મગજ મંથન : કઠોર પરિશ્રમથી ડરો છે તો પછી ઉન્નત જીવનની કલ્પના ન કરો!

-વિઠ્ઠલ વઘાસિયા
કોઈ નિશ્ર્ચિત કાર્યક્રમ અને યોજના અનુસાર કામ થવા છતાં ઘણી વાર એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય કે આપણને તે કાર્યક્રમ બદલવા, ભવિષ્યમાં વધુ મહેનત કરવા લાચાર કરે છે. આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ગભરાયા વિના પોતાની જાતને પરિસ્થિતિ અનુસાર ઢાળી દેવી જોઈએ.
Also read : માતૃભાષા એટલે સંસ્કૃતિનું મહિમા ગાન
પહેલાં આર્થિક સુખ ભોગવી ચૂકેલાને જ્યારે આર્થિક તંગીમાં સપડાવું પડે છે ત્યારે એ વિચારે છે કે લોકો મારી મશ્કરી કરશે. આ મશ્કરી, ટીકા, ઉપહાસની શરમથી એ વધુ દુ:ખી થાય છે. હકીકતે આ એની માનસિક નબળાઈ માત્ર છે. દુનિયાના બધા લોકો પોતાના કામમાં મગ્ન હોય છે, કોઈને અન્યની ગંભીરતાથી ટીકા કરવાની નવરાશ નથી. વાંકી,ત્રાંસી ટોપી પહેરી બજારમાં નીકળનાર માનવી વિચારે છે કે રસ્તે જતાં આવતાં બધા મારી ત્રાંસી ટોપી જોઈ ટીકા કરશે પણ એવું થતું નથી. આવતાં-જતા લોકો પોતાનાં કામકાજમાં વ્યસ્ત છે, નહીં કે ત્રાંસી ટોપીની ટીકા કરવા અને કદાચ કોઈ એવી નાનીશી ટીકા કે આલોચના કરશે એના ભયથી જાણે પોતે કોઈ ગુનો કર્યો હોય તે રીતે પોતાની જાતને શરમમાં ડૂબાડી રાખવી એ માનવીની મોટી ભૂલ છે.
ચોરી કરવામાં, ખોટું કામ કરવામાં, અધર્મ આચરતાં ચોક્કસ શરમાવું જોઈએ. ગઈ કાલે દસ રૂપિયા હતા
અને આજે બે જ રહ્યા છે.ગઈ કાલે સંપન્ન હતાં, આજે નિર્ધન થઈ ગયા છીએ તો એ સ્થિતિ શરમાવા યોગ્ય નથી.પાંડવો એક દિવસે રાજગાદી શોભાવતા હતા.
એક દિવસ એવો આવ્યો કે મહેનત-મજૂરી કરી અજ્ઞાતવાસમાં રહી પેટ ભરવું પડ્યું. રાણા પ્રતાપ અને શિવાજી મહારાજનાં જીવનચરિત્ર જે જાણે છે એમને ખબર છે કે આવા પ્રતાપી મહાપુરુષો પણ કાળના કુચક્રમાં ફસાયા હતા આટલા માટે કોઈ વિવેકી પુરુષે એમની ટીકા નથી કરી.
આવી કપરી સ્થિતિ વખતે ખોટા ભયની કલ્પનામાંથી બહાર નીકળી આવવું જોઈએ અને જ્યારે અભાવની સ્થિતિમાં રહેવા વારો આવે ત્યારે હસતાં હસતાં કોઈ જાતના ભય, સંકોચ, ખચકાટ અને દુ:ખ વિના તેનો સ્વીકાર કરી લેવો જોઇએ.
કોઈ પણ યોજના નક્કી કરતાં કરતાં તેમાં વિઘ્ન આવી શકે છે. રૂકાવટ કે મુશ્કેલીઓ આવી શકે છે તેનો ખ્યાલ રાખવો જોઈએ. સફળતાનો માર્ગ જોખમી છે, જેને જોખમો ઉઠાવી સાહસ અને સંઘર્ષ કરવાનું પસંદ છે એણે જ આ સિદ્ધિના માર્ગ પર ડગ માંડવાં જોઈએ.. અદમ્ય ઉત્સાહ, અતૂટ સાહસ, અવિચળ ધીરજ સાથે નિરંતર પરિશ્રમ અને જોખમો સામે લડનારો પુરુષાર્થી જ પોતાનું કે કોઈનું જીવન સફળ બનાવી શકે છે.
Also read : મા – બાપ પ્રત્યે સંતાનોનો ભાવ શૅરબજારની જેમ ગગડી રહ્યો છે…
જેમ સોનાને અગ્નિમાં તપાવતાં તેની ચમક બમણી થઈ જાય છે તેમ દુ:ખમાં પડવાથી આપણી વીરતા અને પ્રયત્નશીલતા બમણાં વેગથી પ્રગટ થવાં જોઈએ.