ઈન્ટરવલ

મગજ મંથન : વાચન એ જ્ઞાન પ્રાપ્તિ ને સમસ્યા ઉકેલનું ઉત્તમ સાધન છે

-વિઠ્ઠલ વઘાસિયા

આજે ‘વિશ્વ પુસ્તક દિવસ’ છે. એ ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે 23 એપ્રિલના દિવસે એ ઉજવવામાં આવે છે. આ દિવસ વાચન-લેખન-અનુવાદ-પ્રકાશન અને કોપીરાઈટના રક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત દિવસ છે.

‘વિશ્વ પુસ્તક દિવસ’ની શરૂઆત વર્ષ 1922માં ‘સર્વાંટેસ પબ્લિશિંગ હાઉસ ’ ના ડિરેક્ટર વિસેન્ટ ક્લેવેલ દ્વારા કરવામાં આવી હતી.એમણે આ દિવસ સ્પેનના પ્રસિદ્ધ સાહિત્યકાર મિગુએલ ડી સર્વાંટેસ (Miguel de Cervantes)ની સ્મૃતિ રૂપે શરૂ કર્યો હતો. સર્વાંટેસ સૌથી વધુ જાણીતા થયા હતા એમની પ્રસિદ્ધ નવલકથા “Don Quixote માટે, જેને વિશ્વ સાહિત્યની એક શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. આ નવલકથામાં એમણે એક એવા માણસની કહાણી કહી છે, જે એક કાલ્પનિક રાક્ષસ સામે લડનાર ‘રક્ષક’ બની જાય છે.

તે પછી 1926માં બાર્સેલોનામાં પ્રથમ વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવ્યો. ત્યારે પુસ્તક દિવસ સાત ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી મિગુએલ ડી સર્વાંટેસના મૃત્યુદિન નિમિત્તે 23 એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીનું નક્કી કરવામાં આવ્યું.

વિશ્વ પુસ્તક દિવસ દર વર્ષે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. ‘વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે’ ની સત્તાવાર થીમ છે, ‘રીડ યોર વે’ (Read Your Way)). આ થીમ વાચન પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપવા અને લોકોને જાગૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ દિવસ જગતભરના લોકોને પુસ્તકો અને લેખકોનું સન્માન કરવાનું શીખવે છે. વિશ્વ પુસ્તક દિવસ વાચનનો શોખ ધરાવતા લોકો માટે ખાસ છે, કારણ કે આ વાચકો વર્તમાનમાં ભૂતકાળના મહાન લેખકોનાં પુસ્તકો વાંચીને આનંદ શોધવા માગે છે.

આ પણ વાંચો…મગજ મંથન : પાંચ વર્ષ સુધીના બાળકને અનુશાસનમાંથી મુકત રાખો…

પુસ્તકની ઓળખ ઘણી રીતે આપી શકાય, જેમકે બે પૂંઠા વચ્ચેના કાગળ ફેરવતા ફેરવતા થતો આત્મા સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. જ્ઞાનનો ભંડાર એટલે પુસ્તક. એક અનેરી સમજનો મગજ સાથેનો વ્યવહાર એટલે પુસ્તક. તમે કદી વિચાર કર્યો છે કે પુસ્તક વિનાની દુનિયા કેવી લાગતી હોત? કોઈ પણ વાતની કોઈ દિશા, દશા કે પ્રમાણ હોત જ નહીં. જ્ઞાન મેળવવા માટે હંમેશાં પુસ્તકની જરૂર રહી જ છે. નાનાં બાળકથી લઈને ઉંમરલાયક વ્યક્તિ પણ પોતાના જીવનમાં પુસ્તકોનો ઉપયોગ કરતા જ હોય છે, પછી એ પુસ્તક ગમે તે વિષયનું હોય.

શાસ્ત્રોની વાત કરીએ તો જો પ્રાચીન કાળમાં પુસ્તકો લખાયાં ન હોત તો આજે રામાયણ, મહાભારત, પુરાણો, શ્રીમદ્ ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત જેવા ગ્રંથોનું દર્શન અને તેનાં જ્ઞાનને આપણે પામી જ શક્યા ન હોત. પ્રાચીન વેદો વગર આપણે જીવન કઈ રીતે જીવવું એ જાણી શક્યા ન હોત.

આ દિવસની ઉજવણી પાછળ ‘યુનેસ્કો’નો વિચાર વિશ્વભરના લોકોને પુસ્તકો વાંચવાની ટેવ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, ખાસ કરીને યુવા વર્ગને. આજના વિશ્વમાં આ દિવસ વધુ મહત્ત્વનો છે, કારણ કે અન્ય સ્રોતોમાંથી માહિતીના ભારણને કારણે અસંખ્ય લોકો પુસ્તક વાંચવાથી વિખૂટા પડી રહ્યા છે. ટેકનોલોજીના આગમનને કારણે આજકાલ મોટાભાગના યુવાનો અને બાળકો પુસ્તકોથી દૂર થઈ ગયા છે… કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની ક્રાંતિથી મનુષ્ય અને પુસ્તકો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. વર્તમાન યુગમાં બાળકોથી લઈને યુવાનો અને વડીલોના હાથમાંથી પુસ્તકો દૂર થઈ ગયાં છે. હવે તેનું સ્થાન મોબાઈલે લઈ લીધું છે. તેનું કારણ કદાચ ઈન્ટરનેટના માધ્યમથી વિવિધ માહિતીઓ માટેની જે ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી મળી રહી છે, તે હોઈ શકે. ડિજિટલ મીડિયાના અગમનથી અખબારોના વેચાણમાં ફરક પડ્યો છે.

જોકે, બીજી બાજુ આખી દુનિયામાં હજારોની સંખ્યામાં પુસ્તકાલયો જોવા મળી રહ્યાં છે. સમયાંતરે નવાં પુસ્તકાલય પણ સ્થાપવામાં આવી રહ્યાં છે. એક અંદાજ મુજબ દુનિયામાં દરરોજ હજારોની સંખ્યામાં નવાં પુસ્તકો પ્રકાશિત થાય છે. જો લોકોની વાચન ક્ષમતા ઘટી છે તો રોજ આટલાં પુસ્તકો પ્રકાશિત થઈને ક્યાં જાય છે? કોણ વાંચે છે? જો લોકોની વાચન ક્ષમતા ઘટી હોય તો આટલા પુસ્તકો બહાર પાડવાની શું જરૂર ? તે દર્શાવે છે કે લોકો હજુ પણ વાચનમાં રસ લઈ રહ્યા છે.

આ પણ વાંચો… મગજ મંથન : જેવું શિક્ષણ એવું બને પ્રત્યેક બાળક…

સોશિયલ મીડિયામાં ઘણું ક્ધટેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ કોઈ પણ ક્ધસેપ્ટને સારી રીતે સમજવો હોય તો જે તે વિષયના પુસ્તકમાંથી જ તે સરળતાથી સમજી શકાય છે. દુનિયાનાં અગણિત પુસ્તકાલયો, થોકબંધ પુસ્તકો, પ્રસિદ્ધ લેખકો, સાથે ઊભરતા લેખકો દ્વારા રજૂ થતાં વિવિધ પુસ્તકો હજુ પણ વિશ્વના પુસ્તક પ્રેમી લોકો દ્વારા વંચાય રહ્યાં છે.

વિશ્વ પુસ્તક દિવસ દરેક દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ પુસ્તકોનું મફતમાં વિતરણ કરવામાં આવે છે તો કેટલીક જગ્યાએ લોકોમાં સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તો વળી ક્યાંક લેખકો દ્વારા લખાયેલા નવાં પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવે છે. સ્પેનમાં રીડિંગ મેરેથોન બે દિવસ ચાલે છે, જે ખૂબ લોકપ્રિય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button