કવર સ્ટોરી : અમેરિકાની મંદીનો ભરડો ભારતીય બજારને ભીંસમાં લેશે?

-નિલેશ વાઘેલા
શેરબજારે હજુ કાલે જ હજાર પોઇન્ટથી ઊંચી છલાંગ લગાવી છે અને વિશ્ર્વભરના બજારોમાં તેજીનો માહોલ જામ્યો છે ત્યારે આ લેખનું શીર્ષક અપ્રસ્તુત જણાશે, પરંતુ મને લાગે છે કે, હજુ સુધી ‘હેપ્પી ડેઝ આર હીઅર અગેઇન’ ગાવાનો સમય આવ્યો હોય એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. હાલ તો ટ્રમ્પની રમતમાં ખુદ અમેરિકા જ ભેરવાઇ ગયું હોય એવો તાલ સર્જાયો છે. અત્યાર સુધી નાણાકીય બજારોમાં જે કડાકાની વણઝાર આવી તેની પાછળ એક મુખ્ય કારણ અમેરિકાની સંભવિત મંદીના મૂળમાં હતું.
ઇક્વિટી બજારો અને બુલિયન માર્કેટમાં આવેલી તેજી પાછળ વિભિન્ન કારણો છે, પરંતુ આપણે શું એવું ધારી શકીએ કે અમેરિકા પરથી મંદીનાં વાદળો હટી ગયા છે? ટ્રમ્પે ટેરિફ સંદર્ભે જાહેર કરેલાં પગલાંથી અમેરિકામાં ફુગાવો વકરવાની ભીતિ તો હજુ તોળાયેલી જ છે અને આ લેખ પ્રકાશિત થશે ત્યારે ફેડરલ રિઝર્વે તેનો વ્યાજદરનો નિર્ણય ભલે જાહેર કરી દીધો હશે, પરંતુ એ હકીકતમાં સહેજે ફરક પડ્યો નથી કે અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલીમાં છે અને આગળ જતાં જો તેના પ્રેસિડન્ટે જાહેર કરેલા રેસિપ્રોક્લ ટેરિફ જેવાં પગલાં અમલમાં મુકાશે તો અમેરિકાએ તેના માઠાં પરિણામ બોગવવા પડશે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : એસએમઇ સેબીના સાણસામાં…
આપણે ફેડરલની એફઓએમસીના નિર્ણય સુધીની હકીકતોને આધારે જોઇએ તો ડોનલ્ડ ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓના કારણે અમેરિકામાં ભારે ઊથલપાથલ મચી ગઇ હતી. અમેરિકન શેર બજારમાં ભારે કડાકાનો માહોલ જોવા મળ્યો હતો અને એસએન્ડપી 500 પોતાના ઉચ્ચ સ્તરેથી 10 ટકાથી વધુ નીચી સપાટીએ ગગડી ગયો હતો.
ચીન અને યુરોપના દેશો નમતુ જોખવા માટે તૈયાર નથી અને ચોક્કસ સામો પ્રહાર કરશે. ચીન આપણો શત્રુ દેશ હોવા છતાં તેણે અમેરિકાને જે સ્પષ્ટ ચેતવણી આપી છે, તેને માટે તેને દાદ આપવી જ ઘટે! ચીને કહ્યું છે કે અમેરિકાને જો યુદ્ધ જોઇતું જ હોય તો તેને માટે પોતે તૈયાર છે, પછી તે ટેરિફ વોર હોય કે કોઇપણ પ્રકારનું યુદ્ધ! સરવાળે એપ્રિલ મહિનાથી ટેરિફ વોર વકરશે અને તેના વરવા આર્થિક પરિણામ અમેરિકાએ પણ ભોગવવા પડશે. અમેરિકામાં આર્થિક મંદીની આશંકા પ્રબળ બની રહી છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં સુસ્તીના સંકેત મળી રહ્યા છે.
ટ્રેડ વોર અને ઊંચી ટેરિફનાં નકારાત્મક પરિણામોથી આશંકિત થયેલી અમેરિકન કંપનીઓ મૂડીરોકાણ અને રોજગાર સર્જનની યોજનાઓ પડતી મૂકવા માંડી છે. કેપીએમજીના પ્રમુખ અર્થશાસ્ત્રી ડાયને સ્વોન્કનું કહેવું છે કે અમેરિકા આગામી વર્ષની શરૂઆતમાં મંદીના ઝપાટામાં આવી શકે છે.
આ પરિસ્થિતિમાંં આપણે સ્વાભાવિક સવાલ એ થાય કે અમેરિકાની આર્થિક મંદી અને ઊંચા ટેરિફને કારણે સર્જાયેલા માહોલની ભારત પર શું અસર પડશે? આ સંદર્ભે નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા જો મંદીના વાવાઝોડામાં સપડાઇ જાય તો તેની આડઅસરથી ભારત પણ બાકાત નહીં રહેશે.
જો કે અમુક નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાં મંદીથી ભારતીય અર્થવ્યવસ્થા વધુ પ્રભાવિત નહીં થશે. ભારત સરકારની નીતિઓ અને રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી આ પ્રભાવને સંતુલિત કરવા માટે સક્ષમ છે. અલબત્ત વર્તમાન પરિસ્થિતિમાં ભારતે સતર્ક રહેવાની જરૂર અવશ્ય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ ભારતીય શેર બજાર લાંબા સમયગાળા માટે મજબૂત બની રહેશે અને 2025ના અંત સુધીમાં સેન્સેક્સ 1,05,000ના સ્તરે પહોંચી શકે છે. ટેરિફ વોરને કારણે જોકે ભારતની નિકાસને પણ ઝટકો લાગી શકે છે.
અમેરિકા ભારત માટે મુખ્ય નિકાસ બજારોમાંથી એક છે. જો અમેરિકા પોતાના ટેરિફ વધારે તો ભારતીય પ્રોડક્ટ્સની માગ પ્રભાવિત થઈ શકે છે. અમેરિકામાં આર્થિક સુસ્તીથી ભારતમાં ડોલર આધારિત રોકાણ અને વિદેશી મૂડી પ્રવાહ પ્રભાવિત થઈ શકે છે.
મંદીની અસર કેટલી લાંબી રહેશે એ અંગે જો કે હાલ તુરત કશું કહેવું યોગ્ય નથી, કારણ કે પરિસ્થિતિ ઘણી પ્રવાહી છે. અમેરિકામાં સરકારી ખર્ચાઓમાં કાપ અને કર્મચારીઓના પગારમાં કાપથી માગણી પર અસર પડી શકે છે. જોકે મોટાભાગના નિષ્ણાતો માને છે કે આ મંદી લાંબા સમય સુધી રહેશે નહીં અને ઇંધણ કિંમતોમાં ઘટાડાથી અમેરિકી અર્થવ્યવસ્થાને રાહત મળી શકે છે.
ઇક્વિટી બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની વેચવાલીનું દબાણ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે, પરંતુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પર અસર કેવી રહેશે એ જોઇએ. ડોલર જો મજબૂત થશે તો એનાથી ભારતીય રૂપિયો નબળો થશે. તેનાથી વિદેશી રોકાણ (એફડીઆઇ) અને પોર્ટફોલિયો પ્રભાવિત થઈ શકે છે. વિશ્ર્લેષકોનું માનવું છે કે ભારત હજુ પણ દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ રહેશે.
આઈએમએફના જણાવ્યાં મુજબ ભારતની અર્થવ્યવસ્થા છથી 6.50 ટકાના દરથી વિકાસ સાધવામાં સફળ રહે એેવી શક્યતા છે.
જોકે, અમેરિકામાં મંદી ફેલાશે એવી આશંકાઓ વધી રહી છે ત્યારે યુએસમાં મંદીનું જોખમ વધીને 40 ટકા થયું હોવાની જેપી મોર્ગને ચેતવણી આપી છે. વર્ષ 2008 મંદીથી ભારત એકંદરે સુરક્ષિત રહ્યું હતું જો કે આ વખતે ભારતને પણ ગંભીર અસર થવાનું જોખમ છે.
રોઇટર્સના એક રિપોર્ટમાં જેપી મોર્ગનના ચીફ ઇકોનોમિસ્ટ બ્રૂસ કેસમેને આગાહી કરી છે કે, અમેરિકામાં મંદીની સંભાવના 40 ટકા થઇ ગઇ છે. બ્રૂસે વર્ષની શરૂઆતમાં યુએસ ઇકોનોમીમાં મંદીની સંભાવના 30 ટકા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે પરિસ્થિતિ નહીં સુધરે તો એસેટ્સ રોકાણકારોમાં અમેરિકા આકર્ષણ ગુમાવી શકે છે. આવી સ્થિતિમાં અમેરિકા પ્રત્યે રોકાણકારોમાં વિશ્ર્વાસ ઘટતા યુએસ ઇકોનોમીની મુશ્કેલી વધી શકે છે.
અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંકના ચીફ ગ્લોબલ ઇકોનોમિસ્ટે કહ્યું કે, આપણે હાલ જે સ્થિતિમાં છીએ ત્યાં અમેરિકાના અર્થતંત્ર વિશે ચિંતાઓ ઘણી વધી ગઇ છે. તેમણે ઉમેર્યું કે, અમેરિકાના ઇકોનોમિક ગ્રોથના અનુમાનમાં કોઇ ફેરફાર કરાયો નથી, પરંતુ હાલ 40 ટકા સંભાવના છે કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદી તરફ ધકેલાઇ રહી છે. જેપી મોર્ગને અમેરિકાની અર્થવ્યવસ્થા ચાલુ વર્ષે બે ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી આગાહી કરી છે.
નોંધવું રહ્યું કે, 2008ની અમેરિકાની મંદીથી સમગ્ર દુનિયાનું અર્થતંત્ર હચમચી ગયું હતું, જો કે ભારત પર તે સમયે વધારે અસર થઇ નહોતી. જો કે હાલની અમેરિકાની મંદીની સૌથી વધુ અસર ભારતની આયાત નિકાસ પર પડી શકે છે. સાથે જ ભારત અને અમેરિકામાં જ્યાં ભારતીયો નોકરી કરે છે, તેમણે છટણીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય રોકાણકારોને આ વખતે મોટી અસર થઇ શકે છે, કારણ કે ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે. ઉપરાંત નિકાસ પર નિર્ભર ભારતના આઈટી અને ફાર્મા જેવા ઉદ્યોગોએ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.
આ પણ વાંચો: તસવીરની આરપાર : પોરબંદરનો હુજૂર પૅલેસ કળા-સ્થાપત્યનો ઉત્તમોતમ નમૂનો છે…
બીજી બાજુ મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય જાહેર ક્ષેત્રની બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીનું કહેવું છે કે ટ્રમ્પની ટેરિફ નીતિની અસર અસ્થાયી હોઈ શકે છે. જો અન્ય દેશ પોતાના ટેરિફ ઘટાડે તો અમેરિકન નિકાસને પણ પ્રોત્સાહન મળશે, જેનાથી મંદીની આશંકા ઘટી શકે છે.
નિષ્ણાતો માને છે કે, ભારતીય સરકારે સ્થાનિક માગને વધારવા પર ધ્યાન આપવું જોઈએ. સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ખર્ચ વધવાથી ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે અને વૈશ્ર્વિક મંદીની અસર ઘટશે.