ઈન્ટરવલ

પરિવારનો કંકાસ નિવારી શકે છે… વસિયતનામું!

નીલા સંઘવી

જતીનભાઈનું અવસાન થયું. બે પુત્ર અને એક પુત્રીના પિતા જતીનભાઈ પૈસેટકે સુખી. જિંદગી આખી કામ કર્યું અને આખો જન્મારો ખાય તોય ન ખૂટે એટલી સંપત્તિ મૂકતા ગયા. એમની પત્ની જિજ્ઞાબહેનનું સ્વાસ્થ્ય હજુ સારું છે. જતીનભાઈના ક્રિયાકર્મ પત્યા કે તરત જ વાત આવીને ઊભી રહી તેમની સંપત્તિના ભાગલાની. મોટેભાગે બધે આમ જ બનતું હોય છે.

સંતાનોએ પિતાના કબાટમાં ખાંખાં-ખોળા કરવા માંડ્યાં. પિતાએ કાંઈ વિલ બનાવ્યું હોય તો તે શોધવા માટે, પણ પપ્પાના કબાટ કે બીજે ક્યાંયથી વિલ કે પપ્પાનું કોઈ લખાણ મળ્યું નહીં. પિતાના મિત્રોને, સંબંધીઓને પૂછયું.

કોઈને કાંઈ આઈડિયા ન હતો. સંતાનોએ તો પિતાના બેન્ક એકાઉન્ટ, પાસબુક બધું લઈ લીધું. જે વેપારીઓ પાસેથી લેવડદેવડનું લખાણ હતું તે શોધી કાઢયું અને પિતાનું ડેથ સર્ટિફિકેટ બતાવીને પૈસા જમા કરવા માંડ્યા.

આપણ વાચો: સાણંદમાં આખા પરિવારનો હત્યારો પેરોલ જમ્પ કરીને થયેલો ફરાર, કેટલાં વર્ષે ઝડપાયો ?

જિજ્ઞાબહેન તો પતિના નિધનથી દુ:ખી હતાં, તેમને કંઈ જ ખબર ન હતી. સૌથી વધુ બેન્ક વગેરેનું કામ મોટો પુત્ર જોતો હતો. પુત્રી તો પોતાને ઘેર જતી રહી હતી. નાના પુત્રને નોકરીનું પ્રેશર હતું તેથી તે બહુ ધ્યાન આપી શકતો ન હતો.

મોટા પુત્ર પાસે સમય હતો તેથી તે બધું જોતો હતો. મોટા પુત્રએ લગભગ પૈસા જે પિતાના ખાતામાં હતા તે અને જેમની પાસેથી લેવાના હતા તે બધાં પૈસા વસૂલી લીધા. હવે મોટા દીકરાના ખાતામાં મોટી રકમ જમા થઈ ગઈ. નાના પુત્રને ફુરસદ મળતા તેણે મોટા ભાઈને કહ્યું :

‘મોટા ભાઈ, પપ્પાના બધા પૈસા છૂટા થઈ ગયા છે તો ચાલો, તેના ભાગ પાડી લઈએ.’
‘શેનો ભાગ ને શેની વાત? મહેનત બધી હું કરું અને ઘી-કેળાં તમારે ખાવાં છે એમ? કોઈ ભાગ-બાગની વાત કરતો નહીં.’
‘એમ થોડું હોય મોટા ભાઈ. પપ્પાની સંપત્તિમાં મારો પણ ભાગ છે. એ મારા પણ પિતા હતા.’
‘તો તારે મહેનત કરવી હતી. તું તો તારી નોકરી કરતો હતો. હું મારો કામધંધો છોડીને બેન્કના ધક્કા ખાતો હતો! ’

આપણ વાચો: સુરતમાં પુત્રવધૂને ‘દીકરી’ ગણીને પરણાવીઃ હિરપરા પરિવારે કર્યું પ્રેરણાદાયી ‘કન્યાદાન’

નાનો ભાઈ નિરાશ થઈ ગયો, પોતાની બહેનને વાત કરી. બહેને પણ મોટા ભાઈને ફોન કર્યો. મોટા ભાઈએ સ્પષ્ટ નન્નો સંભળાવી દીધો. મોટા ભાઈએ બંને નાના ભાઈ-બહેનને ના પાડી એટલે આ ભાઈ-બહેને નક્કી કર્યું કે આપણે પપ્પાની માર્કેટની દુકાન વેચી નાખીશું અને અડધા અડધા પૈસા લઈ લઈશું. જવા દો મોટા ભાઈ સાથે કોણ માથાફોડ કરે? દુકાન વેચવા માટે નાના ભાઈએ એક દલાલનો સંપર્ક કર્યો તો તેણે પ્રશ્ર્ન પૂછ્યો:

‘કઈ દુકાન? જતીનભાઈની દુકાન? અરે, એ તો વેચાઈ ગઈ.’
‘પણ મારી મમ્મી, મારી અને મારી બહેનની સહી વિના દુકાન કેવી રીતે વેચી શકાય?’
‘એ તો મને ખબર નથી કાંઈ ઝોલ-ઝાલ કરીને, પૈસા ખવડાવીને કામ કર્યું હશે.’ એજન્ટે કહ્યું.

નાનો ભાઈ અને બહેન તો આઘાત પામી ગયાં. મોટા ભાઈએ બધી કેસ અને પપ્પાની બધી પ્રોપર્ટી પોતાને નામ કરી લીધી હતી. જિજ્ઞાબહેન અને નાના ભાઈ-બહેન હાથ ઘસતાં રહી ગયાં. ભાઈ-બહેને મોટા ભાઈ પર કેસ કર્યો, પણ કેસ તો વર્ષો સુધી ચાલ્યા કરે. એ હાથમાં કાંઈ આવવું મુશ્કેલ. જિજ્ઞાબહેન પણ નાના પુત્રના ડિપેન્ડન્ટ થઈ ગયાં.

જેના પતિએ લખલૂંટ કમાણી કરી હતી એની પત્ની આજે ઓશિયાળનું જીવન જીવે છે. ત્રણેય ભાઈ-બહેન વચ્ચે એટલા ઝઘડા-ટંટા ચાલે છે કે ન પૂછો વાત. પોલીસને બોલાવવી પડે એટલી મારામારી સુધી પણ ક્યારેક વાત પહોંચે છે.

આવું બધું જોઈ-સાંભળીએ ત્યારે એક પ્રશ્ર્ન થાય કે જે વ્યક્તિ આટલું કમાઈ શકી એ હોંશિયાર જ હશે, કાંઈ સાવ ‘ઢ’ તો નહીં હોય તો એને એક સાદો-સીધો વિલ બનાવવાનો વિચાર કેમ નહીં આવ્યો હોય? વિલ બનાવી લેવું જોઈએ એટલી સમજણ તો બધાંમાં જ હોય. જતીનભાઈએ વિલ ન બનાવ્યું અને પોતાની પત્ની તેમજ સંતાનોને મુસીબતમાં મૂકી દીધાં.

આપણી હયાતી બાદ આપણાં સંતાનોને તકલીફ ન પડે, ખર્ચાના ખાડામાં ઊતરવું ના પડે, અંદરોઅંદર લડાઈ ઝઘડા ન થાય તે માટે વસિયતનામું કરી લેવું અત્યંત જરૂરી છે. કોઈ પણ પુરુષે વસિયતનામું કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પોતાની હયાતી બાદ પોતાની પત્નીને કોઈ મુશ્કેલી ન પડે. એ કોઈની ઓશિયાળી ન બની જાય. પત્નીનું હિત જોવાની પતિની ફરજ છે જે ચૂકાઈ ન જાય. પુત્રીને પણ પુત્ર જેટલો જ ભાગ મળે એ પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.

વસિયતનામું બનાવતી વખતે તમે જે ટ્રસ્ટીઓ નીમો તે સમજદાર, વિશ્વાસપાત્ર, નીડર અને નિષ્પક્ષ હોવા જોઈએ.. ઘણાં લોકો વિચારે છે કે હજુ હમણાં ક્યાં મરી જવાના છીએ? બનાવશું નિરાંતે આપણું વિલ. આમ ન વિચારવું જોઈએ, કારણ કે આપણે જાણીએ જ છીએ કે, ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે’

અહીં વળી એક બીજી વાત સમજી લેવાની જરૂર છે, ઘણાં લોકો એમ માને છે કે એક વાર વસિયતનામું બનાવ્યું એટલે તે આખરી વસિયતનામું બની જાય છે. નામ, એવું નથી. વસિયતનામું બનાવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ જાય તો વસિયતનામું પણ બદલાવી શકાય છે. અને વસિયતનામું એક જ વાર બદલી શકાય તેવો પણ કોઈ નિયમ નથી.

જેટલી વાર આપણે ઈચ્છીએ તેટલી વાર વસિયતનામું બદલી શકાય છે. જે વસિયતનામું તારીખ પ્રમાણે છલ્લું બનાવ્યું હોય તે વસિયતનામું કાયદેસર અમલમાં આવે છે, તેના પહેલાં બનાવેલાં બધાં જ વસિયતનામા આપોઆપ રદબાદલ ઠરે છે તે સમજી લેવું જોઈએ.

જતીનભાઈ જેવા અનુભવી વેપારીએ વિલ કેમ ન બનાવ્યું એ આપણે જાણતા નથી,પણ એ વસિયતનામું ન બનાવીને એમણે જે ભૂલ કરી તે કોઈપણ વયસ્ક નાગરિકે ન કરવી જોઈએ. ફકત એક જતીનભાઈ જ વિલ ન બનાવીને પરિવાર માટે મુસીબત નોતરનાર નથી, બીજા કેટલાંયે પરિવાર વિલ ન હોવાને કારણે મુસીબતમાં મુકાયા છે, બરબાદ થયા છે. ભાંડરડા જિંદગીના લડતા રહ્યા છે તો આપણે સૌએ આપણા પરિવારના હિતાર્થે વિલ બનાવડાવી જ લેવું જોઈએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button