પ્રાસંગિકઃ રશિયા યુદ્ધ જીતી જાય તો વિશ્વના સમીકરણો પલટાઈ જશે…

-અમૂલ દવે
જો કોઈ તમારા હાથ-પગ બાંધીને તમને દોડવાનું કહે તો શું તમે એ રનિંગ રેસ
જીતી શકો?
યુક્રેનની હાલત આવી જ છે. અમેરિકાએ યુદ્ધમાં સહાય કરવાનું બંધ કરીને યુક્રેનની લાઈફલાઈન કાપી નાખી છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ યેનકેન પ્રકારે ચોથા વર્ષમાં પ્રવેશી ગયેલું રશિયા-યુક્રેન વચ્ચેનું આ યુદ્ધ બંધ કરવા માગે છે. ટ્રમ્પે યુદ્ધ અટકાવવાની એકપક્ષી પહેલ કરી હતી. તેમણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાત કરીને યુદ્ધ અટકાવવાની સિક્રેટ ડીલ કરી છે. ટ્રમ્પે આમાં એના એક વખતના સહયોગી યુરોપ અને યુક્રેનની બાદબાકી કરી છે.
Also read : પુતિન સાથે ડીલ ટ્રમ્પે યુક્રેન- યુરોપને લાચાર બનાવી દીધા
અમેરિકાના તત્કાલીન પ્રમુખ જો બાઈડેન અને યુરોપના શાસકોએ જ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને રશિયા સાથે સમજૂતી ન કરવા અને રશિયા સાથેનો જંગ ચાલુ રાખવા સતત ઈજન અને પ્રોત્સાહન આપ્યા હતા. અમેરિકા અને યુરોપની ચડામણી અને ઉશ્કેરણીને લીધે જ યુક્રેને એક મહાસત્તા સામે લડવાનું ગજું ન હોવા છતાં ત્રણ વર્ષ સુધી ઝઝૂમ્યું છે. અમેરિકાએ ઝેલેન્સ્કીને દબડાવીને, ધમકાવીને, ગગલાવીને – ધમકી આપીને યુક્રેનને રશિયા સાથે યુદ્ધ વિરામ કરવા લાચાર બનાવ્યું છે. અમેરિકા યુદ્ધ અટકાવીને વિશ્વ પર મોટો ઉપકાર કરવા નથી માગતું અમેરિકાને તો યુક્રેનના કુદરતી સંસાધનો જોઈએ છે.
યુક્રેન પાસે વિરલ ધાતુનો ખજાનો છે અને ટ્રમ્પનો એના પર ડોળો છે. અમેરિકા યુક્રેન પર જબરદસ્તી કરીને મિનરલ ડીલ કરવાનું છે. તેમણે યુક્રેનની અબજો ડૉલરની સહાય બંધ કરીને યુક્રેનના પગ તળેથી જમીન જ ખેંચી લીધી છે. અમેરિકાએ યુક્રેનને ઈન્ટેલીજન્સ ઈન્પુટ આપવાનું પણ બંધ કરી દીધું છે. ટ્રમ્પના જમણા હાથ એલન મસ્કે તો કહ્યું છે કે જો હું યુક્રેનને આપેલી સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સિસ્ટમ બંધ કરી દઉં તો યુક્રેનનું આખું સંરક્ષણ વામણું બની જાય. ટ્રમ્પ સાથે સિક્રેટ ડીલ બાદ રશિયાએ યુક્રેન પરના હુમલા ભીષણ કરી દીધા છે.
બીજી બાજુ યુરોપ પોતાના સંરક્ષણ માટે અમેરિકા પર એટલું પરાવલંબી રહ્યું છે કે તે લાખ ઈચ્છા છતાં યુક્રેનને કોઈ મદદ કરી શકતું નથી. યુક્રેન કમને યુદ્ધ અટકાવવા માટે સાઉદી અરેબિયામાં યુદ્ધવિરામ માટેની વાતચીતમાં ભાગ લેવા સંમત થઈ ગયું છે. અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે વાતચીતનો પહેલો રાઉન્ડ શરૂ ચુક્યો છે. ટ્રમ્પના પ્રચંડ દબાણને લીધે યુક્રેનને બધું ગુમાવવાનું જ છે, જેમકે રશિયા તેને પચાવી પડેલો 20 ટકા પ્રદેશ તેને પાછો આપશે નહીં. અમેરિકા તેના ખનીજો લૂંટી લેશે. યુક્રેનને રશિયા ફરી કોઈ આક્રમણ નહીં કરે એવી કોઈ ગેરંટી પણ મળવાની નથી. યુદ્ધ તો થંભી જશે અને આમાં ફક્ત એક જ વિનર હશે અને એ છે રશિયા. યુક્રેન અને યુરોપને માટે તો આ સંધિ નેગેટિવ જ છે.
આ દરમિયાન, ઝેલેન્સ્કી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પણ મળવાના છે. આ પ્રિન્સ અમેરિકાના ખાસ વિશ્વાસુ છે અને એથી એમના તરફથી પણ યુક્રેનને કોઈ મદદ નહીં મળે.
સમય અને યુગ કેવો બદલાઈ ગયો છે. ગ્રીસના ઈતિહાસકારો કહે છે કે સિકંદરે પરાક્રમી રાજા પુરુને હરાવ્યો હતો, અનેક ઈતિહાસકારોનું કહેવું છે કે પોરસે સિકંદરને હરાવ્યો હતો અને એણે સરેન્ડર થવું પડ્યું હતું. આ બે મહાન યોદ્ધાનો એક પ્રસંગ બહુ પ્રચલિત છે. એના પ્રમાણે સિકંદરે પોરસને હરાવ્યા બાદ તેને પૂછ્યું કે ‘હું તારી સાથે કેવો વર્તાવ કરું ?’ તો પરોસે જવાબ આપયો કે ‘એક જીતેલો રાજા બીજા હારેલા રાજા સાથે જે વર્તાવ કરે છે એવો વર્તાવ તું મારી સાથે કર.’ આ જવાબ સાંભળ્યા બાદ સિકંદર અને પોરસ વચ્ચે દોસ્તી થઈ હતી અને સિંકદરે પોરસને એનું રાજ્ય પાછું આપી દીધું હતું.
Also read : પોલાદી ફટકો ટ્રમ્પની સૂચિત સ્ટીલ ટેરિફથી ભારતીય ઉદ્યોગને ફટકો પડશે અને નિકાસનું ગણિત બગડશે
આ જ રીતે ,1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું એટલું જ નહીં, તેના ક્ષેત્રમાં બહુ અંદર ઘૂસી ગયું હતું, ભારત ધારત તો આ પ્રદેશના બદલામાં પાકિસ્તાનના અંકુશ હેઠળનું કાશ્મીર માગી શક્યા હોત. જોકે ઈંદિરા ગાંધી એ પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશનું સર્જન કરવાનું જ મુનાસિબ માન્યું હતું.
હવે જ્યારે રશિયા – યુકેન વચ્ચે યુદ્ધવિરામ થવાનો છે ત્યારે મહાસત્તા રશિયા અને અમેરિકા પોતાને જોઈતું બધું લઈ લેશે અને યુક્રેન પર અપમાનિત કરતી સંધિ લાદી દેશે.
આમાં અમેરિકા અને યુરોપનો મોટો સ્વાર્થ એ હતો કે જો યુક્રેન સામે લડવામાં રશિયા નબળું પડી જાય તો એમના પર રશિયાનો ખતરો ઓછો થઈ જાય. બીજી બાજુ, અમેરિકા ખુદ રશિયાને યુદ્ધમાં પ્રવૃત્ત રાખીને રશિયાને સંરક્ષણ અને આર્થિક રીતે પાયમાલ કરવા માગતું હતું. ટ્રમ્પ કહે છે કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યાર બાદ અમેરિકાએ યુક્રેનને 350 અબજ ડૉલરની મદદ કરી છે. યુક્રેને આ સહાય ‘બેબી પાસેથી કેન્ડી પડાવી’ લેવાય એ રીતે હાંસલ કરી છે. જો યુક્રેને જંગ શરૂ થયો ત્યારે રશિયા સાથે સંધિ કરી હોત તો તેનેે તેનો પ્રદેશ કે ખનિજોનો ભંડાર ગુમાવવો ન પડત. અમેરિકાના નાદમાં આવીને યુક્રેને તેનું નાક કપાવી દીધું છે.
આમ એક આક્રમક અને યુદ્ધ કરનાર દેશને સજા આપવાને બદલે તેને ઈનામ આપવાથી એક ખોટો ચીલો પડશે. આખા વિશ્વમાં ‘જેના હાથમાં લાકડી તેની ભેંસ’ની પ્રણાલી શરૂ થઈ જશે.ચીન ગમે ત્યારે તાઈવાન પર આક્રમણ કરીને તેના પર કબજો જમાવી દેશે. વિસ્તારવાદી ચીન આવું તેના પડોશી સાથે પણ કરી શકે. કોઈ પણ દેશના સાર્વભૌમત્વનું કશું મહત્ત્વ જ નહીં રહે. સુપરપાવર કોઈના પર પણ આક્રમણ કરીને તેને ગુલામ બનાવી દેશે. ટ્રમ્પ તો કહે જ છે ને કે ગ્રીનલેન્ડ, કેનેડા અને પનામા નહેર અમે મેળવીને જ ઝંપીશું. ટ્રમ્પે પોતાનાં બધાં પત્તાં ખોલી દીધા હોવાથી પુતિન વિનિંગ પોઝિશનમાં આવી ગયા છે અને ટ્રમ્પને પણ ગાંઠતા નથી. અમેરિકાએ યુરોપ અને યુક્રેનને દગો દીધો છે. રશિયા તેને યુદ્ધમાં મદદ કરનાર ઈરાન અને ચીનને્ દગો દઈ શકે. અમેરિકામાં ટ્રમ્પને વિરોધ પક્ષના લોકો રશિયાના એજન્ટ કહેવા લાગ્યા એટલે ટ્રમ્પે રશિયા પર ટેરિફ નાખવાની ધમકી આપી. જોકે આ એક નાટક જ છે.
ટ્રમ્પે અમેરિકાને એક લુખ્ખો, વિશ્વાસઘાત અને સ્વાર્થી દેશ બનાવી દીધો છે. અમેરિકાની આ નીતિ રીતને લીધે જગતનાં સમીકરણો બદલાઈ જશે. મોટી ઊથલપાથલ મચવાની છે. યુરોપે પોતાની સંરક્ષણ સિસ્ટમ વિકસાવવી પડશે. યુરોપે પોતાનું સંરક્ષણ જાતે કરવું પડશે. અમેરિકા પાસે એફ-35 ફાઈટર જેટ લેવું કેટલું ખતરનાક છે એ ભારતે હવે સમજી લેવું પડશે. જર્મનીએ પણ આ ફાઈટર જેટ અમેરિકા પાસેથી લીધા છે, પરંતુ જર્મનીને ડર છે કે આ વિમાનમાં એવું મેકેનિઝમ છે કે અમેરિકા ધારે તો એક બટન દબાવીને આ વિમાનને ઊડતું જ અટકાવી શકે.
Also read : જમાઈને ગાઝા ગિફ્ટમાં આપવાના ટ્રમ્પના પ્લાનનું સુરસુરિયું…!
ફાન્સે તો તેના અણુ હથિયારો વડે આખા યુરોપનું રક્ષણ કરવાની ઓફર આપી છે. અમેરિકાના દગાને લીધે આખું યુરોપ એક થઈને રશિયાની દાદાગીરી સામે ‘નાટો’ જેવું નવું સંગઠન બનાવવું પડશે. અમેરિકા તો ‘નાટો ’માંથી ખસી જવાની ધમકી આપે છે. જેમ આરબના દેશોએ ગાઝા પટ્ટી પરનો ટ્રમ્પનો પ્લાન ફગાવી દીધો છે એ રીતે યુરોપ પણ સ્વબળે રશિયા સામે લડવાનું સામર્થ્ય દાખવી શકે. આમ સમગ્ર રીતે જોતાં લાગે છે કે હાલ જેવી જ સ્થિતિ પરિસ્થિતિ જો યથાવત રહેશે તો આખા વિશ્વનો નકશો બદલાઈ જાય એવી પૂરેપૂરી સંભાવના છે.