ઈન્ટરવલ

સિક્કાની ત્રીજી બાજુઃ અમારી પાસે ફાલતુ ટાઈમ નથી…

જયવંત પંડ્યા

પ્રતીક્ષાની મજા અને પીડા બંને છે. ‘થોડા ઇંતઝાર કા મઝા લીજિએ.’ તેવું ગીતમાં કહેવાય છે, પરંતુ ક્યારેક ‘ઇંતેહા હો ગઈ ઇંતઝાર કી’ જેવું થઈ જાય. મધ્ય પ્રદેશના છતરપુરમાં ખેલ મહોત્સવનું આયોજન હતું. સમારંભમાં મુખ્ય અતિથિ ભાજપના સાંસદ વી. ડી. શર્મા નિયત સમય કરતાં ઘણા મોડા પહોંચ્યા. આના લીધે વિદ્યાર્થીઓએ ઘણી પ્રતીક્ષા કરવી પડી.

બધાને સવારે 9-10 વાગે મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ કાર્યક્રમની શરૂઆત થઈ છેક બપોરે ત્રણ વાગે! આટલો લાંબો સમય વિદ્યાર્થીઓને ભૂખ્યા રાખવામાં આવ્યા.વિદ્યાર્થીઓનું ધૈર્ય ખૂટી ગયું. છેવટે એક વિદ્યાર્થિનીથી ન રહેવાયું. ના, તેણે ન તો જૂતું ફેંક્યું, ન તો કોઈ પ્રોટોકોલ તોડી તે મંચ તરફ ધસી. જ્યારે શર્મા હરોળબદ્ધ ઊભેલા ખેલાડીઓનો પરિચય કરવા આવ્યા ત્યારે પોતાનો વારો આવતા વિદ્યાર્થિનીએ કહ્યું, ‘નમસ્તે તો ઠીક હૈ, આપ કે લિએ હમ ઇતની દેર સે ઇંતઝાર કર રહે હૈ. હમારે પાસ ઇતના ફાલતુ ટાઇમ હૈ ક્યા?!’

અહીં એ પણ સ્પષ્ટતા આવશ્યક છે કે ભૂલ શર્માજીની નહોતી. આયોજકોની હતી. આયોજકોએ તેમને બપોરે બે વાગે બોલાવ્યા હતા. અને બે વાગે એ પહોંચી ગયા હતા. અને વિદ્યાર્થીઓને સવારે દસ વાગે બોલાવી લેવાયા હતા, પરંતુ તેમની રમતો ચાલુ થઈ ગઈ હતી અને સંભવત: આ રમતો પૂરી થઈ ગઈ પછી વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિ આવે ત્યાં સુધી રોકાઈ જવા કહ્યું હતું.

ભલે સાંસદની ભૂલ નથી, આયોજકોની તો છે ને. આયોજકોનું કામ હોય છે આયોજન કરવાનું. તેમણે સવારે દસ વાગે આવેલા ખેલાડીઓને કોઈ હળવો નાસ્તો કે પીણું આપવું જોઈતું હતું અને બપોરે રમત પૂરી થાય પછી ખેલાડીઓને જમાડી લેવા જોઈએ. તે પછી સાંસદનો કાર્યક્રમ રાખવો જોઈએ, જે અહીં ન થયું.

અપવાદોને બાદ કરતાં ભારતમાં સમયની કિંમત નથી. એમાંય મુખ્ય અતિથિ હોય તો તો મોડા જ આવવું એવો નિયમ છે. રાજકારણી મુખ્ય અતિથિ હોય તો તેમની સાથે ચમચાઓની સેના હોય છે જે સૂત્રોચ્ચાર કરતા-કરતા આવશે. જો કોઈ સમયસર અથવા સમય કરતાં થોડા વહેલા આવી જાય તો તે નવરા છે તેમ માની લેવામાં આવે છે.

બીજી તરફ આયોજકોના આયોજનની વાત તો કરવા જેવી નથી. હવે તો ઘણા કાર્યક્રમોમાં પત્રિકામાં લખવામાં આવેલા સમય કરતાં કાર્યક્રમ અડધી કલાક એક કલાક મોડો શરૂ થવાની પરંપરા થઈ ગઈ છે. આમંત્રિત દર્શકોને વહેલા સમય આપવાનો કારણ કે એ નિયત સમય કરતાં મોડા આવે તો આયોજકોએ ધારેલા સમયે કાર્યક્રમ શરૂ કરી શકાય, પરંતુ આમાં મરો જે લોકો સમયસર જવામાં માનતા હોય તેમનો થાય છે.

આપણ વાચો: મગજ મંથન : માણસ ઉતાવળે ભૂલ કરે છે ને પછી નિરાંતે પસ્તાય છે.!

થોડા વખત પહેલાં ચાર દિવસીય એક પરિસંવાદ હતો. તેમાં સમય પાંચ વાગ્યાનો લખાયેલો હતો. એટલે ધારી લઈએ કે આમંત્રિતો મોડા આવે તો પણ છ વાગે તો કાર્યક્રમ શરૂ થાય, પરંતુ એક દિવસે કાર્યક્રમ સાડા છએ શરૂ થયો અને બીજા દિવસે સાત વાગે. પાંચ વાગ્યાથી મોડા પડનારા દર્શકોને પણ એક કલાક જેટલું બેસી રહેવું પડ્યું. એમાંય પાછું સંસ્થાના પરિચયનો એક ને એક વીડિયો રજૂ કરીને માથું દુ:ખાડાયું.

રેલવેની ટ્રેનો હવે તો લગભગ સમયસર દોડે છે, પરંતુ ઘણી વાર મોડી પડે તો તેનું નુકસાન ગ્રાહકોને આપવામાં આવે છે? તાજેતરમાં ‘ઇંડિગો’ની તો કેટલી બધી ઉડાનો કેન્સલ થઈ, કેટલીયે અનહદ મોડી પડી. એમાંય નિયમ છે કે જો ફલાઈટ કેન્સલ થાય તો ગ્રાહકને હોટલમાં ઉતારો આપવો પડે. એ ન કરવું પડે એટલે એક કલાક મોડી છે તેમ કરી-કરીને ખેંચી લેવામાં આવે. જનતા અને ગ્રાહક એ બંનેની ભારતમાં કોઈ કિંમત નથી. ‘આટલું તો કરવું પડે’, ‘આટલું તો સહન કરવું પડે’ તેવી માન્યતા ઘર કરી ગઈ છે.

બસ, ટ્રેન કે ફ્લાઇટ પકડવાની હોય ત્યારે કોઈ વ્યક્તિ મોડી નથી પડતી. કારણકે બસ, ટ્રેન અને ફ્લાઇટ કોઈ માટે રાહ નથી જોતા. તો પછી કાર્યક્રમમાં આવનારા મુખ્ય અતિથિથી માંડીને ઘર કે ઑફિસમાં મળવા આવનારા અતિથિઓ કેમ મોડા પડે છે? મોડા પડે છે તે તો ઠીક, પરંતુ કોઈ જાણ પણ નથી કરતા.

એક ભાઈને નોકરી બદલવી હતી. એ રાજકોટ રહે. તેમને અમદાવાદમાં નોકરી મેળવવી હતી. તેમના એક પરિચિત ભાઈ જે મોટા પદ પર હતા તેમણે પોતાના મેનેજરને કહી, રાજકોટવાળા ભાઈનો વીક ઑફ હતો તે દિવસે મેનેજર સાથે ઇન્ટરવ્યૂ ગોઠવી આપ્યો.

એ દિવસે મેનેજરથી માંડીને અમદાવાદમાં બોસ એવા ભાઈ રાહ જોતા રહ્યા. પેલા ભાઈ આવ્યા જ નહીં ને જાણ સુધ્ધાં પણ ન કરી. એક દિવસ ગયો. બોસથી રહેવાયું નહીં.

તેમણે પેલા રાજકોટવાળા ભાઈને અંતે ફોન કર્યો. તો રાજકોટવાળા ભાઈએ કોઈક બહાનું સંભળાવ્યું. બોસ કહે, પણ અહીં મેં મેનેજરની એપોઇન્ટમેન્ટ લીધી હતી તો તારે પહેલાં જાણ તો કરવી હતી. બોસની સરળતાને લીધે રાજકોટવાળા ભાઈને થયું કે ગમે ત્યારે જઈએ, ન જઈએ તો ચાલે.

લગ્ન સમારંભમાં પણ આવું થાય છે. કોણ આવશે અને કોણ નહીં આવે તેની પાકા પાયે જાણ સગાં વહાલાં કરતા નથી. પરિણામે આયોજકને ત્યાં ઘણી વાર ભોજન પડ્યું રહે છે. સામા પક્ષે આયોજકો એટલે કે વર-વધૂ પક્ષના લોકો મુહૂર્ત સાચવતા નથી. સગાઈની પત્રિકામાં છ વાગ્યાનો સમય લખ્યો હોય અને વર-વધૂ આવે દસ વાગે. ત્યાં સુધી ભોજન પણ ચાલુ ન થાય.

રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિંહા, ગોવિંદા જેવા અભિનેતાઓ સદા શૂટિંગ માટે મોડા આવતા હતા, પરિણામે એની અસર કારકિર્દી પર પડી. બીજી તરફ, જિતેન્દ્ર અને અમિતાભ બચ્ચને સદા સમયનું માન જાળવ્યું. અમિતજી તો આજે પણ લાંબી ઇનિંગ્સ ખેલી રહ્યા છે. જે લોકો સમયનું માન નથી જાળવતા, સમય પણ તેમનું માન નથી જાળવતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button