બસમાં રખડવું એ પણ એક જલસો હતો!

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
આજકાલ બસમાં મુસાફરી કોઈ કરતું નથી. મોટાભાગના પરિવાર માટે કાર જ હાથવગી થવા લાગી છે. ‘કાર’ શબ્દ મૂળે લેટિન ભાષામાંથી આવ્યો. ‘કાર’ શબ્દનો અર્થ થાય છે : સામાન લઇ જવા માટે બે પૈંડાનું વાહન. જો કે કાર સમય જતાં ચાર પૈંડાનું વાહન થઇ ગયું. કંઈક આવું જ જીપ માટે છે. જીપનો મૂળ અર્થ ‘વેહિકલ ફોર જનરલ પર્પઝ’ થતો હોવાથી તે ‘જીપી’ કહેવાતું. આ જીપી ધીમે ધીમે ‘જીપ’ બની ગઈ. બાકી ‘ટ્રક ’એટલે દોડવું, રેલવે વેગનને પણ ટ્રક કહેવામાં આવતી હતી. લેટિન શબ્દ ‘ટ્રેક્ટર ’એટલે ખેંચવું, ટ્રેક્ટરથી ટ્રોલી અને હળને ખેંચવામાં આવતાં.
આ બધા વચ્ચે વાત યાદ આવે છે એસટીની, ‘એસટી’નો અર્થ જાતે શોધો. આ વાહનોના અર્થની ચર્ચા છોડો, આપણે એસટી બસના સુવર્ણ યુગને યાદ કરવો છે.
જે કહો તે પણ એસટી તો એસટી જ હતી. શિયાળામાં ક્યારેય બંધ ન થતી બારીઓ હોય અને બારી બંધ થાય તો તેની નાનકડી તિરાડમાંથી કાતિલ પવન આવતો હોય. ચોમાસામાં વરસાદની મજા કરાવે અને ઉનાળામાં એન્જિનમાંથી આવતી ગરમ હવા સિઝનની વાતોમાં એસટી હંમેશાં સિઝનલ જ રહી છે. બસનું વાતાવરણ પૃથ્વી કરતાં અલગ જ હોય, જયારે તમે બસમાં ચઢો ત્યારે સૌથી પહેલાં એની ખાસ ગંધ અને અવાજ તમારું સ્વાગત કરે છે. બાકી રહ્યું બારી, દરવાજા અને બેઠકોનો ખડખડાટ સાથે ડિઝલની હળવી ગંધ અને એન્જિનનો ગડગડાટ.
હું નાનો હતો, ત્યારે ગામડેથી શહેર જવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની લાલ બોર્ડવાળી બસ પહેલી પસંદ હતી. બસની ખખડતી સીટ, બારીમાંથી આવતો પવન અને રસ્તા પર ઊડતી ધૂળ સાથેની મુસાફરીમાં કંડક્ટરનો અવાજ, ‘ટિકિટ, ટિકિટ!’ અને એની સાથે ટિકિટનો નાનો ટુકડો હાથમાં લેવાની મજા એ કંઈક અલગ જ હતી. એસટી અત્યારે એટલે માટે યાદ આવે છે કે વેકેશનમાં ઢગલાબંધ મુસાફરીઓ કરી છે. આપણે વતનમાં ગયા હોઈશું કે પછી મોસાળમાં જતાં ત્યારે મુસાફરીનું માધ્યમ એસટી હતું. હા, તમે મુંબઈગરાઓએ રેલવેમાં વધારે મુસાફરી કરી હશે, પણ મુસાફરીના અનુભવ તો સરખા જ હોય.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : તુમ્હારી અમૃતા: મરતાં સુધી શીખતાં જ રહેવાનું?
આપણે એવા પણ વડીલો જોયા છે કે બે પૈસા બચાવવા લોકલ બસનું કાળું બોર્ડ શોધતા હોય. ટૂંકા અંતરની એક્સપ્રેસ બસમાં મુસાફરી કરવી એ લકઝરી ગણાતી. એક જમાનામાં સ્કૂલની ટૂર હોય કે લગનની જાન હોય, બધું એસટીની બસમાં જાય. જે પ્રજાતિઓને ઇલેક્શન, રાજનીતિ અને સમાજ જીવનમાં રસ છે, વોટ્સએપ યુનિવર્સિટી પર બેસીને ફોર્વડિયા અભિપ્રાય ઠોકાઠોક કરે છે એમણે સમજવું જોઈએ કે એક અલગ જ ભારત બસોમાં, મુંબઈની ટ્રેનોમાં, બસસ્ટેન્ડ કે છકડાઓમાં વસે છે. એસટી હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય, આ આપણી જીવનશૈલીમાં એક ભાગ છે.
બસસ્ટેન્ડ બહાર ટિપિકલ ભજિયાંની સુગંધ આવતી હોય રેસ્ટોરન્ટ હોય, આવતા જતાં એ સુગંધ પણ ગમતી. બસસ્ટેન્ડ પરના બુકસ્ટોલ પર લટકતાં મેગેઝિનો, છાપાંઓ અને નાની -મોટી ચોપડીઓ સાથે કેટલાક સેક્સનું જ્ઞાન કે અજ્ઞાન આપતાં મેગેઝિન્સ હોય. પ્લેટફોર્મ પર ઠંડા પાણી માટે ટિપિકલ પંપવાળી લારીઓ આજકાલ ગાયબ થઇ ગઈ છે. લારીવાળો ભલે પાણી વેચતો હોય પણ કદી નહાતો હોય એવો લાગે જ નહીં, છતાં બે ત્રણ ગ્લાસ પાણી પીને આપણે ગરમીમાં હાશકારો કર્યો છે. આ પંપવાળાની એક ખાસિયત રહેતી, આખો દિવસ પંપની લારી ગંદા કપડાથી સાફ કરીને ચમકતી કર્યા કરે… કેવા દિવસો હતાં એ?!
બાકી હોય તો શેરડીનો રસ લઇને બૂમો પાડતો ફેરિયો…. એને ગમે તેટલી ગિરદીમાં ખબર હોય કે ગ્લાસ કોની પાસે છે અને કેટલા પૈસા લેવાના બાકી છે. બસમાં આવતા સેલ્સમેનની ક્વોલિટી શીખવા જેવી હતી. એમની પાસે સેલ્સની અદભુત ક્ષમતા હતી, મુસાફરોના મૂડ અને જરૂરિયાતોને ઝડપથી ઓળખવાની આવડત સાથે એ એક નજરમાં જાણી લેતાં કે કયો મુસાફર ખરીદી કરવામાં રસ લઈ શકે છે અને કોણ અવગણશે. પ્લાસ્ટિકના મશીનવાળો જ્યૂસ કાઢવાનો ડેમો આપે અને ગ્લાસ ભરીને જ્યૂસ કાઢે. આ જ મશીન ઘરે લઇ જાવ તો અડધો ગ્લાસ પણ નીકળતો નહીં, આમ છતાં છેતરાવાનો આનંદ થતો. વળી કોઈ પેન વેચવા આવે અને એમાં પેન સાથે પેન્સિલ મફત આપે. બાળકો સાથેના પરિવાર પાસે રમકડાં કે નાસ્તો વેચવાનો પ્રયાસ કરે, ના પાડવા છતાં ચહેરા પર કોઈ જાતનો ઉચાટ જોવા મળતો નહીં. ‘ના’ શબ્દ બસના ફેરિયાઓના કોઠે પડી ગયો હોય છે.
આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : વિશ્વને મહાન સૂત્રો આપવા છતાં સુખની ગણતરીમાં ભારત પાછળ કેમ?
એસટી ડેપોના એનાઉન્સર અડધા જ વાક્ય બોલતાં. ‘અમદાવાદ જતી 6845નો કંડકટર બસ રવાના કરે આઠ નંબરના પ્લેટફોર્મ પરથી ગોધરા ઊપડવાની તૈયારી… બેન, જોરથી બોલો, ના તમારી કલાકની વાર છે… તળાજા કેન્સલ છે…. વાયા ઉપલેટા થઈને.’ આ બધું સાંભળવાની એક મજા હતી… દરેક વાતને ટૂંકમાં કહેવી એ એસટીના એનાઉન્સરની ટિપિકલ ખાસિયત હતી. સમય પર બસ ના આવી હોય કે કોઈ વિવાદ થાય એટલે ટોળું એનાઉન્સરની ઓફિસ પર જાય, માઇક ચાલુ હોય અને હો હા હલ્લો થતો હોય. એક તો એમના પાવરમાં કશું ન હોય છતાં બધું ઠેકાણે પાડવાનું…
હા, આપણા સહુને બસની મુસાફરી આજીવન યાદ હશે. જાતજાતના હૈયાનાં તોફાનો વચ્ચે ક્યાંક અખિયા મિલાકે થયું હોય. બસમાં પ્રેમમાં પડતાં અને પ્રેમ તૂટતા જોવાનો અલગ જલસો હતો. વળી, મોકો મળે તો ગમતા પાત્રને પૂછી લેવાનું, લેટર આપતા અને જાણીને નીચે નેપકીન ફેકતા પંખીડા જોવામાં ઇર્ષા થતી, પણ થાય શું? ગિરદીમાં બારીમાંથી ઘૂસીને કોણ કોની માટે સીટ રાખે છે એ પર ઘણાની વક્ર નજરો રહેતી. એ જમાનામાં સોશિયલ મીડિયા ક્યાં હતું? આપણી એસટી બસ સોશિયલ મીડિયાનો પ્રકાર જ હતો. એસટી ડેપો પર કલાકો ઉભા રહીને સેટ થનારાઓનો ખાસ વર્ગ હતો, જે બસસ્ટેન્ડ પર ઊભા હશે એમને ખબર કે એ ગંદકીમાં પણ પ્રેમની ભીની ભીની ખુશ્બુઓ કેવી લાગતી હતી… બે નંબરના પ્લેટફોર્મ પર ઊભેલો સાત નંબર પર સેટ થતો હોય… વો ભી ક્યા જમાના થા…યાર !
ધ એન્ડ :
બસમાં ત્રણ પ્રકારના પેસેન્જર હોય… કંડકટર, સેમી કંડકટર અને ઇન્સ્યુલેટર જેવા. ખાલી બસ હોવા છતાં સેમી કંડકટર પ્રજાતિ દરવાજા પર જ ઊભી રહે!