પ્રેમબંધન

મારી દીકરી તારા પણ વરસાદના તોફાનથી આમ જ ડરતી હતી. રમણીકની પત્ની તારાને જન્મ આપીને તરત જ મૃત્યુ પામી હતી. પછી એ નવજાત બાળકીને રમણીકે બની શકે તેટલા જતનથી ઉછેરી હતી. માતા અને પિતાનો પ્રેમ રમણીક એકલો તેને આપી રહ્યો હતો
આજની ટૂંકી વાર્તા -નીલા સંઘવી
આજે ફાગણ મહિનાનો પ્રારંભ થયો. છતાંય કોણ જાણે કેમ આ વર્ષે હજુ ખૂબ ઠંડી પડી રહી છે.વાસંતી વાયરો ટાઢા પવનો ફૂંકી રહ્યો છે. એમાંય રમણીક જે ઘરમાં રહેતો હતો, એ ઘર તો શાનું? વાંસની પટીઓથી ઊભું કરેલું ગાર માટીથી લીંપેલું અને ઘાસથી બનાવેલી છત છતાંય માનવી જેમાં રહે તે ઘર તો ખરું જ ને? એક તો નિર્જન સ્થળ અને એમાંય ઠંડો પવન. રમણીક પોતાની ઝૂંપડીમાં થરથરતો હતો. ફાટેલી તૂટેલી ગોદડીમાં ઠંડી ઝિલાતી ન હતી, તેને કારણે ઊંઘી શકતો ન હતો. ધ્રુજતા ધ્રુજતા સિસકારા બોલાવતો હતો. વચ્ચે વચ્ચે બહારથી પણ કોઈ ધ્રુજતું હોય તેવા સિસકારા સંભળાતા હતા. રમણીકને થોડી વાર લાગ્યું કે પોતાને ભ્રમ થાય છે. એને એમ થયું કે મારા જ સિસકારા મને સંભળાઈ રહ્યા છે, પણ ના…. બહારથી આવતા સિસકારાનો અવાજ મોટો
થઈ ગયો હતો અને તે કોઈ સ્ત્રીનો અવાજ હોય એવો સ્પષ્ટ અણસાર મળી રહ્યો
હતો.
રમણીક ઊભો થયો. વાંસનો તૂટેલફૂટેલ દરવાજો ખોલ્યો. ખરેખર એક યુવતી ઊભી ઊભી થરથરતી હતી. કાંઈ ખાસ સુંદર ન હતી. છતાંય આકર્ષક તો કહી શકાય. તે રમણીકની સામે જોઈ રહી. તેની આંખો ચકળ વકળ થતી હતી. રમણીકે તેને અંદર આવી જવા કહ્યું. પેલી યુવતી અંદર આવી. રમણીકે દરવાજો બંધ કર્યો. પૂછ્યું, ‘તમે ક્યાં ઊંઘશો?મારા ઘરમાં આટલી જ
જગ્યા છે.’
‘ક્યાંય…. પણ….ચાલશે.’ યુવતીએ ત્રૂટક ત્રૂટક શબ્દોમાં જવાબ
આપ્યો.
‘આવી તોફાની રાતે તમે એકલા કેમ નીકળ્યા?’ યુવતી ફક્ત પોતાનું માથું ધુણાવવા લાગી. કંઈ બોલી નહીં. રમણીક ને લાગ્યું કે છોકરી જવાબ આપવા માગતી નથી. તેથી વધુ ન પૂછતા પોતાની સાદડી અને ગોદડી તેને આપીને સૂઈ જવા કહ્યું. ચૂપચાપ પેલી યુવતી સાદડી પર ગોદડી ઓઢીને સૂતી. થોડી જ વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગઈ. ગોદડીનો એક છેડો તે મોઢામાં ચાવતી હતી. રમણીક તેને જોઈ રહ્યો. પછી તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ ન રહ્યો. સવારે ઊઠી રમણીકે તેના હાથમાં ચા નો કપ આપ્યો. પેલી ટેસથી ચા ની ચુસ્કીઓ ભરવા માંડી. રમણીક તેને જોઈ જ રહ્યો. હવે સવારની ખુશનુમા ઠંડક હતી, સૂર્યનો કુમળો તડકો આહલાદક લાગી રહ્યો હતો. રમણીક ને થયું હવે હમણાં આ યુવતી ચાલી જશે, પણ તે તો એમ જ બેસી રહી. ચૂપચાપ…. શૂન્યમનશ્ક, ફક્ત તેની આંખોના ડોળા ચકળવકળ થતા હતા. રમણીક મુંઝાયો. પૂછ્યું, ‘તમારે ક્યાં જવું છે? ચાલો તમને મૂકી જાઉં?’
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : વિશ્વને મહાન સૂત્રો આપવા છતાં સુખની ગણતરીમાં ભારત પાછળ કેમ?
‘મારે ક્યાંય નથી જવું. હું અહીં રહુ?’ યુવતીએ નિર્દોષ, અસ્પષ્ટ સ્વરમાં પૂછ્યું. રમણીક ઓર મુંઝાયો. આવડુંક અમથુ ઘર, ન એમાં કોઈ સાધનસામગ્રી, ન ઓઢવા- પાથરવાનુ. આમાં આને કેમ કરીને રાખુ? વળી જુવાન છોકરી. પાછી કંઈ જણાવતી નથી. શું બન્યું હશે એના જીવનમાં? વળી એને ખવડાવવું, પીવડાવવું કપડા-લત્તા બધુ ‘ઠીક છે તમે ખુશીથી રહો, પણ તમારે વિષે કંઈક જણાવો તો ખરા.’
‘ ના,ના’ કહીને તે ડોકુ ધુણાવવા લાગી અને પછી એક ખૂણામાં જઈને બેસી ગઈ. રમણીક તૈયાર થઈને કામ પર ગયો. જતી વખતે બારણું બંધ કરીને બેસવાની તાકીદ કરતો ગયો. ગઈકાલની ઠંડી રોટલી અને શાક પડ્યા હતા તે પેલી યુવતી માટે મૂકતો ગયો.સાંજે થાક્યો પાક્યો રમણીક ઘેર આવ્યો. આવીને જુએ છે તો ખુશ થઈ ગયો. પેલી યુવતીએ નહાઈ-ધોઈને સ્વચ્છ કપડા પહેરી લીધા હોય તેવું લાગતું હતું. તેલ નાખીને વાળ પણ ઓળેલા હતા. તે આવી ત્યારે તેના હાથમાં એક પ્લાસ્ટિકની થેલી હતી તેમાં આ બધો સામાન હશે એવું રમણીકે અનુમાન લગાવ્યુ.એ બધું તો ઠીક, સુખદ આશ્ચર્ય તો પેલી યુવતી પ્રાઇમસ પાસે બેસીને રોટલા ઘડી રહી હતી તેથી થયું. પોતે શાક લઈને આવ્યો હતો તે તેણે યુવતીને આપ્યું.
યુવતીએ શાક બનાવ્યું. અને બે એલ્યુમિનિયમની થાળીમાં ગરમાગરમ રસોઈ પીરસી. રમણીક ને તો મજા આવી ગઈ. રસોઈ કંઈ ખાસ સારી બનાવી ન હતી. રોટલા ગોળ ન હતા. વાંકાચુકા હતા અને શાકમાં મીઠું વધારે હતું. છતાં તે શાંતિથી જમ્યો કારણ કે બિચારાએ વર્ષોથી હાથે જ રોટલા ઘડીને ખાધા હતા. અને મજૂરી પરથી આવીને રાંધવાનો કેટલો કંટાળો આવતો હતો? ઘણીવાર તો સસ્તા ઉસળ-પાઉંથી ચલાવી લેતો હતો. આજે પેટ ભરીને જમ્યો. પેલી યુવતી પણ જમી. એ કંઈ ખાસ બોલતી ન હતી, પણ રમણીક ને તો ગમ્યું. બીજે દિવસે સવારથી યુવતીએ ચા- પાણી, રસોઈ બધો જ ચાર્જ પોતાના હાથમાં લઇ લીધો. રમણીક ચીજ વસ્તુઓ લાવી આપતો. પેલી બધું કામ કરતી. જો કે કામ કાંઈ ખાસ વ્યવસ્થિત રીતે ન કરતી પણ ચાલે. ખાસ કંઈ વાતચીત ના કરે. નામ પણ કહ્યું ન હતું. હવે તો રમણીકે જ એને નામ આપ્યું હતું, ‘તારા’. રમણીક આનંદમાં હતો. એક જણનો ખર્ચ વધવાથી તે હવે થોડું વધુ કામ કરતો. બંને જણને સારું ફાવતું હતું.
આ પણ વાંચો: તસવીરની આરપાર : પથ્થરોનું ચર્ચ તરીકે પણ ઓળખાતું પ્રયાગરાજનું ક્લાત્મક ઓલ સેન્ટ્સ કેથેડ્રલ…
એ રાત ભયંકર અને અંધારી હતી. આકાશમાં કાળા કાળા વાદળો સંતાકુકડી રમી રહ્યા હતા. કમોસમી વરસાદ થશે એવી એંધાણી વર્તાતી હતી. રમણીક અને તારા ધ્રૂજતા હતા. તારા ત્રૂટક ત્રૂટક શબ્દોમાં બોલી, ‘બીક લાગે છે.’
‘ડરવાનું નહીં, હું છું ને.’બંને સુતા પણ, ગડગડાટી અને વીજળીના ચમકારા તારાને બીવડાવતા હતા. તે ડરતી ડરતી રમણીકની નજીક આવી ગઈ અને બોલી, ‘બીક લાગે છે.’ પણ રમણીક નસકોરા બોલાવતો હતો.
મુસળધાર વરસાદ વરસતો હતો. જોરદાર વીજળીનો કડાકો થયો. તારા ડરની મારી રમણીકને વળગી પડી. રમણીક જાગી ગયો તારાને ડરતી જોઈને ભૂતકાળમાં સરી પડ્યો, ‘મારી દીકરી તારા પણ વરસાદના તોફાનથી આમ જ ડરતી હતી.’ રમણીક ની પત્ની તારા ને જન્મ આપીને તરત જ મૃત્યુ પામી હતી. પછી એ નવજાત બાળકીને રમણીકે બની શકે તેટલા જતનથી ઉછેરી હતી. માતા અને પિતાનો પ્રેમ રમણીક એકલો તેને આપી રહ્યો હતો. રમણીક સખત મહેનત કરતો, પુત્રીને સાથે લઈને મજૂરીએ જતો. પાકા ઘરોમાં રહેતા લોકોની માફક પોતાની બાળકીને બાટલીમાં દૂધ પીવડાવતો. તારા ત્રણ મહિનાની થઈ ત્યારે ડોક્ટરે કહ્યું, ‘જો રમણીક તારી બાળકી ત્રણ મહિનાની થઈ ગઈ છે. હવે એને ફેરેકસ આપજે.’ રમણીક હોંશે હોંશે ફેરેકસનો ડબ્બો લઈ આવ્યો.
ચમચી ભરીને ફેરેક્સ દીકરીના મોઢામાં મૂકતો અને લાડકી જ્યારે જીભ બહાર કાઢીને ફેરેકસ ચપચપ ચાટી જતી અને પછી બોખા મોંએ એવું મધુર સ્મિત કરતી કે રમણીક દીકરી પર ઓળઘોળ થઈ જતો. સગા સંબંધીઓએ રમણીક ને ફરી લગ્ન કરવા બહુ સમજાવ્યો પણ રમણીક એકનો બે ન થયો. નવી મા ક્યાંક મારી દીકરીને દુ:ખ આપે તો? તેથી દીકરીની સુશ્રુષા પોતે જ કરતો. સાથે કામ પર લઈ જતો પણ આ સાથે લઈ જવામાં દીકરીની તબિયત પર અસર થઈ. ટાઢ, તડકા અને વરસાદની ઋતુમાં ખુલ્લામાં સુવડાવેલી દીકરીની તબિયત બગડી ગઈ. તારા ને ખૂબ તાવ ચડ્યો. કોઈ દવા કારગત નીવડી નહીં. રમણીક કામ પર જતો નથી. રાત દિવસ તારાની સેવા કરે છે. આંખોમાં આંસુની ધાર સાથે તેને દૂધ પાય છે. દૂધ પચતું નથી. તાવ ઉતરતો નથી. રાતને દિવસ બેઠો બેઠો મીઠાના પાણીના પોતા મૂકે છે. નથી ખાતો નથી પીતો છતાંય દૈવ રૂઠ્યો અને વહાલસોયી પુત્રીનો કાળ કોળીયો કરી ગયો. પત્નીના મૃત્યુનો આઘાત દીકરીના પ્રેમમાં તે સહી શક્યો હતો પણ આ આઘાત સહન કરવો મુશ્કેલ હતો.
આંખો સ્થિર કરીને છત સામે તાકીને બેસી રહેતો. બીજા મજૂરો રમણીકને સમજાવીને કામ પર લઈ ગયા. માંડ માંડ તેણે પોતાની જાતને સંભાળી હતી પણ જીવનનો રસ તે ગુમાવી ચૂક્યો હતો. ત્યાં તો બાળપણમાં ગુમાવેલી તારા જાણે યુવાન થઈને તેને ઉંબરે પાછી ફરી. જીવન પાછું નવપલ્લવિત થઈ ગયું. તારાની પીઠ પસવારતા તે બોલ્યો,‘ડર નહીં દીકરી હું છું ને તારી પાસે, તારા બાપુ છે ને.’
‘બાપુ’, તારા એ પ્રતિભાવ આપ્યો અને રમણીકની ખુશી નો પાર ન રહ્યો. પિતા પુત્રી સુખચેનથી રહેતા હતા. રમણીકે એક વાર પૂછ્યા પછી કદી તારાને પૂછ્યું નથી કે ક્યાંથી આવી? કોણ છો? શા માટે આવી? ક્યાં જવું છે? અને તારા? તે તો કોઈ કોઈ વાર રમણીક ને બાપુ કહીને લાડ કરતી ત્યારે રમણીક તેના પર ઓળઘોળ થઈ જતો, બરાબર પેલી મૃત્યુ પામેલ નાનકડી તારાને ફેરેક્સ ખવડાવતી વખતે થઈ જતો તેમજ.
એક દિવસ સવારમાં રમણીક અખબાર વાંચી રહ્યો હતો. સાત ચોપડી ભણેલા રમણીકને અખબાર વાંચ્યા વગર ચાલે જ નહીં. અખબાર વાંચતા તેની નજર એક છોકરી ના ફોટા પર ગઈ. અદલોઅદલ તારા જ જોઈ લો. રમણીકની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. ‘ગુમ થયેલ છે’ શીર્ષક હેઠળ તારાનો ફોટો અને નીચે લખાણ રીટા હસમુખ શાહ આ મંદબુદ્ધિ યુવતી ઉંમર વર્ષ વીસ, ઘઉંવર્ણો વાન, પાતળી ,પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતી યુવતી પપ્પાએ થોડો ઠપકો આપતા ઘરેથી ચાલી ગઈ છે. જે કોઈ તેની જાણકારી આપશે તેને 50,000 રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે .ત્યારબાદ સરનામું અને ટેલિફોન નંબર લખેલા હતા. આ વાંચીને, જોઈને રમણીકની આંખ સ્થિર થઈ ગઈ. પછી આંખમાંથી આંસુ સરી પડ્યા. મનમાં વિદ્રોહ જાગ્યો.
‘હું શા માટે જણાવું? આ કંઈ રીટા નથી. આ તો મારી તારા છે. એ મને બાપુ કહે છે. એ તો નવો અવતાર લઈને આવી છે. એને હું શા માટે આપી દઉં? ના,ના કોઈ કાળે હું મારી તારાને નહીં
આપું.’
રમણીક છાપું લઈને શૂન્યમનસ્ક બેઠો રહ્યો. ત્યાં હૃદયમાંથી ફરી અવાજ આવ્યો, ‘એક બાપ થઈને બીજા બાપ સાથે અન્યાય તુ કેવી રીતે કરી શકે? તારી તારા કુદરતે તારી પાસેથી છીનવી લીધી હતી ત્યારે તારી કેવી હાલત થઈ હતી તે તું જાણે છે ને?તો આ રીટાના બાપની હાલત પણ એવી જ હશે ને?તું કઈ રીતે એક દીકરીને એના બાપથી જુદી કરી શકે? આવું પાપ ન કરાય.’ આ વિચાર સાથે રમણીકની આંખમાં આંસુ આવ્યા. તે ઊભો થયો.
થોડે દૂર આવેલ ટેલિફોન બૂથ પર જઈને તેણે અખબારમાં આપેલ નંબર
ઘુમાવ્યો. પછી પોતાની ઝૂંપડીમાં આવ્યો અને તારા ઊર્ફે રીટાને વળગીને રડી
પડ્યો.
(સમાપ્ત)