015માં અણુસંધિ કરી હતી જે ‘જોઈન્ટ કોમ્પ્રેહેન્સિવ પ્લાન ઓફ એક્શન’ના નામે જાણીતી હતી, જેમાં ઈરાનના અણુ કાર્યક્રમમાં અનેક અંકુશો મૂકવામાં આવ્યા હતા, જેમકે યુરેનિયમને ફક્ત 3.67 ટકા સમૃદ્ધ કરવાના અંકુશો હતા અને અણુની ઓપન સાઈટને નિરીક્ષણ કરવાની જોગવાઈ હતી. આના બદલામાં ઈરાન પર મૂકેલા અમુક અંકુશ દૂર કરવાના હતા.

ટ્રમ્પ હંમેશાં દાવો કરે છે કે હું બિઝનેસમેન હોવાથી સૌથી સારી ડીલ કરી શકું છું. ટ્રમ્પે આને ‘ખરાબ ડીલ’ કહીને એ સંધિ એકપક્ષી રીતે રદ કરી નાખી હતી. આ એ જ ટ્રમ્પ છે જે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એક દિવસમાં બંધ કરવાની શેખી મારતા હતા. સત્તા પર આવ્યાને ત્રણ મહિના થયા હોવા છતાં હજી ટ્રમ્પ કોઈ સફળતા મેળવી શક્યા નથી. પુતિન આગળ એમની દાળ ગળતી નથી એટલે હવે એ રશિયાને ધમકી આપી રહ્યા છે. ટ્રમ્પે સંધિ રદ કરતાં ઈરાન પરની લગામ નીકળી ગઈ હતી. ઈરાને આર્થિક પ્રતિબંધ છતાં પોતાનો અણુ કાયર્ક્રમ ચાલુ રાખ્યો.

ઈરાને અણુબોમ્બ વિકસાવી દીધો હોવાનું અમેરિકા માને છે. આ ઈરાને બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન વિકસિત કરીને અમેરિકા અને ઈઝરાયલ માટે મુસીબતનો પહાડ ઊભો કર્યો છે. ઈરાન અને રશિયા પરમ મિત્ર છે. ઈરાને ડ્રોન અને મિસાઈલ આપીને યુદ્ધમાં રશિયાની મદદ કરી છે. ટ્રમ્પને હતું કે હું રશિયાને ચીન અને ઈરાનથી દૂર કરી દઈશ, પરંતુ એમના યુદ્ધવિરામનો પ્લાન રશિયાએ ન સ્વીકારતાં એમની મનની મનમાં રહી છે અને ચીન તથા રશિયા ઈરાનને પડખે ઊભા છે. ટ્રમ્પે એક ધમકીભર્યો પત્ર લખીને ઈરાનના સુપ્રીમ નેતા ખામેનીનો અણુ સમજૂતી કરવા પહેલી મે સુધીનું અલ્ટિમેટમ આપ્યુ હતું. ઈરાનને ડરાવવા અમેરિકાએ ઈરાનની ‘એક્સિસ ઓફ રેસિસ્ટન્સ’ના ઘટક હુથી પર તૂટી પડ્યું હતું અને પોતાના બોમ્બર અને નૌકાદળના કાફલા ગલ્ફમાં અને એશિયામાં તહેનાત કરી દીધા છે.

ટ્રમ્પે તો ફરી ધમકી આપી છે જો ઈરાન અમારી સાથે વાતચીત નહીં કરે તો અમે એના પર બોમ્બમારો કરીને ખતમ કરી દઈશું. આના જવાબમાં ખામેનીએ અમેરિકા સાથે સીધી વાતચીત કરવાની ના પાડી છે. ખામેની કહે છે કે ટ્રમ્પ અવિશ્ર્વસનીય છે. ખામેનીએ કહ્યું છે કે જો અમેરિકા કે ઈઝરાયલ કોઈ અડપલા કરશે તો જોવા જેવી થશે. ઈરાને તેની મિસાઈલ સિટી બતાડીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. ઈરાને તેના લશ્કરી દળોને સજ્જ કરી દીધા છે. ઈરાને હુથીને મદદ કરવા 3000 જહાજો સમુદ્રમાં ઉતાર્યા છે. ઈરાન બટન દબાવે તો મિસાઈલ અમેરિકાના ગલ્ફ અને એશિયામાંના મથકો પર હુમલો કરે એવી તેણે તૈયારી રાખી છે.

બીજી બાજુ પેન્ટાગોન પણ એક્શન મોડમાં છે. ઈરાન સાથે અણુયુદ્ધ કરવાની પણ તૈયારી થઈ રહી છે. પવિત્ર રમઝાન મહિનો પતી ગયો હોવાથી હમાસ, હિઝબુલ્લાહ અને હુથી વધુ સક્રિય થશે. યમન સ્થિત હુથીએ તો અમેરિકા અને ઈઝરાયલના નાકમાં દમ લાવી દીધો છે. હુથીની સુપરસોનિક મિસાઈલથી રાતા સમુદ્રમાંથી અમેરિકા અને ઈઝરાયલના જહાજો જઈ શકતા નથી. હુથીએ ઈઝરાયલના વિમાનમથક અને બીજા સ્થળોએ હુમલા કર્યા છે. હુુથીના હુમલાને લીધે અમેરિકાના યુદ્ધવાહક જહાજ યુએસએસ હેરી ટ્રુમેનને ક્ષતિગ્રસ્ત થઈને નિરંકુશ થયું હોવાના અહેવાલ છે.

અમેરિકા હુથીના હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવે છે. પુતિને અમેરિકાને દગો દીધો છે. એમની અને ખામેનીની દોસ્તી અકબંધ છે. પુતિને ઈરાનને સારી એર ડિફેન્સ સિસ્ટમ અને બીજા હથિયારો આપ્યા છે. ચીન અને રશિયાના કહેવાથી ઉત્તર કોરિયાએ ઈરાનને એઆઈથી ચાલતા ડ્રોન વિમાન આપ્યા છે. રશિયાએ અણુ હથિયારનું વહન કરી શકે એવા મિસાઈલ પણ
ઈરાનને આપ્યા છે. રશિયા અને ચીને ઈરાનને ન છંછેડવાની અમેરિકાને સલાહ આપી છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે સીધું યુદ્ધ થાય તો અમેરિકા તેની લશ્કરી તાકાત બતાડીને ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રકચર ઝડપથી ખતમ કરી નાખશે. ઈઝરાયલ અને અમેરિકા ઈરાનના અણુમથકો અને તેલના ભંડારોને લક્ષ્ય બનાવી શકે. આના જવાબમાં ઈરાન પાસે ઇન્ટર કોન્ટિનેન્ટલ મિસાઈલ ન હોવાથી તે અમેરિકા પર સીધો હુમલો ન કરી શકે. ઈરાન ગલ્ફ અને એશિયામાં રહેલા લશ્કરી મથકો પર મિસાઈલ હુમલો કરી શકે. ઈરાન પાસે ઈઝરાયલને મોટું નુકસાન પહોંચાડવાની તાકાત છે. ઈરાનને અણુબોમ્બ ડેવલપ કરવામાં રશિયા અને ચીનની મદદ મળી છે. હવે ઈરાન અને ઈઝરાયલ બન્ને પાસે અણુબોમ્બ છે આથી મોટી પાયમાલી અને ખુવારી થાય તો નવાઈ નહીં.

આ રિજનલ વોરને ત્રીજા વિશ્ર્વયુદ્ધમાં પલટાતા વાર નહીં લાગે. જો આરબ દેશો જેવા કે સઉદી અરેબિયા, જોર્ડન, તુર્કી, કુવૈત વગેરે અમેરિકાનો સાથ છોડી દે તો અમેરિકા માટે મહાસંકટ ઊભું થાય. જોકે અમેરિકાના ખાંધિયા રાજ્ય જેવા સઉદી અરેબિયા, ઈજિપ્ત, કુવૈત, યુએઈ આમ કરે એવી સંભાવના ઓછી છે.આ બધા વચ્ચે ટ્રમ્પની ટેરિફ પોલિસીને લીધે આખા વિશ્વનું અર્થતંત્ર ખાડે ગયું છે. અમેરિકામાં પણ મંદીની શરૂઆત થઈ છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે તો પેટ્રોલના ભાવમાં ભડકો થશે. આને લીધે મોંઘવારી વધશે. આપણે તો એવી પ્રાર્થના જ કરી શકીએ કે ભગવાન ટ્રમ્પ, પુતિન, નેતન્યાહૂ અને ખામેની જેવા સત્તાધીશોને સદબુદ્ધિ આપે.

આ પણ વાંચો : પ્રાસંગિક : ટ્રમ્પે બે યુદ્ધ રોકવાને બદલે બે યુદ્ધવિરામ કરાવ્યા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button