ઈન્ટરવલ

મગજ મંથન : અક્કલ + આવડત + અનુભવ = સફળ જિંદગીની ગુરુચાવી

-વિઠ્ઠલ વઘાસિયા
કોઈપણ મનુષ્ય જીવનમાં સર્વાંગ રીતે સફળ ત્યારે જ થાય છે કે, જ્યારે એની પાસે અક્કલ,આવડત અને અનુભવ હોય.માત્ર અક્કલથી પણ કામ ચાલતું નથી.માત્ર આવડતથી પણ કામ ચાલતું નથી કે માત્ર અનુભવથી પણ કામ ચાલતું નથી.આ ત્રણે પરિબળ મનુષ્યને સંપૂર્ણ બનાવવામાં અતિ અગત્યનાં છે. એ ત્રણેય કોઈના પણ વ્યક્તિત્વ અને કાર્યક્ષમતા માટે ખૂબ જ મહત્ત્વના ગુણધર્મ છે.

અક્કલ એ માનસિક ક્ષમતા છે, જેનાથી વ્યક્તિ સંજોગોનું યોગ્ય વિશ્ર્લેષણ કરી શકે છે. જીવનમાં ઉપસ્થિત થતી પરિસ્થિતિઓ કે સમસ્યાઓમાં સમજદારીપૂર્વક ઉકેલ લાવી શકે છે. આમાં તર્કશક્તિ, વિવેક અને સંયમ પણ સામેલ હોય છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં વિચાર વિમર્શ કરીને ક્યો યોગ્ય રસ્તો પસંદ કરવો એ અક્કલ દર્શાવે છે. જીવનની ઘટમાળમાં રોજબરોજના વ્યવહારમાં ઘણી વખત એવી સમસ્યા ઉદ્ભવતી હોય છે કે ત્યારે સામાન્ય રીતે માણસ ગભરાઈ જાય છે. કોઈ ઉકેલ શોધી શકતો નથી.આવા સમયે જો ઉતાવળે નિર્ણય લેવામાં આવે તો ઘણી વખત નુકસાનકારક ખોટો નિર્ણય લેવાય જતો હોય છે .આવા સમયે અક્કલનો ઉપયોગ કરી અને ધીરજપૂર્વક જો નિર્ણય લેવામાં આવે તો ખૂબ જ ઉપકારક નિવડે છે.

અક્કલના ત્રણ પ્રકાર છે સામાન્ય અક્કલ,જે દૈનિક જીવનમાં પ્રશ્નોનો ઉકેલ શોધવાની સમજ આપે છે. સામાજિક અક્કલ જે, લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની સમજણ આપે છે અને બૌદ્ધિક અકક્લ જે, ગાઢ વિચારો, તર્ક અને અભ્યાસ દ્વારા વિકાસ પામે છે.

બીજા ગુણધર્મ આવડતની જો વાત કરીએ તો એ વ્યવહારિક ક્ષમતા છે, જે વ્યક્તિએ અભ્યાસ, તાલીમ કે અનુભવ દ્વારા પ્રાપ્ત કરી હોય છે. આવડત વ્યક્તિને કાર્ય કરવાની પદ્ધતિને સરળ અને અસરકારક બનાવે છે.

આવડતના પણ પ્રકાર છે. તકનિકી આવડત, જેમ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ડ્રાઈવિંગ, પેઈન્ટિંગ, માણસ સાથેના સંવાદ, સંયોજન, નેતૃત્વ, સમય સંચાલન, આયોજન શક્તિ વગેરે. આવડત વગર માત્ર વિચાર શક્તિ કામ આવતી નથી, જેમકે વાહન ચલાવવાની અક્કલ હોય પણ આવડત ન હોય તો વાહન ચલાવી શકાય નહીં.

આ પણ વાંચો….મગજ મંથન : દફતરના ભાર સિવાય બીજો ઘણો બધો ભાર વિદ્યાર્થી ઉપર છે

ત્રીજા ગુણધર્મ અનુભવની વાત કરીએ તો જે વ્યક્તિએ પોતાના જીવનમાં વિવિધ પરિસ્થિતિઓમાંથી શીખીને અનુભવ મેળવ્યો હશે એ અનુભવ ઘણીવાર એવી એવી વાત શીખવે છે,જે પુસ્તકોમાંથી શીખી શકાતી નથી.લાંબા સમયથી એક જ ક્ષેત્રમાં કામ કરવાથી જે અનુભવ થાય છે એ વ્યવસાયિક અનુભવ છે.તેવી જ રીતે જીવનમાંથી મળેલી સફળતા કે નિષ્ફળતા એ વ્યક્તિગત અનુભવ છે.

આમ, અક્કલ એ વિચાર કરવાની ક્ષમતા છે,આવડત એ કાર્ય કરવાની ક્ષમતા છે અને અનુભવ એ શીખવાની ક્ષમતા છે.બીજા અર્થમાં જોઈએ તો અક્કલ ખ્યાલ આપે છે કે શું કરવું. આવડત ક્ષમતા આપે છે કે કાર્ય કેવી રીતે કરવું અને અનુભવ એ શીખવે છે કે ભવિષ્યમાં તે કાર્ય વધુ સારી રીતે કેવી રીતે કરવું.

આ ગુણધર્મોને શિક્ષણના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શિક્ષણ ક્ષેત્રમાં પણ તેમનું મહત્ત્વ ઓછુ આંકી શકાય તેમ નથી.
શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી, એ એક જીવન પ્રક્રિયા છે,જેમાં શીખવાનો,સમજવાનો અને સમજાવવાનો સતત અભ્યાસ ચાલે છે.આ પ્રક્રિયામાં અક્કલ,આવડત અને અનુભવ ત્રણેય મજબૂત પાયા તરીકે કામ કરે છે.આ ગુણધર્મ ખાસ કરીને જેટલા શિક્ષક માટે જરૂરી છે એટલા જ વિદ્યાર્થી માટે પણ અગત્યના છે.

દરેક વિદ્યાર્થી અલગ પ્રકારના હોય છે. દરેકની સમજણ, અભ્યાસની પદ્ધતિ અને મનોવૃત્તિ અલગ અલગ હોય છે. અહીંયા જો શિક્ષક દરેક વિદ્યાર્થીને સમાન ગણીને પોતાની અક્કલનો ઉપયોગ કરે તો એ ભૂલ ભરેલું છે. કયા વિદ્યાર્થીને શા કારણે ન સમજાયું એ તપાસવું જોઈએ.એ જાણ્યા પછી કયા વિદ્યાર્થીને કેવી રીતે સમજાવવું અને શું ઉકેલ આપી શકાય એ બધું વિચારીને યોગ્ય પગલું ભરવું જોઈએ.આ રીતે જે શિક્ષક અક્કલનો ઉપયોગ કરે એ જ સાચો શિક્ષક કહેવાય.

શિક્ષક પાસે અક્કલ હોય પણ જો શીખવાની પદ્ધતિ તેને આવડતી ન હોય તો પરિણામ મળતું નથી. આવડત એટલે ટુલ્સ અને ટેક્નિકનો સચોટ ઉપયોગ. વર્ગખંડમાં નિયંત્રણ માટે ભાષણ કામ આવતું નથી, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ અને વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાની ક્ષમતા કામ લાગે છે.

આ પણ વાંચો….મગજ મંથન : વાચન એ જ્ઞાન પ્રાપ્તિ ને સમસ્યા ઉકેલનું ઉત્તમ સાધન છે

વિદ્યાર્થી માટે અભ્યાસ કરવાની આવડત, નોંધ બનાવવાની ટેક્નિક, સાંભળેલી માહિતી લખી શકવાની ક્ષમતા, પ્રેઝન્ટેશન આપવાની કળા વગેરે શૈક્ષણિક આવડત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા માટે સર્જન શક્તિ, ટાઈમ મેનેજમેન્ટ અને આવડત ખૂબ જરૂરી છે.

અનુભવી શિક્ષક જાણે છે કે કઈ રીતે કઠિન વિષયને સરળ બનાવીને સમજાવવો..વર્ષો સુધી શિક્ષણ આપવાથી શિક્ષકને એ વાત સમજાઈ છે કે કયા પ્રકારના વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે.

વિદ્યાર્થી પોતાના ભૂતકાળના અનુભવથી આગળ વધે છે.પ્રયત્નથી પાકો થાય છે.અગાઉની પરીક્ષાઓનો અનુભવ અને શીખવાના જુદા જુદા પ્રયાસો વગેરેથી શીખે છે.આ બધું ભવિષ્યમાં વધુ સારી રીતે શીખવામાં મદદરૂપ બને છે.

એક ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ થઈએ. માનો કે કોઈ શિક્ષક પ્રથમ વખત વર્ગ લઈ રહ્યો છે. એમની પાસે વિષયનું જ્ઞાન પૂરતું છે અર્થાત્ અક્કલ છે. એબોર્ડ પર સરસ લખી શકે છે. પ્રેઝન્ટેશન બનાવી શકે છે, જે શિક્ષકની આવડત છે, પરંતુ વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળે, શિસ્તમાં રહે, શિક્ષક ભણાવે તેમાં ધ્યાન આપે એ અનુભવ આધારે જ શક્ય બને.વર્ગખંડને નિયંત્રણ રાખવો એ શિક્ષકના અનુભવ પરથી જ આવે છે. આમ, શિક્ષક તરીકેની નોકરીની શરૂઆત કરનાર શિક્ષક પાસે અક્કલ અને આવડત હોવા છતાં જ્યાં સુધી એ અનુભવ નહીં કરે ત્યાં સુધી એ સફળતા પ્રાપ્ત નહીં કરી શકે.

આ બધી વાત ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે શિક્ષણ ક્ષેત્રમાં સફળ થવા માટે અક્કલથી વિચારવું, આવડતથી ભણાવવું અને અનુભવથી વર્ગ નિયંત્રણ રાખવું અને એ જ શિક્ષણ યાત્રાની કુંચી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button