ઈન્ટરવલ

શિક્ષણનો સંબંધ વ્યક્તિ કરતાં સમાજ સાથે વધુ તેજસ્વી પેઢીના નિર્માણ માટે અધ્યાત્મને શિક્ષણનો આધાર બનાવવો જોઈએ

મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા

આ સૃષ્ટિનું અનુપમ સર્જન જો કોઈ હોય તો તે છે મનુષ્ય.મનુષ્ય પોતે રહસ્યનો ભંડાર છે. એ પોતે પોતાને ઓળખી શકતો નથી. સુખ,શાંતિ,સંતોષ અને આનંદ જેવાં તત્ત્વ માટે એ ચારે બાજુ ફાંફાં મારે છે,પરંતુ જ્ઞાનીઓ કહે છે: એ બધું તો મનુષ્યની પોતાની અંદર જ છે.એ જોવાની દિવ્ય દ્રષ્ટિ મનુષ્યને સહજ પ્રાપ્ય નથી… યુગોથી મનુષ્ય પોતાને ઓળખવા પ્રયત્ન કરી રહ્યો છે. આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્મસાક્ષાત્કારના કપરાં માર્ગ પર ઘણા ચાલ્યા, પણ બહુ ઓછા એ અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શક્યા છે.

જ્ઞાનના માર્ગનો પ્રથમ પડાવ છે – શિક્ષણ. શિક્ષણની સાધના જ સાધ્ય સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.

બુદ્ધિ પર છવાયેલાં અજ્ઞાનનાં આવરણો દૂર કરે છે,શિક્ષણ. જીવનની ઘટમાળને હકારાત્મક દ્રષ્ટિથી જોવાની ટેવ પાડે છે, શિક્ષણ.‘સ્વ’ માટે નહીં ‘સર્વ’ માટે જીવવાની કળા શીખવે છે શિક્ષણ. શ્રેય અને પ્રેયનો ભેદ પારખવાની ક્ષમતાનો વિકાસ કરે છે શિક્ષણ. ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું જીવનમાં સંતુલન કરે છે શિક્ષણ.

આટઆટલા ગહન અર્થો સમાવતું શિક્ષણ આજે વામણું કેમ જોવા મળે છે ? ઉપરોકત મુજબના અર્થો ધરાવતું તત્ત્વ હોવા છતાં એનાં પરિણામો કેમ દેખાતાં નથી? આજે સૌ આ જ વાત પૂછે છે.

આ પણ વાંચો: વૉટરગેટના પર્દાફાશ વચ્ચેય નિકસન ફરી પ્રમુખ બની ગયા…

આપણે શિક્ષણ એટલે વાણિજ્યિક, વ્યાપારિક અને ઉપભોગજન્ય એવો છીછરો અર્થ કર્યો છે. આથી શિક્ષણનાં જે ભવ્ય પરિણામ મળવા જોઈએ તેનાથી આપણે વંચિત રહી ગયા છીએ. છીછરાપણાંની આડઅસરોનો આપણે ભોગ બન્યા છીએ. આપણા જીવનમાંથી શિક્ષણનો સાચો અર્થ ખોવાઈ ગયો છે.

આપણે સાક્ષરતાને જ શિક્ષણ સમજી બેઠા છીએ. ખરા અર્થમાં જીવનની સાર્થકતા જ શિક્ષણનો ઉદ્દેશ હોઈ શકે. યાંત્રિક અને વૈજ્ઞાનિક વિકાસને જ આપણે શિક્ષણ સમજીએ છીએ. આજના શિક્ષણે મનુષ્યને સમાજકેન્દ્રી બનાવવાના બદલે સ્વકેન્દ્રી બનાવ્યો છે. શિક્ષણ વરદાન જ બનવું જોઈએ, અભિશાપ નહીં.

મનુષ્ય જાણતાં કે અજાણતાં પોતાની ચારે તરફ રહેલા સમાજમાંથી સંસ્કાર ગ્રહણ કરતો રહે છે. એ અર્થમાં સમાજની પ્રત્યેક વ્યક્તિ શિક્ષકનું કામ કરે છે.‘આમ કરાય ને આમ ન કરાય’ એવો શ્રેય અને પ્રેયનો ભેદ આ શિક્ષણમાંથી મળે છે. જીવનના પ્રત્યેક અનુભવને શિક્ષણ કહી શકાય. સમસ્ત માનવ જીવન જ શિક્ષણ છે. શિક્ષણનો સંબંધ જેટલો વ્યક્તિ સાથે છે, તેથી પણ વધુ સમાજ સાથે છે.

અનુભવ સિદ્ધ જ્ઞાનનો જ્યારે મનુષ્યના પૂર્વ જ્ઞાન સાથે સંબંધ થાય ત્યારે એ જ્ઞાન વિદ્યામાં પરિણમે છે. મહાભારતનો આ પ્રસંગ જાણવા જેવો છે:

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : તુમ્હારી અમૃતા: મરતાં સુધી શીખતાં જ રહેવાનું?

ગુરુ દ્રોણે એમના બધા શિષ્યોને ધનુર્વિદ્યાના સિદ્ધાંતો શીખવ્યા હતા અને સમજાવ્યું હતું કે બાણ આવી રીતે ચલાવાય, ધનુષ્ય આમ પકડાય, તેની પ્રત્યંચા આમ ખેંચાય વગેરે વગેરે. ત્યારબાદ સૌએ બાણ ચલાવવાનો અનુભવ લીધો ત્યારે એના રહસ્ય અને પરિણામોનું જ્ઞાન થયું. એમાં જ્યારે એકાગ્રતા અને મૌલિકતા ઉમેરાય ત્યારે લક્ષ્યવેધનની વિદ્યા પ્રાપ્ત થાય. ત્યારે એ બાણાવળી કહેવાય અને ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ છે એવો ધનુર્ધર કહેવાય.

ધનુર્વિદ્યા તો અર્જુને, કર્ણ અને એકલવ્યે – બધાએ સરખી જ મેળવી હતી પણ એ બધાનું પૂર્વજ્ઞાન જુદું જુદું અને મૌલિક હતું. તેથી એ બધાની ધનુર્વિદ્યામાં વૈવિધ્ય હતું. જ્ઞાન જ્યારે આત્મસાત થાય ત્યારે વિદ્યા બને છે.

આપણું બધાનું કર્તવ્ય છે કે આપણે ગ્લોબલાઈઝેશનના ષડયંત્રમાં ફસાયા વગર,આંધળાં અનુકરણની દોડમાં અટવાયા વગર શુદ્ધ જ્ઞાનના માર્ગ પર ચાલીએ. દુનિયા ભલે ભૌતિકતાનું શિક્ષણ આપી રહી છે, એવા સમયે આપણે અધ્યાત્મને શિક્ષણનો આધાર બનાવી તેજસ્વી પેઢીનું નિર્માણ કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button