ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

પેટ કરાવે વેઠ
પેટનો ખાડો પૂરવા માણસ કોઈ પણ હદે જઈ શકે છે એવા અસંખ્ય ઉદાહરણ જાણ્યા હશે- સાંભળ્યા હશે. બે ટંકના રોટલા ભેગા થવા માણસ કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જતો હોય છે. 38 વર્ષની જાપાનીઝ વ્યક્તિ ‘પેટ કરાવે વેઠ’નું એકવીસમી સદીનું અનન્ય ઉદાહરણ છે.

ટાકુયા હિગાશિમોટો નામના શખ્સ બેકાર હતા. નોકરી નહોતી એટલે આવક પણ નહોતી. નિષ્ક્રિય મન શેતાનનું ઘર હોય છે એ કહેવત અનુસાર શ્રીમાનનું મગજ એવી અવળું દોડ્યું કે બે વર્ષ સુધી પેટપૂજાનો પ્રબંધ થઈ ગયો. આજકાલ ઓનલાઇન ફૂડ ડિલિવરી માટે ઍપના ઉપયોગનું ચલણ ખાસ્સું વધી ગયું છે.

આ વ્યક્તિએ ભોજનનો ઓર્ડર આપતી વખતે કોન્ટેક્ટલેસ ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો. આ પ્રકારની ડિલિવરીમાં માલ વ્યક્તિને હાથોહાથ નથી આપવામાં આવતો, પણ કોઈ નક્કી કરેલી જગ્યાએ વસ્તુ મોકલી દેવામાં આવે છે અને પછી ઓર્ડર આપનારી વ્યક્તિને એસએમએસ કે ઍપ અથવા ઈ મેઈલથી જાણ કરવામાં આવે છે.

ટાકુયા ભાઈએ જુદા જુદા 124 નકલી એકાઉન્ટ ખોલ્યા હતા અને દરેક વખતે ફૂડ પેકેટ મળ્યા હોવા છતાં ડિલિવરી મળી જ નથી એવો દાવો કરી પેટપૂજા કરી લેતો હતો અને રિફંડ પોલિસીનો ગેરલાભ લઈ ચૂકવેલા પૈસા પાછા મેળવતો હતો. ‘આમ કે આમ ગુટલિયોંકે ભી દામ’ કહેવતનું કેવું અવળું ઉદાહરણ.

1100 સ્ક્વેર ફૂટમાં 111000 કરોળિયાની કોલોની
અજબ દુનિયાની ગજબ ઘટનામાં કરોળિયાની કમાલની કહાણી જાણી હેરત પામી જશો. બે યુરોપિયન દેશ ગ્રીસ અને અલ્બેનિયાની સરહદ પર પ્રાણી જીવ પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને દલ્લો હાથ લાગ્યો છે. કરતા જાળ કરોળિયોની એકવીસમી સદીની કથામાં બે પ્રજાતિના સ્પાઈડરના વિશિષ્ટ સહજીવનની આશ્ચર્યચકિત કરી દેતી સ્ટોરી જાણવા મળી છે.

સાયન્ટિફિક જર્નલના અહેવાલ અનુસાર ગંધકની ગુફા (સલ્ફર કેવ)માં 1100 ચોરસ ફૂટમાં અંદાજે એક લાખ અગિયાર હજાર કરોળિયા રહેતા હોવાની જાણકારી આપવામાં આવી છે. આંકડા કરતાં વધુ અદભુત વાત તો એ છે કે આ બંને પ્રજાતિને એકબીજા સાથે બાપે માર્યા વેર છે. એ શિકારી છે અને બીજી જાતિ ખુદ શિકાર છે.

સિંહ ને હરણ એક ઘરમાં સાથે રહે એ કલ્પના પણ ન કરી શકાય, પણ યુરોપમાં અસંભવ સંભવ બન્યું છે. કુદરતની આ કમાલનું કારણ જાણવાના પ્રયાસમાં એવું તારણ નીકળ્યું છે કે ગુફામાં પ્રકાશના અભાવના કારણે શિકારી કરોળિયાનું ધ્યાન શિકાર કરવાના કરોળિયા પર નથી પડ્યું અને નોળિયો-સાપ સહવાસ શક્ય બન્યો છે. વૈજ્ઞાનિકો અને નિસર્ગ પ્રેમીઓ માટે ઘી-કેળાં સાબિત થયેલું આ સંશોધન હોરર ફિલ્મ માટે નિમિત્ત બનશે એવી ગણતરી મુકાઈ રહી છે.

લગ્નના સૂટને જ હોર્ડિંગ બનાવી ખર્ચ કાઢી લીધો
‘સૌથી ઠંડાગાર પ્રદેશમાં વસતા એસ્કિમોને રેફ્રિજરેટર વેચી આવે એ કમાલનો સેલ્સમેન કહેવાય’ એવી વ્યાખ્યા અગાઉ પ્રચલિત હતી. ડેગોબેક રેનોફ નામના ફ્રેન્ચ સેલ્સમેનએ જાતને જ પ્રોડક્ટ બનાવી ધામધૂમથી મેરેજ કરવાની વાગ્દત્તાની મનોકામના પૂરી કરી. વાત એમ હતી કે ભાઈ સાહેબ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા પણ મેરેજના ખર્ચને પહોંચી વળવા સોશ્યલ મીડિયા પર તેણે જાહેર કરી દીધું કે રંગેચંગે લગ્ન સંપન્ન કરવા પોતે જ ‘હ્યુમન બિલબોર્ડ’ યાને કે માનવ હોર્ડિંગ બની જશે.

જો કોઈ કંપની પોતાની પ્રોડક્ટ કે સર્વિસનું પ્રમોશન કરવા માગતી હોય તો લગ્ન માટે ખાસ સીવડાવેલા નવાનક્કોર સૂટ પર નિશ્ર્ચિત જગ્યા પર પૈસા ચૂકવી એડવર્ટાઈઝમેન્ટ મૂકી શકશે. આ પોસ્ટ વાયરલ થઈ અને એના મેરેજ સૂટ પર વિવિધ વિજ્ઞાપન લાગ્યા જેના માટે વરરાજાને દસ હજાર ડૉલર (આશરે 8 લાખ 80 હજાર રૂપિયા) મળ્યા.

લગ્નના દિવસે રેનોફના સૂટ પર 26 જેટલાં સ્ટાર્ટઅપની જાહેરાત દેખાઈ રહી હતી, જેની હાજરીને કારણે સપનું સાકાર થઈ શક્યું હતું. જોકે, વિવિધ બ્રાન્ડના નામ સાથે તાત્કાલિક સૂટ સીવડાવવા માટે ભાઈસાહેબે 5200 ડૉલર ચૂકવવા પડ્યા હતા અને 2500 ડૉલરનો ટેક્સ ભરવો પડ્યો હતો.

વાત અહીં પૂરી નથી થતી. લગ્ન ખર્ચ માટે એડવર્ટાઈઝમેન્ટ મેળવવાના સેલ્સમેનના સફળ આઈડિયાથી પ્રભાવિત થઈ ન્યૂયોર્કની એક સ્ટાર્ટઅપ કંપનીએ એને સારા પગારની નોકરીએ રાખી લીધો. આને કહેવાય એક આઈડિયા જો બદલ દે દુનિયા.

છૂટાછેડાના કેસમાં બિલાડીની બોલબાલા
જીવનમાં માણસ માણસ માટે અભાવ વધી રહ્યો છે અને મનુષ્યને પાળેલા પ્રાણી માટે પ્રભાવ કેવો અને કેટલી હદે વધી કઈ દિશામાં આગળ વધી રહ્યો છે એ સમજવા એશિયા અને યુરોપ એમ બે દેશમાં વસેલા ટર્કી અથવા તુર્કી એનો આ કિસ્સો જરૂર જાણવો જોઈએ.

દેશના સૌથી મોટા શહેર ઈસ્તંબુલના યુગલના વૈવાહિક જીવનમાં મોટી તિરાડ પડી અને છેડાછેડી બાંધીને એક થયેલા બે હૈયા વિખૂટા પડી છૂટાછેડા લેવા સુધી વાત પહોંચી ગઈ. મતભેદ અને એને પગલે મનભેદ હોવાથી સંસાર ટકાવી રાખવામાં કોઈ સાર નથી એનો એહસાસ થતા બંને પક્ષે અપક્ષ થવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અહીં સુધી તો સમજ્યા, પણ અચરજ પમાડનારી વાત હવે આવે છે. ડિવોર્સની કંડિશન્સમાં એકબીજા પાસેથી આર્થિક જરૂરિયાત કે ભરણપોષણની માગણીનો આગ્રહ નહોતો રાખવામાં આવ્યો. બલ્કે એક એવી શરત મૂકવામાં આવી જે જાણી અનેક લોકોની આંખો આશ્ર્ચર્યથી ફાટી ગઈ. છૂટાછેડાના કાગળિયામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સહજીવન દરમિયાન પાળેલી બંને બિલાડીનો કબજો પત્નીને સોંપી દેવો અને 10 વર્ષ સુધી બિલાડીઓના ભરણપોષણ માટે એક્સ હસબન્ડે દર ત્રણ મહિને 10 હજાર લિરા (આશરે 21 હજાર રૂપિયા) ભૂતપૂર્વ પત્નીને ચૂકવી દેવાના.

દર વર્ષે ફુગાવાના દરને હિસાબે આ રકમમાં વધારો કરવામાં આવશે એવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. આ અભૂતપૂર્વ કરાર ભવિષ્યમાં ડિવોર્સના પગલે પાળેલાં પ્રાણીઓ સંદર્ભે એક અનોખી મિસાલ બની રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. છૂટા થયા પછી જો પતિને અહાંગળો લાગે તો બિલાડીને મળવાની છૂટ છે કે નહીં એની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી.

લ્યો કરો વાત!
માલેતુજાર લોકો પોતાની ઈચ્છા કે અહમ સંતોષવા મોટા પૈસા ખર્ચી ધામધૂમથી લગ્ન કરે એ એમની મુન્સફીનો સવાલ છે. જોકે, એવા અનેક વિવાહ સંપન્ન થતાં હોય છે જેમાં ખેંચાઈને-દેવું કરી લગ્ન લેતા હોય છે.

મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં સાદાઈથી અગ્નિની સાક્ષીએ અને વૈદિક પરંપરા અનુસાર મંત્રોચ્ચાર સાથે સાત ફેરા ફરી લગ્ન લેવામાં આવી રહ્યા હોવાની વાત રાહત આપનારી છે. આ લગ્ન પ્રસંગે નથી કોઈ ડીજે હોતા કે ન કોઈ બેન્ડ-બાજા બારાત કે લગ્ન મંડપની ભવ્ય સજાવટ પણ નથી હોતી.

દહેજના દૂષણને પણ ડામી દેવામાં આવ્યું છે. નથી કોઈ કરિયાવર કરવામાં આવતો કે નથી કોઈ વ્યવહારનો આગ્રહ રાખવામાં આવતો. સીમિત મહેમાન, સાદું પૌષ્ટિક ભોજન અને પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળી પર્યાવરણની પણ દરકાર કરવામાં આવી છે. આને કહેવાય બરબાદી વગરની શાદી… !

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button