પાવલી પાછી કઇ રીતે આલવી? | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

પાવલી પાછી કઇ રીતે આલવી?

  • કવર સ્ટોરી – નિલેશ વાઘેલા

આપણે હમણાં જ નવરાત્રીમાં ગરબામાં ખૂબ સાંભળ્યું, …નહીં તો મારી પાવલી પાછી દે….! બસ આજ પાવલીનો વજનદાર પ્રશ્ર્ન એફએમસીજી સેગમેન્ટને પજવી રહ્યો છે. સરકાર એવો પ્રચાર કરી રહી હતી કે જીએસટીના દરમાં ધરખમ ઘટાડો કરવાથી ક્ધઝ્મ્પશન બૂમનું તોફાન શરૂ થશે અને અર્થતંત્ર રોકેટની રફતારથી આગળ ધસમસવા માંડશે! આ તરફ જનતા એવી અપેક્ષા સેવી રહી હતી કે સોંઘવારીના દિવસો પાછાં ફરશે અને ઉત્પાદક તથા વિક્રેતાઓ એવા આશાના મિનારા રચી રહ્યાં હતાં કે ઘરાકીના ધોડાપૂર આવશે અને ધનના ઢગલાં ખડકાઇ જશે…!

જોકે, આંતરરાષ્ટ્રીય તખ્તા પર બેઠેલા શકુની જેવા અમરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે એવા પાસાં ફેક્યા કે ભારતીય બજારમાં જીએસટી કે આવકવેરાની વધારેલી મુક્તિમર્યાદાની કોઇ અસર નથી વર્તાઇ. અલબત્ત ખાસ કરીને ઇલેક્ટ્રોનિક અને હોમ અપ્લાયઇન્સેસના ઉત્પાદકો અને રિટેલરોને બખ્ખાં થઇ ગયા છે. એલસીડી ટીવી, એસી અને ફ્રીજના ભાવમાં હજારો રૂપિયાથી માંડીને કારના ભાવમાં લાખો રૂપિયાનો ઘટાડો થતાં ઘરાકીનો ધસારો જોવા મળ્યો છે અને તેઓ જબરું ટર્નઓવર નોંધાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

જોકે ફાસ્ટ મુવિંગ ક્ધઝ્યુમર ગુડ્સ સેકટરને માથે જીએસટી ફેરફાર પછી કમબખ્તી બેઠી છે! ધારો કે, એક શેમ્પૂના બે રૂપિયાની એમઆરપી ધરાવતા નાના પેકના ભાવમાં નવા જીએસટી દર અનુસાર ચાર આનાનો ઘટાડો થતો હોય તો એ કઇ રીતે એડજસ્ટ કરવો? હાલ ઝેન-જીને તો કદાચ પાવલી કે ચારઆનાનો અર્થ સમજાવવો પડે!

ખેર, સરળ ભાષામાં કહીએ તો જીએસટી દરમાં ઘટાડો થવાને કારણે સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, બિસ્કિંટ સહિતના રોજબરોજના વપરાશમાં આવતી એફએમસીજી ચીજવસ્તુ બનાવતી કંપનીઓને તેમના ઉત્પાદનો માટે ઘટાડેલા ભાવ રાઉન્ડ ફિગરમાં નક્કી કરવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને કારણે ઘરાકોને પણ લાભથી વંચિત રહેવું પડ્યું હોવાનું જાણવા મળે છે. જોકે, ઉદ્યોગના સાધનો અનુસાર બે મહિના સુધીમાં આ સમસ્યાનો ઉકેલ આવી જવો જોઇએ.

એફએમસીજી કંપનીઓએ તેમના ઉત્પાદન પેકના, મેજિકલ પ્રાઇસ પોઇન્ટ, જેમ કે રૂ. બે, રૂ. 5ાંચ અને રૂ. 10 ઘટાડ્યા છે, જે સેશે અર્થતંત્રનો મહત્ત્વનો હિસ્સો છે અને મધ્યમ વર્ગ તથા ગ્રામીણ ગ્રાહકોમાં વિવિધ ઘરગથ્થુ અને ખાદ્ય ચીજો જેમ કે બિસ્કિટ, કેન્ડી અને મસાલા માટે લોકપ્રિય છે. દાખલા તરીકે પાર્લે જી બિસ્કિટનાં નાનાં પેકની કિંમત પહેલા 5ાંચ રૂપિયા હતી, તેની કિંમત હવે રૂ. 4.50 છે. એ જ રીતે, જે શેમ્પૂ પાઉચની કિંમત બે રૂપિયા હતી, તેની કિંમત હવે રૂ. 1.75 કરવામાં આવી છે.

નવા પેકેજો ફરીથી છાપવા માટે સમય મર્યાદાને કારણે, કંપનીઓએ ગ્રાહકોને નીચા કર દરોના લાભો તાત્કાલિક અસરથી પહોંચાડવા માટે ઘટાડેલા ભાવ ટેગ સાથે ઉત્પાદન પેક લોન્ચ કર્યા છે. જોકે, વાત લાગે છે એટલી સરળ નથી. ઇન્ડસ્ટ્રી લીડર્સ અને નિષ્ણાતોના મતે, કંપનીઓ પાસે નોન સ્ટાન્ડર્ડ ભાવ અપનાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે તેમની પાસે ઝડપથી ગ્રામેજ વધારવા માટે પૂરતો સમય નહોતો, જેના માટે ફેક્ટરી મોલ્ડમાં ફેરફારની જરૂર છે.

એક સ્ટોપગેપ પગલાં તરીકે, તેમણે સરકારી નિર્દેશોનું પાલન કરવા માટે લોકપ્રિય ભાવ પેકની એમઆરપી ઘટાડી છે. સરકારે દેશભરમાં વપરાશી માગને વેગ આપવા માટે અગાઉના ચાર સ્લેબના માળખાને દૂર કરીને 22 સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે 5ાંચ ટકા અને 18 ટકાના નવા બે સ્લેબના જીએસટીન સ્થાન આપ્યંર છે.

આના કારણે ખાદ્ય પદાર્થો, ટોયલેટરીઝ અને કોસ્મેટિક્સથી લઈને ટીવી અને એર કન્ડિશનર જેવા વ્હાઇટ ગૂડ્સ સુધીની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં ઘટાડો
થયો છે.

એફએમસીજી કંપનીના અધિકારીઓ મોટી મૂંઝવણમાં તો છે, પરંતુ ઉદ્યોગના સાધનોે કહે છે કે આ એક કામચલાઉ ઘટના છે અને તેનો ઉકેલ આવી જશે. અલબત્ત કંપની અને તેના સ્કેલને આધારે સમય કેટલો લાગશે એ કહી ના શકાય. આ ફેરફારો માટે બેથી ચાર મહિનાનો સમય લાગી શકે છે અને ત્યાં સુધી કંપનીના વેચાણ પર અસર પડી શકે છે.

કંપનીઓ સામાન્ય રીતે દોઢ થી બે મહિનાનો લીડ ટાઇમ સાથે કામ કરે છે. હાલમાં, પારલે જી બિસ્કિટનું પેકેટ, જેની કિંમત પહેલા 5ાંચ રૂપિયા હતી, તે જીએસટી લાભો લાગુ થયા પછી હવે 4.45 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
ગ્રાહકોને નાની ચુકવણી કરતી વખતે આવતી મુશ્કેલીઓ વિશે પૂછવામાં આવતા, એફએમસીજી કંપનીના અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતુંં કે ખરીદદારો પાસે ગુણાંકમાં ખરીદી કરવાનો અથવા યુપીઆઇ દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ છે.

આ ક્ષેત્રના વિશ્ર્લેષકે જણાવ્યું કે, એફએમસીજી કંપનીઓ હાલ ટૂંકા ગાળાના પગલાં અપનાવી રહી છે, પરંતુ કાયમી ઉકેલ માટે પણ તૈયારી કરી રહી છે. આખરે, કંપનીઓ વોલ્યૂમ વધારશે અને બે રૂપિયા, 5ાંચ રૂપિયા અને 10 રૂપિયા વગેરેના સિક્કાઓ પર પાછા આવશે, કારણ કે સ્પષ્ટપણે 4.50 રૂપિયા અથવા 4.60 રૂપિયા વ્યવહારિક નથી.

એક કંપનીના અધિકારીએ જણાવ્યું કે, મેજિક પ્રાઇસ પોઇન્ટ એટલે આવશ્યક છે કે તે ગ્રાહકની સવલત કરતા કંપનીના બ્રાન્ડિંગ અને ટર્નઓવરને વધારવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જીએસટી અમલીકરણ માટે મર્યાદિત સમયમર્યાદાને કારણે આ માત્ર એક નાની અડચણ છે, કારણ કે ફક્ત બે અઠવાડિયાનો સમય ઉપલબ્ધ હતો. કંપનીઓ ગ્રામેજ કે પ્રમાણમાં ફેરફાર કરશે અને વધારાના ગ્રામેજ સાથે 5ાંચ, દસ, 20 રૂપિયાના પેક તરફ પર પાછી આવશે. સરવાળે પ્રશ્ર્ન પાવલીનો અને નાનો જણાય છે, પરંતુ એફએમસીજી કંપનીઓ માટે વિકટ છે.

વજનદર પ્રશ્ન ચિલ્લરનો!

ધારો કે શેમ્પૂના એક બે રૂપિયાના પેકમાં જીએસટીના ઘટાડા પછી 45 પૈસા ઓછા થતાં હોય તો કંપની એ કઇ રીતે ગ્રાહકને પાછા આપે?

માની લો કે કંપની તેમાં એ પ્રમાણસર શેમ્પૂના મિલિલિટરમાં વધારો કરે! પરંતુ એ માટે કંપનીએ પાઉચના મોલ્ડ તૈયાર કરવાં, નવાં પેક બનાવવામાં બે મહિનાથી વધુ સમય લાગી શકે.

કંપનીએ પ્રમાણ વધાર્યું છે કે નહીં એની શી ખાતરી? સીસીઆઇ પાસે એટલો સ્ટાફ ના હોય કે આવી નાની નાની વસ્તુઓ ચેક કરી શકે!

આપણ વાંચો:  તસવીરની આરપારઃ નાગણેશ્વરી માતાજીનું કલાત્મક મંદિર…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button