આ તો સ્કેમ છેઃ નહેરુના અવસાનથી એમના અચ્છે દિન પૂરા થયા!

પ્રફુલ શાહ
ડૉ. જયંતી ધર્મા તેમના લોન કૌભાંડ સમયની રાજકીય વિચારધારા અલપઝલપ જાણીએ તો આગળ વધુ મજા આવશે, વધારે સમજ પડશે. સ્વતંત્રતા બાદ સમાજવાદની પીપુડી ભારે અવાજે વાગતી- સંભળાતી હતી. સમાજવાદ છતાં પ્રગતિ, વિકાસ, આર્થિક સમૃદ્ધિ તો જોઇએ જ. એ સમયના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ મોટા ઉદ્યોગપતિઓને હાથ છેટા રાખતા હતાં પણ એમાં અપવાદ હતા. આમાં જયંતી ધર્મા તેજા એકદમ અલગ, હટકે સાબિત થવાના હતા.
નહેરુ સમક્ષ ડૉ. તેજા અલગ જ આભા ઊભી કરી શકયા હતા. એકદમ વિદ્વાન, તેજસ્વી અને સફળ ઉદ્યોગપતિ તરીકે ઉપસી આવ્યા. નહેરુ આવા જ નાગરિકોવાળા રાષ્ટ્રનું સપનું જોતા હતા. આવામાં ડૉ. તેજા વડા પ્રધાનને મળ્યા અને રાષ્ટ્રીય જહાજી સામ્રાજ્ય ઊભું કરવાની યોજના કરી. નહેરુને આમાં ખૂબ રસ પડયો. કદાચ એ સ્વાભાવિક પણ હતું. કારણકે વહાણવટામાં ભારત ભૂતકાળમાં ઘણી નામના રળી ચૂકયું હતું. બન્નેની ઇચ્છા દરિયા પર તરીને સફળતાના આકાશને આંબવાની હતી.
અને સરકાર કે ખુદ વડા પ્રધાન સાથે હોય તો પછી શું ન થઇ શકે? હવે ડૉ. તેજાએ માત્ર નામ બોલવાનું હતું. એ ચીજ હાજર કરી દેવા સરકાર અને નોકરશાહી તત્પર હતા. આ માટે ભારતીય નાણાકીય સંસ્થાઓ તેજાને આર્થિક સહાય એટલે કે લોન આપવા કમરેથી બેવડ વળી જતી હતી એમ અતિશયોક્તિના જોખમ છતાં કહી શકાય. નાણાકીય સંસ્થા અને બૅન્ક પાસેથી મળેલી કરોડોની લોનનું ડૉ. તેજાએ શું કર્યું.
એ જાણતા અગાઉ જયંતી તેજા વિશે ફેલાવાયેલી વાતો જાણવી વધુ રસપ્રદ થઇ પડશે. આજે તો ક્રોની કેપિટાલિઝમની નવાઇ નથી પણ ભારતમાં એની શરૂઆત ડૉ. તેજાએ કરી એમ કહી શકાય. ક્રોની કેપિટાલિઝમ એટલે મુક્ત બજારમાં સ્પર્ધા થકી નહીં પણ રાજકીય માંધાતા કે ઉચ્ચ અમલદારો સાથે નિકટના સંબંધનો લાભ લઇને ફાયદો ઉઠાવવો. આવા ક્રોની કેપિટાલિસ્ટ વિશે કહેવાતું હતું કે એનો જન્મ થયો ત્યારે ગાંધીજી એના ઘરે હતા, મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન એના લેકચર સાંભળવા આવતા હતા, સુભાષચંદ્ર બોઝ, જયપ્રકાશ નારાયણ અને નહેરુને એને ઘરે આવરોજાવરો હતો.
આ માણસ 1960ના દાયકામાં અમેરિકાથી ભારત આવ્યો અને વેપારી બની ગયો. તેણે જાહેર જનતાના પૈસાથી ધંધો કર્યો, સફળ થયો અને એ જ રકમ ગુપચાવી દીધી. ભારત આવવા માટેના કારણમાં તેણે કહ્યું હતું કે કમાણી તો બહુ કરી પણ હવે દેશ માટે કંઇક કરવું છે.
પોતાના સંપર્ક થકી વડાપ્રધાનના નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનમાં પ્રવેશ મેળવી લીધો, નહેરુને અત્યંત પ્રભાવિત કર્યાં. પત્રકાર દાનિશ અને રુહી ખાનના પુસ્તક ‘એસ્કેપ્ડ ટ્રુ સ્ટોરીઝ ઑફ ઇન્ડિયન ફયુજીટીવ ઇન લંડન’ મુજબ તો નહેરુએ જ બે વિકલ્પ આપ્યા હતા : લોખંડનો ઉદ્યોગ સ્થાપો કાં વહાણવટાનો. અને જયંતીએ શિપિંગ પર પસંદગીનો કળશ ઢોળ્યો. પછી જયંતીને સામેથી સૂચન મળ્યું તમે શિપિંગ ડેવલપમેન્ટ ફંડમાં લોનની અરજી આપી દો. આનાથી તમને માલવાહક જહાજ અને ઓઇલ ટેન્કરની ખરીદી માટે થોડું ઘણું ભંડોળ મળી જશે.
અને ડૉ. જયંતી ધર્મા તેજાએ એવું અક્ષરશ: પાલન કર્યું અને આ ‘થોડું ઘણું’ ભંડોળ કેટલું હતું? રૂ. વીસ કરોડ અને એ પણ 1960ના દાયકામાં. આમાંથી જયંતી શિપિંગ કોર્પોરેશનની સ્થાપના થઈ. જાપાનની એક કંપની સાથે કરાર થયા. જોતજોતામાં તેમની કંપની પાસે 26 જહાજોનો કાફલો આવી ગયો. માનો યા ના માનો પણ દેશમાં 40 ટકા માલસામાનની આયાત-નિકાસ તેમના જહાજો દ્વારા થવા માંડી. સરકારી ભંડોળથી કંપની ઊભી થઇ, જહાજો તરતા થયા અને કામકાજ પણ મળવા માંડયું. આનાથી વધુ લક્ષ્મીકૃપા બીજી શું હોઇ શકે.
દેશભરમાં ડૉ. જયંતી ધર્મા તેજાનું નામ થવા માંડયું. સફળતાની સાથે સાથે ટીકાકારો પણ ઊગી નીકળ્યા. આ સફળતા, અસાધારણ, અકલ્પ્ય હતી.
એમાંય નહેરુના રાજકીય વિરોધીઓને તો જાણે ગોળનું મોટુ ગાડું મળી ગયું હતું. ટીકા ગાજવા માંડી કે તેજાને તો સરકારી પીઠબળ છે. સરકારની પગચંપી કરવાથી નિયમોના ખુલ્લેઆમ ઉલ્લંઘન છતાં તેજાનો વાળ વાંક થતો નથી.
અતિની ગતિ કયારેક, કયાંક તો રોકાય જ ને? અને 1964માં જવાહરલાલ નહેરુના અવસાન બાદ ડૉ. જયંતી ધર્મા તેજા પરની બધી કૃપા ખતમ થવા માંડી. એમાંય નવા વડા પ્રધાન લાલ બહાદુર આવ્યા બાદ તેજા પર ટીકાસ્ત્રોનો મારો એકદમ વધી ગયો, બેફામ થઇ ગયો. એના એક-એક, નવા-જૂના પગલાં પર બિલોરી કાચથી બાજ નજર રખાવા માંડી. કહો કે અચ્છે દિન પૂરા થવા માંડયા. (ક્રમશ)