મગજ મંથન : વાલીનું માર્ગદર્શન + વિદ્યાર્થીની મહેનત = શિક્ષણની શ્રેષ્ઠ સિદ્ધિ…

- વિઠ્ઠલ વઘાસિયા પ્રારંભ :
સમાજના વિકાસમાં શિક્ષણનું મહત્ત્વ સર્વોપરી છે. શિક્ષણ દ્વારા વ્યક્તિમાં જ્ઞાન, સંસ્કાર, માનવતા અને જીવન મૂલ્યો વિકસે છે, પરંતુ શિક્ષણની પ્રક્રિયા માત્ર શાળા-કોલેજ સુધી સીમિત નથી. તેના માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની સક્રિય ભૂમિકા પણ એટલી જ જરૂરી છે. વાલી અને વિદ્યાર્થી વચ્ચેની સમજણ, વિશ્વાસ અને સહકાર જ બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે.
વાલીનું સ્થાન:
બાળકનું પ્રથમ શાળા તેનું ઘર છે અને પ્રથમ ગુરુ એના માતા-પિતા છે. વાલી પોતાના વર્તન, મૂલ્યો અને સંસ્કાર દ્વારા બાળકના સ્વભાવને આકાર આપે છે.
વાલીએ બાળકના રસ અને ક્ષમતા સમજવી જોઈએ. દરેક બાળક એકસરખો નથી, કોઈમાં સંગીતની કળા હોય છે, કોઈમાં રમતગમતની, કોઈમાં અભ્યાસની, તો કોઈમાં સર્જનાત્મકતાની.
માત્ર વધુ માર્ક્સ ગુણ મેળવવા માટે દબાણ કરવું ખોટું છે. દબાણ બાળકને ભયભીત બનાવે છે, જ્યારે પ્રોત્સાહન તેને આત્મવિશ્વાસ આપે છે.
આજના સમયમાં સૌથી અગત્યનું છે બાળકોને સમય આપવો. ઘણી વાર વાલી વ્યસ્તતાના કારણે બાળકોની વાતો સાંભળતા નથી, જ્યારે બાળકને પૈસાથી વધારે વાલીના સાથની જરૂર હોય છે.
વાલીએ ટેકનોલોજીના યુગમાં માર્ગદર્શક બનવું જોઈએ. મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયા આ બધું ખોટી દિશામાં ન જાય તે માટે નિયંત્રણ અને સમજણ આપવી જરૂરી છે.
વિદ્યાર્થીનું સ્થાન:
વિદ્યાર્થી એ દેશના ભવિષ્યનો આધાર છે. આજનો વિદ્યાર્થી જ આવતીકાલનો ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક કે નેતા બને છે. વિદ્યાર્થીએ જીવનમાં લક્ષ્ય નક્કી કરવું જોઈએ. લક્ષ્ય વિનાનું જીવન વહાણ વગરની નૌકા સમાન છે.
અભ્યાસ સાથે સમયનું યોગ્ય સંચાલન આવશ્યક છે. મોબાઈલ કે મનોરંજનમાં સમય ન બગાડતા તેમાંથી શિક્ષણપ્રદ વસ્તુઓ શીખવી જોઈએ.નિયમિતતા, શિસ્ત અને મહેનત જ સફળતાની ચાવી છે. ‘નિયમિત મહેનત કરનાર ક્યારેય નિષ્ફળ થતો નથી’ આ વાક્ય વિદ્યાર્થી માટે માર્ગદર્શક છે.
વિદ્યાર્થીએ સકારાત્મક દૃષ્ટિકોણ રાખવો જોઈએ. નિષ્ફળતા આવે તો તેને અંત સમજીને નિરાશ ન થવું, પરંતુ તેમાંથી શીખીને આગળ વધવું.
માત્ર ડિગ્રી કે જ્ઞાન પૂરતું નથી, પરંતુ સંસ્કાર, સત્ય, કરુણા અને માનવતા પણ એટલા જ અગત્યના છે.
વાલી – વિદ્યાર્થીનો પરસ્પર સંબંધ:
વાલી અને વિદ્યાર્થીનો સંબંધ વિશ્વાસ અને સમજણ પર આધારિત છે. વાલીએ બાળકને સાંભળવું જોઈએ અને બાળકને પોતાની વાત નિરાંતે કહી શકાય એવું વાતાવરણ આપવું જોઈએ.
તુલના ટાળવી જોઈએ :
‘પડોશીનો દીકરો વધુ બુદ્ધિશાળી છે’ આવા શબ્દો બાળકના આત્મવિશ્વાસને નષ્ટ કરે છે.
વિદ્યાર્થીએ પણ વાલીનો આદર કરવો જોઈએ, કારણ કે વાલી બાળકના સુખ અને ભવિષ્ય માટે અનેક બલિદાન આપે છે.
જો વાલી અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ, વિશ્વાસ અને પરસ્પર સહકાર હોય તો બાળક જીવનમાં ઊંચાઈઓ સર કરી શકે છે.
આજના સમયમાં પડકાર:
આજના સમયમાં ટેકનોલોજી, સ્પર્ધા અને ભૌતિકવાદી દોડને કારણે બાળકો ભટકી રહ્યાં છે. વાલીઓ વ્યસ્ત જીવનમાં બાળકો માટે સમય નથી કાઢી શકતા. વિદ્યાર્થીઓ સોશ્યલ મીડિયા અને ગેમ્સમાં સમય બગાડી રહ્યા છે. આવા સમયમાં યોગ્ય માર્ગદર્શન, સંસ્કાર અને સકારાત્મક વાતાવરણની ખાસ જરૂર છે.
ઉપસંહાર:
વાલી અને વિદ્યાર્થી બંને એકબીજાના પૂરક છે. વાલીનું માર્ગદર્શન અને વિદ્યાર્થીની મહેનત મળી જાય ત્યારે જ શિક્ષણનું સાચું ધ્યેય સિદ્ધ થાય છે.
‘વાલી માટે શ્રેષ્ઠ ફરજ છે, બાળકને સંસ્કારી બનાવવું અને વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સંપત્તિ છે, એની મહેનત.’
જો વાલી-વિદ્યાર્થી પરસ્પર વિશ્વાસ, સહકાર અને સકારાત્મકતા અપનાવે તો ચોક્કસ શિક્ષિત, સંસ્કારી અને ઉજ્જવળ સમાજનું નિર્માણ થઈ શકે છે.
આ પણ વાંચો…મગજ મંથનઃ શિક્ષણની આધારશિલા: શિક્ષક-વિદ્યાર્થીના ઉષ્માપૂર્ણ માનવ સંબંધ