ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

દાટ વાળતી દિમાગી દોડ
વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન એવી પ્રાથમિક સમજથી આપણું મન કેળવાતું આવ્યું છે. કાળક્રમે વિજ્ઞાનના વ્યાપનું ગજબનાક વિસ્તરણ થયું છે. ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ની શૈલીમાં જ્યાં ન પહોંચે જ્ઞાન ત્યાં પહોંચે વિજ્ઞાન જેવું જોવા મળ્યું. મનુષ્ય જીવનમાં વિજ્ઞાનનો આવિષ્કાર આશીર્વાદ સાબિત થયો છે તો એણે આફતને પણ નોતરું આપ્યું છે. વિજ્ઞાને જ માણસને અનોખું વિચારવાની આદત પાડી છે. અલબત્ત, આ દિમાગી દોડ ક્યારેક દાટ પણ વાળી દે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિજ્ઞાનની પરીક્ષામાં પૂછાયેલા સવાલનો જવાબ વાંચી અનેક લોકો હસી હસીને બેવડ વળી ગયા છે તો એવા પણ લોકો છે જેમણે કપાળ કૂટી ‘યે ક્યા હો રહા હૈ?’ની મોટેથી બૂમ પણ પાડી છે. ‘કાર્બન ડાઈ – ઓકસાઈડ શું છે?What is CARBON – DIOXIDE?એ સવાલના જવાબમાં એક ભેજાબાજ (કે ભેજાગેપ?) વિદ્યાર્થીએ લખ્યું છે કે A Person Born in Car and Die out side is called Car – BonDie – Oxide -અક્કલ મંદ વિદ્યાર્થીએ કાર્બન શબ્દને મચડી કાર બોર્ન (કારમાં જન્મેલો) અને ડાઈ- ઓક્સાઈડની વાટ લગાડી ડાય આઉટ સાઈડ (બહાર ગુજરી ગયો) કરી નાખ્યું. અક્કલે એવી અવળચંડાઈ કરી કે વિજ્ઞાનનું વર્તુળ તિકડમનો ત્રિકોણ બની ગયું.

અંધારામાં ટમટમતો દીવડો
બિહારનો ચંપારણ જિલ્લો ગાંધીજીના પ્રથમ સત્યાગ્રહ આંદોલન તેમજ વલ્લભ સંપ્રદાયના સ્થાપક જગદગુરૂ મહાપ્રભુ વલ્લભાચાર્યના જન્મસ્થાન માટે જાણીતો હોવા ઉપરાંત થારુ જાતિના લોકો માટે સુધ્ધાં પ્રખ્યાત છે. બિહારની બદનામીના કારણોમાં દહેજનું દૂષણ અગ્રક્રમે છે. એકવીસમી સદીમાં પણ પરણેતર જો મોટો દાયજો લઈને ન આવે તો માનસિક અને શારીરિક અત્યાચારનો ભોગ બનવાના દાખલા બને છે. જોકે, થારુ સમાજમાં સમરસતા અને પરંપરા પ્રત્યેના આદરભાવને કારણે દહેજના દૂષણને નકારવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ દહેજ લેવા કે દેવાની કોશિશ કરે તો સમાજ જ એનો બહિષ્કાર કરે છે. આવા વાતાવરણમાં દહેજની પ્રથા કરમાઈ રહી છે અને મહિલા સુરક્ષા અને સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળે છે. બિહાર આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત રાજ્ય ગણાય છે, પણ ચંપારણ જેવો જિલ્લો અંધારમાં ટમટમતા દીવડા જેવો છે જે જ્યોત સે જ્યોત જગાતે ચલો, અજ્ઞાન કો ભગાતે ચલોના ભાવાર્થને ઉજાગર કરે છે.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા

સાત પૂંછડિયાની સિક્સર
ઓળખ બડી અજાયબ ચીજ છે. ઉંદર બોલો તો ક્રોધ ચડે અને હાથમાં પાણો લઈ પતાવી દેવાનું મન થાય, પણ જો મૂષક સાંભળો તો ગણેશજીના વાહન તરીકે છબી મનમાં અંકિત થઈ જાય અને બે હથેળી જોડાઈ ભક્તિભાવ જાગે. જોકે, અનેક વર્ષ આંતરિક યુદ્ધની સમસ્યામાં અટવાયેલા સાઉથ અમેરિકન દેશ કોલંબિયામાં ઉંદરનું ઉચ્ચારણ અહોભાવ પ્રગટ કરે છે, લોકો હાથની હથેળીથી એને સલામ કરે છે. ‘રોનિન’ તરીકે પંકાયેલા કોલંબિયન ઉંદરે (ઉંદરને નાગરિકતા? હસવાની છૂટ છે) એક એવી સેવા આપી છે, જેને કારણે અસંખ્ય કોલંબિયાના નાગરિકોના જીવ ઉગરી ગયા છે. ગણેશજીની આરતીમાં ગાઈએ છીએ ને ‘સુખકર્તા દુ:ખહર્તા વાર્તા વિઘ્નાચી’, દક્ષિણ અમેરિકાના દેશમાં આ ગુણ ઉંદરમાં જોવા મળે છે.

છેલ્લા ચાર વર્ષમાં રોનિન ઉંદરે જમીન નીચે બિછાવેલી 109 સુરંગ અને 15 દારૂગોળા સૂંઘી સૂંઘી શોધી કાઢ્યા છે. જો એ ફાટ્યા હોત તો હજારો લોકો મોતને ભેટ્યા હોત એટલે હવે વાર્તાનો સાત પૂંછડિયો ઉંદર દેખાય ત્યારે એનો ખાત્મો બોલાવી દેવાનો વિચાર આવે તો રોનિનને યાદ કરજો, કદાચ તમારા ઉગામેલા હાથ અટકી જાય. કુશાગ્ર બુદ્ધિ અને બેમિસાલ ઘ્રાણેંદ્રિય ધરાવતા રોનિન પહેલાં ‘મગાવા’ નામના ઉંદરે પાંચ વર્ષમાં 71 સુરંગ અને 38 દારૂગોળા પકડી પાડી અનેક લોકોને સંભવિત મૃત્યુથી બચાવી લીધા હતા. 2021માં નિવૃત્ત થયેલા મગાવાને બહાદુરીનો મેડલ એનાયત થયો હતો.

કચરો વાળે કમાણી કરાવે
વણખેડાયેલા સ્વર્ગ તરીકે ઈશાન ભારતના ‘સેવન સિસ્ટર્સ સ્ટેટ’ ઓળખાય છે. આ સાત રાજ્યના સમૂહમાં આસામ પણ છે. ચાના બગીચા, રેશમ અને એક શીંગવાળા ગેંડા માટે જાણીતા આસામ રાજ્યનો કાર્બી ઓન્ગલોન્ગ જિલ્લો શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતા ઓર્ગેનિક આદુની ખેતી માટે પણ પ્રખ્યાત છે. એટલું જ નહીં, આસામના વેપારીઓનો દાવો છે કે આ જિલ્લામાં તૈયાર કરવામાં આવતા ઝાડુ ભારતના ઘરઘરના ખૂણેખૂણેથી કચરો સાફ કરવાનું નેક કામ કરે છે. વાત એમ છે કે ઝાડુ બનાવવા માટે ખાસ વપરાતું ‘બ્રુમગ્રાસ’ તરીકે ઓળખાતું ઘાસ ઓન્ગલોન્ગ જિલ્લામાં બહોળા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ ઝાડુ આ જિલ્લામાં તૈયાર થાય છે.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા

ફેબ્રુઆરી અને માર્ચ ઘાસની ફસલના મહિના ગણાય છે. આસામના અનેક પરિવારો આ ઘાસ ઉગાડીને રોજીરોટી મેળવે છે. જાણવા જેવી વાત એ છે કે આ ઘાસની ખેતીમાં કોઈ કડાકૂટ નથી હોતી અને ખડકાળ જમીન પર પણ એ ઊગી શકે છે. ઘાસ ઊગી ગયા પછી પડોશમાં આવેલા મેઘાલય રાજ્યના વેપારીઓ આવી ઝાડુ લઈ જઈ દેશભરમાં એનું વિતરણ કરે છે. 90 ટકા ઝાડુનું વેચાણ માર્ચ અને એપ્રિલમાં થઇ જાય છે. બાકી રહેલા હિસ્સાનો ઉપયોગ સ્થાનિક લોકો ઢોરના ચારા તરીકે કરે છે.

લ્યો કરો વાત!
પ્રભુને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવી અંગત લાભ મેળવવો એ મનુષ્ય સ્વભાવ સદીઓથી જોવા મળ્યો છે અને હવે પછી પણ જોવા મળશે. એવા જ એક ભક્તની પ્રાર્થના સાંભળી ભગવાન પ્રસન્ન થયા છે અને ભક્તને કહે છે, ‘માગ જે માગવું હોય એ’ રાજી રાજી થઇ ગયેલો ભક્ત કહે છે: હે ભગવાન, તમારા માટે કરોડો વર્ષ એટલે એક સેક્ધડ ને? સસ્મિત વદને પ્રભુએ હા પાડી. પછી ભક્તે કહ્યું: તમારે માટે કરોડો રૂપિયા એક પૈસાની બરોબર ને? ફરી સસ્મિત વદને પ્રભુએ હા પાડી. ખુશખુશાલ થઈ ગયેલા ભક્તે કહ્યું: મને ઝાઝું નથી જોઈતું, બસ એક પૈસો આપો ને. પ્રભુએ કહ્યું: હા, એક સેક્ધડમાં આપું!..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button