વિકાસપુરુષ આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને કારણે ભારતે આજે વૈશ્વિક સ્તરે સશક્ત સ્થાન મેળવ્યું છે

વિશ્વના નકશામાં ભારત તો સ્વતંત્રતા બાદ 1947થી અસ્તિત્વમાં છે, પરંતુ વૈશ્વિક સ્તરે આજે ભારત જેવું સશક્ત, આત્મવિશ્વાસથી ભરેલું અને ગૌરવસભર સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે, તેવું અગાઉ ક્યારેય જોવા મળ્યું નહોતું. વર્ષ 2014માં ભારત માતાના સુપુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડા પ્રધાનપદની શપથ લઈને દેશના વિકાસનો એક એવો સુવર્ણ અધ્યાય લખવાનો આરંભ કર્યો, જે આજ સુધી અવિરત રીતે આગળ વધી રહ્યો છે.
શ્રી મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મિશન ઇન્દ્રધનુષ, અટલ ભૂજલ યોજના, સ્વામિત્વ યોજના, મેક ઈન ઈન્ડિયા અભિયાન, બેટી બચાવો બેટી ભણાવો,
ડિજિટલ ઈન્ડિયા અભિયાન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, જળ જીવન મિશન, કૌશલ્ય ભારત (સ્કિલ ઈન્ડિયા), સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયા, સંસદ આદર્શ ગ્રામ યોજના, આયુષ્માન ભારત, ખેલો ઈન્ડિયા, પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના / જીવન જ્યોતિ બીમા યોજના જેવી અસંખ્ય જનકલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી.
આ યોજનાઓ માત્ર કાગળ પર મર્યાદિત ન રહી, પરંતુ જમીન પર સાકાર રૂપ ધારણ કરી કરોડો ગરીબ, મધ્યમવર્ગીય નાગરિકો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવનાર સાબિત થઈ.
મોદીજીના વિઝન અને દૃઢ સંકલ્પને કારણે દેશના પરિવહન અને વાહનવ્યવહાર ક્ષેત્રમાં અદ્ભૂત ક્રાંતિ જોવા મળી છે. સડક માર્ગ હોય કે રેલ માર્ગ, હવાઈ સેવા હોય કે જળ માર્ગ ભારતના એક છેડે થી બીજા છેડે પહોંચવું હવે સહેલું અને આરામદાયક બન્યું છે.
ઈશાન્ય મુંબઈ લોકસભા બેઠકના સાંસદ તરીકે મને તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાની તક મળી, તે મારા માટે ગૌરવ અને સૌભાગ્યની બાબત છે. કોરોના મહામારીના કપરા સમયમાં પણ મોદીના દૃઢ નેતૃત્વને કારણે વિશ્વનું સૌથી મોટું નિ:શુલ્ક રસીકરણ અભિયાન સફળતાપૂર્વક અમલમાં આવ્યું. કરોડો લોકોને જીવનરક્ષક રસી મળી અને સાથે જ જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય અનાજનું વિતરણ કરવામાં આવ્યું, જે એક અનોખો વિશ્વ રેકોર્ડ છે.
આપણ વાંચો: નરેન્દ્ર મોદી: આક્રમક વિદેશનીતિના મશાલચી
એક સક્ષમ, સંવેદનશીલ, દીદદ્રષ્ટા, પ્રામાણિક, કર્મઠ અને વિશ્વવિખ્યાત નેતા એવા વિકાસપુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને હું જન્મદિવસની અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. પ્રભુ તેમને સ્વસ્થતા, દીર્ઘ આયુષ્ય અને અખૂટ ઊર્જા આપે જેથી તેઓ આવનારા દાયકાઓ સુધી ભારત માતાની સેવા કરતા રહે અને ભારતને વિશ્વગુરુ તરીકે ઊંચાઈઓ પર પહોંચાડતા રહે.
ભારત માતા કી જય!
મનોજ કોટક (ભૂતપૂર્વ સંસદ સભ્ય)