નિકસનની સત્તાલાલસા છવાઈ ગઈ કાયદા-નૈતિકતા પર

પ્રફુલ શાહ
પોતાના ખોટા, અનુચિત, અનૈતિક, ગેરકાનૂની અને બંધારણ વિરોધી કૃત્યો અખબારોની હેડલાઈન બનવાથી ઘાંઘા થયેલા પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સને પોતાની કાર્યપદ્ધતિને સુધારવા કે બદલવાને બદલે સાવ અવળો માર્ગ અપનાવ્યો. બે વફાદાર જૉન એહરલિકમાન અને એજિલ ક્રોગ સાથે મળીને એક પ્લાન વિચાર્યો.
હકીકતમાં તો રાષ્ટ્રીય સલામતીનાં કારણોસર દેશના ગુપ્ત દસ્તાવેજો પ્રગટ થતા રોકવા એ કાનૂની-બંધારણીય જ ગણાય, પરંતુ હવે નિકસને પોતાના રાજકીય સ્વાર્થ ખાતર એ શસ્ત્રનો દુરુપયોગ કરવાનું વિચાર્યું. આ ખોટું, સદંતર ખોટું હતું.
આ પણ વાંચો: આ તો સ્કેમ છે…: કાશ, રિચાર્ડ નિક્સનને ગુસ્સો ન આવ્યો હોત તો…
આ માણસના વ્યક્તિત્વ અને માનસિકતાના અભ્યાસમાંથી નિષ્કર્ષ નીકળે કે એ બહુ દંભી હતા. ઝડપથી કોઈ સામે ખુલતા નહોતા. અંદરોઅંદર એકલા હતા, સાવ એકલા. એમને ડાબે-જમણે ને ઉગમણે-આથમણે એમ ચારેય બાજુ દુશ્મન જ દેખાતા હતા. નિક્સનને પોતાના કર્મચારીઓને વારંવાર કહેતા ટાંકવામાં આવ્યા છે, ‘યાદ રહે, આપણા કોઈ દોસ્ત નથી, કોઈ જ નહીં.’
હકીકતમાં તો 1971ના અંતમાં ફરી રાષ્ટ્રપતિ બનવા માટે રિપબ્લિકન પાર્ટીની ટિકિટ નિર્ધાર કરી ચુકેલા નિક્સને પ્રેસિડન્ટ રિ-ઈલેક્શન કમિટીની રચના કરી હતી. એનું અધ્યક્ષપદ ભૂતપૂર્વ એટર્ની જનરલ જૉન ન્યુટન મિચેલને બનાવ્યા હતા. આ મિચેલ મહાકાય ભૂતકાળમાં નિક્સનના સાથી-વકીલ રહી ચુક્યા હતા અને 1968માં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં નિક્સનની ઝુંબેશના મુખ્ય વ્યવસ્થાપક પણ. ટૂંકમાં એ ખાસ અને 101 ટકા વિશ્ર્વાસુ.
1971માં વ્હાઈટ હાઉસમાં રાજકીય જાસૂસી માટે એક ગુપ્ત, બિનસત્તાવાર ટીમ બનાવાઈ એનું કોડ નેમ રખાયું ‘પ્લમ્બર.’ આમાં પ્લમ્બર્સ એટલે કે સભ્ય તરીકે સામેલ કરાયા નિક્સનના ભૂતપૂર્વ સલાહકાર અને સલામતી નિષ્ણાત ઈ. હાવર્ડ હન્ટ, 19 વર્ષ સુધી કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા સી.આઈ.એ.ના કાર્યલયમાંથી શત્રુઓનાં જાસૂસી ઉપકરણો શોધવા-હટાવવાના 53 વર્ષના અનુભવી જેમ્સ ડબલ્યુ. જોક્કાર્ડ અને સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ગ્રુપના જી. ગોર્ડન લિઠ્ઠીને સામેલ કરાયા હતા. હવે સમયની નજાકતને સમજીને ‘પ્લમ્બર’ને ફરી સજીવન કરીને નવું, છદ્મ નામ અપાયું: પ્રેસિડન્ટ રિ-ઇલેક્શન કમિટી. નામ નવું પણ કામ જૂનું. આ સત્તાવાર જૂથની બિનસત્તાવાર કામગીરી માટે ભંડોળની વ્યવસ્થા કરવાની જવાબદારી જેબ મેગુડર કમિટી ટુ રિ-ઇલેક્ટ પ્રેસિડન્ટના નાયબ નિયામક જેબ સ્ટુઅર્ટ મેગુરડરને સોંપાઈ હતી.
બીજી તરફ લીઠ્ઠીએ દસ લાખ ડૉલરના ખર્ચ વાળો પ્રોજેક્ટ બનાવ્યો. આમાં છિનાઝટપટીવાળી ગૅંગ, વિરોધીઓને ફૂંકી મારનારી ગૅંગ, રૂપજીવિનીઓ તથા ઇલેક્ટ્રોનિક જાસૂસી ઉપકરણોની વ્યવસ્થા કરાઈ હતી.
વધુ આઘાતજનક બાબત એ બની હતી કે પ્રમુખના યુદ્ધ-ભંડોળમાંથી સાડા ત્રણ લાખ ડૉલર રોકડા કઢાવીને રાજકીય જાસૂસીની શરૂઆત કરાવવા માટે એહરલિકમાનને અપાયા હતા.. યાદ રહે જે દેશના નાગરિકોની કમાણી પર વસૂલ કરાયેલા કરવેરાનો રાષ્ટ્રના હિત, કલ્યાણ, વિકાસ અને સલામતી માટે જ ઉપયોગ કરવાનો હોય પણ અહીં અંગત હિત અને રાજકીય સ્વાર્થ ખાતર દુરુપયોગ થઈ રહ્યો હતો. આ ભંડોળ પર પૂરેપૂરો અંકુશ એહરલિકમાનનો જ. આમેય આવા કામમાં ક્યારેય હિસાબ થોડો રખાય કે અપાય?
1972ના આરંભે અનૈતિક કામગીરી શરૂ થઈ ગઈ. અને ખુદ પ્રમુખની કચેરીના નિરીક્ષણ હેઠળ વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ લોરેન્સ ઓ’ બ્રાયન પર નજર રખાતી હતી. આમાંય લિઠ્ઠી જે મુખ્ય સ્થળોની જાસૂસ કરાવવાનો આગ્રહી હતો. એમાં ઓ’બ્રાયનની વૉટરગેટ હોટલ સ્થિત ઑફિસ ખાસ હતી. આ કામ ચણામમરા ફાંકવા જેટલું સરળ નહોતું.
આ હકીકતને સ્વીકારીને જાસૂસી ટીમમાં ક્યુબામાં જન્મેલા 53 વર્ષીય બર્નાર્ડ બાર્કર, તાળા તોડવાના અનુભવી એવા 45 વર્ષના વર્જીલિઓ ગોન્ઝાલવિસ અને ફ્રેન્ક સ્ટર્જિલને સામેલ કરાયા હતા. આ બધા જાસૂસી, ઘૂસપેઠની દુનિયાના નામચીન માણસો હતા જેમનો ભૂતકાળમાં સી.આઈ.એ. દ્વારા ઉપયોગ થયો હતો.
સૌની નજર વૉટરગેટ હોટલ પર હતી. આમાં ડેમોક્રેટિક પાર્ટીની હેડ-ઑફિસ ઉપરાંત એના પ્રમુખ લોરેન્સ ઓ’બ્રાયનનો ખાસ રૂમ હતો. આ સિવાય ડેમોક્રેટિક પાર્ટીના ઉપ-પ્રમુખપદ માટે સંભવિત ઉમેદવાર આર. સાર્જન્ટ શ્રાઇબર અને તેમની અન્ય મહત્ત્વપૂર્ણ સમિતિઓના પ્રમુખ પેટ્રીસિયા હેરિસની ઓફિસને પણ નિશાન બનાવાઈ હતી.
આ ગંદા કામને આગળ વધારવા માટે પસંદ કરાયો 1972ની 16મેનો દિવસ. પ્લમ્બર ગેમના પાંચ સભ્યો એ દિવસે વૉટરગેટ હોટલ પહોંચ્યા અને પોતાનાં સાચાં નામ-ઓળખ સાથે રૂમ બુક કરાવ્યા. આને સ્માર્ટનેસ કેવી રીતે કહી શકાય? 17મીએ રજા હતી એટલે બધા ત્યાં જ રહ્યા. આ સમયમાં તેઓ કાળું કામ કરવાના હતા. એક પછી એક કરવાના કામની યાદી તૈયાર હતી. પૂરેપૂરી સામગ્રી સાથે લાવ્યા હતા.
આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ…
27મી મેએ ટીમના અમુક સભ્યો ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદ માટે ભાવિ ઉમેદવાર અને સેનેટર જ્યોર્જ મેકગવર્નના મુખ્યાલયમાં ઘૂસવાની ચેષ્ટાં કરી પણ સફળતા ન મળી. હવે આગળ શું કરવું? હજી તો ઘણાં કામ નિપટાવવાના બાકી હતા. બધા ઉચ્ચ સરકારી અમલદાર હતા. કાયદા-નિયમો પૂરેપૂરા જાણતા હતા ને સમજતા ય હતા છતાં આવા અનુચિત કામ કરવામાં જરાય શરમ અનુભવતા નહોતા. તેમણે આગળ શું કર્યું એમાં ડોકિયું આવતા અઠવાડિયે.
મુખવટાની પાછળ જ્યાં સત્તા, લાલચ અને પૈસા હોય, ત્યાં ભ્રષ્ટાચાર હશે.
કેન પોઈરો (અમેરિકન લેખક, વિજ્ઞાની, નાણાકીય વ્યાવસાયિક અને જાહેર વક્તા)