ઔર યે મૌસમ હંસીં… : અંધકારયુગના સાથી છે અશિક્ષિત પોડકાસ્ટ…

દેવલ શાસ્ત્રી
આજકાલ પોડકાસ્ટ પર નવું જાણવાના હેતુથી એના પર થતી ચર્ચા સાંભળવા બેસીએ ત્યારે ખબર પડે કે ખરેખર સમાજ બીમાર થઇ ગયો નથી ને? ઘરમાં ટોયલેટ-બાથરૂમ તેમના કહેવા મુજબ ખોટી દિશામાં હોય તો તેની આસપાસ લાલ-ભૂરી લાઈનો મારી દેવી કે પછી બે લીલા પાંદડા ભેગા કરીને લક્ષ્મી મળતી હોત તો દુનિયામાં આજ પ્રયોગો થતા હોત. ભારત સહિત વિશ્વભરમાં પોડકાસ્ટનું ખૂબ મોટું માર્કેટ છે,પણ આપણા દેશમાં અંધશ્રદ્ધા ફેલાવવામાં મોટું યોગદાન આપી રહ્યા છે.
પોડકાસ્ટ-માત્ર સવાલ જવાબના ઈન્ટરવ્યૂ નથી. એ સતત ઉત્તરોત્તર આગળ વધતી ચર્ચા છે, જે આપણી આસપાસ ચાલતી દુનિયાને સમજવા માટે મોટું યોગદાન આપી શકે છે. બે દાયકા પહેલાં એપલ થકી `પોડકાસ્ટ’ શબ્દ પ્રચલિત થયો અને આજે ફક્ત ભારતમાં વીસ કરોડ કરતાં વધુ લોકોનું માર્કેટ બની ગયું છે.
ફક્ત એક હજાર રૂપિયાના વોઇસ ઇન્સ્ટ્રુમેન્ટથી શરૂ કરીને મોબાઈલમાં કેટલીક સામાન્ય એપનો ઉપયોગ કરીને પોડકાસ્ટ તૈયાર કરી શકાય છે. જો પોડકાસ્ટ પર લાખો હિટ્સ મળવા માંડે તો લાખો-કરોડોની ઇન્કમ થઇ શકે છે. આ ફૂલગુલાબી તેજી ધરાવતા ક્ષેત્રમાં દેશ-વિદેશથી લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે.
સરળતાથી બનાવી શકાતા પોડકાસ્ટમાં ક્યારેક હોસ્ટ એકલો જ હોય. ખાસ કરીને ટુરિઝમ અથવા ફૂડ જેવા કાર્યક્રમ એક જ વ્યક્તિ બનાવી શકે છે. રાજનીતિ, ધર્મ અથવા સિનેમા જેવા વિષયો પર ચર્ચા કરવા બે અથવા બે કરતાં વધુ લોકો સામેલ હોય છે. જે પોડકાસ્ટના વ્યૂઅર્સ લાખોની સંખ્યામાં હોય તો પેઈડ ઇન્ટરવ્યૂ થતા હોય છે. વ્યવસાયિક રીતે એ જરા પણ ખોટું નથી. દરેકને પોતાની આવડત મુજબ પૈસા કમાવવાનો અધિકાર છે. આજકાલ વ્યુઅરશીપ વધારવા કોર્પોરેટ જગતથી માંડીને શેરબજાર, પૈસા કમાવવાના સહેલા માર્ગ, કોમેડીથી સેક્સ સુધીની ચર્ચા થતી હોય છે.
એક સમયે પોડકાસ્ટ સાંભળવું એ જ્ઞાનના વધારા માટે હતું. કેટલાક કાર્યક્રમ સાંભળવા માટે જાણકારો આગ્રહ કરતા હતા. આજકાલ આ ક્ષેત્રમાં ધંધાની હરીફાઈ વધવા લાગી છે અને ચર્ચામાં ટકી રહેવા માટે ભારત જેવા પરંપરાગત સાંસ્કૃતિક કલ્ચર ધરાવતા દેશમાં અંધકારનો નવો યુગ શરૂ થયો છે.
એક અભ્યાસ મુજબ વર્ષ 2025માં ભારતમાં પોડકાસ્ટના ટોપ રાઇઝિંગ વિષયોમાં સેલ્ફ-ઇમ્પ્રુવમેન્ટ, મોટિવેશન, એન્ટરપ્રિન્યોરશિપ સાથે બિઝનેસ ટોક, મેન્ટલ હેલ્થ, કોમેડી, સ્પિરિચ્યુઅલિટી અને માઈથોલોજી, પોલિટિક્સ સાથે વિશ્વભરના ન્યૂઝ, મ્યુઝિક અને ફેમિનિઝમ સાથે કલ્ચરલ ઇશ્યૂઝનું વર્ચસ્વ છે.
આ વિષયોમાં 2024-2025માં 30થી 40 ટકા વૃદ્ધિ જોવા મળી છે, કારણ કે એ બધા યુવાનોની જીવનશૈલી સાથે જોડાયેલા છે. સરસ મજાના વિષયોમાંથી પોડકાસ્ટની દુનિયા એક એવા માર્ગ તરફ વળવા લાગી છે, જેમાં દર્શકોને છેતરવા સિવાય કશું બાકી રહ્યું નથી. ભારતનો ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે તો હજારો વર્ષથી લખાયેલા ગ્રંથોમાં વૈજ્ઞાનિક અભિગમ હતો. આ અભિગમના નામે ખરા- ખોટા ઉખાણાઓ જોડીને જનતાને રોજ ઉઠા ભણાવવામાં પોડકાસ્ટની માસ્ટરી આવતી જાય છે.
ભારત માટે ચિંતાજનક એ છે કે યુવા વર્ગમાં પોડકાસ્ટનું સૌથી વધુ ચલણ જોવા મળે છે. ઇરાદાપૂર્વક અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપીને મહિલાઓને ખાસ ટારગેટ કરવામાં આવે છે. પોડકાસ્ટ આ બંને વર્ગ પર ખોટી માહિતી પીરસીને મોટી અસર કરી રહ્યું છે. પોડકાસ્ટમાં ફૂડ સિનેમા-સંગીત સહિત અનેક વિષયો પર ચર્ચા થતી હોય છે, જે વ્યક્તિના તણાવને ઘટાડીને એકલા મુસાફરીમાં ઘણા મદદરૂપ થતા હતા.
પોડકાસ્ટ ચલાવતા લોકોને આ માર્કેટની નબળાઈઓ વિષે માહિતી છે. આ માર્કેટને જાળવી રાખવા માટે તે એવા વિષયો પર ચર્ચા કરે છે, જ્યાં સત્ય હજારો કિલોમીટર દૂર રહી જાય છે. દરેક વાત `વૈજ્ઞાનિક છે’ એમ કહીને લોકોને ગેરમાર્ગે દોરવામાં નિષ્ણાત બનવા લાગ્યા છે.
પોડકાસ્ટની વાહિયાત ચર્ચાઓના પાપે આજે સમાજમાં અંધશ્રદ્ધા વ્યાપક બનવા લાગી છે અને વિજ્ઞાન તરફનું ટેમ્પરામેન્ટ-પ્રકૃતિ વલણ લગભગ ખતમ થવા લાગ્યું છે. એક અભ્યાસ મુજબ ભારતમાં મોટો વર્ગ બહુ જલદી ભરોસો મુકતો હોય છે. કોઈ પાર્ટી કે ફંક્શનમાં લોકો ભેગા મળે ત્યારે એ પોડકાસ્ટમાં સાંભળેલી વાતો પરની માહિતી સચોટ હોય એ રીતે લોકોને વાત કરતા જોઈને હસવું કે રડવું એ પણ ખબર પડતી નથી. આ વાતોમાં અભણ કરતા વધુ અભ્યાસુઓ શહેરીજનોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધવા લાગ્યું છે. વાહિયાત અંધશ્રદ્ધાની વાતો આપણા કરતાં ઓછું ભણતર ધરાવતી પૂર્વજોની પેઢીઓ પણ કરતી ન હતી.
આપણા કમનસીબે કહેવાતા જાણીતા અને જેના પર લોકોને ભરોસો મૂકી શકાય એવા પોડકાસ્ટર્સ પણ તેમના મહેમાનોની ગપોટા વાત પર `હા જી હા’ કરતાં જોવા મળે છે. મોટેભાગે મહેમાનોની અજ્ઞાની અને અંધશ્રદ્ધાપૂર્ણ વાતોને હિંમતપૂર્વક ચેલેન્જ કરવાને બદલે પોડકાસ્ટર્સ સમર્થન આપે છે અને વિવાદાસ્પદ વાતોને વાયરલ ઇરાદાપૂર્વક કરવામાં આવે છે ત્યારે આશ્ચર્ય થાય છે. આપણી સૌથી મોટી કમનસીબી એ છે કે મોટાભાગના પોડકાસ્ટર પોતાના ધર્મગ્રંથોનો ક્યારેય સરખો અભ્યાસ કરતા નથી.
પોડકાસ્ટ પર શાનદાર પ્રેઝન્ટેશન આપીને ભાષામાં અલંકૃત શબ્દો વાપરીને કોઈપણ ગપ્પાને પ્રાચીન ભારતીય પરંપરા સાથે જોડી દે તો આપણને કશું ખબર પડતી નથી. જે વાત ક્યાંય લખાયેલી નથી અથવા મૂળ વાતોના ખોટા અર્થઘટન કરીને પ્રજાને વિજ્ઞાનથી વિમુખ કરે છે. હાલમાં આપણે ત્યાં રિસર્ચ માટે ખર્ચ પ્રગતિશીલ દેશોના પ્રમાણમાં ઘણો ઓછો છે, જો આ પ્રોસેસ ચાલુ રહેશે તો ભવિષ્યમાં દેશની આર્થિક પ્રગતિ પર અસર પડી શકે છે.
આપણી પ્રજા મૂર્ખ નથી, પરંતુ પોડકાસ્ટમાં આવતી દલીલોની ચોક્કસ પદ્ધતિઓથી એ બધા છેતરાઈ જાય છે. આ સમસ્યા ફક્ત ભારતની નથી, પણ દુનિયાભરમાં ફેલાતી જાય છે. બીબીસી’નો એક રિપોર્ટ મુજબ પોડકાસ્ટના પંદર કાર્યક્રમમાંથી ચૌદમાં ખોટી માહિતી હોય છે. દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગના પોડકાસ્ટમાં પચીસ ટકા મેસેજમાં કોઈ તથ્ય હોતા નથી.ઓક્સફર્ડ યુનિવર્સીટી’ના એક અભ્યાસ મુજબ યુરોપ અને અમેરિકામાં પોડકાસ્ટમાં વીસ ટકા માહિતીમાં સત્યનો અંશ હોતો નથી.
પોડકાસ્ટથી થયેલી નબળી અસરને નાબૂદ કરવા માટે યુરોપ અને વિકસિત દેશોમાં ચિંતાપૂર્વક સઘન અભ્યાસ શરૂ થયા છે. ફિનલેન્ડ જેવા દેશમાં સામાન્ય પ્રજા સાચા અને ખોટા મેસેજ વચ્ચેનો ભેદ સમજી શકે એ માટે સરકાર તરફથી ખાસ અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યા છે. વિશ્વભરના અભ્યાસ મુજબ ભારતમાં પોડકાસ્ટમાં ઠલવાતા ખોટા મેસેજનું પ્રમાણ ઘણું વધારે છે અને હજુ એની અવેરનેસ-જાગૃતિ માટે ખાસ કાર્યક્રમ થતા નથી. ભારતમાં પણ જે રીતે ફાઇનાન્સ ફ્રોડ માટે ઝુંબેશ ચાલે છે એ જ ધોરણે પોડકાસ્ટમાં સાંભળેલી વાતોને જ વિશ્વસનીય સ્ત્રોતોથી પ્રમાણિત કરવા માટે અભિયાન થવું જોઈએ.
ધ એન્ડ:
તક જો તમારો દરવાજો ખખડાવે નહીં તો તમે એક બીજો દરવાજો બનાવો.
(અજ્ઞાત)



