કચ્છી ચોવક : અભાવનો ચરુ ઉકળતો હોય પણ દેખાવ લાડા જેવો!

- કિશોર વ્યાસ
આપણા સૌનો અનુભવ હશે જ કે, આપણી આસપાસની ઘણી વ્યક્તિઓ મોટી મોટી (ખોટી) વાતો કરતી રહેતી હોય છે. તેમનાં વસ્ત્રોમાં નહીં પણ વાતોમાં જાણે શ્રીમંતાઈ છલકતી હોય છે! એવી વ્યક્તિઓનો પરિચય આપતી એક ચોવક છે: ‘લીલા લૅર નેં ખાધે જો ખૅર.’ કોઈને માત્ર એટલું પૂછો કે, કેમ છો? તો જવાબ આપશે: લીલા લહેર છે! પણ ખરેખર સ્થિતિ કંઈક જુદી જ હોય! ચોવકમાં પહેલો શબ્દ લીલા લહેર છે. ‘ખાધે જો ખૅર’ ભગવાન ભરોસે! આમ તો લીલા લહેર પણ ખાવા માટે અન્નના વાંધા! ભાવાર્થ એવો થાય છે કે: વાતો ખૂબ સારી પણ હાલત નબળી.
એવા જ અર્થવાળી બીજી ચોવક છે: ‘લીર જો લાડો’ પહેલો શબ્દ છે, ‘લીર’ જેનો મૂળ અર્થ થાય છે: ચિંથરું. ‘જો’ એટલે નો અને લાડો એટલે લાડો, દેખાવે સારા લાગવું. પણ એ ચોવકનો ભાવાર્થ પણ એવો જ થાય છે કે, માત્ર દેખાવ હોવો! અંદર તો અભાવા ચરુની માફક ભરેલો હોય.
એક હિન્દીમાં કહેવત છે: ‘નાચ ન જાને, આંગન ટેઢા’ જેને નૃત્ય કરતાં કે નાચતાં જ ન આવડતું હોય અને જો તેન નાચવા માટે આગ્રહ કરવામાં આવે તો એ કહેશે: આવી ઉબડખાબડ જમીન પર હું ન નાચું! હવે બીજો અર્થ આ કહેવતનો એવો પણ નીકળે કે, એવા કોઈ બહાને કામને ટાળવું! આવું કહેવા માટે એક ચોવક રચાઈ છે: ‘લિખણૂં ન વે ત લેખણ વિંગી’. ‘લિખણૂં’ એટલે લખવું. ‘ન વે’ એ બે એકાક્ષરી શબ્દસમૂહનો અર્થ થાય છે: ન હોય. ‘ત’ એટલે ત્યારે. ‘લેખણ’નો અર્થ થાય છે: લેખની કે કલમ અને ‘વિંગી’ એટલે ત્રાંસી! ભાવાર્થ થાય છે: કામ ન કરવાનું બહાનું કાઢવું.
‘કચ્છી ચોવક’ના વૉટ્સએપ ગ્રુપમાં વાચકમિત્ર હરેશ ગડાએ એક સુંદર ચોવક પોસ્ટ કરી છે, જે પણ ઉપરોકત ચોવકોના ભાવાર્થને સ્પર્શતી હોય તેવી લાગે છે. ચોવક છે: ‘ખાંઢી મે જો ખખરે સેં વેર’ અહીં પહેલા બે શબ્દોનો શબ્દાર્થ સાથે રાખીને સમજવો પડશે. ‘ખાંઢી મે’નો અર્થ થાય છે જેના શીંગડાં તૂટી ગયાં હોય તેવી ભેંસ.’ ‘મે’ એટલે ભેંસ. ‘ખખરો’ એવાં વૃક્ષનું નામ છે જેમાં કેસૂડાં ઊગે છે. ‘સેં’ એટલે થી અને વેરનો અર્થ દુશ્મનાવટ. જેના માથા પર શીંગડાં જ નથી એવી ભેંસ (લડવા માટે) કેસૂડાંના સુંદર વૃક્ષને તો શું પણ ફૂલના છોડને પણ દુશ્મન જ ગણે! કોઈ અશક્તિમાન હોય તે સંબંધો રાખવા – બાંધવા કે લડવા માટે પોતાની અશક્તિ કબૂલ ન કરે પણ ‘હું તો એને હડકાવું પણ નહીં’ જેવું બહાનું આગળ ધરે!
તો, વળી એવા પણ ઘણા હોય છે, જે મતલબ વગર કામ ન કરે. પોતાનો સ્વાર્થ જોતા રહેતા હોય છે. એટલે જ ગુજરાતીમાં કહેવત છે: લાલો લાભ વગર ન લોટે અને કચ્છીમાં પણ ચોવક છે કે, ‘લાલો લાભ વિગર ન લેટે’ ચોવકમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો ગુજરાતી કહેવત જેવા જ હોવાથી શબ્દાર્થમાં નથી જતા.
ઘણાની વાતો સાંભળતાં જ સમજાઈ જાય કે, એ બધી અર્થ વગરની વાતો છે. એ અર્થ વગરની વાતો માટે પણ એક ચોવક છે, અને તે પણ માત્ર ત્રણ શબ્દોની જ બનેલી. તેમાં પણ બે શબ્દો તો એકાક્ષરી છે! ચોવક છે ‘લા નિકાંસા’ ‘લા’ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો: તેનો મૂળ અર્થ થાય છે: લાય. પરંતુ અહીં ચોવકને સમજ માટે ‘લા’ અને ત્રીજા શબ્દ ‘સા’ને સાથે રાખવા જરૂરી રહેશે. જેનો અર્થ થાય છે: વાતમાં સાર ન હોવી! ‘નિકાં’નો અર્થ થાય છે: ન હોવું! ચોવકનો ભાવાર્થ થાય છે: વાતમાં હિંગનો પણ હડાકો ન હોવો!
આ પણ વાંચો…કચ્છી ચોવક : દાની બનો તો ઈશ્વર જેવા બનો…