ઈન્ટરવલ

કચ્છી ચોવક : કહેવત મારે છે ચાબખા

-કિશોર વ્યાસ

આપણે ઘણાને એમ કહેતા સાંભળતા હોઇએ છીએ કે આજકાલ રાત્રે ઊંઘ નથી આવતી. એવું સાંભળ્યા પછી બહુ સ્વાભાવિક પણે આપણે વિચારીએ કે, જરૂર કોઇ ચિંતા ખાઇ જતી હશે! આપણે એવા પણ માણસો સમાજમાં જોયા હશે કે, જે કોઇ પણ પ્રકારની જવાબદારી વગર જીવતા હોય છે અને તે રાત પડયે ઘોરી જતા હોય છે. આવો અર્થ બતાવતી એક ચોવક પ્રચલિત છે : ‘છછી નિકાં વછી નેં નિંધર અચે અછી’ આ ચોવકમાં ‘છછી નિકાં વછી’ એ શબ્દ સમૂહ છે. જેનો અર્થ અહીં ‘બે જવાબદાર’ થાય છે. ખરેખર ‘છછી’ શબ્દનો અર્થ થાય છે ‘બાળ બચ્ચાં’ અને વછીનો અર્થ થાય છે ‘વાછડી’! પરંતુ સંપૂર્ણ શબ્દાર્થ થાય છે. ‘કોઇ જ જવાબદારી ન હોવી’!

આપણા સમાજમાં સલાહ-સૂચન આપવાવાળા સો જણા મળે, પણ આપણે કરવાનું કામ વિચારીને જ કરવું જોઇએ. ચોવક પણ એવી જ સલાહ આપે છે કે, ‘ચોંધલ ત ચેં પ સુણંધલ કે વિચાર ખપે’. ‘ચોંધલ’ એટલે કહેવાવાળા, ‘ચેં’નો અર્થ થાય છે: ‘કહે’. ‘સુણંધલ’ એટલે સાંભળનાર અને ‘વીચાર ખપેં’ નો અર્થ છે: વિચારવું જોઇએ અથવા અને અન્યત્ર ‘બુદ્ધિ હોવી જોઇએ’ એવા અર્થમાં પણ વાપરી શકાય. સરળ અર્થ ચોવકનો હવે સ્પષ્ટ થઇ ગયો છે, આપણું વર્તન વિચારપૂર્વકનું હોવું જોઇએ.

સૌ પરીચિત છીએ આ ગુજરાતીમાં વપરાતી કહેવતથી: ક્ષમા વીરસ્ય ભૂષણમ્… ખરું ને? કચ્છી એમ કહેવાય છે કે, ‘છડપ મિણીંયા વેડી વડપ’. ‘છડપ’ એટલે આમ તો, છોડી દેવું પણ અહીં ‘જતું કરવું’ એ અર્થ તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ‘મિણીંયા’ એટલે સૌથી વધારે. ‘વડી’ એટલે ‘મોટી’ અને ‘વડપ’નો અર્થ થાય છે મોટાઇ! શબ્દાર્થનું સંયોજન કરતાં જે અર્થ આકાર લે છે તે છે: જતું કરવું એ સૌથી મોટી મોટપ કે મોટાઇ છે.

આ પણ વાંચો…કચ્છી ચોવક : જીવનમાં એ જ્ઞાનનું મહત્ત્વ બતાવે છે

જોકે, કોઇને આશીર્વાદ આપવા માટે ગુજરાતી કે કચ્છીમાં ઘણાં શબ્દો કે શબ્દ સમૂહ છે. પરંતુ કચ્છ એમ પણ કહેવાય છે કે, ‘છાલ કેંની ચર્યા ન થીયેં’ બહુ અર્થી ચોવક છે. ‘છાલ’ એવો શબ્દ છે જેને અહીં ‘હે ભગવાન’ એવા અર્થમાં લેવો જરૂરી છે. ‘કેંની’ એટલે કોઇના, ‘ચર્યા’ એટલે ‘ગાંડા’ અને ‘થીયેં’ નો અર્થ થાય છે: ‘થાય’. વિપરીત રીતે એવી દુઆ છેકે, ‘હે ભગવાન આવાં (સંતાન) સૌને આપજે અને ચોવકના શબ્દાર્થ પર જઇએ તો: હે ભગવાન કોઇનાં પણ (સંતાન) ગાંડા (અણસમજુ) ન થાય!

જો જરા પણ ઓછી અક્કલ કે સમજ ન ધરાવતી વ્યક્તિ મળે તો સમાજ ઓળખી જાય છે અને કહે છે: ‘છેંણા ઘૂં કરે વ્યા.’ ‘છેણાં’ એટલે છાણા ‘ધૂં’ નો અર્થ થાય છે ધૂમાડો. ‘કરે વ્યા’ એટલે સરખાં સળગ્યાં નહીં કે, તપ્યાં નહીં… ટૂંકમાં છાણા તપાવવા મૂક્યાં તો અગ્નિમાં તપવાના બદલે ધૂમાડો કરવા લાગ્યાં! અને ચોવકનો સ્પષ્ટ અર્થ થાય છે: અક્કલ આરે હોવી!

આ પણ વાંચો… કચ્છી ચોવક : જરૂર હોય ત્યારે મળે તેનું જ મૂલ્ય હોય!

ગુજરાતીમાં એક કહેવત છે કે, નહીં મામા કરતાં કહેણો (કાણો) મામા સારો! જયાં યોગ્ય વ્યક્તિઓનો અભાવ વરતાતો હોય ત્યાં અયોગ્ય વ્યક્તિઓનું પણ મહત્ત્વ જોવા મળે છે! પણ કચ્છી માણવા જેવી ચોવક છે કે, ‘જાડ ન વેઉત તાડ વ રાજ ‘જાડ’ એટલે વૃક્ષ. ‘ન વે’ એટલે ન હોય. ‘ઉત’નો અર્થ થાય છે: ત્યાં. ‘તાડ’ એક ઊંચા વૃક્ષનું નામ છે તે છાંયડો નથી આપતું! ‘પ’ આ એકાક્ષરી શબ્દનો અર્થ છે: પણ. ‘રાજા’ એટલે રાજા. સરળ અર્થ થાય છે: જયાં સારા માણસોની ગેરહાજરી હોય ત્યાં નઠારાનું પણ મહત્ત્વ હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button