અજબ ગજબની દુનિયા: પર્વત પર પૈસા ઊગે? હા, આમ ઊગે!

-હેન્રી શાસ્ત્રી
વિજ્ઞાન કહે છે કે ઊંચાઈ પર હવા પાતળી હોવાથી શ્વાચ્છોશ્વાસમાં તકલીફ પડે, નસીબ કહે છે કે ઊંચાઈ પર જવાથી આર્થિક તકલીફ દૂર થઈ જાય છે. શબ્દોનો ખેલ લાગે એવી આ વાત ચેકસ્લોવાકિયામાંથી છુટા પડેલા ચેક રિપબ્લિક (બીજો સ્લોવાકિયા)ના બે પર્વતારોહકના જીવનમાં હકીકત બની છે. ફિલ્મ ‘પાકિઝા’ના સદાબહાર ગીતની જેમ ‘ચલતે ચલતે યૂંહી કોઈ ખઝાના મિલ ગયા’ જેવો અનુભવ એમને થયો છે. મળી આવેલા ગુપ્ત ધનમાં સોનાના 598 સિક્કા, ઘરેણાં અને તમાકુની પોટલીઓનો સમાવેશ છે. ઈમાનદાર નાગરિક તરીકે બંને પર્વતારોહકે ગુપ્તધન પુરાતત્ત્વ વિભાગને સોંપી દીધું અને અધિકારીઓની જાંચમાં ફ્રાન્સ, બેલ્જિયમ અને ઓસ્ટ્રિયા- હંગેરીના આ સિક્કા 19મી સદીના હોવાનું જાણવા મળ્યું છે.
બે કરોડ 87 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતો આ ખજાનો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રશિયાના આક્રમણ સામે પીછેહઠ કરી રહેલા હિટલરના નાઝી સૈનિકોએ છુપાવી રાખ્યો હોવાનું એક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. કોઈ એન્ટિક શોપમાં લૂંટ ચલાવી કિંમતી માલસામાન અહીં દાટવામાં આવ્યો હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે ચેક રિપબ્લિકના કાયદા અનુસાર મળી આવેલા ગુપ્ત ધનની કિંમતની 10 ટકા રકમ બંને પર્વતારોહકને આપવામાં આવશે.
ચંદ્રમા સાથે માછલીનું કનેક્શન
વિજ્ઞાન ચંદ્રને એક ઉપગ્રહ જ માને છે, જયારે મનુષ્ય માટે તો એ રોમેન્સનું પ્રતીક છે. પૂનમનો ચંદ્રમા ખીલ્યો હોય ત્યારે કંઈ કેટલાય હૈયાં ફૂલોથી લહેરાતા બગીચા જેવું મહેસૂસ કરી ‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રેહના જાએ તેરી મેરી બાત આધી’ મુલાકાત આધી ગણગણવા લાગે છે. અંગ્રેજીમાં પૂનમ Full Moon અને અમાસ No Moon તરીકે ઓળખાય છે. ઑગસ્ટમાં આવતી પૂનમ “Sturgeon Moon’ તરીકે ઓળખાય છે. આવી ઓળખ એટલે છે કે ઉત્તર અમેરિકાનાં તળાવો અને નદીઓમાંSturgeon નામની માછલી એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતી હતી. 13 કરોડ વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવતી આ માછલીનું આયુષ્ય બળવાન હોય છે અને એમાંય ખાસ કરીને માદાને જન્મતાની સાથે જ ‘આયુષ્યમાન ભવ:’નું વરદાન મળ્યું હોય એવું લાગે છે. આ જાતિની નર માછલી 55 વર્ષ સુધી જીવે છે, જ્યારે માદા લગભગ ત્રણ ગણું આયખું ભોગવી 150 વર્ષ સુધી જીવી હોય એવા દાખલા છે. લાંબા આયુષ્ય સાથે લાંબા કદના પણ આશિષ મળ્યા હોય એમ સૌથી મોટી માછલી છ ફૂટ લાંબી હોય છે અને એનું વજન 90 કિલોની આસપાસ હોય છે.. જાણવા જેવી વાત એ છે કે આ માછલી સરોવર અને નદીમાં જોવા મળે છે, પણ સમુદ્રમાં નથી હોતી!
આ પણ વાંચો….અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ
યે પુલીસ સ્ટેશન હૈ, તુમ્હારા બ્યુટી પાર્લર નહીં..!
ફરજમાં ફજેતી ન થાય એની સભાનતા દરેક જવાબદાર કર્મચારીમાં હોવી જરૂરી છે. એમાંય જ્યારે પોલીસનો યુનિફોર્મ પરિધાન કર્યો હોય ત્યારે ગાફેલ રહેવું જરાય ન પાલવે. આ એક એવી જવાબદારી છે જેમાં વ્યાવસાયિક અને અંગત સતર્કતા અહર્નિશ જાળવી રાખવાના હોય છે. અંગત શોખ, આદત વિસારે પાડવાના હોય છે.
બિહારના ચંપારણ જિલ્લાના બગહા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયાંશી યાદવને પોતાના કામ અને યુનિફોર્મ માટે કેટલો લગાવ હતો એ તો પ્રભુ જાણે, પણ લેડી કોન્સ્ટેબલને દેખાવડી હોવાનો ઘમંડ હતો. ડ્યૂટી પર હોય ત્યારે મેડમ મેકઅપ કરી ગણવેશમાં રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં હતાં. એટલું જ નહીં, અપલોડ કરેલા રીલ માટેના અકાઉન્ટનું નામ ‘પપી પ્રિયા’ જેવું આકર્ષક રાખ્યું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસ યુનિફોર્મમાં વાયરલ થયેલા એક રીલમાં પ્રિયાંશી યુનિફોર્મમાં નજરે પડે છે અને બેકગ્રાઉન્ડમાં અવાજો આવે છે કે ‘ઈતની સુંદર હૂં મૈં ક્યા કરું, ભજન કર લે, ભજન કર લે.’ સાથે અંગ્રેજીમાં લખાણ છે કે ‘હું કેવળ ખૂબસૂરત નથી, મારા યુનિફોર્મ માટે પણ મને આદર છે.’ બીજા પણ રોમેન્ટિક રીલ બનાવી પ્રિયાંશીએ અપલોડ કર્યા છે.
અગાઉ પણ આવી હરકત કરનારી પ્રિયાંશીને ત્યારે ચેતવણી આપવામાં આવી હતી. જોકે, દોઢ લાખ ફોલોઅર્સ સાથે યુટ્યુબ ચેનલ ધરાવતી પ્રિયાંશીનો મામલો વાયરલ થઈ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી પહોંચ્યો અને ગણવેશની ગરિમા ન જાળવવા બદલ તેને તાબડતોબ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો….અજબ ગજબની દુનિયા : મૂછેં હો તો સરકાર ચાહે ઐસી હો, વરના ના હો…
પેહલા મૈં પેહલા મૈં!
મન હોય તો માળવે જવાય એ જુગ જુગ જૂની કહેવતને ઉત્તર પ્રદેશના બાળકે એકવીસમી સદીના ત્રીજા દાયકામાં યથાર્થ ઠેરવી છે. ‘પેહલે આપ પેહલે આપ’ ના શિષ્ટાચાર માટે જાણીતા લખનઊ શહેરથી પચાસેક કિલોમીટર દૂર આવેલા નિઝામપુર ગામના 16 વર્ષના રામકેવલે ‘પેહલા મૈં, પેહલા મૈં’ જેવી કમાલ દેખાડી ઈતિહાસ રચ્યો છે.
ગણીને માંડ 40 ખોરડાં અને 200 લોકોની વસતિ ધરાવતા આ ગામનો એકેય વિદ્યાર્થી આઝાદી મળ્યા પછી મેટ્રિકની પરીક્ષા પાસ નહોતો કરી શક્યો. મહત્તમ સફળતા આઠમું પાસની હતી. ગણ્યાગાંઠ્યા નવમું પાસ કરી શક્યા હતા, પણ મજૂર બાપ અને શાળામાં રસોઈનું કામ કરતી માના દીકરાએ મેટ્રિક પાસ કરીશ જ એવી મનમાં ગાંઠ વાળી હતી. શિક્ષકોના સહકારથી રામકેવલ 600માંથી 322 માર્ક લાવી યુપી બોર્ડ એક્ઝામમાં ઉત્તીર્ણ થનાર ગામનો પહેલો વિદ્યાર્થી સાબિત થયો છે. એથી વધુ હરખ આપનારી વાત એ છે કે ગામના વધુ વિદ્યાર્થીઓ મેટ્રિક પાસ થાય એવા અભરખા રામકેવલને છે.
નવમા ધોરણમાં અને પાંચમા ધોરણમાં ભણતા એના બે ભાઈ પણ હવે મોટાભાઈની મોટી સિદ્ધિ જોઈ મેટ્રિક પાસના સપનાં જોવા લાગ્યા છે. રામકેવલ ખુદ કહે છે કે ‘મારા ભાઈઓ ઉપરાંત અભ્યાસ કરતા ગામના અન્ય વિદ્યાર્થીઓ મેટ્રિક પાસ કરે અને ઉચ્ચ અભ્યાસમાં આગળ વધે એ દિશામાં હું બનતા પ્રયત્નો કરીશ, લખી રાખજો.’ ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો’નો ભાવાર્થ આ જ રીતે સાકાર થાય છે.
આ પણ વાંચો….અજબ ગજબની દુનિયા
લ્યો કરો વાત!
આફતમાં અવસરનું અદ્ભુત ઉદાહરણ દક્ષિણ અમેરિકાના બોલિવિયા દેશમાં જોવા મળ્યું છે. ત્રિનિદાદ જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તાકીદનું ઉતરાણ એક જળાશયમાં કરવું પડ્યું. નાનકડા વિમાનમાં ત્રણ સન્નારી, એક બાળક અને 29 વર્ષનો પાઈલટ મળી કુલ પાંચ જણ હતાં. પાંચેય વિમાનના ઉપલા હિસ્સામાં સલામત ગોઠવાઈ ગયા, પણ અચાનક નજર નાખી તો પાણીમાં મગર વર્ગના પાંચ ઘડિયાલ(એલિગેટર) અને એક વિશાળકાય એનાકોન્ડા અજગર દેખાયા. મનુષ્ય ભક્ષણમાં માહેર આ પ્રાણીઓ જોઈ મોત આવે એ પહેલા બધાના મોતિયા મરી ગયા, પણ.. પણ વિમાનમાંથી કેરોસીનનું ગળતર થઈ એ પાણીમાં ભળી જવાને કારણે આ માનવભક્ષી પ્રાણી વિમાનથી દૂર રહ્યા એવો ખુલાસો ખુદ પાઈલટે કર્યો છે. ગળતરે ગળી જવાથી બધાને બચાવી લીધા.