શરદ જોશી સ્પીકિંગ: સર્વેસર્વા સર્વશ્રી પતિદેવોનો સર્વે… | મુંબઈ સમાચાર

શરદ જોશી સ્પીકિંગ: સર્વેસર્વા સર્વશ્રી પતિદેવોનો સર્વે…

-સંજય છેલ

મારા વિસ્તારમાં કેટલાક પતિ રહે છે, જે ના લખપતિ છે કે ના સભાપતિ, એ માત્ર પતિ છે- શુદ્ધ પતિ, જે બહુ ઓછી સ્ત્રીઓના નસીબમાં લખાયા હતા અને પૂર્વજન્મની શરતો મુજબ આ જન્મમાં એમને આપ્યા છે. એમની સંખ્યા મોટી છે અને એકંદરે ટકાવારી પ્રમાણે દરેક ઘરમાં એક પતિ હોય છે. એ લોકો એમના ઘરના ડ્રોઈંગ રૂમમાં નરમ સોફા પર અથવા ખુરશી પર પોતાનું ફાંદત્વ લઈ બેસી રહે છે. એ ક્યારેક રસ્તા પર નજર કરી લે છે અથવા ઘરની છતને તાક્યા કરે છે અથવા છાપું વાંચે છે. એમના ગળામાં એક અદ્રશ્ય સાંકળ બાંધેલી જોવા મળશે, જે અંદર કિચનમાં કામ કરતી એની પત્નીના હાથમાં હોય છે.

આ પત્ની સમય થાય એટલે છોડી પણ દે છે અને ત્યારે એ લોકો રસ્તા પર ટહેલતા જોવા મળે છે અથવા ઓફિસ જતા દેખાય છે. એ લોકો જેવી સિઝન હોય તેવા કપડા પહેરીને નીકળે છે. વરસાદમાં એ લોકો છત્રી સાથે જ હોય. પતિઓ એકબીજાને મળે ત્યારે ખુશ થાય છે. એ લોકો રસ્તા પર એકલા જ જોવા મળે છે, તો પણ એમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાય કે એ લોકો બિચારા એકલા નથી, પણ એ કોઈ સ્ત્રીના પતિ છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ : (દોઢ) ડાહ્યા બુદ્ધિજીવીઓ ને દેશની સમસ્યાઓ…

એમનો જન્મ થયો ત્યારથી જ એ પતિ ન હતા અને એમને અનુમાન પણ નહોતું કે પોતે ઓપતિ થઈ જશે, પરંતુ મોટા થયા ત્યારે સ્ત્રીઓની આસપાસ ગયા તો જાણતા- અજાણતા જ પતિપણું કરવા લાગ્યા અને જોત જોતામાં એક દિવસ પતિ બની ગયા. એમને ખબર પડી કે પતિ બનવું એ એમની નિયતિ હતી, જે એમના નસીબમાં જ લખ્યું હતું અને ત્યારે એમને પોતાના પર આશ્ર્ચર્ય પણ થાય છે.

લગ્નના લાંબા સમય પછી એ લોકો વિચારે છે કે શું કરી શક્યા હોત! પતિ થવા સિવાય બીજું એ લોકો શું શું કરી શક્યા હોત? એક વખત પતિ થઈ ગયા પછી એમણે લગાતાર પતિ જ બની રહેવું પડે છે.

મારા વિસ્તારમાં રહેતા પતિઓની તો આવી જ સ્થિતિ છે. પતિઓને હંમેશાં કામ કરતા જ જોઉ છું, જેમ કે એ લોકો ઘણી વખત હાથમાં થેલી લઈ બજાર જતા અથવા પાછા આવતા દેખાય છે. એ લોકો સામાનથી લદાયેલા બસ સ્ટોપ પર ઊભેલા અથવા પાયદાન પર લટકેલા હોય છે. એ હાથમાં પાવડો લઈ બાગકામ કરે છે, નળમાંથી પાણી ભરે છે અને ઘરનો ભારે સામાન એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખસેડે છે. કેટલાક પતિને સાઈકલ અથવા સ્કૂટર પણ મળ્યા છે એટલે એ લોકો કામ જલદી કરે છે. સ્કૂટર મળવાથી એક સામાન્ય પતિ પણ બે પતિ જેટલું કામ કરે છે અને ઘરે જલદી પાછા આવે છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: સમસ્યાની સમસ્યા: આજ ભી ઔર કલ ભી…

આ પતિઓના અમુક શોખ હોય છે, જેમ કે પોતાના કપડા ઇસ્ત્રી કરવાના, તમાકુવાળું પાન ખાવાનું અથવા સિગારેટ પીવાનું, પડોશના પતિ સાથે તાશ-પત્તા અથવા શતરંજ રમવાનું અને રસ્તા પર લટાર મારવાની.

કેટલાક ને આ સગવડ મળી હોય છે કેટલાક ને નહીં. રાત્રે મોડા ઘરે આવવાની સગવડ લગભગ કોઈને મળતી જ નથી. પતિઓના મનોરંજન માટે ઘરમાં રેડિયો, ટીવી જેવી સગવડ પણ રાખવામાં આવે છે.

આ પતિસમૂહ વચ્ચે કેટલાક પતિ જાતે વિચારી પણ શકતા હોય છે. એમના આ અવગુણને કારણે પત્નીથી અસહમત થઈ જાય છે. આવી સ્થિતિમાં એ સારા પતિ નથી કહેવાતા. પત્ની જે કહે તે માને આવા પતિઓની સરખામણીમાં એમને ખરાબ ગણવામાં આવે છે. એવું કહે છે કે જે વધારે પ્રમાણમાં પતિ હશે તે એટલો જ સારો પતિ હશે. એવું પણ માનવામાં આવે છે કે સારા પતિ હોવું જ સંસ્કારી માણસની ઓળખ છે. જોકે, જ્યાં સભ્યતાનો વિકાસ નથી થયો, એમાં પણ ઘણા નક્કર, ટકાઉ અને વિશ્વાસુ હોય એવા પતિ હોય છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: તૌબા…તૌબા… યે બંબઇ કી બારિશ!

આ સમસ્યા વિચારવા જેવી છે કે પતિ હોવાથી સભ્યતાને શું સંબંધ છે?

આજના જમાનામાં એવી ફરિયાદ હોય છે કે, માર્કેટમાં સારા પતિ ઝટ મળતા નથી. આ સમસ્યા પહેલાં પણ હતી, હવે વધી ગઈ છે. પુરુષ જન્મથી પતિ નથી હોતો, પણ ધીમે ધીમે બની જાય છે અથવા તો પતિ બનવાનું શીખી જાય છે. એ એના પપ્પા પાસે પતિ બનવાનું શીખે છે. લાંબો અનુભવ અને કેટલીક ભૂલો અને ખામીઓ પછી જ માણસ સારો પતિ બની શકે છે. સ્ત્રી જ પુરુષને પતિ બનાવે છે અને એ પણ સાચું છે કે મજબૂરી જ પુરુષને પતિ બનાવે છે. એકદમ સારા શબ્દમાં કહીએ તો માણસ માટે પતિ બનવું એક અભિશાપ છે.

સામાન્ય રીતે બધા ઘરમાં પતિને ખુશ રાખવામાં આવે છે. એ લોકોને સારું ખવડાવામાં આવે છે અને ઠંડીની સિઝનમાં સ્વેટર ગૂંથીને પહેરાવાય છે. ક્યારેક એ લોકો સિનેમા પણ જોઈ શકે છે અને મિત્રોને પણ બોલાવી શકે છે. આ બધું એ વાત પર નિર્ભર છે કે કયો પતિ કેટલો કામનો છે! આ બધુ પતિ પર નિર્ભર કરે છે કે એ પોતાને કેટલો યોગ્ય સાબિત કરે છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગ: એક જીપ સરકારી ને ત્રણ ઇયળની સવારી…

પતિ માટે આશા રાખવામાં આવે છે કે એ સસ્તો, સુંદર, ટકાઉ અને મજબૂત હોય. દેખાવમાં સુંદર, સ્વસ્થ, ઈમાનદાર અને ઓછા ખર્ચમાં મળતો પતિ સામાન્ય રીતે યોગ્ય ગણાય છે. સારા પતિ માટે થોડો ખર્ચ કરવો પડે તો એમાં કોઈ નુકસાન નથી. જે પતિને થોડા પ્રેમથી પટાવાથી તે પતિ બની જતા હોય અને પછી એ ટકાઉ અને ઉપયોગી પણ સાબિત થયા હોય, એ ઘર માટે ગર્વ અને શોભાની વાત છે.

પ્રેમથી પતિને પટાવવો આસાન છે, પણ હા, એ માટે છોકરીએ શરૂઆતમાં થોડી ઘણી મહેનત કરવી પડે છે. શરૂઆતનો પ્રેમ લાભ પણ આપે છે, કારણ કે પ્રેમમાં આંધળો પતિ ઘર છોડીને ક્યાંય જઈ નથી શકતો અને આ રીતે એ ટકાઉ સાબિત થાય છે.

આ પણ વાંચો: શરદ જોશી સ્પીકિંગઃ પૂર ને સરકારી સૂર… સમસ્યાનાં સોલિડ સમાધાન!

મારા વિસ્તારના પતિની હાલત સામાન્ય રીતે સારી છે. એ લોકોને પોકેટ મની મળી જાય છે અને એમની થોડી ઘણી જીદ, જેમ કે ગંજી, ટાઈ, જેવી માગ પૂરી કરવામાં આવે છે. એ લોકોને બસમાં આવવા જવાની સગવડ પણ મળે છે, પરંતુ લગભગ પિસ્તાલીસ ટકા પતિઓ ચાલીને જ ઓફિસ જાય છે.

બીજા વિસ્તારના પતિઓની પરિસ્થિતિની સરખામણી મારા વિસ્તારના પતિઓ સાથે જરૂર કરવી જોઈએ,પણ હાલ ઘરના કામમાં વ્યસ્ત હોવાથી આ કરવું શક્ય નથી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button