ઈન્ટરવલ

પ્રાસંગિક : કેનેડાના નવા વડા પ્રધાન આપશે ટ્રમ્પને ટક્કર…

-અમૂલ દવે

દેશના વડા બનવું એ કાંટાળો તાજ પહેરવા જેવું છે. અનેક વાર તો એવું થાય છે કે નેતા સત્તાસુખ મેળવે એ પહેલાં એમને માટે પેન્ડોરા બોક્સ (વીંછીનો દાબલો) ખુલી ગયો હોય છે અને અનેક આફત સામે જ ખડી હોય છે.

કેનેડાના નવા વડા પ્રધાન પદે આવનારા માર્ક કાર્નીનું પણ એવું જ છે. એક બાજુ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પાડોશી દેશ અને વિશ્વાસુ વેપાર ભાગીદાર પર ટેરિફ લાદીને કેનેડા માટે મુસ્કેલીનો પહાડ ઊભો કરી દીધો છે. આટલું જ નહીં, કેનેડાના સાર્વભૌમત્વની દરકાર લીધા વિના ટ્રમ્પ ખુલ્લેઆમ ધમકી આપે છે કે ‘હું કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવી દઈશ’. આ ઉપરાંત, કાર્નીએ એમના પુરોગામી ટ્રુડોના ખરાબ શાસક તરીકેનું લાંછન પણ દૂર કરવાનું છે.
ટ્રુડોએ આ વર્ષે જાન્યુઆરીમાં ઘણા સહયોગીઓનાં રાજીનામાંની સાથે સરકાર પર વધી રહેલા દબાણને લીધે ખુદ પોતાનું રાજીનામું આપવાની જાહેરાત કરી હતી..

આ પણ વાંચો: પ્રાસંગિકઃ રશિયા યુદ્ધ જીતી જાય તો વિશ્વના સમીકરણો પલટાઈ જશે…

ટ્રુડોના શાસન દરિમયાન મોંઘવારી વધી ગઈ છે. લિબરલ પાર્ટીનું રેટિંગ વિરોધી પક્ષ રૂઢિચુસ્ત કરતાં પણ નીચે ગયું છે. ટ્રમ્પે આપેલા આંચકાઓમાંથી કેનેડાના અર્થતંત્રને બહાર કાઢવાનું છે. જોકે 59 વર્ષના કાર્ની એક અર્થશાસ્ત્રી અને બેન્કર છે અને એમણે ટ્રમ્પ સાથે પણ જી-સેવનની સમિટમાં કામ કરેલું છે. એ ટ્રમ્પને બરાબર આર્થિક જવાબ આપી શકે એટલા તૈયાર પણ છે. અગાઉ ‘બેંક ઓફ કેનેડા’ અને ‘બેંક ઓફ ઈંગ્લેન્ડ’ના વડા તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી ચૂકેલા માર્ક કાર્ની હવે અમેરિકા અને ભારત સાથેના સંબંધોને સુધારવાની સાથે કેનેડાની આર્થિક સ્થિરતાને સુનિશ્ર્ચિત કરવા જેવા મોટા પડકારોનો સામનો પણ કરશે.

કેનેડાને અત્યાર સુધી કોઈ બાહ્ય આક્રમણનો ડર નહોતો, પરંતુ હવે ટ્રમ્પની આડોડાઈ ભરેલી ધમકીને લીધે સંરક્ષણ પણ મજબૂત બનાવવું પડશે. હવે કેનેડા અને પોલેન્ડ જેવા દેશોને અણુ સત્તા બનવાના અભરખા જાગ્યા છે. કેનેડા જી-સેવન અને નેટોનું પણ સભ્ય છે.

કાર્નીએ મોટી બહુમતી સાથે લિબરલ પાર્ટીના નેતાપદ માટેની ચૂંટણી જીતી હતી. કાર્નીને 85.9 ટકા હાંસલ કર્યા હતા. એમણે ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન કરીના ગોલ્ડ, અને ભૂતપૂર્વ નાણાપ્રધાન અને નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ લિબરલ સાંસદ ફ્રેન્ક બેલિસને હરાવ્યા હતા. કેનેડામાં વડા પ્રધાન કોણ બનશે એ વિજયી પક્ષના કાર્યકર્તાઓ નક્કી કરે છે. પાર્ટીના 1,51,899 કાર્યકરોએ વડા પ્રધાનની રેસમાં મતદાન કર્યું હતું.

સત્તા સંભાળતાની સાથે કાર્ની માટે સૌથી મોટો પડકાર યુએસ-કેનેડા વચ્ચેનો વેપાર વિવાદ છે. ડોનલ્ડ ટ્રમ્પે કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદ્યા છે આને લીધે બંને દેશોના વેપાર સંબંધોમાં તણાવ ઊભો થયો છે. એટલું જ નહીં, ટ્રમ્પે બીજી એપ્રિલથી તમામ કેનેડિયન ઉત્પાદનો પર વધુ ટેરિફ લાદવાની ચીમકી પણ આપી છે. ટ્રમ્પ તો કહે છે કે કેનેડા અને અમેરિકા વચ્ચેની સરહદ માત્ર એક કાલ્પનિક રેખા છે અને કેનેડાને 51મું યુએસ રાજ્ય બનાવવાનું સૂચન પણ કર્યું હતું,

ટ્રમ્પની આવી ઊંધી ચત્તી નીતિ રીતિને લઈને કેનેડાના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એ લોકો અમેરિકન ઉત્પાદનો ખરીદવાનું ટાળી રહ્યા છે સ્થાનિક વેપારીઓ પણ અમેરિકન ઉત્પાદનનો બહિષ્કાર કરી રહ્યા છે.

કાર્ની અંગત રીતે ટ્રમ્પના વિરોધી છે, પરંતુ નિવેદન આપવાનું ટાળે છે. કેનેડા હવે એફ-35 ફાઈટર પ્લેન ખરીદવાનો અબજો ડૉલરનો સોદો રદ કરવાનું વિચારી રહ્યું છે.

કાર્નીની આર્થિક ક્ષમતાઓ અને એમનો સંતુલિત સ્વભાવ ટ્રમ્પને સાધવામાં મદદ કરશે. કાર્નીની લિબરલ પાર્ટીમાં ટ્રમ્પના વિરોધી છે. એ કહે છે કે ટ્રમ્પની ધમકીઓને કારણે દેશ પહેલેથી જ ખરાબ સ્થિતિમાં છે. ટ્રમ્પના નિવેદન અંગે નવા પીએમએ કહ્યું છે કે કેનેડા ક્યારેય પણ કોઈ પણ સ્વરૂપમાં અમેરિકાનું રાજ્ય નહીં બને.

બીજી તરફ, કાર્ની કેટલા સમય સુધી વડા પ્રધાન રહેશે તે કહી શકાય નહીં. લિબરલ પાર્ટી પાસે સંસદમાં બહુમતી નથી. વડા પ્રધાન બન્યા પછી કાર્નીએ ઓક્ટોબર પહેલા દેશમાં ચૂંટણી યોજવી પડશે. અને ત્યારે એમની મોટી અગ્નિપરીક્ષા થશે. એ પોતે સંસદના સભ્ય પણ ન હોવાથી કદાચ વહેલી ચૂંટણી કરાવી શકે.

દુશ્મન ટ્રુડોનું પતન

કાર્ની ભારત – કેનેડા વચ્ચેના સંબંધોમાં રહેલી ખટાશનો અંત લાવશે. એ ભારત સાથે સારા સંબંધોના હિમાયતી રહ્યા છે. એમણે નાણાકીય નિષ્ણાત રૂપે ભારતમાં મૂડીરોકાણ કરવાની ઈન્વેસ્ટરોને સલાહ આપી હતી એ કહે છે કે હું ભારત સાથે વેપાર સંબંધો ફરીથી સ્થાપિત કરીશ.

પૂર્વ વડા પ્રધાન ટ્રુડોની નીતિને કારણે તાજેતરનાં વર્ષોમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં જે ઓટ જોવા મળી છે એને સુધારવા કાર્નીએ વિશેષ પ્રયાસ કરવા પડશે. કેનેડામાં ભારતીય મૂળના વસાહતીની મોટી સંખ્યા પણ દ્વિપક્ષીય સંબંધને સુધારવા માટે કામમાં આવશે. કેનેડા સમાન વિચારધારા ધરાવતા ભારત સહિત અન્ય દેશો સાથે વેપારી સંબંધોને વધુ દૃઢ બાનાવવા ઈચ્છે છે. બે દેશ વચ્ચે વિવાદના મૂળ કેનેડામાં પેંધી ગયેલા શીખ ઉદ્દામવાદી તત્ત્વો છે. એ સમસ્યા પણ ઉકેલવી પડશે.

કોણ છે આ માર્ક કાર્ની..

16 માર્ચ, 1965માં જન્મેલા માર્ક કાર્ની 2008 થી 2013 સુધી બેંક ઓફ કેનેડા અને 2013થી 2020 સુધી ‘બેંક ઓફ ઈંગ્લેન્ડ’ ના વડા હતા. કેનેડાની 2008ની સૌથી ખરાબ નાણાકીય કટોકટીમાંથી એમણે દેશને બહાર કાઢ્યો હતો. એમણે 2020 માં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત તરીકે ક્લાયમેટ એક્શન અને ફાઇનાન્સમાં સેવા આપી હતી. કાર્નીએ ‘ગોલ્ડમેન સાક્સ’ ના એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું છે. 2003માં ‘બેંક ઓફ કેનેડા’ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત થયા પહેલાં એમણે લંડન, ટોકિયો, ન્યૂયોર્ક અને ટોરોન્ટોમાં 13 વર્ષ કામ કર્યું હતું.

આ પણ વાંચો:પ્રાસંગિક : ટ્રમ્પનું ટેરિફ 2.0- ગ્લોબલ ઇકોનોમી પર થશે કુઠારાઘાત, અમેરિકા માટે પણ…

માર્ક કાર્નીએ 1988માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટની ડિગ્રી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર અને પીએચડીની ડિગ્રી મેળવી છે. ઘણા કેનેડિયનની જેમ એ હાર્વર્ડ માટે બેકઅપ ગોલટેન્ડર તરીકે સેવા આપતી વખતે આઈસ હોકી રમ્યા હતા. એ કેનેડિયન, યુકે અને આઇરિશ નાગરિકતા ધરાવે છે, પણ હવે એ બંને નાગરિકતા છોડીને માત્ર કેનેડિયન નાગરિકતા મેળવવાનું નક્કી કર્યું,પત્ની ડાયના ઈંગ્લેન્ડના મૂળની છે અને એમને ચાર દીકરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button