આ તો સ્કેમ છેઃ નેતાજીની ટહેલ પર ગૃહિણીઓ સોનાના ઘરેણાં આપી દેતી હતી

પ્રફુલ શાહ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બૉઝ જેટલું ઘટનાસભર જીવન અને મૃત્યુ ભાગ્યે જ કોઈનું હશે. એમના મૃત્યુ, એના સ્થળ, સમય અને સંજોગો વિશે આજ સુધી કોઈ છાતી ઠોકીને કંઈ કહી શકે એમ નથી. એવું જ હજી વણ ઉકેલાયું રહસ્ય છે નેતાજીની ઈન્ડિયન નેશનલ આર્મીના ખજાનાનું. હકીકતમાં આ ખજાનો આઈ.એન.એ. કરતા અખંડ ભારતના પ્રજાજનોનો હતો અને છે. એ સૌએ દેશની આઝાદી માટેની સશસ્ત્ર લડાઈની નેતાજીની નીતિનું સમર્થન કરીને પોતાની બચત અને સોનાના ઘરેણાં દાનમાં આપ્યા હતા. નેતાજીના કસમયના અને આકસ્મિક મૃત્યુ કે અદ્રશ્ય થયા બાદ એ કરોડોના ખજાનાનું શું થયું? ક્યાં ગયો? કોણે પચાવી પાડ્યો? આ બધા સવાલો આજેય અનુત્તર છે.
નેતાજી પરની ડિકલાસિફાઈડ ફાઈલ મોડે મોડે તબક્કાવાર બહાર આવી ત્યારે એમાંથી ઘણા આંચકા – આઘાત બહાર આવ્યા હતા. 1947થી લઈને 1968 સુધી નહેરુ સરકાર બૉઝના કુટુંબીજનો પર ચાંપતી નજર રખાવતી હતી? શા માટે? આ ઘટસ્ફોટ બાદ 2015ના 13મી એપ્રિલે નેતાજીના ભત્રીજાના દીકરા સૂર્યકુમાર બૉઝે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને માગણી કરી હતી કે હજી સરકાર પાસે નેતાજી અંગેની 150 ગુપ્ત ફાઈલ છે એ સત્વરે જાહેર કરી દેવી જોઈએ. મોદીએ સાંત્વન આપ્યું હતું કે ફાઈલ જાહેર કરવાની પરિવારની કે પ્રજાની માગણી નથી, દેશની ફરજ છે. આ વચન મુજબ ફાઈલ બહાર આવી અને દેશને ઘણું નવું જાણવા મળ્યું હતું. આમાં ખજાનાનો ઉલ્લેખ પણ આવ્યો જે આંચકાજનક હતો.
નેતાજી કે આઈ.એન.એ.ના ખજાનામાં ખરેખર શું હતું? આઝાદી માટે સશસ્ત્ર લડાઈની આહલેક કરી ત્યારે એને ગઈ સદીનો સૌથી વધુ – મોટો પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો થાય છે. એ સમયમાં રૂપિયા એકાદ કરોડનો ફાળો મળ્યો હતો. આમાં મુખ્યત્વે પાઉન્ડ (બ્રિટિશ ચલણ), ગીની અને સોનાની ચીજ-વસ્તુ-અલંકાર હતા. ઈન્ડિયન નેશનલ આર્મીને મળેલી આ ભેટ-ભંડોળનો અમુક હિસ્સો નેતાજી પોતાની સાથે જીવનની છેલ્લી વિમાન મુસાફરીમાં બૅંગકોકથી સાઈગોન લઈ ગયા હતા. એવું મનાય છે કે આ ખજાનાનો અમુક હિસ્સો આજેય સાઈગોનમાં જમા થયેલો પડ્યો છે. નેતાજી સોનું ભરેલી માત્ર બે લેધરની બેગ લઈને ગયા હતા. આ ખજાનાનો એક ભાગ 1952માં જાપાનથી ચાર પેકેટમાં ભરીને ભારતમાં લવાયો હતો. એ સમયે ખજાનાનું મૂલ્ય રૂ. 90,000 મૂકાયું હતું. પણ શું હતું એ ચાર પેકેટમાં. સોનું, પૂરા 11 કિલોગ્રામ. એ 11કિલો સોનું આજના ભાવે કેટલા રૂપિયાનું થાય? આ ખજાનો સિલ કરીને દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં મુકાયો હતો. એનું છેલ્લું નિરીક્ષણ 1978માં કરાયું હતું.
આ ચાર પેકેટ એટલે કે બંડલની વધુ વિગતો બહાર આવી હતી. પહેલા બંડલમાં સોનાની વીંટી, તૂટેલી બંગડી, પિન, નેકલેસ અને બુટિયા હતા, પણ વળી ગયેલી હાલતમાં. બીજા બંડલમાં વિમાનના બળી ગયેલા કાટમાળમાં પોલાદ અને ભંગારમાં ભળી ગયેલું અને કાળું પડી ગયેલું સોનું હતું. ત્રીજા બંડલમાં ધાતુ અને ધૂળ હતા અને ચોથામાં 300 ગ્રામ સોનું.
આ પણ વાંચો…આ તો સ્કેમ છે…: કાશ, રિચાર્ડ નિક્સનને ગુસ્સો ન આવ્યો હોત તો…
આ અને અન્ય બધું કેવી રીતે આવ્યું? સાઉથ કે હોલિવૂડની ફિલ્મને ય શરમાવે એવા ભવ્યાતિભાવ દૃશ્યની કલ્પના કરી જુઓ. 1945ની 29મી જાન્યુઆરીએ બર્માના પાટનગર રંગુનમાં એક અઠવાડિયા સુધી ભવ્ય ઉજવણી ચાલી હતી. શેની અને કેવી ઉજવણી? આઝાદ હિન્દની કામચલાઉ સરકારના વડા નેતાજી સુભાષચંદ્ર બૉઝના 48મા જન્મદિનની ઉજવણી. પણ આ બર્થ-ડે સેલિબ્રેશન એકદમ હટકે હતું, ભવ્ય હતું.
નેતાજીની ઈચ્છા વિરુદ્ધ એમની સુવર્ણ તુલા કરાઈ હતી. એ સાપ્તાહિક ઉજવણીમાં 80 કિલો સોના સહિત કુલ રૂા. બે કરોડનું ડોનેશન મળ્યું હતું. હકીકતમાં આઈ.એન.એ. માટે આવી ભંડોળ ઝુંબેશ નવાઈની બાબત નહોતી. હકીકતમાં નેતાજીની અદમ્ય ઈચછા હતી કે એમની ગવર્મેન્ટ ઈન એક્ઝાઈલ (દેશ બહારની નિર્વાસીત કે હિજરતી સરકાર)ના સૈનિકો માટે જાપાન સરકાર પર વધુ અવલંબન રાખવું ન પડે.
અને નેતાજીની દેશની આઝાદી માટેની અડગ લડાઈ, અદ્ભુત વકતૃત્વ અને ચુંબકીય વ્યક્તિના ફળ સ્વરૂપે એમની એક હાકલ પર સામાન્ય ગૃહિણીઓ સોનાની વીંટી, બુટિયા કે હાર આપી દેતા અચકાતી નહોતી.
આવી એક મીટિંગ 1944ની 21મી ઑગસ્ટે રંગુનમાં યોજાઈ હતી. એ બેઠકના સ્થાનિક અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ હિરાબેન બેટાણી (અટક લખવામાં વિદેશી અખબારમાં ભૂલચૂક થઈ હોઈ શકે) એ સોનાના તેર હાર આપી દીધા હતા, જેની કિંમત એ સમયે દોઢેક લાખ જેટલી હતી. હબીબ સાહિબ નામના ધનપતિએ પોતાની પૂરી મિલકત – એકાદ કરોડ રૂપિયા જેટલી નેતાજીનાં ફંડમાં દાન કરી દીધી હતી. રંગુનના એક વેપારીએ આઝાદ હિંદ બૅંકમાં રૂા. 42 કરોડ અને સોનાના 2800 સિક્કા ડિપોઝિટ કરાવ્યા હતા.
આવું ભારતના કે અન્ય કોઈ દેશના સ્વાતંત્ર્ય વીર કે નેતા કરી શકયા નહોતા. વીસમી સદીમાં યુદ્ધ માટે સૌથી મોટું ભંડોળ મેળવનાર નેતાજી સુભાષચંદ્ર બૉઝ એક માત્ર નેતા કે સ્વાતંત્ર્ય સૈનિક હતા. પછી શું થયું એ ખજાનાનું? વધુ રસપ્રદ વિગતો આવી રહી છે.
(ક્રમશ:)